(શ્રી નલિનભાઈ મહેતાએ લખેલ લેખ ૧૯ ઓગસ્ટ, ‘રક્ષાબંધન’ નિમિત્તે અહીં પ્રસ્તુત છે. – સં.)
ભારત તહેવારોનો દેશ છે. તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. આપણે વિવિધ ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઊજવીએ છીએ. ભારતમાં શ્રાવણ માસનું અનેરું મહત્ત્વ છે. સમગ્ર ભારતમાં અષાઢ માસથી શરૂ થતી વરસાદની મોસમ શ્રાવણ મહિનામાં વ્યાપક બની મેઘમહેરથી ધરતીને લીલીછમ બનાવી દે છે, જે આપણા દરેક જીવના જીવન માટે જરૂરી છે.
એટલે દેશના પશ્ચિમ ભાગમાં અને વિશેષ તો ગુજરાતમાં શ્રાવણ મહિનાને ‘ધોરી માસ’ કહેવામાં આવે છે. આ તો થયું પ્રાકૃતિક મહત્ત્વ. શ્રાવણ મહિનાનું એક બીજું મહત્ત્વ પણ છે. આ મહિનાથી શરૂ થતા આધ્યાત્મિક અને સામાજિક તહેવારો છેક દીપાવલી – લગભગ અઢી મહિના સુધી ચાલે છે. આ તહેવારોની પરંપરાની શરૂઆત થાય છે શ્રાવણ માસની પૂર્ણિમા એટલે કે ‘રક્ષાબંધન’થી.
શ્રાવણી પૂર્ણિમાના દિવસે આવતો તહેવાર ‘રક્ષાબંધન’ એટલે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર. આ જ તો એક વિશેષ દિવસ છે, જે ભાઈ-બહેન માટે નિર્મિત થયો છે. રક્ષાબંધનનો તહેવાર બધા ધર્મના લોકો ઊજવે છે. ભાઈના જીવનમાં, ભાઈના જીવનવિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતીક રક્ષાબંધન પર્વ છે. મનુષ્ય જન્મે ત્યારથી તેને કોઈને કોઈ પ્રકારનો ભય તો રહેતો જ હોય છે, અને જ્યાં ભય હોય ત્યાં રક્ષા સ્વયંભૂ પ્રગટ થતી હોય છે. રક્ષાની ભાવના પ્રબળ અને તીવ્ર હોય છે. આ રક્ષણ એટલે અંતરની આશિષનું રક્ષણ, હેતભરી શુભ ભાવનાનું રક્ષણ, અદૃશ્ય પરમાત્મા અને દેવ-દેવીઓને ગદ્ગદ ભાવે કરેલી પ્રાર્થનાનું રક્ષણ.
હિંદુ સમાજમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે જ બહેનો પોતાના ભાઈના કાંડે રાખડી બાંધી, તેની સર્વ પ્રકારની રક્ષા ઇચ્છે છે. શું રાખડી બાંધીને કોઈની રક્ષા ખરેખર થઈ શકે? પણ મહત્ત્વ રક્ષાબંધનનું નથી, મહત્ત્વ છે તો અંતરનું અમી ઘૂંટીને રાખડી બાંધતી વખતે બહેન ભાઈને જે આશીર્વાદ આપે છે તેનું.
રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઊજવવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધી તેમને મીઠાઈ ખવડાવે છે.
બીજી બાજુ, ભાઈઓ પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ તેમની બહેનોની રક્ષા કરે, તેમને વિશ્વનાં તમામ અનિષ્ટોથી બચાવે.
રક્ષાબંધનનું પર્વ એટલે દૃષ્ટિ-પરિવર્તનનું પર્વ, ભાઈ-બહેનના વિશુદ્ધ પ્રેમનું અસ્ખલિત વહેતું ઝરણું. બહેનની રાખડી હાથ પર બંધાવતાંની સાથે જ ભાઈની દૃષ્ટિમાં આમૂલાગ્ર પરિવર્તન! બહેનના રક્ષણની જવાબદારી ભાઈ સસ્મિત સ્વીકારે છે, જેથી બહેન સમાજમાં નિર્ભયપણે ફરી શકે.
બહેન જ્યારે ભાઈને રાખડી બાંધે છે ત્યારે તેના ભાલ પર ચાંલ્લો કરે છે. સર્વ સામાન્ય લાગતી આ પ્રણાલિકામાં દૃષ્ટિ-પરિવર્તનની મહાન પ્રક્રિયાનો સમાવેશ થાય છે. સામાન્ય દૃષ્ટિથી સમગ્ર વિશ્વને નિહાળી રહેલાં બે નેત્રો ઉપરાંત, ભોગને ભૂલીને ભાવદૃષ્ટિથી વિશ્વને નિહાળવા માટે જાણે કે એક ત્રીજું પવિત્ર નેત્ર અર્પણ કરીને બહેને પોતાના ભાઈને ત્રિલોચન બનાવ્યો છે. આવો શુભ સંકેત આ ક્રિયામાં દૃષ્ટિગોચર થાય છે.
