(7 સપ્ટેમ્બર, ગણેશ ચતુર્થી નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. કુ. સીમાબેન માંડવિયા, નિવૃત્ત પ્રાધ્યાપક, અંગ્રેજી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, ચાલીસ વર્ષ અંગ્રેજી શીખવી હવે બાળકો, યુવાનો તથા બહેનોની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાં છે. તેઓ રામકૃષ્ણ મઠ-મિશન તથા સારદા મઠ-મિશનની સાહિત્યિક પ્રવૃત્તિઓમાં કાર્યરત છે. – સં.)
સર્વમાન્ય દેવતા—શ્રીગણેશ
ગણેશ ચતુર્થી એટલે શ્રીગણેશ દેવતાનો આવિર્ભાવ દિવસ, જે આજે દેશ-વિદેશમાં ધામધૂમથી ઉજવાય છે. ખરેખર તો મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજના સમયથી ગણેશપૂજા શરૂ થઈ હતી. કેમ કે તે લોકોના ઇષ્ટદેવ ગણપતિ બાપા છે. તેથી ઘરે-ઘરે ભક્તિપૂર્વક તેમની પૂજા થતી. પરંતુ આ ઉત્સવને લોકપ્રિય તેમજ લોકભોગ્ય બનાવવામાં લોકમાન્ય ટિળકનો ફાળો ગણી શકાય. એ સમયે બ્રાહ્મણ અને અન્ય જાતિના લોકો વચ્ચે સંસ્કૃતિની એક ખાઈ થઈ ગઈ હતી. તે ખાઈને પૂરવા સર્વેને સંગઠિત થઈ અંગ્રેજ સરકાર સામે લડત માટે પ્રેરિત કરવા ઈ.સ. 1883થી ટિળકે ગણેશપૂજાને જાહેર વાર્ષિક મહોત્સવનું સ્થાન આપ્યું. આમ, ફક્ત ઘરમાં જ નહીં, પરંતુ શેરીએ શેરીએ દસ, સાત કે ત્રણ દિવસની પૂજાનું અનુષ્ઠાન શરૂ કર્યું, જેમાં છેલ્લા દિવસે વાજતે ગાજતે મૂર્તિ-વિસર્જન કરવામાં આવે. હવે તો સમગ્ર ભારતનાં બધાં રાજ્યોમાં આ મહોત્સવ આનંદભેર ઉજવાય છે. તો ચાલો, આપણે આ મહોત્સવ નિમિત્તે ગણેશજી વિશે થોડું ઘણું ચિંતન કરીએ.
આમ તો, ભારતમાં ગુપ્તવંશની શરૂઆતથી એટલે કે બીજી સદી પછી અને ત્યાર બાદ ચોથી-પાંચમી સદીથી ગણેશજીનું દેવતા તરીકે વિધિવત્ પૂજન શરૂ થયું હતું. વૈદિકકાળ અથવા તે પહેલાંથી જ એમનું નામ સંભળાતું. હિંદુ ધર્મમાં ગણેશજી વિશેના ગ્રંથોમાં ગણેશપુરાણ, મુદ્ગલપુરાણ અને ગણપતિ અથર્વશીર્ષ મુખ્ય છે. બ્રહ્મપુરાણ અને બ્રહ્માંડપુરાણમાં પણ ગણેશજીનો દેવતા તરીકે ઉલ્લેખ જોવા મળે છે.
નામનો મર્માર્થ
નામનો અર્થ જોઈએ તો ‘ગણેશ સહસ્રનામ’માં ગણેશજીનાં ગણપતિ, ગણનાથ, ગણરાજ વગેરે નામ છે. ગણનો શાબ્દિક અર્થ જન કે લોકસમૂહ અને ગણેશ એટલે ગણના ઈશ્વર, સ્વામી, નેતા કે રાજા. ગણેશ=ગણ+ઈશ. તાત્ત્વિક અર્થ લઈએ તો ગણ એટલે પંચતત્ત્વ, પંચમહાભૂત, પંચકર્મેન્દ્રિયો, પંચજ્ઞાનેન્દ્રિયો, ચાર અંત:કરણ અને મહત્ તત્ત્વ. ઈશ એટલે આ બધાના સ્વામી એટલે કે અંતરતમ આત્મા.
