સંસારના મહાન કવિઓમાં તુલસીદાસનું અપૂર્વ સ્થાન છે. તેઓ માત્ર કવિ ન હતા, પરંતુ પરમાત્મ-સત્તાનું અનુસંધાન સાધવા અવિરત પ્રયત્ન કરતા સાધક હતા. તેઓ કેવળ સંત જ ન હતા, પરંતુ પરમ માનવતાવાદી હતા. પ્રાચીન ભારતીય સાંસ્કૃતિક અને આધ્‍યાત્મિક પરંપરાના સર્વોત્કૃષ્ટ વ્યાખ્યાતા તરીકે તેમણે આપેલ સંદેશ આજેય પ્રાસંગિક છે.

તુલસીદાસે પોતાની જન્મતિથિ કે જન્મસ્થાનનો ઉલ્લેખ કર્યો નથી. વળી આ બાબતે પૂર્ણતઃ વિશ્વાસપાત્ર પ્રમાણો પણ ઉપલબ્ધ નથી. કોઈ તેમનું જન્મવર્ષ સંવત ૧૫૫૪ (સન ૧૪૯૭), કોઈ સંવત ૧૬૦૦ (સન ૧૫૪૩), તો વળી કોઈ સંવત ૧૫૮૩ (સન ૧૫૨૬) જણાવે છે. તદુપરાંત તેમના જન્મસ્થાન અંગેના વિવાદનું સમાધાન પણ અત્યંત કપરું છે કારણ કે સાત શહેરોએ પોતે તેમનું જન્મસ્થાન હોવાનો દાવો કરેલો છે. તે બધાં સ્થાનો ઉત્તર પ્રદેશમાં આવેલાં છે. તેઓ બ્રાહ્મણ હતા, સંભવતઃ સરયૂપારીણ બ્રાહ્મણ. તેમનો જન્મ અશુભ નક્ષત્રોમાં થયો હતો. આવા અશુભ ગ્રહોમાં જન્મેલું બાળક માતા-પિતાને દુર્ભાગ્ય લાવનારું ગણાતું હોવાથી તત્કાલીન અંધશ્રદ્ધા અનુસાર તેમનાં માતા-પિતાએ તુલસીદાસનો ત્યાગ કર્યો હતો. આમ, તુલસીદાસે અનાથ બાળકરૂપે જીવનમાં પ્રવેશ કર્યો, સાથે લીધી દરિદ્રતા. તેઓ કહે છે, ‘હું અભાગી હતો, સૌ મારા પડછાયાથી પણ દૂર ભાગતા હતા.’

નરહરિદાસ અથવા નરહરાનંદ નામના એક સાધુએ તેમને પોતાના શરણમાં લીધા. તુલસીદાસની કૃતિ ‘વિનયપત્રિકા’માં આ બાબતનો ઉલ્લેખ છે. એ વખતે લોકો એમને ‘રામબોલા’ એ નામથી ઓળખતા અને બોલાવતા.

તુલસીદાસે ગુરુનાં ચરણોમાં કેટલાંક વર્ષ વિતાવ્યાં અને એ દરમિયાન ભગવાન શ્રીરામ પ્રત્યે તેમના મનમાં એક ઇષ્ટદેવરૂપે તથા વ્યાપક બ્રહ્મરૂપે ગહન શ્રદ્ધા જાગ્રત થઈ. ભાગ્યના પ્રહારો, સ્વજનોનો દુર્વ્યવહાર, ગુરુનું અધ્‍યાત્મ શિક્ષણ અને પ્રાચીન ગ્રંથોના અધ્‍યયનના ફળ સ્વરૂપે તેમના મનમાં દૃઢ ધારણા થઈ કે જીવનનો પરમ આશ્રય ‘શ્રીરામ’ અને ભગવદ્‌ ભક્તિ છે.

તેમનું લગ્નજીવન સુખદ હતું. તેમનાં પત્ની રત્નાવલી બુદ્ધિશાળી, તેજસ્વી અને રૂપવાન હતાં. એક દિવસની ઘટનાએ તુલસીદાસના જીવનને નવો વળાંક આપ્યો. તુલસીદાસની ગેરહાજરીમાં રત્નાવલીના ભાઈ તેમને મળવા આવ્યા અને રત્નાવલી પતિની રજા લીધા વિના ભાઈ સાથે પિયર ચાલ્યાં ગયાં. તુલસીદાસ આ વિયોગ સહન ન કરી શક્યા અને તે જ રાત્રે શ્વસુરગૃહે પ્રયાણ કર્યું.

