(સ્વામી આત્માનંદજી મહારાજ રચિત હિન્દી પુસ્તક ‘ગીતાતત્ત્વ-ચિંતન’ના એક અંશનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ આપની સમક્ષ પ્રસ્તુત છે. – સં.)

ગીતાનું ધ્રુવપદ

ગીતા મનુષ્યને સંસારમાં કેવી રીતે રહેવું તે શીખવે છે. સંસારરૂપી કાજળની કોટડીમાં રહીને કાજળની કાલિમાથી કેવી રીતે બચી શકાય, તે ગીતાનો બોધ છે. આપણે સંસારમાં જ રહેવાનું છે. ભલે કેટલોક સમય આપણે નિર્જનસ્થળે જતા રહીએ, કોઈ ગાઢ જંગલમાં જઈને ગુફામાં બેસીને કેટલાક દિવસો વિતાવીએ, પરંતુ છેવટે તો આપણે ફરીથી સંસારના કોલાહલમાં પાછું આવવાનું જ છે. આ સંસાર જ મોહનું રૂપ છે અને આ મોહની વચ્ચે રહીને આપણે પોતાની જાતને મોહથી બચાવવાની છે. ગીતાના માધ્યમથી ભગવાન શ્રીકૃષ્ણ આ જ બોધ આપે છે કે—મોહમાં રહીને મોહથી નિર્લિપ્ત કેવી રીતે થવું. એટલે જ તો તેઓ અર્જુનને વારંવાર યુદ્ધ કરવાની પ્રેરણા આપે છે. તેઓ તેને એક બાજુ આત્માનો ઉપદેશ આપે છે અને કહે છે, ‘અર્જુન! આત્મા અજન્મા અને અવિનાશી છે.’ અદ્વૈતનો બધો જ નિચોડ અર્જુનની સામે રાખે છે અને કહે છે—“युद्धस्व”.

આ જ ગીતાનું ધ્રુવપદ છે. ભલે આત્માનો ઉપદેશ હોય કે લૌકિક દૃષ્ટિએ વિચાર હોય, પ્રત્યેક આવા વિચાર માટે શ્રીકૃષ્ણના મુખેથી અર્જુન માટે આ જ ધ્રુવપદ સંભળાય છે. જરા જોઈએ—

अन्तवन्त इमे देहा नित्यस्योक्ता: शरीरिण:।
अनाशिनोऽप्रमेयस्य तस्माद्युध्यस्व भारत॥

‘અવિનાશી અપ્રમેય (પ્રત્યક્ષાદિ પ્રમાણોથી અગોચર), નિત્ય એવા દેહધારી-આત્મા-નાં બધાં શરીરો નાશવંત છે. તેથી હે ભરતવંશી, તું યુદ્ધ કર.’

स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि।
धर्म्याद्धि युद्धाच्छ्रेयोऽन्यत्क्षत्रियस्य न विद्यते॥

‘પોતાના ધર્મને જોઈને પણ તું વિચલિત થવા યોગ્ય નથી. કારણ કે ક્ષત્રિય માટે ધર્મયુદ્ઘથી વધારે બીજું કંઈ કલ્યાણકારી નથી.’

यदृच्छया चोपपन्नं स्वर्गद्वारमपावृतम्।
सुखिन: क्षत्रिया: पार्थ लभन्ते युद्धमीदृशम्॥

‘હે પાર્થ, એની મેળે જ આવી મળેલ અને સ્વર્ગનાં ખુલ્લાં બારણાં જેવું આવું યુદ્ધ તો સુખી (ભાગ્યવંત) ક્ષત્રિયો જ પ્રાપ્ત કરે છે.’

हतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्ष्यसे महीम्।
तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चय:॥

‘(યુદ્ધમાં) જો તું માર્યો ગયો, તો સ્વર્ગ પામીશ. અથવા જીતીને પૃથ્વીને ભોગવીશ. એથી હે કુંતીપુત્ર, યુદ્ધ માટે નિશ્ચય કરવાવાળો થઈને તું ઊભો થઈ જા.’

सुखदु:खे समे कृत्वा लाभालाभौ जयाजयौ।
ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि॥

‘સુખ-દુઃખ, લાભ-હાનિ, જય-પરાજયને સમાન માનીને પછી યુદ્ધમાં જોડાઈ જા. આ રીતે (યુદ્ધ કરવાથી) તું પાપ પ્રાપ્ત નહિ કરે.’