વેદોક્ત દેવતાઓમાં ત્રણ પ્રકારના ગણ આવે છે—અગ્નિગણ, વાયુગણ અને સૂર્યગણ. પૃથ્વીમાં અગ્નિગણ, અંતરિક્ષમાં વાયુગણ અને આકાશમાં સૂર્યગણ. આ બધા જ ગણના ઈશ એટલે ગણેશ. આ સર્વમાન્ય દેવતા ફક્ત ભારતમાં જ નહીં પરંતુ નેપાળ, શ્રીલંકા, ફિજી, થાઈલેન્ડ, બાલી, બાંગ્લાદેશ, સિંગાપુર, વગેરે પાડોશી દેશોમાં પણ પૂજાય છે. ગણેશજી સર્વ ભૌતિક તેમજ આધ્યાત્મિક વિઘ્નોને દૂર કરનાર હોવાથી બધાં માંગલિક કાર્યોમાં એમનું પ્રથમ આવાહન કરવામાં આવે છે. તેઓ બુદ્ધિપ્રકાશક પણ હોવાથી અધ્યયનની શરૂઆત પણ તેમની પૂજાથી થાય છે. શાસ્ત્રીય નૃત્યોમાં પણ તેમનું સ્થાન અગ્રિમ છે.
જન્મ વિશેની દંતકથા
મત્સ્યપુરાણમાં શિવપાર્વતીના પુત્ર તરીકે ગણેશજીના જન્મ તરીકે સર્વવિદિત કથા જોવા મળે છે. ભગવાન શિવ તપસ્યારત રહેતા હોવાથી પાર્વતીને એકલવાયું ન લાગે તેથી તેમણે પોતાના દેહના મેલમાંથી બાળકમૂર્તિ બનાવી તેમાં પ્રાણ પૂર્યા. એક વાર સ્નાન કરતી વખતે તેમણે ગણેશને દ્વારપાળ તરીકે બહાર બેસાડ્યા. હિમાલયમાં શિવજીની સમાધિ ભંગ થતાં તેમણે કૈલાસ તરફ પ્રયાણ કર્યું. કક્ષની બહાર બેઠેલા ગણેશજીએ તેમને ગૃહપ્રવેશ કરતાં રોક્યા. બંને વચ્ચે યુદ્ધ થયું. માતાની શક્તિ વડે તેમણે શિવને લગભગ પરાસ્ત કરી દીધા. શિવજીએ ક્રોધના આવેશમાં આવીને અમોઘ ત્રિશૂળનો પ્રહાર કર્યો અને બાળકનું મસ્તક છેદી નાખ્યું. માતા પાર્વતીએ સ્નાન બાદ આ બધું જોઈને કલ્પાંત કરતાં કરતાં શિવજીને વિનંતી કરી કે આ બાળકને સજીવન કરો. પોતાની ભૂલ સમજાતાં શિવજીએ પોતાના ગણોને આદેશ આપ્યો, ‘જાઓ, માર્ગમાં જે પ્રથમ મળે તેનું મસ્તક લઈ આવો.’ ગણો તરત રવાના થયા અને હાથીનું મસ્તક લઈ આવ્યા. શિવજીએ એ મસ્તક ગણેશજી પર બેસાડીને તેમને સજીવન કર્યા અને શિવજીએ તેમને વરદાન આપ્યું, ‘શુભ કાર્યોમાં સર્વ પ્રથમ પૂજા તમારી થશે. ત્યાર બાદ જ બીજા દેવતાઓ પૂજા સ્વીકારશે.’
કથાનો મર્મ જોઈએ તો, પાર્વતીના દેહનો મેલ એટલે અજ્ઞાન. શિવ જ્ઞાનના પ્રતીક છે. અજ્ઞાનથી જ્ઞાનને ન જાણી શકાય. માટે, જ્ઞાનરૂપી શિવે અજ્ઞાનરૂપી ગણેશનું મસ્તક છેદી નાખ્યું અને તેને સ્થાને જ્ઞાનશક્તિ અને કર્મશક્તિરૂપી ગજરાજના મસ્તકનું સ્થાપન કર્યું.
