(હિન્દી માસિક ‘વિવેક જ્યોતિ’ના મે ૨૦૨૩ના અંકમાં પ્રકાશિત સ્વામી ચેતનાનંદજી સંકલિત (મૂળ બંગાળી પુસ્તક-પ્રાચીન સાધુદેર કથા) સ્વામી ધીરેશાનંદ અંગેનાં સંસ્મરણોનો શ્રી પ્રકાશભાઈ હાથીએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -સં.)

૧૯૭૦ના ફેબ્રુઆરી માસમાં વિવેકાનંદ પૉલિક્લિનિક, લખનૌનું ઉદ્ઘાટન થયું. અમે ૧૫૨ સંન્યાસીઓ ત્યાં ઉપસ્થિત હતા. અદ્વૈત આશ્રમ, કલકત્તા પાછા ફરતા સમયે કાશીમાં હું કેટલાક દિવસ હતો. એક દિવસ સવારે મંદિરથી સેવાશ્રમ પાછા ફરતી વખતે દાઢીવાળા એક સંન્યાસીને પ્રણામ કર્યા. આ સંન્યાસીને મેં પહેલાં કદી જોયેલા નહીં, પરંતુ નામ સાંભળેલું. તેમણે મને પૂછ્યું, ‘શું નામ છે?’ ‘ચેતનાનંદ.’ ‘તું તો સારું લખે છે – શું તેં સંસ્કૃતનો અભ્યાસ કર્યો છે?’ મને લાગ્યું કે તેમણે ઉદ્બોધન પત્રિકામાં પ્રકાશિત મારો ‘રામચરિતે કાલિદાસ ઓ ભવભૂતિ’ લેખ વાંચ્યો હશે. ‘તું મને મળતો રહેજે,’ એવું કહી તે ચાલ્યા ગયા.

અંબિકાધામ, સેવાશ્રમ, વારાણસીની પાછળ એક નાના ઓરડામાં તેઓ રહેતા હતા. તેમની સાથે વેદાંતને લઈ ઘણો વિચાર-વિનિમય થયો. તેઓ શાસ્ત્રમાં ડૂબેલા રહેતા અને કહેતા કે, વેદાંતના સત્યને જીવનમાં કેવી રીતે અનુભવી શકાય. જ્યારે હું પ્રશિક્ષણ કેન્દ્ર, બેલુર મઠમાં હતો, ત્યારે બ્રહ્મચારી સુજિત અને મદન કનખલથી આવ્યા હતા. બંનેએ ધીરેશાનંદજી મહારાજ પાસે શાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. મહારાજનો આગ્રહ હતો, ‘તમે લોકો દરરોજ ચાર શ્લોક કંઠસ્થ કરીને આવજો, હું તેની વ્યાખ્યા કરીશ. ફક્ત હું જ પરિશ્રમ કરું અને તમે લોકો પરિશ્રમ ન કરો, તેવું નહીં ચાલે.’

સ્વામી ધીરેશાનંદ (૧૯૦૭-૧૯૯૮) સ્વામી સારદાનંદજી મહારાજ દ્વારા દીક્ષિત હતા અને ૧૯૩૨માં તેમનો સંન્યાસ થયો હતો. તેમણે પોતાનું સંપૂર્ણ જીવન તપસ્યા, સાધના, અભ્યાસ અને અધ્યાપનમાં વિતાવ્યું હતું અને કેટલાય મહત્ત્વપૂર્ણ ગ્રંથોની રચના પણ કરી છે. ૧૯૭૦ થી ૧૯૯૮ સુધી તેમની સાથે મારે ઘનિષ્ઠ સંબંધ હતો. જ્યારે હું ભારત પરત આવતો હતો, ત્યારે કેટલાય દિવસ તેમની સાથે ગાળતો. તદુપરાંત તેમની સાથે પત્રના માધ્યમથી જોડાયેલો રહેતો.

મઠ-મિશનમાં જોડાયા પહેલાં જ હું શાસ્ત્રજ્ઞ અને સાધક-સાધુઓનો સત્સંગ કરતો હતો. મારી વિદ્યાર્થીલક્ષી જિજ્ઞાસા-મનોવૃત્તિ પહેલાં પણ હતી અને આજે પણ છે. જીવનમાં શીખવાનો કોઈ અંત નથી. પ્રત્યેક દિવસ નવું શીખવાથી જ્ઞાનભંડારમાં વૃદ્ધિ થતી રહે છે અને મનુષ્યને કાયમ નવો જ રાખ્યા કરે છે. મનમાં નિરાશા થઈ જવાથી માનવ મૂઢ બની જાય છે. આ પ્રકારની નિષ્ક્રિયતા એક પ્રકારનું મૃત્યુ જ છે. આવા લોકોનું લક્ષણ હોય છેઃ તેઓ ખાય છે અને સૂએ છે, easy going life lead (સગવડભર્યું જીવન વ્યતીત) કરે છે.