मयि सर्वाणि कर्माणि संन्यस्याध्यात्मचेतसा।
निराशीर्निर्ममो भूत्वा युध्यस्व विगतज्वर:॥

‘આત્મામાં પ્રતિષ્ઠિત થયેલા ચિત્તથી બધાં કર્મો મને અર્પણ કરીને ફલાશા, મમત્વ અને સંતાપરહિત તું યુદ્ધ કર.’

तस्मात्सर्वेषु कालेषु मामनुस्मर युध्य च।
मय्यर्पितमनोबुद्धिर्मामेवैष्यस्यसंशयम्॥

‘એટલે બધા વખતે તું મારું સ્મરણ કર અને યુદ્ધ કર. મને અર્પિત કરેલા મનવાળો—બુદ્ધિવાળો તું અવશ્ય મને જ પામીશ.’

द्रोणं च भीष्मं च जयद्रथं च
कर्णं तथान्यानपि योधवीरान्।

मया हतांस्त्वं जहि मा व्यथिष्ठा
युध्यस्व जेतासि रणे सपत्नान्॥

‘દ્રોણ, ભીષ્મ, જયદ્રથ અને કર્ણને તેમજ અન્ય યોદ્ધાઓને મેં હણી જ નાખ્યા છે. તેમને તું હણી નાખ, વ્યથિત ન થા; યુદ્ધ કર, યુદ્ધમાં તું શત્રુઓને જીતીશ.’

આને જ આપણે ગીતાનું ધ્રુવપદ કહ્યું છે. જો યુદ્ધ કરવા આવ્યા છો, તો મોઢું ન ફેરવો. યુદ્ધભૂમિમાં પીછેહઠ ન કરો. આપણે પણ અર્જુનની જેમ યુદ્ધમાં રત છીએ. જેમ અર્જુન બે સેનાઓની વચ્ચે ઊભો હતો, તે જ રીતે આપણે પણ બે સેનાઓનો સામનો કરી રહ્યા છીએ. આપણી અંદર સતત મહાભારત ચાલી રહ્યું છે. અર્જુનનું મહાભારત તો અઢાર દિવસમાં પૂરું થઈ ગયું હતું, પરંતુ આપણી અંદરનું મહાભારત કોણ જાણે કેટલાય જન્મોથી અવિરત ચાલી રહ્યું છે! આપણી ભીતર બે સેનાઓ છે—એક છે દેવતાઓની સેના એટલે કે શુભ પ્રવૃત્તિઓની સેના અને બીજી છે અસુરોની સેના અર્થાત્‌ અશુભ પ્રવૃત્તિઓની સેના. દેવાસુર સંગ્રામ દરેક મનુષ્યના અંતરમાં ચાલે છે અને આપણે અર્જુનની જેમ વચ્ચે ઊભા છીએ. ભલાઈ અને દ્વેષની વચ્ચેનો આ સંગ્રામ ક્ષણ-પ્રતિક્ષણ ચાલી રહ્યો છે. આપણી અંદર આત્માનો અવાજ ઊઠે છે, પછી શેતાનનો અવાજ આવે છે. આત્માનો અવાજ આપણને ગેરમાર્ગે જતા રોકે છે, આપણને સાવધાન કરે છે કે ક્યાંક આપણે અસુરોની ચુંગાલમાં ન સપડાઈ જઈએ. તે આપણું યોગ્ય માર્ગદર્શન કરે છે.

પરંતુ શુભનો—આત્માનો આ અવાજ બહુ ધીમો હોય છે. જ્યારે બીજી તરફ, અશુભ જાણે બુલંદ અવાજે આપણને કહે છે, ‘અરે, આ શું નીતિપરાયણતાની રટ લગાવીને બેઠો છે! સંસારમાં ભલાઈ ક્યાંય છે શું? છળ-પ્રપંચ, કપટ-દ્વેષનું નામ જ સંસાર છે. જો આગળ વધવું હોય તો બીજાઓની સાથે કપટ કરો. જો સંસારમાં રહેવું હોય તો બીજાઓની સાથે બનાવટ કરો, બધા સાથે છેતરપિંડી કરો, કોઈ પણ પ્રકારે પોતાની વાત સાચી ઠેરવો.’ અને આપણે આ બન્ને અવાજની વચ્ચે, અર્જુનની જેમ ભ્રમિત થઈને ઊભા રહીએ છીએ, કશી સમજ પડતી નથી.

