શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ‘સ્વામી ભૂતેશાનંદ ધ્યાનખંડ’નું ઉદ્ઘાટન
સ્વામી વિવેકાનંદ કહે છે કે ‘ધ્યાન એ એવી શક્તિ છે કે જે આ બધાનો સામનો કરવાને આપણને શક્તિમાન બનાવે છે. પ્રકૃતિ આપણને કહે છે, ‘હવે બેસીને રડ! દુઃખના દરિયામાં પડ!’ હું (ધ્યાન કરનાર) કહું છું: ‘નથી પડતો, જા.’ અને ઊભો થઈ જાઉં છું… એ શક્તિ ધ્યાનની છે.’
આધુનિક સમયમાં ધ્યાન માટે જરૂરી પરિવેશ ઘરમાં મેળવવો ખૂબ કઠિન છે. આ બાબતને ધ્યાનમાં લઈને સ્વામી ભૂતેશાનંદ મહારાજની પુણ્ય સ્મૃતિરૂપે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પવિત્ર અને શાંત પરિસરમાં ‘સ્વામી ભૂતેશાનંદ ધ્યાનખંડ’નું ઉદ્ઘાટન તા. ૨૩ જૂનના રોજ કરાયું. પૂજ્ય સ્વામી ભૂતેશાનંદજી મહારાજ ૧૯૪૫ થી ૧૯૬૬ સુધી શ્રીરામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ હતા અને તત્પશ્ચાત્ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ૧૨મા પરમાધ્યક્ષ બન્યા હતા.
આ ધ્યાનખંડનું ઉદ્ઘાટન તા. ૨૩ જૂન, ૨૦૨૪ના રોજ બેલુર મઠથી પધારેલ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી પૂજ્ય સ્વામી બોધસારાનંદજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. અનેક ભક્તો આ પાવન પર્વના સાક્ષી બન્યા.
ઇચ્છુકજનો આ ધ્યાનખંડનો લાભ દરરોજ સવારે ૯:૦૦ થી ૧૧:૩૦ તેમજ સાંજે ૪:૦૦ થી ૬:૩૦ દરમિયાન લઈ શકશે.
આંતરરાષ્ટ્રિય યોગ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમ
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી પૂજ્ય સ્વામી બોધસારાનંદજી મહારાજની અધ્યક્ષતામાં તા. ૨૩ જૂનના રોજ આંતરરાષ્ટ્રિય યોગ દિવસ નિમિત્તે વિવેક હૉલમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યક્રમના અધ્યક્ષ સહિત ગુજરાતનાં બધાંય શાખા-કેન્દ્રોના વડાઓએ યોગની વિવિધ શાખાઓ વિશે મનનીય પ્રવચનો આપ્યાં હતાં.
શ્રીજગન્નાથ રથયાત્રા ઉત્સવ
રાજકોટ આશ્રમ દ્વારા ૭ જુલાઈના રોજ સાંજે ૫:૪૫ વાગ્યે આશ્રમ પ્રાંગણમાં ભગવાન જગન્નાથજીની ભજન-કીર્તન સાથે રથયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ૭૦૦થી વધુ ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
ગુરુપૂર્ણિમાની ઉજવણી
આશ્રમના શ્રીમંદિરમાં ૨૧ જુલાઈના રોજ ગુરુપૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રીમંદિરમાં વિશેષ પૂજા, હવન અને ભજન કરવામાં આવ્યાં. ૨૦૦૦થી વધુ ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો. પૂજા દરમિયાન ભજન-કીર્તન કરવામાં આવ્યાં હતાં અને સાંજે શ્રીરામકૃષ્ણ-નામ-સંકીર્તન તથા ભજન કરવામાં આવ્યાં.
રામકૃષ્ણ મિશન, પોરબંદર
૧૨ જુલાઈ, ૨૦૨૪ના રોજ કેન્દ્રના પ્રાંગણમાં નિઃશુલ્ક નેત્રચિકિત્સા કેમ્પનું આયોજન થયું હતું, જેમાં ૨૨ દર્દીઓની નિઃશુલ્ક સારવાર તથા ૧૬ જરૂરિયાતમંદ દર્દીઓનાં શિવાનંદ આઇ હોસ્પિટલ, વીરનગરમાં ઓપરેશન કરવામાં આવ્યાં.
રામકૃષ્ણ મઠ, આદિપુર
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના આસિ. જનરલ સેક્રેટરી સ્વામી બોધસારાનંદજી મહારાજની અધ્યક્ષતામાં તા. ૨૨ જૂન ૨૦૨૪ના રોજ સ્નાનયાત્રાના પવિત્ર દિવસે રામકૃષ્ણ મઠ, આદિપુર કેન્દ્રનો હસ્તાંતરણ કાર્યક્રમ આયોજિત થયો હતો.
આ કાર્યક્રમમાં ગુજરાતનાં રામકૃષ્ણ સંઘનાં તમામ શાખા-કેન્દ્રોના વડા સહિત રાજ્યના વિવિધ સ્થળેથી આવેલા ભક્તો, તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત સ્વામી બોધસારાનંદજી મહારાજના વરદ હસ્તે રામકૃષ્ણ મઠ, આદિપુરની વેબસાઇટ adipur.rkmm.orgનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
Your Content Goes Here