(નાગપુર મઠ દ્વારા પ્રકાશિત હિન્દી પુસ્તક ‘આત્મારામ કી આત્મકથા’નો ગુજરાતી અનુવાદ ડૉ. ચેતનાબહેન માંડવિયાએ કરેલ છે. તેઓ રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. – સં.)

(ગતાંકથી આગળ)

હે બંગાળની મા! આ બંધનમાં જ તારી શોભા અને બંગાળનું ગૌરવ છે. જે લોકો તને નરકનું દ્વાર કહે છે, તેમનું મગજ વિકૃત છે, તેમનું મગજ દૂષિત છે, કદાચ એટલે જ લોકો તારા માટે આવા શબ્દો વાપરે છે. તમે લોકો (સ્ત્રીઓ) તો સ્વર્ગનું દ્વાર છો, તમારા સ્નેહના બંધનને ક્યારેય ઓછું આંકી શકાય નહીં. માનું સ્નેહ-બંધન ક્યારેય તુચ્છ હોઈ શકે નહીં. આ બંધનમાં બંધાયેલા લોકો ક્યારેય પોતાના પથથી ચ્યુત થઈ શકે નહીં.

ભોજન લેવાતું હતું એટલામાં દાદાજી ત્યાં આવી ગયા. તેમને જોઈને દાદીએ હસીને કહ્યું, ‘આપણી નવી વહુ, પ્રસવ વગર જ મા બની ગઈ છે. આપણે તો આપણા નાના પુત્રના પુત્રને પણ જોઈ લીધો. તેને તે (મારી ધર્મની મા) કેટલો પ્રેમ કરે છે! પોતાના સંતાન માટે એકદમ ઉન્માદિની જેવી રહે છે. રાત-દિવસ એના વિશે વિચારે છે અને એની ચિંતામાં રહે છે. છોકરો ખરેખર વહાલ ઊપજે તેવો છે, કેટલો સારો છે!’ તેમણે એક બીજી વાત પણ કહી હતી, ‘તને જોઈને જ જપ કરવાની ઇચ્છા થાય છે, અને મનમાં ને મનમાં જપ કર્યા કરું છું. પાછળથી જ્યારે મારું નામ ‘જપાનંદ’ થયું, તો વિચાર્યું, કેટલી નવાઈની વાત છે! પૂજ્ય મહારાજે (સ્વામી બ્રહ્માનંદ) મારું પહેલાં આપેલું નામ હતું (જે અન્ય દ્વારા નિર્ધારિત કરેલું હતું), તેને પોતે બદલી નાખેલું હતું. ઈ.સ. ૧૯૨૧માં જ્યારે મને સંન્યાસ પ્રાપ્ત થયો તે દિવસે ગંગાસ્નાન તથા પ્રણામ વગેરે કરીને હું જ્યારે નીચે ઊભો હતો, ત્યારે જ તેમણે ઓરડાની બહાર વરંડામાં આવીને મને સંબોધીને કહ્યું હતું, ‘મારી ઇચ્છા છે, તારું નામ હોય—જપાનંદ.’

બીજી વખત ગૃહત્યાગ (૧૯૧૬)

બીજી વખત, ઈ.સ. ૧૯૧૬માં હું ગૃહત્યાગ કરીને જઈ રહ્યો હતો ત્યારે મારી ધર્મની માની તબિયત ખૂબ ખરાબ હતી, બધા ચિંતિત હતા. મારા મનમાં ખૂબ ભીતિ હતી, ફરીથી મુજ અભાગીને એક માના જીવનનો અંત જોવો પડશે. મારા જેવા અભાગીએ તો ગૃહત્યાગ કરવો જ ઉચિત છે, સંન્યાસ માર્ગ જ સારો છે—આવા વિચારો તીવ્રતાથી મનમાં ઊઠી રહ્યા હતા. તેવામાં એક દિવસ વૃદ્ધ પિતાની સાથે બોલાચાલી થઈ ગઈ. સંધ્યા સમયે તેઓ દીવાનખાનામાં બેસીને જપ કરી રહ્યા હતા અને સાથે સાથે મારા નાના ભાઈના શિક્ષકની સાથે વિવિધ વિષયો ઉપર ચર્ચા પણ કરી રહ્યા હતા. હું બહાર ફરીને આવ્યો ત્યારે આ જોઈને મેં કહ્યું, ‘પિતાજી, સંધ્યા સમયે ભગવાનનું નામ લેતાં લેતાં આ બધી ચર્ચા શા માટે?’ છોભીલા પડી જઈ, તેઓ થોડી વાર મારી સામે જોતા રહ્યા, પછી કહ્યું, ‘તું તારું કામ કર.’

બસ, વધારે કંઈ કહ્યું નહીં. કહેવાની જરૂરિયાત પણ નહોતી. આ પહેલાં ક્યારેય મેં તેમની સાથે આ રીતે વાત કરી નહોતી, અને આમ કરવાનું મારામાં સાહસ પણ નહોતું. તેઓ પણ આ પહેલાં ક્યારેય ક્રોધિત થઈને, ઊંચા અવાજે મને બોલ્યા નહોતા.

