(ભાષાંતરકાર : શ્રી નલિનભાઈ મહેતા)
દ્રોણનો પ્રતિશોધ
તમને યાદ હશે કે કેવી રીતે દ્રોણના સહપાઠી રાજા દ્રુપદે તેમનું અપમાન કર્યું હતું. દ્રોણે હવે અર્જુનને માધ્યમ બનાવી તે અપમાનનો બદલો લેવાનો નિશ્ચય કર્યો. તેમણે અર્જુનને આદેશ આપ્યો કે તે પાંચાલ દેશ જઈને દ્રુપદને જીવતો પકડી તેમની પાસે લાવે. અર્જુન તરત જ નીકળી પડ્યો. તેણે દ્રુપદને યુદ્ધમાં હરાવ્યો. તેને અને તેના મંત્રીઓને બંદી બનાવી ગુરુ દ્રોણ પાસે લઈ આવ્યો.
હવે દ્રોણે કટાક્ષમાં હસીને દ્રુપદને કહ્યું, ‘હે દ્રુપદ, તે મને કહ્યું હતું કે માત્ર રાજા જ અન્ય કોઈ રાજાના મિત્ર હોઈ શકે. હવે મેં તારા રાજ્યને જીતી લીધું છે. હવે તો હું પણ રાજા છું, પરંતુ તું રાજા નથી. તને મારી સમકક્ષ લાવવા માટે હું તને અડધું રાજ્ય દાનમાં આપું છું.’ દ્રુપદ અપમાનમાં બળતો ચુપચાપ ઊભો રહ્યો. ત્યારબાદ દ્રોણે તેને મુક્ત કરી દીધો અને રાજ્ય પરના પોતાના અધિકારનો ત્યાગ કર્યો. દ્રુપદ અત્યંત દુઃખી અને ક્રોધિત થઈ પાછા ફર્યો.
સૂર્યપુત્ર કર્ણ
રાજકુમારો દ્રોણાચાર્ય પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી ચૂક્યા હતા. ત્યાર પછી એક એવો દિવસ નક્કી કરવામાં આવ્યો, જ્યારે બધા રાજકુમારો જનતાની સમક્ષ યુદ્ધકળામાં પોતાની નિપુણતાનું પ્રદર્શન કરવાના હતા. સમગ્ર રાજપરિવાર અને રાજ્યના નાગરિકો તેમનાં શૌર્યનું પ્રદર્શન જોવા માટે એકત્ર થયા. નગારાં અને તુરીના અવાજથી વાયુમંડળ ગૂંજી રહ્યું હતું. બધા રાજકુમારોએ અદ્ભુત રીતે પોતાનું કૌશલ દેખાડ્યું. ભીમ અને દુર્યોધને ગદાયુદ્ધ કરી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા. થોડી વાર પછી તેઓનું એ પ્રદર્શન એક સાચુકલી લડાઈમાં પરિવર્તિત થઈ ગયું. દ્રોણપુત્ર અશ્વત્થામાએ વચ્ચે પડી બંનેને અલગ કર્યા.
અંતે અર્જુનનો વારો આવ્યો. તેણે પોતાની ધનુર્વિદ્યા થકી વિવિધ પ્રકારના ચમત્કાર બતાવી લોકોનું ખૂબ મનોરંજન કર્યું. બધાને એવું લાગ્યું કે તેની કોઈ બરોબરી કરી શકે નહિ. તેણે આગ્નેયાસ્ત્રથી તત્કાલ અગ્નિ ઉત્પન્ન કર્યો અને વરુણાસ્ત્ર દ્વારા વરસાદ વરસાવી તે અગ્નિને ઓલવી પણ નાખ્યો. તેણે કેટલાંય અમાનવીય કરતબ દેખાડ્યાં, જે જોઈને સહુ તેની પ્રશંસા કરવા લાગ્યા. માત્ર દુર્યોધન જ ઈર્ષ્યા અને દ્વેષભાવના કારણે દુઃખી થઈ રહ્યો હતો.
જ્યારે એ કાર્યક્રમ સમાપ્ત કરવાનો સમય થયો ત્યારે અચાનક એ સભામાં સુગઠિત શરીરવાળો યુવાન આવી પહોંચ્યો અને તેણે અર્જુનને પડકાર ફેંક્યો. એ કુંતીનો પહેલો પુત્ર કર્ણ હતો. સિંહસમાન ગૌરવપૂર્વક તે મંચ પર જઈ પહોંચ્યો અને મેઘગર્જના સાથે અર્જુનને કહ્યું, ‘તેં હમણાં જે ધનુર્વિદ્યાના ચમત્કાર બતાવ્યા તેનાથી પણ વધુ કૌશલ બતાવવા માટે હું તૈયાર છું.’ લોકો ઉત્સુકતાપૂર્વક જોતા રહ્યા અને તેણે અર્જુને બતાવેલા બધા ચમત્કારો આસાનીથી કરી બતાવ્યા. દુર્યોધનની ખુશીનો કોઈ પાર ન રહ્યો. તેણે કર્ણના ખભે હાથ રાખીને કહ્યું, ‘હે મહાન રાજા, આપ જે કોઈ પણ હો, હું તથા કુરુવંશનું સમગ્ર રાજ્ય તમારા અધીન રહેશે.’ કર્ણે ઉત્તર આપ્યો, ‘હું માત્ર બે વસ્તુ ઇચ્છું છું. એક તો તમારો પ્રેમ અને બીજું અર્જુન સાથે યુદ્ધ.’ અર્જુન અને કર્ણ દ્વેષપૂર્ણ દૃષ્ટિ સાથે સામસામે ઊભા રહ્યા.