૧૯૭૭માં જ્યારે ભારત પરત આવ્યો, ત્યારે કાશીમાં ઘણા દિવસ રહ્યો. કાશીમાં તે સમયે ઘણા વરિષ્ઠ સંન્યાસીઓ હતા. સમય મળતાં જ હું મોટા ભાગના સંન્યાસીઓના ઓરડામાં જઈને પ્રશ્ન કરતો અને તેઓની સ્મૃતિકથાને સાંભળતો. ત્યાર પછી ઓરડામાં આવી નિત્ય નોંધ રાખતો.

સાધુજીવનનાં પ્રથમ દસ વર્ષ હું અદ્વૈત આશ્રમ, કલકત્તામાં સેવારત હતો. હિમાલય જઈ એકાંતસેવી તપસ્યા કરવાની ઇચ્છા મનમાં ઊઠતી રહેતી, પરંતુ કોઈ અનુકૂળતા સાંપડી ન હતી. ઠાકુરના ભક્તોનાં ત્યાગ, તપસ્યા, કષ્ટ વગેરે મારા યુવા માનસને પ્રેરણા આપતાં રહેતાં. સ્વામી ધીરેશાનંદજી મહારાજનો હું અત્યંત ઋણી છું. તેમણે મને પોતાની રોજનીશી આપીને મારી અતૃપ્ત ઇચ્છાને મહદ્ અંશે પૂર્ણ કરી છે. તેઓ સ્વભાવથી જ એક વેદાંત નિપુણ સંન્યાસી હતા અને તેઓએ મઠ-મિશન તથા અન્ય સંપ્રદાયના સંન્યાસીઓ પાસેથી મધમાખીરૂપે આજીવન અધ્યાત્મ મધુસંચય કર્યો હતો. તેમણે તે બધું રોજનીશીમાં ઘણા જ સુંદર અક્ષરોમાં નોંધી રાખેલ હતું. તેને નામ આપેલું – ‘સત્સંગ રત્નાવલી’.

એવું કહી શકાય કે એક સંન્યાસીએ સંપૂર્ણ જીવનની મહેનતથી મેળવેલી સંપત્તિ મેં મહેનત વિના જ પ્રાપ્ત કરી લીધી. તેમની રોજનીશીમાંથી જ કેટલાક વરિષ્ઠ સંન્યાસીઓનાં સંસ્મરણો ઉદ્બોધન પત્રિકામાં પ્રકાશિત થયાં હતાં અને હાલ નિબોધિત પત્રિકામાં ધારાવાહિક રૂપે પ્રકાશિત થઈ રહ્યાં છે. મહારાજની રોજનીશીને આધાર બનાવી ‘સંન્યાસીની ડાયરીમાંથી’ એ નામે મેં ત્રીસ વ્યાખ્યાન આપ્યાં છે. આ રોજનીશી અધ્યાત્મ-વાંચ્છુઓ માટે અત્યંત મૂલ્યવાન સંપત્તિ છે.

આ રોજનીશીમાં નાની નાની બાબતો વિષે તેમણે ૨૪.૧૨.૧૯૮૨માં પોતે લખ્યું છે – “આ નાની બુકમાં અત્યંત નાના અક્ષરોમાં ૪૦-૫૦ વર્ષોથી ઘણી વાતો લખીને રાખી છે. ખોલીને જોયું કે અગાઉનું લખેલું ઘણે અંશે અસ્પષ્ટ થતું જઈ રહ્યું છે. મારી ખુદની પણ તાકાત નથી કે તેને ફરીથી લખી શકું. ઘણી બધી અપ્રકાશિત કથાઓ પણ તેમાં છે, જેને પ્રકાશિત ન કરી શકાય. તે બધામાંથી તારવવી પડશે. વિચારી રહ્યો છું કે ઠાકુરની સંપત્તિ તને જ આપી દઉં. રોજનીશી કેવી રીતે મોકલું? શું અદ્વૈત આશ્રમ તેને પુસ્તક સાથે મોકલી આપશે? આ બધું મને ખબર નથી. શું કોઈ નજીકના ભવિષ્યમાં અમેરિકાથી ભારત આવશે? જો તેમ થાય, તો તેના હાથમાં આપી દઈશ. મહારાજ (રાજા મહારાજ) અને ઠાકુરના અન્ય શિષ્યો વિશે ઘણી નવીન વાતો તેમાં અવશ્ય મળશે, જે મેં વરિષ્ઠ સંન્યાસીઓ પાસેથી સાંભળી હતી. આજ સુધી આ નકલ કોઈને આપી નથી. રખેને અકસ્માતે મારા મૃત્યુ પછી તે સઘળું કચરાના ડબ્બામાં નાખી દે.’

