(‘ગુજરાતના સાહિત્યકારો પર રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ’ વિષયક આ શૃંખલામાં આ અંકમાં એક વધુ પીંછું ઉમેરાઈ રહ્યું છે. – સં.)
જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં આવેલ આંબલા નામના ગામમાં શ્રી હરજીવનભાઈને ત્યાં સને ૧૯૩૯ના ડિસેમ્બર મહિનાની ૧૮મી તારીખે શ્રી મનસુખભાઈનો જન્મ થયો હતો. શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ ૧૯૬૦માં તેઓ વિરાણી હાઈસ્કૂલમાં તેમને ગમતા વ્યવસાય શિક્ષણકાર્યમાં જોડાયા. સમયાંતરે ૧૯૮૦માં તેઓ રાજકોટની જ નહીં, પરંતુ ગુજરાતભરમાં શિક્ષણ માટે સુપ્રસિદ્ધ એવી વિરાણી હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે નિમાયા.
એમની વિશેષતા એ હતી કે તેઓ વિદ્યાર્થી-યુવાનોમાં માત્ર પુસ્તકિયું જ્ઞાન નહીં પણ વિદ્યાર્થીઓનો સર્વાંગીણ વિકાસ થાય, મૂલ્યલક્ષી શિક્ષણ દ્વારા તેમનામાં મૂલ્યોનું સિંચન થાય, સર્જનાત્મક ગુણોનું સિંચન થાય તે માટે શાળામાં અભ્યાસેતર પ્રવૃત્તિઓ પર બહુ ધ્યાન આપતા. સાથે સાથે વિદ્યાર્થીઓ આધ્યાત્મિક બાબતોમાં પણ ઉન્નત થાય તે માટે શાળામાં અધ્યાત્મને લગતી પ્રવૃત્તિઓ પણ થતી.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ અને વિરાણી હાઇસ્કૂલનો નાતો બહુ જૂનો છે. તે સમયે આશ્રમના વિદ્યાર્થી-મંદિરના વિદ્યાર્થીઓ વિરાણી સ્કૂલમાં જ અભ્યાસ કરતા. તેઓએ પહેલેથી જ આ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે આશ્રમમાં આવીને શિક્ષણ આપવાનું શરૂ કર્યું. અને શાળાના અન્ય શિક્ષકોને પણ વિવિધ વિષયો તેમજ સંગીતના શિક્ષણ માટે પ્રોત્સાહિત કરી આશ્રમમાં લાવ્યા. શ્રી મનસુખભાઈ પહેલેથી જ શાળા અને આશ્રમના વિવિધ કાર્યક્રમોનું આયોજન અને સંચાલન કરતા. ૫૭ વર્ષોથી ચાલતી સ્વામી વિવેકાનંદ જન્મજયંતી સ્પર્ધા પણ તેમણે જ શરૂ કરાવી હતી, જેમાં શહેરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ માટે નિબંધ-લેખન, વક્તૃત્વ, મુખપાઠ વગેરે સ્પર્ધાઓનું આજે પણ દર વર્ષે આયોજન થાય છે. આ તમામ કાર્યક્રમોનું સંચાલન તેઓ પોતે જ કરતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા. આ ઉપરાંત, તેમણે ‘કિસાન મેળા’નું આયોજન પણ કર્યું હતું.
તે સમયે શ્રીરામકૃષ્ણ આશ્રમના વિદ્યાર્થી-મંદિર (છાત્રાલય) દ્વારા એક વાર્ષિક પત્રિકાનું પ્રકાશન પણ થતું. તે પત્રિકા માટે જાહેરાતો લાવવી, લેખો લાવવા, તેનું સંપાદન કરવું વગેરે કાર્યો પણ તેઓ કરતા.
તેમણે વિદ્યાર્થીઓના કલ્યાણ માટે વિજ્ઞાનમેળાના આયોજન જેવી અનેક પ્રવૃત્તિઓ ચલાવી હતી. તેઓ ધોરણ ૧૦ અને ૧૨ પછીના વિદ્યાર્થી માટે કારકિર્દી વિકાસ વર્તુળ ટ્રસ્ટ, ભાવનગર સાથે જોડાયેલા રહ્યા. તદુપરાંત તેઓ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના પાઠ્યપુસ્તક મંડળના સદસ્ય પણ રહ્યા.
