૧૫ ઓગસ્ટ, ૧૯૪૭માં આપણો દેશ સ્વતંત્ર થયો, આઝાદી મળી. ૨૦૦ વર્ષના અંગ્રેજ શાસનકાળની ગુલામી પછી સ્વતંત્રતા મળી. લાખો લોકો સ્વતંત્રતાની ચળવળમાં જોડાયા. અસંખ્ય લોકો શહીદ થયા. દેશભક્તિના જુવાળમાં કેટલાય લોકોએ પોતાનાં વ્યવસાય, નોકરી, અભ્યાસ તેમજ ઘરબારને તિલાંજલિ આપીને આઝાદીની લડતને સફળ બનાવી. રાષ્ટ્રને માટે સર્વસ્વનો ત્યાગ કરીને પ્રાણની પણ પરવા કર્યા વગર શહાદત વહોરી લેનાર બધા ત્યાગવીરો તેમજ શહીદોને શત શત પ્રણામ.

૭૮મા સ્વતંત્ર દિવસના પ્રભાતે આપણે સૌ આઝાદીની લડતની દોરવણી કરનાર લોકમાન્ય ટિળક, મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ સહિતના બધા જ નેતાગણને યાદ કરીએ. ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, સુખદેવ, રાજગુરુ, ખુદીરામ બોઝ જેવા નામી-અનામી ક્રાંતિવીરોને યાદ કરીએ. આઝાદીની લડતમાં ભારતીય નારીઓ પણ સામેલ હતી. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, સરોજિની નાયડુ, મેડમ કામા, એની બેસન્ટ, સિસ્ટર નિવેદિતા તેમજ અન્ય ભારતીય સ્ત્રીઓએ પણ આઝાદીની ચળવળમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. આવા અનેક રાષ્ટ્રભક્તોના આપણે ઋણી છીએ.

આઝાદી મળ્યા પછી ચીન અને પાકિસ્તાન સાથે આપણે યુદ્ધમાં ઊતરવું પડ્યું. આ યુદ્ધો દરમિયાન દેશનું ગૌરવ, એકતા અને અખંડિતાને જીવંત રાખતી અનેક ચિરસ્મરણીય ઘટનાઓ બની. આવી જ એક ઘટના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન બની, જે અહીં પ્રસ્તુત કરીએ છીએ.

વર્ષ ૧૯૭૧

ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તારીખ ૮ ડિસેમ્બરના રોજ ભુજના એરપોર્ટ પર પાકિસ્તાને હવાઈ હુમલો કર્યો. ભુજ એરપોર્ટ ડોમેસ્ટિક તેમજ ભારતીય વાયુસેનાનું બેઝ છે. શહેરથી ૪ કિ.મી. દૂર આવેલ ભુજ એરપોર્ટ ભારત-પાકિસ્તાન સરહદથી ૧૬૦ કિ.મી.ના અંતરે આવેલું છે.

અગાઉ આ એરપોર્ટ ભુજ રુદ્રમાતા એરફોર્સ બેઝ પાસે બે બંકરોનું બનેલું હતું. રસ્તાની એક બાજુ ઇન્ડિયન એરલાઇન્સનું બંકર હતું. ત્યાંથી એક કોચ દ્વારા મુસાફરોને ભારતીય વાયુસેનાના મેદાનમાં પ્રસ્થાન ટર્મિનલ સુધી પહોંચાડવાની વ્યવસ્થા હતી.

હવાઈ હુમલા દરિમયાન પાકિસ્તાને ભુજ એરપોર્ટ પર નેપા બોમ્બ ફેંક્યા હતા, રોકેટ અને બોમ્બમારાએ હવાઈપટ્ટીનો—રન-વેનો સંપૂર્ણપણે ધ્વંસ કર્યો હતો. ભારતીય વાયુસેના (આઈ.એ.એફ.) માટે એરક્રાફ્‌ટની ઉડાન અશક્ય થઈ ગઈ હતી. પાકિસ્તાનના સતત હવાઈ હુમલા વચ્ચે હવાઈપટ્ટીનું સમારકામ કરવાનું અત્યંત મુશ્કેલ હતું. બી.એસ.એફની મદદ લેવાઈ પરંતુ અલ્પ સંખ્યામાં સહાયકો-મજૂરો હોઈ આ પ્રયત્નોમાં સફળતા ન મળી.

આ કપરા સમયે યુદ્ધના વાતાવરણ વચ્ચે, બોમ્બવર્ષાની પરવા કર્યા વગર ભુજની પાસે આવેલા માધાપુર ગામની ૩૦૦ મહિલાઓનું એક જૂથ આગળ આવ્યું. સ્ત્રી સશક્તીકરણ, આત્મગૌરવ અને આત્મનિર્ભરતાનું જીવતું જાગતું ઉદાહરણ એટલે ભુજની આ વિરાંગનાઓ. દેશપ્રેમની લાગણીથી છલોછલ ઊભરાતી આ મહિલાઓએ ચમત્કાર સર્જ્યો. અથાગ પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી, એ ઉક્તિને સાકાર કરીને આ વિરાંગનાઓએ માત્ર ૭૨ કલાકમાં હવાઈપટ્ટીનો માર્ગ સંપૂર્ણ રીતે ઉપયોગમાં લઈ શકાય તેવો કરી દીધો.