આમ, ઋષિમુનિઓ આવી કથાઓ દ્વારા જનસાધારણને અજ્ઞાનથી જ્ઞાન તરફ, સાકારથી નિરાકાર તરફ દોરી જાય છે. આથી શંકરાચાર્યે ગણેશ સ્તુતિમાં ‘અજં નિર્વિકલ્પં નિરાકારમેકં’ ગણાવ્યા છે. પરંતુ પુરાણો પ્રતીકાત્મક કથાઓ દ્વારા તથ્યને લોકમાનસમાં ઉતારે છે. બંગાળમાં ગણેશજીને કેળના વૃક્ષ સાથે સાંકળે છે, જેને ‘કોલાબહુ’ કહે છે. પૂજા વખતે ભવનના દ્વાર પર મંગલ ઘટમાં કેળનાં પાન મૂકવામાં આવે છે.
ગણેશ-ચરિત્રની દસ હકીકતો
બંગાળમાં થતી દુર્ગાપૂજા વખતે ગણેશને સહપરિવાર પૂજવામાં આવે છે. આ પરિવાર એટલે શિવજી (પિતા), પાર્વતી (માતા), લક્ષ્મી અને સરસ્વતી (બહેનો) તથા કાર્તિકેય (ભાઈ).
તુલસીપત્રને પવિત્ર ગણવામાં આવે છે. વિષ્ણુપૂજામાં તે અનિવાર્ય ગણાય છે. એક દંતકથા પ્રમાણે ગણેશજી સાથે તુલસીજીને વિવાહ કરવા હતા, પરંતુ ગણેશજીએ ઇન્કાર કરતાં તુલસીજીએ શાપ આપ્યો. એટલે ગણેશપૂજામાં તુલસીને વર્જિત ગણવામાં આવે છે.
ગણેશજીને રક્તવર્ણ પ્રિય હોવાથી તેઓની પૂજામાં રક્તચંદન, રક્તપુષ્પ અને દૂર્વાનો ઉપયોગ થાય છે.
ગણેશજીની બુદ્ધિમત્તા જોઈને બ્રહ્માજીએ વેદવ્યાસને તેમના મહાન ગ્રંથ મહાભારતના લહિયા તરીકે ગણેશજીનું નામ સૂચવ્યું હતું.
ગણેશજીનું મોટું પેટ હોવાથી તેમને લંબોદર પણ કહેવાય છે. લંબોદર એટલે કે ઉદારતા અને સંપૂર્ણ સ્વીકારનું પ્રતીક છે. બ્રહ્માંડપુરાણ મુજબ સમગ્ર બ્રહ્માંડ ગણેશજીના ઉદરમાં સમાયેલ છે. તેથી જ તેમના ઉદર ફરતે સર્પ વીંટળાયેલ છે. સર્પ બ્રહ્માંડની શક્તિ, કુંડિલનીનું પ્રતીક છે. ગણેશપુરાણ અનુસાર મૂલાધાર ચક્રનું એક નામ ગણેશ છે.
મોટા કાન એટલે વધુ સાંભળવું અને નાનું મુખ એટલે ઓછું બોલવું. ઝીણી આંખો એટલે એકાગ્રતા અને એકદંત એટલે બલિદાન.
ગણેશજીના કેટલાક વિગ્રહમાં બે-ચાર કે સોળ હાથ દર્શાવ્યા હોય છે, જેનો મર્માર્થ છે એકલા હાથે કામ પાર પાડવાં. હાથમાં રહેલ અંકુશ આપણને ઇચ્છાઓ પર નિયંત્રણ રાખવાનું સૂચવે છે. વરદ હસ્ત ભક્તોને અભય આપે છે.
ગણેશજીનું વાહન છે મૂષક, જે આપણને ધરતી સાથે જોડાયેલા રહેવાનું સૂચવે છે. મૂષકનું મુખ્ય કાર્ય છે, કોઈ પણ વસ્તુને કાતરવાનું. તે આપણી માયાજાળને કાપે છે અને ગણેશજી સુધી પહોંચાડે છે.
