(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “With the Swamis in America and India”નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. અનુવાદક છે શ્રી વિમલભાઈ વ. દવે. -સં.)

તો અમારી વાતો ખૂબ જ સરળ અને સ્વાભાવિક રીતે આગળ વધતી રહી. અંતે અહીંના નિવાસનાં વ્યવસ્થાપક બહેને બૂમ પાડી, ‘સ્વામી, તમને ખબર છે, શું સમય થયો છે? લગભગ મધરાત થવા આવી. હું હવે લાઇટ બંધ કરું છું, નહીં તો તમે આખી રાત વાતો જ કરતા રહેશો અને કાલે આપણા આ મિત્રો ઓફિસમાં મોડા પડશે.’

‘હા, હા, સાચું,’ સ્વામીએ કહ્યું, ‘હું તો સમય વિશે સાવ ભૂલી જ ગયો હતો. તમારા બધા સાથે મને ખૂબ મજા આવી.’

‘કોઈ ચિંતા નહીં, સ્વામી,’ મેં કહ્યું. ‘અમારી ઓફિસ સવારે ૯ વાગ્યા પહેલાં શરૂ થતી નથી. હજુ તો ઘણો સમય છે, તો શું કહો છો, મિ.કે?’ મિ.કે હસ્યા અને કહ્યું, ‘મને કશી ઉતાવળ નથી.’ પરંતુ આમ છતાં હવે બીજે દિવસે અમે પાછા આવીશું, એમ કહીને સ્વામીની વિદાય લીધી.

અમે એટલા તો ખુશ હતા! મિ.કે રસ્તામાં થોડો સમય મારી સાથે હતા. તેઓ સરળ, સહૃદયી વ્યક્તિ હતા, અને એ સાંજે તો તેઓ જાણે કે બાળક જ બની ગયા. વારુ, હું પણ એમની જેમ બાળક જ હતો અને નવા સ્વામી વિશે ઉત્સાહભેર વાતો કર્યા જ કરી. તે રાતે તો ઉત્તેજનાને કારણે મને જલદી ઊંઘ પણ ન આવી. મિ.કે વિશે તો મને ખબર ન પડી, પરંતુ બીજે દિવસે સાંજે હું વેદાંત સોસાયટી પર પહોંચ્યો ત્યારે મેં તેમને સ્વામીજી સાથે જ જોયા. બીજા મિત્રો પણ આવતા રહ્યા. પછી તો અમે સ્વામી સાથે ખૂબ જ આત્મીયતાપૂર્વક જોડાઈ ગયા.

સ્વામીના ૐકારના જપ વિશે મેં અગાઉ કહ્યું છે. આ એક ખૂબ જ ધ્યાન ખેંચે એવી બાબત હતી. દરેક વ્યક્તિ એની નોંધ લીધા વિના તો રહી શકતી જ નહીં, વળી એનાથી અભિભૂત પણ થતી. ૐકારનો આ જપ સ્વામી તુરીયાનંદની એક વિશિષ્ટતા હતી. તેઓ કલાકો સુધી આ જપ કર્યા જ કરતા. જ્યારે કોઈની સાથે વાત કરતા હોય ત્યારે પણ વચ્ચેના સમયમાં એમનો આ જપ ચાલુ રહેતો. કોઈ પ્રશ્ન પૂછે અને સામેની વ્યક્તિને પોતે એનો ઉત્તર વાળતા હોય ત્યારે પણ સ્વામી આ જપ કરતા રહેતા. ચાલતાં, બેસતાં, વાર્તાલાપ કરતાં, જાહેરમાં કે એકાંતમાં આ ધીમો, મધુર જપ ચાલુ જ રહેતો. અમારી પાશ્ચાત્ય જીવનપદ્ધતિમાં આ થોડુંક રમૂજી જણાતું. ખીચોખીચ ટ્રામમાં બેઠા હોય ત્યારે પણ આજુબાજુની પરિસ્થતિથી તદ્દન અલિપ્ત રહીને સ્વામી આ જપ કરતા રહેતા. આજુબાજુના સહપ્રવાસીઓમાં તેથી ભારે કુતૂહલ સર્જાતું, પરંતુ સ્વામીનું તો એ પ્રત્યે ધ્યાન જતું જ નહીં. હું ઘણી વખત સહપ્રવાસીઓને અન્યોન્ય તરફ જોઈને મંદ સ્મિત કરતા જોતો. એમાં કોઈ કટાક્ષનો ભાવ ન હતો, માત્ર આ ઘઉંવર્ણી અજાણી વ્યક્તિ બાબતે થોડોક  રમૂજનો ભાવ જ હતો.