ભગવાન શંકરે ત્રીજું નેત્ર ઉઘાડી કામદેવને ભસ્મ કરી નાખ્યો હતો. બહેન પણ ભાઈનું ત્રીજું નેત્ર (બુદ્ધિ-લોચન) ખોલી ભાઈને વિકાર, વાસના વગેરેને ભસ્મ કરવાનું આડકતરી રીતે સૂચન કરે છે. ભાઈના હાથે રાખડી બાંધવી એ હર્ષઘેલી અને વહાલસોયી બહેનને પોતાના જીવનનો અમૂલ્ય લહાવો લાગે છે. રક્ષાના પ્રત્યેક તંતુમાં ભાઈ-બહેનના હૃદયનો નિર્વ્યાજ અને નિતાંત પ્રેમ નીતરતો હોય છે.
રાખડી એ માત્ર સૂતરનો તંતુ નથી, એ તો શીલ અને સ્નેહનું રક્ષણ કરતું તેમજ જીવનમાં સંયમની મહત્તા સમજાવતું એક પવિત્ર બંધન છે. ભાઈના હાથે રાખડી બાંધીને બહેન માત્ર પોતાનું જ રક્ષણ ઇચ્છે છે એમ નહિ, પરંતુ સમસ્ત સ્ત્રી-સમાજને પોતાના ભાઈનું રક્ષણ મળે એવી ભવ્ય ભાવના અને અપેક્ષા રાખે છે. સાથોસાથ પોતાનો ભાઈ અંતઃકરણના શત્રુઓ—કામ, ક્રોધ, લોભ, મોહ, મદ્, મત્સર, આશા, તૃષ્ણા વગેરે ઉપર વિજય મેળવે એવી આકાંક્ષા પણ બહેન સેવે છે.
રક્ષાબંધન વખતે બહેન બંધનનું એટલે કે ધ્યેયનું રક્ષણ કરવા ભાઈને સૂચન કરે છે. ભાઈ બહેનની રક્ષા અર્થે સર્વસ્વ આપવાની તત્પરતા દાખવે છે. આ સર્વસ્વ આપવાની તૈયારીના પ્રતીકરૂપે ભાઈ બહેનને ભેટ તરીકે દક્ષિણા આપે છે. પ્રતીક એ મૌનની ભાષા છે. આ પ્રતીકની પાછળ ભવ્ય ભાવનાની સુગંધ છુપાયેલી છે, પરંતુ આજે એ માત્ર ચીલાચાલુ વ્યવહાર થઈ ગયો છે, તેથી ભગિની-પ્રેમનું ભાવમાધુર્ય કે સૌંદર્ય ભાગ્યે જ દેખાય છે.
આ તહેવારને ભાઈ અને બહેનના અતૂટ પ્રેમ અને સમર્પણનું પ્રતીક માનવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ તહેવાર શા માટે ઊજવવામાં આવે છે? તેનો ઇતિહાસ શું છે?
આપણાં પુરાણોની કથામાં આ પવિત્ર તહેવાર વિશે અનેક કથાઓ મળી આવે છે. એવું માનવામાં આવે છે કે સ્વર્ગના દેવતા ઇન્દ્ર જ્યારે રાક્ષસોની સામે પરાજિત થયા હતા ત્યારે ઇન્દ્રાણીએ તેમને રક્ષાસૂત્ર બાંધ્યું હતું, જેથી કરીને તે દુશ્મનોનો સામનો કરી શકે. એક વખત ભગવાન શ્રીકૃષ્ણ શેરડી ખાઈ રહ્યા હતા, ત્યારે શેરડી છોલતાં તેમની આંગળી પર વાગી જવાથી લોહી વહેવા લાગ્યું. આ જોઈને દ્રૌપદીએ પોતાની સાડીની કિનારને ફાડીને શ્રીકૃષ્ણની આંગળીએ બાંધી દીધી. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે તેમનું રક્ષણ કરવાનો નિર્ણય લીધો અને આજીવન તેને નિભાવતા રહ્યા.