પરંતુ, આજે આ શું થયું? ‘તું તારું કામ કર.’ સાચી વાત છે, મારા માટે આ જ વાત મહત્ત્વની છે કે હું પોતે શું કરી રહ્યો છું. બીજા લોકો શું કરી રહ્યા છે તે વિચારીને મારે પરેશાન થવાની શું જરૂર? આયુષ્ય વીતી રહ્યું છે. પરંતુ ‘મારું કામ’ શું છે તે બાબતમાં હું શું ઉપાય કરી રહ્યો છું, શું વિચારી રહ્યો છું, જીવનનો ઉદ્દેશ્ય સંન્યાસ છે તે તો ભૂલી જ ગયો છું! માનું સ્નેહ-બંધન છોડીને જવું જ પડશે. તેમની જે હાલત છે તે જોઈને તો લાગે છે કે કદાચ તે જ મને છોડીને ચાલી જશે. ના, ના. તેને તો હું મારી જવાની વાત કરી નહીં શકું. જગદંબાની ઇચ્છા પૂર્ણ હો. જાઉં છું, મા! જાઉં છું. આ સંસારમાં હવે વધારે નહીં રહું. માને દુઃખી કરવાનું પાપ લાગશે, તેને માટે અહીંથી દૂર જઈને પત્ર લખીને માફી માગી લઈશ, અથવા તો પ્રાર્થના કરીને મનથી ક્ષમા માગી લઈશ. તે મને જરૂર માફ કરી દેશે.

‘જ્યાં સુધી હું જીવિત છું, ત્યાં સુધી મારી પાસે રહે. મારા મૃત્યુ પછી તારે જે કરવું હોય તે કરજે.’ આવેગના સપાટામાં મારા વૃદ્ધ પિતાની આ વાણી મારા મનમાંથી લુપ્ત થઈ ગઈ હતી. બીજા દિવસે રવિવાર હતો. તે જ દિવસે બધું ત્યાગીને હું અજ્ઞાતના અસીમ પથ ઉપર ચાલી નીકળ્યો.

માનો મહિમા

અહીં એક-બે વાતો લખવાની ઇચ્છા થઈ રહી છે. શાસ્ત્રોમાં કહ્યું છે, ‘કોઈ પણ પ્રકારનું બંધન દુઃખદાયક તથા જન્મ-મરણના કારણ સ્વરૂપ છે.’ તેમાં કોઈ શંકા નથી, પરંતુ માના સ્નેહબંધનના ફળસ્વરૂપે જે દુઃખ મળે છે, તેમાં એક પ્રકારનો રસ છે, તેમાં નદીના પ્રવાહની જેમ આનંદ-ધારા છે. દુનિયામાં આવીને જેણે પણ તેની મીઠાશ, તેના મધુર આકર્ષણનો ઉપભોગ નથી કર્યો, તેનું જીવન વ્યર્થ છે, ખરેખર દુઃખદાયી છે. તે અભાગી વ્યક્તિ વિધાતાના અજ્ઞાત વિધાનના ફળસ્વરૂપે જીવનના એક મહાન પવિત્ર આનંદના રસાસ્વાદનથી વંચિત થયેલ છે.

મેં વિવાહ કર્યો નથી, એટલે દાંપત્યજીવનના પ્રેમાનંદની બાબતમાં મને કંઈ જ ખબર નથી. એટલે જ ઘણી વખત લાગે છે કે સભ્ય સમાજે કરેલ જૈવિક અથવા પ્રાકૃતિક પસંદગીનું એક સાંસ્કૃતિક રૂપ એ વિવાહ છે. વળી ક્યારેક વિચારું છું કે પરમેશ્વર જ સ્ત્રીની પ્રકૃતિનું અવલંબન કરીને, સ્ત્રી-પુરુષ વગેરે દૃશ્ય-રૂપ ધારણ કરીને પ્રેમ-લીલાનો અભિનય કરી રહ્યા છે. તેમાં જે આનંદ છે, મધુરતા છે, તેમાં સંદેહ જ ક્યાં છે? એ સિવાય સમગ્ર જગત પાગલ થઈને પ્રેમ-લીલામાં જ મતવાલું કેવી રીતે થાય? નિઃસંદેહ, આનો સંબંધ સૃષ્ટિના પ્રસાર સાથે જોડાયેલો છે.

એટલે જ ભાઈ-બહેન તેમજ મિત્રોના પ્રેમમાં દુઃખ હોવા છતાં એક પ્રકારનું અવ્યક્ત આકર્ષણ છે, આનંદ છે. માતા-પિતાનો સ્નેહ, ભાઈ-બહેનનો પ્યાર અને મિત્રોની પ્રીતિ—આ બધાં બંધન તો છે જ, પરંતુ ફૂલ-માળાના બંધન જેવાં છે. મનુષ્ય બધું જ છોડી શકે છે, પરંતુ આ બંધનને તોડી શકતો નથી. હું પણ તોડી શક્યો નહીં. જો કોઈ દાવો કરે કે તેણે આ સર્વ બંધન જડમૂળથી તોડી નાખ્યાં છે, તો તે પશુ સમાન છે; વિદ્વાન હોવા છતાં પણ પશુ છે—અને કદાચ આવું ન પણ હોય, તો એટલું તો હું ચોક્કસપણે કહી શકું કે તે મનુષ્ય તો નથી જ. (ક્રમશઃ)

Total Views: 9

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.