અમારા ધ્યાનના સમયે, ધ્યાન પૂર્વે અને ધ્યાન બાદ, આ ૐકાર જપ પૂરજોશમાં થતો. એ માત્ર કર્ણમધુર જ નહતો પરંતુ ધ્યાન પૂર્વે ખૂબ મદદરૂપ પણ બની રહેતો, તેથી મન શાંત બની જતું અને ધ્યાનનું વાતાવરણ સર્જાતું. રોમન કેથોલિક ચર્ચમાં અગરબત્તીના ધૂપથી જે અસર થતી એની સાથે એને સરખાવી શકાય.

કેટલીક વખત આ જપ ઘણો મોટેથી પૂરજોશમાં થતો, અને પછી એકદમ ધીમો, ઊંડાણપૂર્વકનો બની રહેતો. અત્યંત મધુર સ્વરમાં એનો આરોહ-અવરોહ સતત ચાલ્યા જ કરતો. એના ઉચ્ચારણના સ્વરમાં પણ ભિન્નતા રહેતી. આ ૐકાર જપ સ્વામી અમેરિકામાં રહ્યા ત્યાં સુધી ચાલતો જ રહ્યો. ૐ, ૐ, ૐ, ૐ—ચાલ્યા જ કરે.

ત્યારે મને સમજ નહોતી પડી પરંતુ હવે મને સમજાય છે કે આ મંત્રજાપ દ્વારા સ્વામી પોતાના આંતરિક ધ્યાનનો પ્રવાહ અવિચ્છન્ન રાખતા હતા. વળી, એ મંત્રજાપ અમારા વેરવિખેર મનને એકત્રિત અને એકાગ્ર કરવામાં, અંતર્મુખ બનાવવામાં પણ ખૂબ મદદગાર થતો. પરંતુ સ્વામીને માટે તો એ સાવ સ્વાભાવિક જ હતો, એમના તરફથી કોઈ પણ પ્રકારના આયાસ વિના એ સતત ચાલતો રહેતો.

ક્યારેક, ખાસ તો અમે શાંતિ આશ્રમ (કેલિફોર્નિયા)માં હતા ત્યારે, અમે કંઈક હળવી, દુન્યવી વાતોએ ચડીએ ત્યારે એકાએક દૂરથી આ મંત્રજાપ સંભળાતો અને સ્વામી અમારી જેમ નજીક આવતા જાય, તેમ એનો ધ્વનિ વધુને વધુ ઘેરો થતો જતો. અમારી હળવી વાતો આ સાથે પૂરી થઈ જતી અને અમે આશ્રમમાં છીએ એ વિશે અમે સભાન થઈ જતા. જો કે આશ્રમવાસના ધ્યેય વિશે અમને જરાયે અસ્પષ્ટતા નહોતી જ. પરંતુ એ વિશે પાછળથી આ મંત્રજાપ એ ધ્યેય પ્રતિ સાવધાની માટેનું એક સાધન બની રહેતો.

સ્વામીની એક બીજી વિશેષતા એ હતી કે તેઓ ઉપરોક્ત મંત્રજાપ કરતાં કરતાં, કોઈની સાથે વાતચીત કરતા હોય ત્યારે ક્યારેક એમનું મન જાણે કે ક્યાંક દૂર દૂર ચાલ્યું ગયું હોય, તેઓ જાણે કે કંઈ સાંભળતા જ ન હોય એવું લાગતું. આથી, ખાસ કરીને સ્વામી પ્રત્યુત્તર આપવામાં સાવ ધીમા થઈ જતા ત્યારે, ઘણી વખત સામેની વ્યક્તિને મૂંઝવણ અને ગેરસમજ થતાં. એવું લાગતું જાણે કે તેમને સંબંધિત વિષયમાં રસ જ નથી, અથવા તો એમનું અંતર્મુખ મન બહાર આવવા જ ઇચ્છતું નથી. પરંતુ ખરેખર એવું ન હતું. મેં જોયું કે તેઓ વાતચીતના દોર કે દિશા પ્રત્યે પૂરા સભાન જ રહેતા, અને એમનો ઉત્તર હંમેશાં મુદ્દાસર રહેતો. એક વખત મેં સ્વામીને આ વિશે પૂછી જોયું તો તેમણે કહ્યું: “પ્રશ્નનો ઉત્તર વાળવાના બે માર્ગ છે, એક તો ઉત્તર અંદરથી પ્રગટે. હું હમેશાં આંતરસૂઝમાંથી ઉત્તર વાળવાનો પ્રયત્ન કરું છું.”