૪.૨.૧૯૮૩ના રોજ મહારાજે લખ્યું હતુંઃ

“તારા જણાવ્યા પ્રમાણે મારી નાની નોટકોપી (યક્ષનું ધન) ૪.૨.૧૯૮૩ના રજીસ્ટર્ડ એર-મેઈલ દ્વારા મોકલી દીધી છે. ઘણો ખર્ચો થયો. જે પણ હોય, હવે તને મળે એટલે થયું. મળ્યા પછી જરૂર જાણ કરજે. કારણ કે તેના માટે વ્યાકુળ રહીશ. કોપી અત્યંત નાના-નાના અક્ષરોમાં મારા માટે જ લખી હતી, જેથી અન્ય કોઈ સરળ રીતે વાંચી ના શકે. શરૂઆતનાં કેટલાંય પાનાં ફાડી નાખ્યાં છે, કારણ કે તેમાં મહારાજોને અનુલક્ષીને પ્રસંગ નથી.

“ઉત્તરાખંડના વરિષ્ઠ સાધુઓની વાતો લગભગ ૫૦ વર્ષ પૂર્વે લખાયેલી. કોપીના અંતમાં પ્રભાસ મહારાજ (સ્વામી દેવાશાનંદ) દ્વારા કહેવાયેલ મહાત્મા મથુરાદાસની વાર્તા છે. તેઓ હરિદ્વારના પ્રસિદ્ધ સંન્યાસી હતા. સ્વામીજીના ભાઈ મહેન્દ્રનાથ દત્તે પોતાના પુસ્તક ‘સાધુ-ચતુષ્ટય’માં મથુરાદાસની વાતો શ્રદ્ધાપૂર્વક લખી છે. કોપીમાં ઘણી બધી વાતો છે છતાંય એવું પ્રકાશિત ન કરજે જે માટે મારે અન્યની સામે હીન બનવું પડે. આ બધું લખેલું તારા કોઈ કામમાં આવ્યું કે નહીં, તે પણ જણાવજે.”

મને એ મૂલ્યવાન વ્યક્તિગત રોજનીશી મળી, જે અલગ રીતે પ્રકાશિત થશે. (પ્રાચીન સાધુદેર કથા – બીજો ખંડ) ૧૯૩૬થી ૧૯૬૧ સુધી મહારાજે ઉત્તરકાશી, હૃષીકેશ, હરિદ્વાર વિસ્તારના ઘણા સાધુ સાથે સંગ કરેલો. તેમની સાથે થયેલી વાતચીતોને કેટલીય વિસ્તૃત રોજનીશીમાં સુંદર ઉપશીર્ષક આપી લખેલું હતું. ૨૫.૧૦.૧૯૮૫ના રોજ મહારાજે મને લખેલું: ‘મારી પાસે ઘણી નોટબૂક છે. તેમાં ઉત્તરાખંડના વેદાંતી સંન્યાસીઓના વેદાંતની કેટલીય કથાવાર્તાઓ છે. મારી જે અવસ્થા છે તેમાં આ બધું લઈને શું કરીશ? કદાચ કેટલુંક તારા કામમાં આવી જાય.’

મેં વિના વિલંબ પૈસા મોકલી દીધા અને તે બધુંય જહાજથી રજીસ્ટર્ડ કરાવી મોકલવાનું કહ્યું. તેમણે ૧૧.૧૨.૧૯૮૫ના રોજ કાશીથી લખેલું, ‘પરમ દિવસે માનિક બાબુ (ત્યાંના એક સેવક) દ્વારા દૂરના G.P.O. દ્વારા રોજનીશીઓ તારા નામ અને સરનામા ઉપર રજીસ્ટર્ડ સી-મેઈલ દ્વારા મોકલી દીધી છે. પ્રાપ્ત થયા પછી જરૂર જાણ કરવી તથા મેં લખેલું તારા કામમાં આવ્યું કે નહીં, તે પણ જાણ કરવાથી મને આનંદ થશે.’

બે મહિના બાદ રોજનીશી મળ્યા પછી મેં વાતચીત કરી અને ઉત્તરાખંડના તે સઘળા મહાત્માઓનો પરિચય જાણવા ઇચ્છા કરી. તેના જવાબમાં મહારાજે ૧૬.૩.૧૯૮૬ના રોજ કાશીથી લખ્યું, ‘પાર્સલ નિર્વિઘ્ને પહોંચી ગયું છે તે જાણી નિરાંત થઈ. લખેલું તને ઘણું જ પસંદ પડ્યું અને તારા કામમાં આવ્યું તે જાણી ખુશી થઈ. જો તને એવું લાગે તો તારી પસંદગીના વિષયોનું ચયન કરી એક પુસ્તક પણ પ્રકાશિત કરી શકે છે. તેમાં તે સર્વ મહાત્માઓનાં નામ આપજે, પરંતુ મારું નામ આપવાની જરૂર નથી. જે યોગ્ય લાગે તે કરજે. મહાત્માઓની અંતરિક વાતો હૃદયગ્રાહી અને સૌ માટે કલ્યાણકારી છે.

Total Views: 106

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.