(હિન્દી માસિક ‘વિવેક જ્યોતિ’ના જૂન, ૨૦૨૩ના અંકમાં પ્રકાશિત સ્વામી ચેતનાનંદજી સંકલિત (મૂળ બંગાળી પુસ્તક-પ્રાચીન સાધુદેર કથા) સ્વામી ધીરેશાનંદ અંગેનાં સંસ્મરણોનો શ્રી પ્રકાશભાઈ હાથીએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -સં.)

મેં કાશીમાં ગુરુદાસ ગુપ્તને જોયા છે, પરંતુ કોઈ વાતચીત નહોતી થઈ. તેઓ પણ કાશી સેવાશ્રમના ૧૦ નંબરના વોર્ડમાં રહેતા હતા. કાશીના અદ્વૈત આશ્રમની પરસાળમાં વરિષ્ઠ સંન્યાસીઓ સંસ્મરણો જણાવતા હતા. ગુરુદાસ બાબુ તે બધું સાંભળી ઓરડામાં આવી લખતા હતા. ઠાકુરના સંન્યાસી શિષ્યો અને ગૃહસ્થ શિષ્યોની જુદી-જુદી કોપી હતી. તે બધી રોજનીશી તેમણે મૃત્યુ પહેલાં ધીરેશાનંદજી મહારાજને આપી હતી અને બાદમાં તે સઘળી મેં કાશી જઈ સ્વામી રઘુવરાનંદજીની પાસેથી લીધી હતી. ગુરુદાસ બાબુના સંબંધે મહારાજે મને ૨૪.૧૧.૧૮૮૧ ના રોજ લખ્યું હતુંઃ ‘ઠાકુરના શિષ્યોના સંદર્ભમાં ગુરુદાસ બાબુ દ્વારા લખાયેલી (પ્રકાશિત-અપ્રકાશિત) ઘણી બધી કોપી તેમના મૃત્યુ પછી મારી પાસે છે. તેમને તો જાણો છો? નરૈલ કોલેજમાં ગણિતના અધ્યાપક હતા. આજીવન બ્રહ્મચારી અને સ્વામી સારદાનંદજી મહારાજના કૃપાપ્રાપ્ત પ્રિય શિષ્ય, આજીવન સાધન-ભજનશીલ, સુપંડિત, મધુરભાષી, ગુરુદાસ બાબુમાં ઘણા બધા સદ્‌ગુણો હતા. અંતે ઘણાં વર્ષ કાશીમાં જીવન વિતાવી બાબા વિશ્વનાથના ચરણોમાં સમર્પિત થઈ ગયા.’

આ સઘળી મૂલ્યવાન રોજનીશી મને They lived with God, God lived with Them તથા ઉદ્બોધન દ્વારા પ્રકાશિત ઠાકુરના શિષ્યોની સ્મૃતિમાળા લખવામાં ઘણી જ મદદરૂપ થઈ. આપણા સમયના કોઈએ પણ ઠાકુરના શિષ્યોને જોયા નથી. પરંતુ તેમના શિષ્યો અને ભક્તોના પ્રત્યક્ષ વિવરણે આપણને તે લોકોના વિષયમાં ઘણું જણાવ્યું છે. આ સર્વ સંન્યાસીઓની સ્મૃતિકથા લખતી વખતે એવું થાય છે કે, કદાચ એ વરિષ્ઠ સંન્યાસીગણ રોજનીશી લખીને રાખત, તો આપણે સૌ ઠાકુર, શ્રીમા અને તેમના સંન્યાસી શિષ્યોની કેટલીય વાતો જાણી શકત. ‘ગતસ્ય સોચના નાસ્તિ—વીતી ગયેલાને યાદ કરવું નહીં.’ આપણે જે સંગ્રહ કર્યો, તેનાથી જ સંતોષ માનવો રહ્યો.

મહારાજે મને ઘણા પત્રો લખ્યા હતા. તે સઘળા પત્રોમાં ઘણો જ હૃદયંગમ ઉપદેશ, શાસ્ત્રવાક્ય તથા સાધનાના સંકેત હતાં. અહીં કેટલાક પત્રોનો સાર આપી રહ્યો છું.