એમની સમક્ષના પ્રશ્નોના પ્રકાર અને એમના થોડાક જ શબ્દો પ્રશ્નકારને જે સંતોષ આપી જતા એ જોતાં એવું જણાયું કે આંતરસૂઝમાંથી પ્રગટતા આવા પ્રત્યુત્તર સૌથી વધુ અસરકારક રહે છે. આંતરસૂઝમાંથી આવતા આવા પ્રત્યુત્તર ઉત્તમ તાલીમબદ્ધ અને એકાગ્ર મન દ્વારા જ શક્ય બનતા હોય છે. અહીં ઉત્તર જાણે કે વીજળીના ઝબકારાની જેમ ક્ષણમાત્રમાં પ્રકાશ પાથરી દે છે. સ્વામી પ્રશ્નકારની આંખો સાથે પોતાની આંખો પરોવીને ઉત્તર વાળતા. મને એવું લાગતું કે ઉત્તર આપતા પહેલાં તેઓ પ્રશ્નકારની મનઃસ્થિતિ માપી લેતા. મને ખ્યાલ છે કે સ્વામી અભેદાનંદ વ્યાસપીઠ પરથી ઉત્તર આપતા હોય ત્યારે પણ જાણે કે પ્રશ્નકારના મનને વાંચી લેતા હોય એવું જણાતું. એમના ઉત્તર એમની સમક્ષના સર્વે શ્રોતાગણના સંદર્ભમાં નહીં, પરંતુ પ્રશ્નકાર સાથે જ સીધા સંબંધિત રહેતા. આથી એવું બનતું કે શ્રોતાગણ કરતાં પ્રશ્નકારને એમના ઉત્તરથી અત્યંત સંતોષ મળતો. મને યાદ છે કે એક વખત પ્રવચન પછી સ્વામી અભેદાનંદને અમારામાંથી એકે કોઈ પણ ચોક્કસ પ્રશ્નનો (મને પ્રશ્ન ચોક્કસ તો યાદ નથી, પરંતુ તે ઈશુ ખ્રિસ્ત સંબંધિત હતો.) એમણે આવો ઉત્તર કેમ આપ્યો એ વિશે પૂછ્યું, અને સ્વામીએ ઉત્તર વાળ્યો: ‘કેમ કે, એવા જ પ્રત્યુત્તરની પ્રશ્નકારને જરૂર હતી, કોઈ અન્ય વ્યક્તિને મેં આનાથી અલગ ઉત્તર આપ્યો હોત.’

શ્રીરામકૃષ્ણની બાબતમાં જે અવારનવાર બનતું, એવું સ્વામી તુરીયાનંદની બાબતમાં પણ મેં બનતું જોયું છે. એમની સમક્ષ જે વ્યક્તિઓ બેઠી હોય એમાંથી કોઈને જે વિષયમાં પ્રશ્ન કે શંકા હોય એ વિષય પર તેઓ કોઈ સંદર્ભ વિના ચર્ચા કરવાનું શરૂ કરી દેતા. એ વિષય ઉપાડવા માટે ત્યારે કોઈ દેખીતું કારણ રહેતું નહીં, અને સંબંધિત વ્યક્તિની શંકા કે મુશ્કેલીને તેણે કશું પૂછ્યા વિના સ્વામીએ કેવી રીતે દૂર કરી દીધી એનું આશ્ચર્ય થતું. આ સાચા આચાર્યના ઉચ્ચતમ ગુણોનું પ્રાગટ્ય હતું. મને લાગે છે કે પ્રલંબ કાળ સુધી બ્રહ્મચર્ય, આત્મસંયમ અને મન પરના અંકુશ દ્વારા જ આવા ગુણોનો વિકાસ થઈ શકે.

Total Views: 62

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.