આ અભિયાનમાં એરફોર્સ બેઝ કમાન્ડર સ્કોડ્રન લીડર વિજયકુમાર કર્ણિકનો મહત્ત્વનો ફાળો હતો. ગામના સરપંચ અને કલેક્ટરશ્રીના સંપર્કમાં રહીને જે વ્યૂહ અપનાવ્યો તે અસરકારક રીતે સફળ રહ્યો.

વાલબાઈ મેઘાની અને તેમના સહયોગી હીરુબેન બુડીયા આ દિલધડક ઘટનાને વાગોળતાં કહે છે, “અમે ૩૦૦ બહેનો હતી. અમારા મનમાં એક વાત નક્કી હતી કે વળતા હુમલા માટે આપણા પાયલોટ આ હવાઈપટ્ટીથી વિમાનો-એરક્રાફ્ટ લઈ જશે. જો અમે મૃત્યુ પામીશું તો તે ગૌરવશાળી મૃત્યુ હશે. સાયરન સાંભળતાં જ અમે બંકરોમાં જતાં રહેતાં. સલામતનું સાયરન સાંભળીને પાછાં કામે લાગતાં. અમારો પોશાક આછા લીલા રંગનો હતો. દેશભક્તિની ધૂન અમારા સૌના દિલ-દિમાગમાં સવાર હતી. પહેલે દિવસે ભોજનની વ્યવસ્થા ના થઈ. બીજે દિવસે સુખડી અને મરચાના જોરે દેશપ્રેમની તાકાત વડે સખત પરિશ્રમ કર્યો. હવાઈ હુમલા ચાલુ હતા.” વાલબાઈ આગળ જણાવે છે કે તેમનો પુત્ર માત્ર ૧૮ માસનો હતો. તેને પડોશીને સોંપી દઈને દેશપ્રેમની લગનથી તેઓ નીકળી પડ્યાં હતાં. ભારતનું એરક્રાફ્ટ જ્યારે હવાઈપટ્ટી પરથી પસાર થયું, ત્યારે સૌનો આનંદ ચરમસીમાએ હતો. જાદવજીભાઈ હિરાણી આ ક્ષણને વાગોળતાં કહે છે, “અમારા સૌને માટે એ ગૌરવની ક્ષણો હતી.”

અંતે, જ્યારે યુદ્ધ સમાપ્ત થયું ત્યારે તેમના કાર્યની તત્કાલીન વડાપ્રધાનશ્રી ઇન્દિરા ગાંધીની સરકાર દ્વારા નોંધ લેવામાં આવી હતી. એક વિશેષ જાહેર-કાર્યક્રમમાં બધી વિરાંગનાઓનું રૂપિયા ૫૦,૦૦૦નો સમૂહ-પુરસ્કાર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. જો કે બધી વિરાંગનાઓએ એ રકમ પોતાની સંમતિથી ગામના કોમ્યુનિટી હૉલના નિર્માણ માટે આપી. ભારત સરકારે આ બહાદુર મહિલાઓની સ્મૃતિમાં ‘વિરાંગના સ્મારક’ નામે મેમોરિયલ માધાપર ગામને થોડાં વર્ષો પહેલાં સમર્પિત કર્યું છે. જ્યારે જ્યારે આ ઘટના યાદ કરવામાં આવે છે ત્યારે ગ્રામિણ મહિલાઓ અત્યંત વિનમ્રતાથી કહે છે, “સૌ પ્રથમ દેશ.”

સ્વામી વિવેકાનંદે ‘ભારતીય નારી’ વિશે કહ્યું, “ભલા ભાઈ! આ દેશની સ્ત્રીઓને મારે એ જ કહેવાનું છે કે જે હું પુરુષોને કહું છું. ભારતમાં અને ભારતના ધર્મમાં શ્રદ્ધા રાખો. શક્તિમાન બનો, આશાવાદી બનો અને ખોટી શરમનો ત્યાગ કરો અને યાદ રાખજો કે હિંદુઓને દુનિયાની અન્ય પ્રજાઓ પાસેથી થોડુંક લેવાનું હોવા છતાં જેનું માપ નીકળી ન શકે એટલા મોટા પ્રમાણમાં તેણે જગતને આપવાનું છે.”

સાચે જ માધાપુરની સ્ત્રીઓ શક્તિમાન બની, આશાવાદી બની, ખોટી શરમનો ત્યાગ કરીને દેશ કાજે આગળ આવી અને સ્ત્રી સશક્તીકરણ, આત્મગૌરવ અને આત્મનિર્ભરતાનું જીવતું-જાગતું દૃષ્ટાંત બની.

Total Views: 150

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.