૩૦.૩.૧૯૮૧,  કાશી સેવાશ્રમ

એક વરિષ્ઠ સાધુ પાસેથી સાંભળેલ એક ઉપદેશ તને ભેટ સ્વરૂપે આપી રહ્યો છું:

લોકો સાપ અને નોળિયાની રમત જુએ છે. નોળિયો સાપને કરડે છે અને સાપ નોળિયાને કરડે છે. સાપના કરડે એટલે નોળિયો જલદીથી નાસી જાય છે અને પાછો પણ ફરે છે. લોકો કહે છે તેમ તે સમયે નોળિયો જંગલમાં જઈ કોઈ જડીબુટ્ટી (વન્ય વનસ્પતિ) સૂંઘી લે છે, જેનાથી સાપના ઝેરનો પ્રભાવ દૂર થઈ જાય છે. નોળિયો એટલે જ્ઞાની. વહેવારમાં જ્ઞાનીનું કોઈ અપમાન કરે છે અથવા અન્ય કોઈ મુસીબત આવે ત્યારે જ્ઞાની આત્મજ્ઞાનરૂપી જડીબુટ્ટીને સૂંઘીને વિક્ષેપ પમાડે તેવી વિષક્રિયાથી મુક્ત બની જતો હોય છે. જ્યારે ચિત્ત બહિર્મુખ બનીને વિક્ષિપ્ત થાય ત્યારે જ્ઞાની અંતર્મુખ બની નોળિયા સમાન આત્મજ્ઞાનરૂપી જડીબુટ્ટીનો સહારો લઈને રહે છે. તેના પ્રભાવથી વહેવારમાં આવતા વિક્ષેપનો પ્રભાવ વધુ રહેતો નથી. જ્યાં સુધી શરીર છે, તેટલા દિવસ વહેવાર ચાલતો રહે છે અને તેની ક્રિયા-પ્રતિક્રિયા પણ રહેતી હોય છે. ત્યારે ચિત્તમાં વિક્ષેપ પણ રહેશે, કારણ કે ચિત્તનો આ જ સ્વભાવ છે. પરંતુ આત્મજ્ઞાન રૂપી જડીબુટ્ટીથી ભય કઈ વાતનો? કોઈ પણ વિષ (વિરુદ્ધ કાર્ય) તેને ઘાયલ નહીં કરી શકે. હું આત્મા છું, દૃશ્ય મિથ્યા—એક પ્રતીતિમાત્ર—આભાસી છે. એક હું જ વિવિધ દૃશ્યના રૂપમાં પ્રતીત થઈ રહ્યો છું. ભ્રમણા સમયે જ દોરીમાં સાપ દેખાય છે. દોરડામાં જ સાપ છુપાયેલ છે તથા સર્પમાં જ દોરડું સમ્મિલિત છે. એટલે દોરડું જ ફક્ત સર્પના રૂપમાં જણાઈ રહ્યું છે. सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि’. (૬.૨૯) આ શ્લોકનું આ જ તાત્પર્ય છે. એટલે કે ઠાકુરની એક લીલા વિશ્વમાં ચાલી રહી છે. તેઓ જ સર્વરૂપોમાં પ્રતીત થઈ રહ્યા છે. આ જ એક મહાનાટક છે.

૨૪.૧૧.૧૯૮૧, કાશી સેવાશ્રમ

જગતનાં કેટ-કેટલાંય ચિત્ર દરરોજ આપણી સમક્ષ આવે છે અને અદૃશ્ય પણ થઈ જાય છે. ઉત્તરાખંડી એક સાધુ બાયોસ્કોપનું દૃષ્ટાંત આપી સુંદર વાત કરતા. એવું દૃષ્ટાંત કે જ્યાં સ્વપ્ન નથી, કારણ કે બાયોસ્કોપ જાગ્રત અવસ્થામાં જ જોઈ શકાય છે. પડદા ઉપર કેટલાંય દૃશ્યો છે—વર્ષા થઈ રહી છે—આગ લાગી છે—આથી પદડો ન ભીનો થયો કે ન બળી ગયો. આ જ રીતે શુદ્ધ પડદો થયો શુદ્ધ બ્રહ્મ સમાન. બુદ્ધિ મશીન છે, પટ્ટીમાં નાનાં નાનાં ચિત્રો છે તે વાસના છે અને વીજળીનો પ્રકાશ તે માયા. જે રીતે પ્રકાશથી જ નાનાં નાનાં ચિત્રો પડદા ઉપર મોટાં દેખાય છે આ જ પ્રમાણે માયાની જ અચિંત્ય શક્તિથી બુદ્ધિમાં સ્થિર થયેલ ઇચ્છાઓ શુદ્ધ આત્માને આધાર બનાવી દૃશ્યમાન રૂપ ધારણ કરતી હોય છે. પરંતુ પડદા જેવા શુદ્ધ બ્રહ્મમાં કોઈ વિકાર નથી હોતો.