૧૯૮૦માં જ્યારે તેઓ વિરાણી હાઈસ્કૂલના આચાર્ય બન્યા ત્યારે તેમનું એક નવું રૂપ જોવા મળ્યું, તે હતું તેમનું નેતૃત્વ. બધા શિક્ષકોને કાર્ય સોંપવું અને કરાવવું તેમજ વિદ્યાર્થીઓને સંભાળવા. આવાં કાર્યો દ્વારા તેમણે વિરાણી હાઇસ્કૂલની સમગ્ર ગુજરાતમાં જે પ્રતિષ્ઠા હતી તેને જાળવી રાખી હતી.
તેમનામાં સેવાની ભાવના એટલી પ્રબળ હતી કે ભારતમાં કોઈ પણ કુદરતી આફત વખતે જ્યારે જ્યારે આશ્રમ તરફથી રાહતકાર્ય શરૂ કરવામાં આવતું, ત્યારે શાળાના વિદ્યાર્થીઓ સાથે તેઓ અસરગ્રસ્ત ગામોમાં જઈ રાત-દિવસ, ભોજન કે કોઈ પણ સગવડતાની પરવા કર્યા વગર નિઃસ્વાર્થ ભાવે સેવા કરતા.
તેમના આદર્શ શિક્ષકના કાર્ય બદલ તેમને ગુજરાત રાજ્ય તરફથી ૧૯૯૦નો સર્વશ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત થયો. ત્યારબાદ ૧૯૯૩માં ભારત સરકારે પણ તેમને સર્વશ્રેષ્ઠ શિક્ષકના રાષ્ટ્રીય પુરસ્કારથી નવાજ્યા હતા. આ એવોર્ડ તેમને તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી શંકરદયાલ શર્માના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.
૧૯૮૯માં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટથી ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ નામના એક માસિક મુખપત્રનું પ્રકાશન શરૂ થયું. એ માટે વર્ષ દરમિયાન અને દિવાળી વિશેષાંક જેવા અન્ય વિશેષાંકો માટે શ્રીમનસુખભાઈ મહેતા અને શ્રી કેશવલાલ શાસ્ત્રી (જેમનો પરિચય આપણે ગયા અંકમાં મેળવ્યો)એ ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠત સાહિત્યકારો, લેખકોનો સંપર્ક કરવા અને ચોક્કસ વિષય-વસ્તુ આધારિત લેખોનું સંપાદન-કાર્ય કરવા માટે ખૂબ જહેમત ઊઠાવી હતી. તેમનું ગુજરાતી ભાષા અને સાહિત્યનું ઊંડું જ્ઞાન શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પ્રકાશન વિભાગમાં અત્યંત ઉપયોગી સિદ્ધ થયું છે.
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નું કામ દિવસ-રાત ચાલતું, પરંતુ એ બંનેનો સ્વભાવ એવો વિનોદી હતો કે કામનો બોજો ક્યારેય લાગતો નહીં. ટૂચકા, હાસ્ય-વિનોદની વાતોમાં કામ ક્યારે પૂરું થઈ જતું તેની ખબર પણ રહેતી નહીં. તેમનું નામ જ હતું મનસુખલાલ—જે હંમેશાં બીજાઓના મનને સુખ આપે, આનંદ આપે.
સેવા-નિવૃત્તિ પહેલાં પણ શાળાના સમય સિવાયના વખતે શ્રી મનસુખભાઈ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ માટે આશ્રમમાં આવતા. ૧૯૯૭માં શાળામાંથી નિવૃત્ત થયા બાદ લગભગ આખો દિવસ શ્રીરામકૃષ્ણ આશ્રમનાં વિવિધ સેવાકાર્યોમાં લાગી પડ્યા, જાણે કે આશ્રમ તેમનો બીજો પરિવાર હતો, અને આશ્રમ સિવાય એમનું કોઈ જીવન જ ન હતું!