પૌરાણિક માન્યતાઓ અનુસાર, એક વાર પાંડવોએ ભગવાન કૃષ્ણને રાજસૂય યજ્ઞ માટે આમંત્રણ આપ્યું હતું. તેમના અતિથિઓમાંના એક, શ્રીકૃષ્ણના પિતરાઈ ભાઈ શિશુપાલ પણ હતા. આ દરમિયાન શિશુપાલે ભગવાન કૃષ્ણનું ઘણું અપમાન કર્યું. જ્યારે તેનો અતિરેક થયો ત્યારે ભગવાન કૃષ્ણ ક્રોધિત થયા. ભગવાન શ્રીકૃષ્ણે શિશુપાલનો શિરચ્છેદ કરવા માટે પોતાનું સુદર્શન ચક્ર છોડી દીધું. પરંતુ જ્યારે ચક્ર શિશુપાલનું માથું કપાઈને ભગવાન શ્રીકૃષ્ણ પાસે પાછું ફર્યુ, ત્યારે તેમની તર્જની આંગળીમાં ઊંડો ઘા થયો.
દ્રૌપદીએ ભગવાન કૃષ્ણની આંગળી જોઈ અને પોતાની સાડીમાંથી એક ટુકડો ફાડીને ભગવાન શ્રીકૃષ્ણની આંગળી પર બાંધી દીધો. દ્રૌપદીનો સ્નેહ જોઈને ભગવાન કૃષ્ણ ખૂબ જ પ્રસન્ન થયા અને તેમણે દ્રૌપદીને વચન આપ્યું કે તે દરેક પરિસ્થિતિમાં હંમેશાં પોતે તેની સાથે રહેશે અને હંમેશાં તેની રક્ષા કરશે.
બીજી એક પૌરાણિક કથા અનુસાર એક વાર ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો હતો. આ દરમિયાન ભગવાન વિષ્ણુએ વામન અવતારમાં અસુરોના રાજા બલિ પાસેથી ત્રણ પગલાં ભૂમિ દાનમાં માગી હતી. આ માટે રાજા બલિ સંમત થયા. જ્યારે વામને પ્રથમ પગલે જ ધરતી માપી લીધી ત્યારે રાજા બલિ સમજી ગયા કે તે ભગવાન વિષ્ણુ છે. રાજા બલિએ ભગવાનને પ્રણામ કર્યા. ત્યારબાદ રાજા બલિએ પોતાનું માથું વામનને પછીનું પગલું ભરવા માટે આપ્યું. તેથી ભગવાન ખૂબ પ્રસન્ન થયા.
ભગવાને રાજા બલિને વરદાન માગવા કહ્યું. અસુરરાજ બલિએ એક વરદાનમાં ભગવાન પાસે પોતાના ભવનના દ્વાર પર ઊભા રહેવા માટે વરદાન માગ્યું. આ કારણે ભગવાન પોતાના વરદાનમાં ફસાઈ ગયા. આવી સ્થિતિમાં માતા લક્ષ્મીએ નારદ મુનિની સલાહ લીધી. માતા લક્ષ્મીએ રાજા બલિને રાખડી બાંધી અને ભગવાન વિષ્ણુને ભેટમાં માગી લીધા.
આપણે એ પણ જાણીએ છીએ કે કુંતીએ પોતાના પૌત્ર અભિમન્યુને રણમોરચે જતાં પહેલાં રાખડી બાંધી હતી. “કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે…” અને પછી કૌરવો સામે સાત કોઠાનું યુદ્ધ લડવા મોકલ્યો!
આવું રક્ષણ પ્રિયજનને આપવા માતાઓ, પત્નીઓ, ભગિનીઓએ રાખડી બાંધ્યાના અનેક પ્રસંગો પુરાણોમાં ઉપલબ્ધ છે.
જ્યારે રાજા પોરસ અને મહાન યોદ્ધા સિકંદરની વચ્ચે યુદ્ધ થયું હતું ત્યારે સિકંદરની પત્નીએ પોરસની રક્ષા માટે તેના હાથે રક્ષાસૂત્ર બાંધ્યું હતું, તેને પણ રક્ષા-બંધનનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે.
ભારતના ઇતિહાસમાં આવું વધારે એક ઉદાહરણ મળી આવે છે કે ચિત્તોડની રાણી કર્માવતીએ બહાદુરશાહની સામે હુમાયુની રક્ષા માટે તેને રાખડી બાંધી હતી. હુમાયુ પોતાની રક્ષા માટે સંપૂર્ણ પ્રયત્નો કરે છે, પરંતુ દુશ્મનોનાં આગળ વધતાં પગલાંને તે રોકી શકતો નથી અને છેલ્લે રાણી કર્માવતી જૌહર વ્રત ધારણ કરી લે છે.
રક્ષાબંધન એ બહેન માટે પોતાના વહાલસોયા ભાઈ પ્રત્યેની નિષ્પાપ, નિર્મળ અને નિઃસ્વાર્થ ભાવે સેવેલી શુભેચ્છાઓનું અને ત્યાગનું મહામૂલું પવિત્ર પ્રતીક છે. બહેનની આ શુભેચ્છા ભાઈના જીવનવિકાસમાં પ્રેરણાદાયી અને પોષક બને છે.