૫.૩.૧૯૮૨, કાશી સેવાશ્રમ

લાટુ મહારાજ અંગે તેં લખેલું પુસ્તક મેં વાંચ્યું. ઘણું સુંદર લાગ્યું. ઘણું સારું પુસ્તક છે. સંકલન, વ્યવસ્થા, અંગ્રેજી પણ ખૂબ સુંદર. લખ ઘણું લખ, તારી કલમ ઉપર મા સરસ્વતી બિરાજે. વક્તૃતા કરતાં પણ લેખન-કાર્ય વધારે સારું હોય છે, કારણ કે તે કાયમી રહે છે. How a Shephard Boy Became a Saintના ૮૮મા પૃષ્ઠ ઉપર તેં જે ઘટના લખી છે, તે મેં પૂજનીય સુધીર મહારાજ (સ્વામી શુદ્ધાનંદ) પાસેથી સાંભળી હતી.

શક્ય છે કે પૂજનીય સારદાનંદજી મહારાજે શુદ્ધાનંદજી પાસે સાંભળીને જણાવી હોય. ઘટના સુધીર મહારાજની સાથે જ બની હતી. શુદ્ધાનંદજી મહારાજની ટિપ્પણીઃ ‘લાટૂ મહારાજની સાથે એક સભામાં પંડિતનું વ્યાખ્યાન સાંભળવા માટે ગયો હતો. तं स्वाच्छरीरात्प्रवृहेन्मुंजादिवेषीकां धैर्येण (કઠ ઉપનિષદ ૨-૩-૧૭) –

આ વ્યાખ્યા સાંભળતાં જ લાટુ મહારાજે તે સભામાં વચ્ચે જોરથી કહ્યું, ‘જો સુધીર! પંડિત ઠીક કહે છે.’ હું કિંકર્તવ્યવિમૂઢ હતો. મેં કહ્યું, ‘મહારાજ, ચૂપ ચૂપ.’ તેમણે ફરી તે જ પ્રમાણે કહ્યું. મેં કહ્યું, ‘મહારાજ, ચૂપ ચૂપ.’ અમુક સમય સુધી એમના આ પ્રકારે વારંવાર બોલવાથી કદાચ લોકો ગુસ્સે થાય તેવા ડરથી મેં કહ્યું, ‘મહારાજ, ચાલો મઠમાં જઈએ.’ તેમને લઈને મઠમાં આવ્યો. અમે એક જ ઓરડામાં રહેતા હતા. રાતે હું સૂઈ ગયેલો. લાટુ મહારાજ જાગતા હતા, બેઠા થઈને મને બોલાવ્યો, ‘ઓ સુધીર.’ હું જાગ્યો. તેમણે કહ્યું, ‘પંડિત ઠીક બોલતો હતો.’ હું ફરી સૂઈ ગયો. ફરીથી એ જ વાત, ‘ઓ સુધીર, પંડિત ઠીક બોલતો હતો.’

આખી રાત થોડી થોડી વારે આ રીતે ચાલતું રહ્યું. આખી રાત મને ઊંઘ ન આવી. લાટુ મહારાજ તે ભાવમાં સંપૂર્ણ ડૂબી ગયા હતા, એમને સંસ્કૃત નહોતું આવડતું છતાંય સ્વ-અનુભવ એક અન્ય વિષય છે! એટલે જ વિશેષ આનંદ હતો!’