પતિની વ્યગ્રતા અને ઉદ્દેશથી આઘાત પામેલી પત્નીને લાગ્યું કે પતિ અતિ આસક્ત છે. તેમણે પતિને મહેણું મારતાં કહ્યું, ‘મારા અસ્થિ-ચર્મમય દેહ પ્રત્યે જેટલો પ્રેમ છે, તેનાથી અડધો પ્રેમ પણ ભગવાન શ્રીરામ પ્રત્યે હોત તો મનુષ્યજીવનની ભીતિ અને યાતનાઓમાંથી તમે અવશ્ય મુક્ત થઈ શકત.’

તુલસીદાસના અંતરમનમાં રામ-દર્શનની જે વ્યાકુળતા દબાયેલી પડી હતી તેને પ્રજ્વલિત કરવા આટલા અંગારાની જ જરૂર હતી! સંક્ષિપ્તમાં ઈશ્વરપ્રેમનું જ્ઞાન તેમને પત્ની પાસેથી મળ્યું જેનો ઉલ્લેખ ‘વિનયપત્રિકા’માં જોવા મળે છે. તેઓએ આત્મશોધ અર્થે ગૃહત્યાગ કર્યો. ગૃહત્યાગ બાદ અનેક સ્થળોની યાત્રા કરી હતી પરંતુ પરમશાંતિની ઉપલબ્ધિ માટે જે સ્થાન તેમણે સ્વાભાવિક રીતે પસંદ કર્યું હતું, તે હતું અયોધ્‍યા. ચિત્રકૂટ પ્રત્યેની તેમની લાગણી ઉષ્માપૂર્ણ અને રહસ્યમય હતી. ચિત્રકૂટનાં ગગનચૂંબી શિખરો, નદીનું સુશીતલ જળ અને ચોપાસનું કુદરતી સૌંદર્ય તેમના મનમાં વશી ગયું. શ્રીરામે તુલસીદાસને ચિત્રકૂટમાં સાક્ષાત્‌ દર્શન આપ્યાં હતાં. અહીં તુલસીદાસ રામકથાનું પઠન એવી ભાવપૂર્ણ રીતે કરતા કે કથાશ્રવણ અર્થે લોકોની ભીડ જામતી. રામકથાનું પાન કરવા સદૈવ ઉત્સુક હનુમાન પણ એક કોઢીના વેશમાં આવતા. તેઓ સૌથી પહેલાં આવતા અને સૌથી છેલ્લે જતા.

તુલસીદાસે ‘રામચરિતમાનસ’ લખવાનો પ્રારંભ સંવત ૧૬૩૧માં અયોધ્‍યામાં કર્યો હતો. તુલસીદાસને ભગવાન શિવ પ્રત્યે નિષ્ઠાયુક્ત ભાવ હતો તે આ ગ્રંથમાં જોવા મળે છે. તુલસીદાસે આ ગ્રંથમાં વિવિધ દાર્શનિક સિદ્ધાંતો તથા સાંપ્રદાયિક માન્યતાઓનો સમાવેશ કર્યો છે એ તેમના આ મહાકાવ્યની ગરિમા છે. આ ગ્રંથ આદિથી અંત સુધી સગુણ અને નિર્ગુણ, જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગ તેમજ શિવભક્ત અને રામભક્ત વચ્ચે રહેલા કૃત્રિમ ભેદોની નિરર્થકતા દર્શાવે છે. તેઓ આવો સમન્વય ખંડનાત્મક રીતે નહીં પણ વિવિધ ચરિત્રોના જીવંત સર્જન દ્વારા કરે છે. અદ્વૈતવાદી, દ્વૈતવાદી, વિશિષ્ટાદ્વૈતવાદી—સૌ કોઈ તેમની કૃતિમાં પોતાના મતનું સમર્થન કરવા આ ગ્રંથમાંથી સામગ્રી મેળવે છે.

એ યુગના સમય કે પ્રવર્તમાન પરિસ્થિતિઓ સાથે આવું ઉદારમતવાદી વલણ બંધબેસતું ન હોવાથી તુલસીદાસ વિરુદ્ધ યોજનાબદ્ધ વિરોધનો વંટોળ જાગ્યો. તેમને હાનિ પહોંચાડવા, અરે, મારી નાખવાના પ્રયત્નો પણ થયા.

કાશી-નિવાસ દરમિયાન તેમનું સૌથી પ્રિય સ્થાન હતું ગંગાકિનારો. પવિત્ર ગંગાતટ તેમને અતિ પ્રિય હતો. કાશીનાં અનેક સ્થાનોનો તેમના જીવન સાથે ઘનિષ્ઠ સંબંધ છે. કાશીમાં જીવનનાં અંતિમ વર્ષ દરમિયાન તેઓ સુપ્રસિદ્ધ મહાત્મા ગણાતા હતા અને તત્કાલીન મહત્ત્વની વ્યક્તિઓ તેમના દર્શનાર્થે આવતી.