પરાણે આપણા પગ અસુર-સેના તરફ ખેંચાવા લાગે છે. ત્યારે મનના કોઈ અજ્ઞાત ખૂણામાંથી એક ધીમો સ્વર સંભળાય છે, ‘હું તારો શુભાકાંક્ષી છું. હું તારી અંદરનું શુભ છું, દેવતા છું; ભલે અત્યારે શિથિલ છું, પણ હું સંપૂર્ણ સૂતેલો નથી. જે માર્ગે તમે ડગ માંડી રહ્યા છો, તેનાથી તમારું અહિત જ થશે.’ ત્યારે આપણા પગ થંભી જાય છે, હૃદયમાં મંથન થવા લાગે છે. એક તરફ સંસારનાં સોનેરી સ્વપ્નો, આકર્ષક પ્રલોભનો, આનંદ-પ્રમોદનું જીવન, ઇન્દ્રિયોને ઉત્તેજિત અને તૃપ્ત કરવાનાં સાધનો, અને બીજી તરફ જીવનનાં શાશ્વત મૂલ્યોની ઝાંખી, ઇન્દ્રિયો અને મનના સ્વામી બનવાનું દૃશ્ય, ત્યાગ અને સંયમિત જીવન. આ બંને વચ્ચે આપણે વલોવાતા રહીએ છીએ.

ગીતાના ઉપદેશનો લાભ કોને

અહીંથી જ આપણી સાધનાની શરૂઆત થાય છે અને આપણે ગીતાનો ઉપદેશ સાંભળવાના અધિકારી બનીએ છીએ. સાધક તે છે, ગીતાનો ઉપદેશ સાંભળવાનો અધિકારી એ છે, જેને ભીતરમાં આ બન્ને અવાજ સંભળાય છે અને જે ખોટા માર્ગને છોડીને સાચા માર્ગ પર જવા ઇચ્છે છે. આમ તો ગીતાનું પુસ્તક પાંચ પૈસામાં ઉપલબ્ધ છે. કોઈ પણ વ્યક્તિ તે ખરીદીને વાંચી શકે છે. પરંતુ કોઈ ગ્રંથને ફક્ત વાંચી જવાથી જ તેના મર્મને સમજવાની યોગ્યતા પ્રાપ્ત નથી થઈ જતી. ગીતા કે ધર્મશાસ્ત્ર, જે દાનવના અવાજમાં વહી જાય છે, પોતાને અશુભ પ્રવૃત્તિઓમાં જોડે છે; તેના માટે નથી. ગીતા તો તેના માટે છે, જેની અંદરનો દેવતા, શુભભાવ જાગી ઊઠ્યો છે. આ ભાવને દૃઢ કરવો એ જ ગીતાનું પ્રયોજન છે.

જેની અંદર આ શુભભાવને દૃઢ કરવાની ઇચ્છા જાગી ઊઠી છે, તેઓ વિવેકી છે, બુદ્ધિમાન છે અને એટલા માટે જ ગીતારૂપી દુગ્ધામૃતનું પાન કરવાના અધિકારી છે. યુદ્ધભૂમિમાં અર્જુનના મનમાં અચાનક આ મંથન શરૂ થઈ ગયું. જે ખળભળાટ તેના જીવનમાં ક્યારેય નહોતો આવ્યો, તે સમરાંગણમાં બળપૂર્વક ઊભરી આવ્યો. દાનવ દેવતાનું મહોરું પહેરીને તેના મનઃચક્ષુની સમક્ષ ઊભો થઈ જાય છે અને તેને કહે છે, ‘પોતાના હાથે જ પોતાના આત્મીયજનોને મારીશ? તારા પૂજ્ય ગુરુજનોનો વધ કરીશ? અરે, જો કૌરવ રાજા બની જશે તો એમાં શું થઈ ગયું? અંતે તો તેઓ તારા ભાઈઓ જ છે!’ અને અર્જુન આ દ્વંદ્વમાં ફસાઈ જાય છે. તે ભૂલી જાય છે કે કૌરવસેના અન્યાયનું પ્રતિનિધિત્વ કરે છે. તે યુદ્ધ છોડીને ભિક્ષા દ્વારા જીવન વ્યતીત કરવાની વાત કરવા માંડે છે. બસ, તેની અંદર મંથન શરૂ થઈ ગયું અને તે ગીતાનો ઉપદેશ સંભાળવાનો અધિકારી બની ગયો.

Total Views: 11

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.