આ પર્વ ‘બળેવ’ તરીકે પણ જાણીતું છે. બળેવ એટલે બળ અને બલિ ઉભયની ભાવના. તેના પાયામાં પડી છે ત્યાગ અને તિતિક્ષાની તમન્ના, તેમાં ભરી છે પ્રેમ અને સંસ્કારની સૌરભ. આ પવિત્ર દિવસે ભારતના ભડવીર સાગરખેડુ બનીને વહાણવટે ઊપડતા અને અખૂટ જળભંડારને ખોળે ખેલતાં નાળિયેર પધરાવી સાગરનું પૂજન કરી આખી દુનિયા ખૂંદી વળતા. આ પ્રસંગમાં ખલાસીઓ, વહાણવટીઓ અને વેપારીઓ પણ સામેલ થતા. તે વખતે ઐક્ય સાથે ઉમંગની છોળો ઊડતી અને સાચા ભ્રાતૃભાવનો પરિમલ પથરાઈ રહેતો, એટલે આ પર્વને ‘નાળિયેરી પૂર્ણિમા’ પણ કહે છે.
આધુનિક ઇતિહાસમાં પણ આનું ઉદાહરણ મળી આવે છે, જ્યારે નોબલ પુરસ્કાર વિજેતા રવીન્દ્રનાથ ટાગોરે બંગાળના વિભાજન બાદ હિંદુઓ અને મુસલમાનોને એક થવાનો આગ્રહ કર્યો હતો અને બંને સમુદાયના લોકોને એકબીજાના હાથ પર રક્ષા-સૂત્ર બાંધવાનો આગ્રહ કર્યો હતો.
પૌરાણિક કથાઓની સાથે સાથે ભારતીય ઇતિહાસમાં પણ રક્ષાબંધનનાં અલગ અલગ સ્વરૂપોની ઝાંખી મળી આવે છે. પરંતુ સમયની સાથે સાથે તેમાં પણ પરિવર્તન થઈ રહ્યું છે. હવે આ પર્વ સંપૂર્ણ રીતે ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતીક બની ગયું છે. બહેન પોતાના ભાઈના હાથ પર રાખડી બાંધે છે અને ભાઈ સંપૂર્ણ જીવન તેની રક્ષા કરવાનું વચન આપે છે. આ ફક્ત વર્ષ દરમિયાન એક જ વખત ઊજવવામાં આવતું પર્વ નથી, પરંતુ ભાઈ આખી જિંદગી દરમિયાન પોતાની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે.
દેશના દરેક ખૂણાની અંદર આ તહેવારને ઊજવવામાં આવે છે પરંતુ તેની ઊજવવાની રીત અને તેનું નામ અલગ હોય છે. ઉત્તર ભારતમાં આ પર્વ ‘કંજરી-પૂર્ણિમા’ નામથી ઊજવાય છે.
આવો ભવ્ય ભાવનાનો તહેવાર માત્ર નિર્જીવ વ્યવહાર બની રહેવો ન જોઈએ. ભાઈને મન રાખડી બંધાવવી એટલે વ્યવહારની એક રસમ પૂરી કરવી, બહેનને શક્તિ અનુસાર કંઈક આપી છૂટવું, અને બહેને ભાઈ પાસેથી કંઈ મેળવવાનો હક્ક પૂરો કરવો. આપેલી અને લીધેલી ચીજો કે પૈસા એ ગૌણ વસ્તુ છે, એનું મહત્ત્વ નથી પરંતુ ભાઈ-બહેન વચ્ચે સ્નેહમાં અભિવૃદ્ધિ થાય એ વધુ મહત્ત્વનું છે.
આપણે વ્રત-ઉત્સવો પાછળ રહેલાં સાંસ્કૃતિક રહસ્યોને જાણવા, માણવા અને પિછાણવા પ્રયત્ન કરવો જોઈએ. ઉત્સવો અને પ્રતીકોની પાછળ ભાવનું, ભવ્ય ભાવનાનું મહત્ત્વ છે.
રક્ષાબંધન પર્વ એટલે ભગિની પ્રેમ-બંધન. “સ્ત્રી તરફ વિકૃત દૃષ્ટિએ ન જોતાં પવિત્ર દૃષ્ટિ રાખવી.” એ મહાન સંદેશ આપનાર આ પવિત્ર તહેવારને સમાજે કુટુંબ પૂરતો મર્યાદિત બનાવી દીધો છે. પ્રેમ-બંધન અને ભાવ-બંધનના આ પવિત્ર તહેવારનું સામાજિકીકરણ અને વૈશ્વિકીકરણ કરવું જોઈએ.
Your Content Goes Here