ગણેશજીનું મુખ ગજરાજનું છે. ગજરાજ બુદ્ધિ, ડહાપણનું પ્રતીક ગણાય છે. તે માર્ગમાં આવતા ગમે તેવા વિરાટ અવરોધોનો સામનો કરે છે અને તેને ઓળંગી જાય છે.
ત્રિપુરાસુરની સાથે શિવજીનું યુદ્ધ થયું ત્યારે આકાશવાણી થઈ, ‘પહેલાં ગણેશજીની પૂજા કરો, તો જ આ અસુરનો નાશ થશે.’ શિવજીએ ભદ્રકાલીનું આવાહન કરીને ગજાનનની પૂજા કરી. અંતે તેઓએ ત્રિપુરાસુરનો ધ્વંસ કર્યો.
ગણેશજીના ચરિત્રમાંથી મળતો બોધ
ફરજનિષ્ઠા – માતાની આજ્ઞાને શિરોધાર્ય કરીને તેમણે દ્વારપાળ તરીકે ફરજ બજાવતાં શિવજી સાથે યુદ્ધ કરીને પોતાનું મૃત્યુ સુધ્ધાં વહોરી લીધું. આવી આજ્ઞાંકિતતા અને કાર્યનિષ્ઠાની તાતી આવશ્યકતા છે.
બુદ્ધિચાતુર્ય – શંકર-પાર્વતીએ કાર્તિકેય અને ગણેશજીને કહ્યું, ‘બ્રહ્માંડની ત્રણ પ્રદક્ષિણા કરીને જે પ્રથમ આવે તેને જ્ઞાનરૂપી ફળ મળશે.’ કાર્તિકેય તો પોતાના વાહન મયૂર પર સવાર થઈને પ્રદક્ષિણા કરવા ઊપડી ગયા. ચતુર ગણેશે જ્ઞાનચક્ષુથી શિવ-પાર્વતીના દેહમાં ચરાચર જગત જાણીને તેમની ત્રણ વખત પ્રદક્ષિણા કરી અને જ્ઞાનરૂપી ફળ પ્રાપ્ત કર્યું. આમ, માતા-પિતામાં જ સર્વ દેવદેવી તથા ચૌદ ભુવન વિદ્યમાન છે. એમની સેવા એ જ ઈશ્વરસેવા, દેવસેવા. માતા-પિતાની સેવાને અવગણતા વર્તમાન સમાજે આમાંથી મહાન બોધપાઠ શીખવા જેવો છે.
ગર્વભંજન – ધનકુબેરને પોતાની અપાર ધનસંપત્તિનો મદ હતો. ઐશ્વર્યનું પ્રદર્શન કરવા તેમણે શિવ-પાર્વતીને ભોજન માટે નિમંત્રણ આપ્યું. તેમનો દુરાશય જાણી લઈને તેમણે પુત્ર ગણેશને કુબેરને ત્યાં પાઠ ભણાવવા મોકલ્યા. ગણેશજી તો કુબેરનો લગભગ બધો ભંડાર આરોગી ગયા અને છતાંય ભૂખ્યા ને ભૂખ્યા! ધનકુબેરનો અહંકાર ચૂર્ણ થયો. માતા પાર્વતી પાસે જઈને કુબેરે આ પ્રશ્નનું સમાધાન પૂછ્યું. માતાએ વાત્સલ્યપૂર્વક બનાવેલી ખીર ગણેશને આપવા કહ્યું. ખીર આરોગીને ગણેશજી તૃપ્ત થયા. આમ, ગણેશજીએ ઐશ્વર્ય અંગેના ધનકુબેરના અહંકારનું ભંજન કર્યું.