એવોર્ડ સિવાય અનેક સંસ્થાઓ તરફથી તેમને ઘણાં સન્માનપત્રો પણ આપવામાં આવ્યાં છે. કેટલાંકનો ઉલ્લેખ કરીએ તો—
રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર, વિરાણી હાઈસ્કૂલ પરિવાર, ડ્રીમલેન્ડ ચિલ્ડ્રન વેલફેર એકેડેમી-રાજકોટ, સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ, રાજીવ ગાંધી એજ્યુકેશનલ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ વગેરે. આ ઉપરાંત, તેઓ તેમની જ્ઞાતિના ‘શ્રી નાથળિયા ઉનેવાળ બ્રહ્મસમાજ ટ્રસ્ટ’ના પ્રમુખ પણ બન્યા હતા.
જીવનના અંતિમ સમયે ૨૦૨૦ના દિવાળી વિશેષાંક (યોગ વિશેષાંક) માટે નાદુરસ્ત તબિયત હોવા છતાં તેમણે બધુંય કાર્ય ઘરેથી જ કર્યું. સમાચાર-પત્રો, ટેલિવિઝન, વાંચન બધું દૂર કરી માત્રને માત્ર આશ્રમના કાર્યને પ્રાથમિકતા આપી.
કોરોનાની માત્ર ચાર દિવસની ટૂંકી બીમારી બાદ ૪ સપ્ટેમ્બર, ૨૦૨૦ના દિવસે ૮૧ વર્ષની વયે શ્રી મનસુખભાઈનું નિધન થયું. એ સિવાય એમનું સ્વાસ્થ્ય ખૂબ સારું હતું. સ્વાસ્થ્યના નાનામાં નાના નિયમોનું તેઓ પાલન કરતા. કોરોના ન થયો હોત તો તેઓ જરૂર જીવનની સદી પૂરી કરત.
શ્રી મહેન્દ્રભાઈ જોશી, જેઓ ૨૭ વર્ષ શ્રી મનસુખભાઈની સાથે વિરાણી હાઇસ્કૂલમાં અધ્યાપન કાર્યમાં જોડાયેલા રહ્યા, તેઓએ એક સમાચારપત્રમાં તેમને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે આવા નિઃસ્પૃહ કર્મયોગી અમે જોયા નથી. તેઓ એક આદર્શ શિક્ષક હતા. વિરાણી હાઈસ્કૂલ અને શ્રીરામકૃષ્ણ આશ્રમના વિદ્યાર્થી-મંદિરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આજે દેશ-વિદેશમાં ફેલાયેલા છે, તેઓ આજે પણ તેમને યાદ કરે છે.
તેમને કોઈ સંતાન ન હતું. નિવૃત્તિ બાદ અને તેમનાં પત્નીના નિધન બાદ પોતાના ‘વસિયતનામા’માં તેમણે પોતાની સમગ્ર જીવનમૂડી સંબંધીઓને નહીં આપતાં રામકૃષ્ણ મઠ-મિશનનાં વિવિધ કેન્દ્રોને દાનમાં આપી દીધી હતી. કોઈ સંબંધીએ પૂછ્યું કે આ આશ્રમમાં તો તમે કોઈને ઓળખતા નથી, ત્યારે તેના ઉત્તરમાં શ્રી મનસુખભાઈએ કહ્યું કે એ આશ્રમમાં હું એક વાર ગયો હતો ત્યારે મેં ત્યાં પ્રસાદ લીધો હતો, એટલે કંઈક તો આપવું જ પડે, આવી ઉદાત્ત ભાવના! આમ, શ્રીરામકૃષ્ણ આશ્રમની માત્ર તન અને મનથી જ નહીં, પણ ધનથી પણ સેવા કરતા રહ્યા. મનમાં એક જ ભાવના કે આશ્રમની સેવા કરું છું, ઈશ્વરની સેવા કરું છું. જે તેમની ઇચ્છા હતી તે જ પ્રમાણે તેમણે વિદાય લીધી. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ તેમની સન્નિષ્ઠ સેવા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, સને ૨૦૨૭માં શતાબ્દી ઊજવશે. જ્યારે પણ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો ઇતિહાસ લખાશે ત્યારે શ્રી મનસુખભાઈ મહેતાનું નામ તેમાં અવશ્ય સામેલ હશે.
Your Content Goes Here