બીજી તરફ કર્ણ અને અર્જુનનાં માતાશ્રી કુંતી આ દૃશ્ય જોઈને બેભાન થઈ ગયાં. તેમણે કર્ણને જોતાવેંત તેને પોતાના પુત્ર તરીકે ઓળખી લીધો હતો. જ્યારે તેમણે જોયું કે પોતાના જ બે પુત્રો પોતપોતાની સર્વોચ્ચતા સાબિત કરવા માટે સ્પર્ધા કરી રહ્યા છે ત્યારે તેમના હૃદયને બહુ આઘાત લાગ્યો. બંને વચ્ચે યુદ્ધ શરૂ થવાનું હતું ત્યારે કૃપાચાર્ય વચ્ચે આવીને ઊભા રહ્યા અને કર્ણને કહ્યું, ‘ઉચ્ચ વંશના રાજકુમાર અર્જુન કોઈ અજ્ઞાત યોદ્ધા સાથે યુદ્ધ ન કરી શકે. તમે તમારા કુળનો પરિચય આપો. તમારાં માતા-પિતા કોણ છે?’ આ સાંભળીને કર્ણનું મસ્તક શરમથી ઝૂકી ગયું. આ જોઈને દુર્યોધન ઊભો થયો અને બોલ્યો, ‘જો અર્જુન માત્ર એક રાજા સાથે જ લડી શકે તો પણ ઠીક છે, હું આજ ઘડીએ કર્ણને અંગદેશનો રાજા ઘોષિત કરું છું.’ તેણે તાત્કાલિક યોગ્ય વિધિ કરીને કર્ણને મુગટ, રત્ન અને અન્ય રાજકીય ચિહ્ન દઈને તેને અંગદેશનો રાજા બનાવ્યો. સૂર્યાસ્ત થઈ ચૂક્યો હતો અને એ સમયે દુર્યોધન કર્ણનો હાથ પકડીને પોતાની સાથે લઈ ગયો.
કર્ણ જ્યારે સોળ વર્ષનો તરુણ હતો, ત્યારે તેના મનમાં ગુરુ પાસે જઈ ધનુર્વિદ્યામાં કુશળતા પ્રાપ્ત કરવાની ઇચ્છા જાગી અને પોતાનાં માતા-પિતા પાસે અનુમતિ પણ લીધી. તેમણે દ્રોણાચાર્ય પાસે જઈ તેમને વિદ્યા શીખવવા વિનંતી કરી. દ્રોણને જ્યારે ખબર પડી કે તે એક સૂત એટલે કે સારથિનો પુત્ર છે ત્યારે તેમણે તેને શિષ્ય બનાવવાનો અસ્વીકાર કર્યો. ત્યારબાદ તે પરશુરામ પાસે ગયો અને તેમનો શિષ્ય બની ગયો. તેણે પરશુરામને પોતે બ્રાહ્મણ-પુત્ર હોવાનો ખોટો પરિચય આપ્યો. પરશુરામ તેની નિષ્ઠા પર ખૂબ પ્રસન્ન હતા અને તેને બ્રહ્માસ્ત્ર ચલાવવા સુધીનું પોતાનું તમામ જ્ઞાન શીખવ્યું.
એક દિવસ પરશુરામ કર્ણના સાથળ પર માથું રાખી સૂતા હતા. ત્યારે એક ભમરો આવીને કર્ણની જાંઘને કરડવા લાગ્યો. થોડી વારમાં તે ઘામાંથી લોહી નીકળવા લાગ્યું અને કર્ણને અસહ્ય પીડા થવા લાગી. તેમ છતાં ક્યાંક ગુરુની ઊંઘમાં ખલેલ પહોંચશે એમ વિચારીને કર્ણ પોતાની જગ્યાએથી જરા પણ ચલિત ન થયો. લોહીના સ્પર્શથી પરશુરામની ઊંઘ ઊડી ગઈ. બધું જોઈને તેઓ તરત જ સમજી ગયા કે આટલી પીડા સહન કરવાની ક્ષમતા ધરાવનાર યુવક કદી બ્રાહ્મણ ન હોઈ શકે. કર્ણે સ્વીકારવું પડ્યું કે પોતે સારથિનો પુત્ર છે. પરશુરામે નારાજ થઈ તેને શાપ આપ્યો, ‘તેં ખોટી માહિતી આપીને મારી પાસેથી ધનુર્વિદ્યા શીખી છે, આથી તને જ્યારે બ્રહ્માસ્ત્રની જરૂર પડશે તે વખતે તારી સ્મરણશક્તિ કામ નહિ કરે.’
આગળ આપણે જોઈશું કે આ શાપના કારણે જ અર્જુન સાથે અંતિમ યુદ્ધ કરતી વખતે કર્ણ બ્રહ્માસ્ત્ર ચલાવવાનો મંત્ર ભૂલી ગયો હતો. ઠીક, હવે તે દુર્યોધનનો પાક્કો મિત્ર બની ગયો અને જીવનભર તેના પ્રત્યે નિષ્ઠાવાન બની રહ્યો.
Your Content Goes Here