રામચરિતમાનસ ગ્રંથનું લેખન પૂર્ણ કર્યા પછી તેઓ પચાસેક વર્ષ જીવ્યા હતા. આ અમર મહાકાવ્યના કવિ તરીકે તેમની પ્રસિદ્ધિ થઈ ત્યાર પછી તેમણે અનેક કૃતિઓની રચના કરી હતી, જેવી કે વૈરાગ્યસંદિપની, રામાજ્ઞાપ્રશ્ન, જાનકીમંગલ, પાર્વતીમંગલ, કૃષ્ણગીતાવલી, ગીતાવલી, વિનયપત્રિકા, દોહાવલી, બરવૈરામાયણ વગેરે.

તુલસીદાસની ભાષા અને શૈલીને વ્યાપક પ્રસિદ્ધિ મળી તેનું કારણ છે તેની સરળતા, સ્પષ્ટતા અને ઔચિત્ય. તેમની રચનાઓમાં અવધી, ભોજપુરી, બુંદેલી, વ્રજભાષા, ખડીબોલી ઉપરાંત સંસ્કૃત, અરબી, ફારસી વગેરે ભાષાના શબ્દોનો પ્રયોગ કરાયો છે. તેઓએ પાંડિત્ય-પ્રદર્શન કર્યા વિના ઉપમાઓ, ઉત્પ્રેક્ષાઓ અને રૂપકોનો પ્રચુર માત્રામાં ઉપયોગ કર્યો છે.

અયોધ્‍યા કે કાશીમાનાં તેમના વ્યક્તિગત જીવન અંગે કોઈ પ્રકારની માહિતી મળતી નથી. વૃદ્ધાવસ્થામાંના કાશી-વાસ દરમિયાન તુલસીદાસને અત્યંત કષ્ટકર રોગ લાગુ પડ્યો. રામનામનું યશગાન કરતાં કરતાં સંવત ૧૬૮૦ (સન ૧૬૨૩), શ્રાવણ કૃષ્ણપક્ષ, ત્રીજ અને શનિવારના રોજ પવિત્ર ગંગાઘાટ પર તેમનું દેહાવસાન થયું.

તુલસીદાસના વ્યક્તિત્વ સંબંધે કહીએ તો તેમની ધાર્મિક સહિષ્ણુતા કેવળ આચારસંહિતા ન હતી, પરંતુ આ જીવનદર્શનનાં મૂળ તેમનામાં ઊંડે ઊંડે દૃઢીભૂત હતાં—

सिय राम मय सब जग जानी।
करहु प्रणाम जोरी जुग पानी॥

ભારતીય તત્ત્વદર્શનની વિવિધ વિચારધારાઓમાં સમન્વય સ્થાપવા માટે પોતાની રચનાઓમાં તેઓએ પૂર્ણપણે નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કર્યો હતો. તેમના વ્યક્તિત્વનું અન્ય આકર્ષક પાસું હતું—સૌંદર્યોપાસના. પોતાના ઇષ્ટ ભગવાન શ્રીરામનું નખશિખ વર્ણન કરતી વખતે તેઓ ભાવવિભોર બની જતા. વિવાહમંડપમાં, વનવાસમાં કે અયોધ્‍યાના રાજસિંહાસનારૂઢ સીતા-રામનાં વિવિધ છંદબદ્ધ વર્ણનોમાં તેમનું કવિત્વ સોળે કલાએ ખીલી ઊઠે છે.

તુલસીદાસના સાહિત્યિક પ્રદાન અંગેનો એક છંદ તેમની ઉપલબ્ધિને જાણવા માટે પર્યાપ્ત છે—

सूर सूर तुलसी शशि उड़नगन केशवदास।
और कवि खद्योत सम जहँ-तहँ करत प्रकाश॥

‘સાચું બોલવું એ કલિયુગની તપસ્યા. કલિકાલમાં બીજી તપસ્યા કઠણ. સત્યને વળગીને રહીએ તો ભગવાનને પામી શકાય’ આવો ઉપદેશ આપતાં શ્રીરામકૃષ્ણદેવ તુલસીદાસનું કથન ટાંકીને કહે છે:

સત્ય-વચન ઔર નમ્રતા, પરસ્ત્રી માત સમાન;
ઇતનેસે હરિ ના મિલે, તો તુલસી જૂઠ જબાન!

Total Views: 148

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.