ક્ષમા-પ્રદાન – કુબેરને પાઠ ભણાવતી વખતે ગણેશજીનું ઉદર જોઈને ચંદ્રમાએ એમની હાંસી ઉડાવી. રુષ્ટ થઈને ગણેશજીએ ચંદ્રમાને અદૃશ્ય થવાનો શાપ આપ્યો. ચંદ્રમાને પોતાની ભૂલનું ભાન થયું. દેવતાઓની વિનવણીથી ગણેશજીએ ચંદ્રમાને કહ્યું, ‘પૂર્ણિમા બાદ ધીમે ધીમે તારો ક્ષય થશે અને અંતે અમાસને દિવસે સંપૂર્ણ લોપ થશે, ત્યાર બાદ પૂર્ણિમા સુધીમાં તું ક્રમશ: પુન: વૃદ્ધિ પામીશ.’ એટલે જ શાસ્ત્રમાં કહેવાયું છે કે ક્ષમા વીરસ્ય ભૂષણમ્.
કાર્ય-પ્રતિબદ્ધતા – મહર્ષિ વેદવ્યાસને મહાભારતના લેખન માટે ઉચ્ચકક્ષાના લહિયાની આવશ્યકતા હતી. બ્રહ્માજીએ તેમને ગણેશજીની મદદ લેવા કહ્યું. ગણેશજી મહાભારતને લિપિબદ્ધ કરવા તૈયાર તો થયા પણ શરત મૂકી, ‘તમારે મને અટક્યા વગર લખાવવું પડશે.’ વ્યાસમુનિએ પણ પ્રતિશરત કરી, ‘તમારે પ્રત્યેક શ્લોકનું સમજપૂર્વક આલેખન કરવું પડશે.’ આમ, લેખનકાર્ય શરૂ થયું. લખતાં લખતાં એક વખત લેખિની તૂટી જતાં ગણેશજીએ પોતાનો એક દંતશૂળ તોડીને એના વડે લેખનકાર્ય અવિરત રાખ્યું. આમ તેઓનું એક નામ પડ્યું, ‘એકદંત.’
શિવશક્ત્યાત્મક જગત
કિશોરવયમાં ગણેશે એક દિવસ રમત રમતમાં એક બિલાડીને લોહીલુહાણ કરી મૂકી ત્યાર બાદ ગણપતિ પોતાની માતા શ્રીપાર્વતીદેવીની પાસે ગયા. ત્યાં તેમણે જોયું કે માતાના દેહ પર મારનાં નિશાન છે. માતાને આમ થવાનું કારણ પૂછયું. ત્યારે માતાએ કહ્યું, ‘‘તું જ તો મારી આવી દુર્દશાનું કારણ છે.’’ માતૃભક્ત ગણેશને નવાઈ લાગી અને કહ્યું, ‘‘તું કેવી વાત કરે છે, મા! મેં વળી તને ક્યારે મારી?’’
જગન્મયી પાર્વતીદેવીએ કહ્યું, ‘‘કોઈ જીવને આજે તેં માર માર્યો છે ખરો?’’ ગણપતિ બોલ્યા, ‘‘હા, થોડી જ વાર પહેલાં એક બિલાડીને મારી હતી.’’
બિલાડીના માલિકે માતાની આવી દશા કરી હશે એમ વિચારીને ગણેશજી રડવા લાગ્યા. પસ્તાઈ રહેલા બાળકને શ્રીજગજજનનીએ કહ્યું, ‘‘એવું નથી, બેટા, તારી સામે રહેલા મારા આ દેહને કોઈએ માર નથી માર્યો, પરંતુ હું પોતે જ બિલાડી અને બીજાં તમામ પ્રાણીઓ રૂપે સંસારમાં વિચરણ કરું છું. તેથી તારા મારનાં ચિહ્નો મારા શરીર ઉપર દેખાય છે. શિવ અને શક્તિ સિવાય જગતમાં કોઈ કશું પણ નથી.’’
ગણપતિ શુભ કાર્યમાં વિઘ્નહર્તા અને અશુભ કાર્યમાં વિઘ્નકર્તા છે. આજે દરેક હિંદુ પરિવારમાં શુભ પ્રસંગે રિદ્ધિ-સિદ્ધિના દાતા ગણેશજીની પૂજા-અર્ચના કરવામાં આવે છે.
Your Content Goes Here