અન્ય એક ઘટના. લાટુ મહારાજે (સ્વામીજીને) કહ્યું, ‘જો ભાઈ લોરેન, કિશુબ બાબુ (કેશવ સેન) ટાઉન હૉલમાં કેવાં પ્રવચનો આપે છે! તમે પણ તેવી જ રીતે પ્રવચન આપજો, હું તમારા માટે લોટામાં પાણી ભરીને બેસીશ.’ સ્વામીજીએ અમેરિકાથી લખ્યું હતું, ‘લેટોભાઈની ઇચ્છા અહીં પૂરી કરી રહ્યો છું. ઘણાં પ્રવચનો આપી રહ્યો છું.’ સ્વામીજીના કલકત્તામાં પ્રવચન સમયે લાટુ મહારાજ પાણી ભરેલો લોટો લઈ બેઠા હતા અને પોતાની ઇચ્છા સોળ આના પૂરી કરી શક્યા હતા.

સુખ-દુઃખ સર્વ સ્વયંના કર્મથી થાય છે. પછી કોને દોષ દેવો? ભગવાન ફક્ત મારા કર્મ પ્રમાણે જ સુખ-દુઃખરૂપી ફળ આપી રહ્યા છે. આ અંગે તેમનો કોઈ પક્ષપાત નથી હોતો. આથી આનંદમાં રહી બન્નેનો સ્વીકાર કરવો એ જ બુદ્ધિમાનોનું કામ છે.

‘सुख सपना दुःख बुद्‌बुदा, दोनों एक समान।
तिनका आदर कीजिए, जो भेजे भगवान॥

સુખ સ્વપ્ન જેવું છે. જોતજોતામાં જ અદૃશ્ય થઈ જાય છે. દુઃખ હોય છે પરપોટા જેવું, તે પણ કાયમી નથી. બન્નેને સરખાં ગણો. બન્નેનો સમાનરૂપે આદર કરો. જ્યારે જે કંઈ ભગવાન આપે ત્યારે તેમાં સંતુષ્ટ રહી મનથી સ્વીકાર કરો. આ જ બુદ્ધિશાળીનું કામ છે. નહીંતર કરશો શું? દુઃખ આવી પડતાં કદાચ ‘હાય હાય’ કરશો અને થોડું સુખ મળવાથી પ્રસન્ન થઈ જશો. આ સુખ-દુઃખના દ્વન્દ્વમાં ડૂબકી મારતા રહેશો, બીજું શું? આ પ્રકારે જીવન વ્યર્થ બની જશે.

સ્વ-સ્વરૂપમાં સ્થિર થવું યોગ્ય છે. સ્વ-રૂપની વિસ્મૃતિ જ દુઃખ છે. મનુષ્ય જ્યારે સ્વસ્થ હોય છે, ત્યારે કેમ સ્વસ્થ કે સુખી છું, તેવો પ્રશ્ન નથી કરતો. જો કોઈ કહે કે હું દુઃખી છું તો લોકો દુઃખનું કારણ પૂછે છે. જે સહજ પરિસ્થિતિ છે, તે અંગે કોઈ પ્રશ્ન નથી કરતું. આગ ઉષ્ણ છે કે પાણી ઠંડું તે પ્રશ્ન નથી થતો. તેનાથી વિરુદ્ધ સમયે જ પ્રશ્ન ઉદ્‌ભવે છે. આમ, સુખમાં રહેવું માનવ-સ્વભાવ છે. કારણ કે સુખ તેનું સ્વરૂપ છે. આથી સુખ અથવા સ્વરૂપમાં રહેવાથી પ્રશ્ન ઉદ્‌ભવતો નથી. દુઃખ એટલે કે સ્વરૂપથી વિમુખ થવાથી જ પ્રશ્ન થતો હોય છે. એમ કેમ થયું, વગેરે. આથી સુખ જીવનું સ્વરૂપ છે. સ્વમાં સ્થિત જ સુખ છે. સ્વથી વિમુખતા એ જ દુઃખ.

૨૪.૧૨.૧૯૮૨, કાશી સેવાશ્રમ

વેદાંતના પ્રકરણ ગ્રંથોમાં મને વિશેષ ઉપયોગી લાગે છે: ૧. વિવેકચૂડામણિ ૨. આત્મબોધ ૩. તત્ત્વબોધ ૪. ઉપદેશસાહસ્રી અને શ્રીશંકરાચાર્ય દ્વારા રચિત અન્ય નાના નાના ગ્રંથ ૫. પંચદશી ૬. નૈષ્કર્મ્યસિદ્ધિ ૭. વેદાંતસાર.

‘પંચદશી’ પ્રક્રિયા સાધન અને સાધ્યના સંદર્ભમાં નિર્ણાયક અદ્વિતીય પુસ્તક છે. અપરોક્ષાનુભૂતિ, વાક્યવૃત્તિ, લઘુવાક્યવૃત્તિ, પંચીકરણ વાર્તિક, આ બધાં અત્યંત ઉત્તમ પુસ્તકો છે. વેદાંત-જ્ઞાન માટે શરૂઆતમાં પ્રકરણ ગ્રંથનું વિશેષ અધ્યયન કરવું જોઈએ. પછી ભાષ્ય વગેરે વાંચવાં જોઈએ. પ્રકરણ ગ્રંથનું વિશેષ પઠન-પાઠન આપણા સંઘમાં નથી થતું. આથી ભાષ્ય વગેરે વાંચવાથી જ પ્રક્રિયા-જ્ઞાનના અભાવને કારણે, સિદ્ધાંતના અભાવને કારણે ઘણા જિજ્ઞાસુને સ્પષ્ટ ધારણા થતી નથી.

તેં મને જે અંગે લેખ (વેદાંતના વિષયમાં) લખવા માટે કહ્યું છે, મારાથી એ બધું હવે નહીં બને. શરીર રોગગ્રસ્ત થઈ ગયું છે. આથી શરીર અને મન—બન્નેમાં હવે પહેલાં જેવી શક્તિ રહી નથી. હવે ‘અબ શિવ પાર કરો મેરી નૈયા’ આ ભાવ છે. ઠાકુરનું નામ લેતાં લેતાં જેથી સહજ ચાલ્યો જાઉં, હવે આ આશીર્વાદ એટલે કે શુભેચ્છા તમે લોકો આપો. chronicનો ઘણો ઉપદ્રવ; પ્રારબ્ધ ભોગવીને તેનો નાશ થઈ રહ્યો છે, એ જોઈ રહ્યો છું. હવે ક્યારે આ પ્રપંચ-સ્વપ્ન તૂટે, તેની રાહ જોઈ રહ્યો છું.

‘यथा गन्धर्वनगरं यथा वारि मरुस्थले।
तथा विश्वमिदं दृष्टं वेदान्तेषु विचक्षणैः॥

આ તો આપણા લોકોના મનની વાત છે. ઉત્તરાખંડના એક વેદાંતી વૃદ્ધ સંન્યાસીની વાત છે: રોગગ્રસ્ત, ચાલવામાં અસમર્થ એક મહાત્માએ મને કહ્યું હતું, ‘જુઓ, લોકો શતં જીવ, દીર્ઘાયુ થવાના આશીર્વાદ આપે છે. કેવી મૂર્ખતા!! દીર્ઘાયુ બની આ રીતે વૃદ્ધ થઈને જીવતા રહેવા માટે! જેટલું આયુષ્ય વધારે હશે, તેટલું જ આવું શરીર ધારણ કરીને રહેવું પડશે. આથી વિશેષ દુર્ભાગ્ય, દુઃખ કયું હશે?’

છતાં પણ લોકો દીર્ઘાયુ થવા ઇચ્છે છે. જીવતા રહેવા ઇચ્છે છે. કેવી મૂર્ખતા છે? આવી રીતે વિચાર કરીએ તો અંતે વૃદ્ધાવસ્થામાં પણ દેહ પ્રત્યે વૈરાગ્ય આવી જશે. જેનામાં આવી સાચી સમજણ આવશે તેને જ વૈરાગ્ય ઊપજશે, બીજાને નહીં. શાસ્ત્રનો પણ આ જ ઉદ્દેશ છે. એટલે શાસ્ત્ર કહે છેઃ जीजीविषेच्छतं समाः॥

Total Views: 9

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.