(ગતાંકથી આગળ)

व्याख्यामुद्रा – प्रवरदकरे दक्षिणे धारयन्तीं
वामे लिंग सलिलकलशं भूषयन्ती वरेण्याम्।
अंभोजस्थां मकररथगां दिव्यसौन्दर्यमूर्तिं वन्दे
रेवा कलकलरवां शँभुकन्यां शरण्याम्।।

નર્મદામૈયાનો મહિમા અપરંપાર છે. ભગવાન શિવના દેહમાંથી ઉત્પન્ન થયાં છે, શિવ-પુત્રી છે, શિવ સમાન છે, ભગવાન શિવનું જાણે સજળ સ્વરૂપ!!! કેટલાય સાધકોએ તેમની કૃપાથી સિદ્ધિ પ્રાપ્ત કરી છે, તેમાંય નિષ્કામ ભાવે, શ્રદ્ધા અને સમર્પણ ભાવે નર્મદા પરિક્રમા કરનારા સાધકોની મનોકામના પૂર્ણ થઈ છે. કેટલાય સાધકોને મનોવાંછા પ્રમાણે પોતપોતાના ઈષ્ટ—રામચંદ્ર ભગવાન, શિવજી, મા ભગવતી વગેરેનાં નર્મદાની કૃપાથી દર્શન થયાં છે.

એવી જ એક સત્ય ઘટના છે ગૌરીશંકર મહારાજની. ક્ષત્રિય શરીર ધરાવતા ગૌરીશંકર મહારાજને વૈરાગ્ય થતાં સંન્યાસ ગ્રહણ કર્યો અને ગૌરીશંકર ભારતી એવું નામ ધારણ કર્યું. નર્મદામૈયા પ્રત્યેની તેમની ભક્તિ અસીમ હતી. તેમણે પણ નર્મદા પરિક્રમાનો મહિમા જાણ્યો હતો. તેમણે ત્રણ વર્ષ, ત્રણ મહિના અને ૧૩ દિવસવાળી યથાનિયમ પ્રમાણે નર્મદામૈયાની શ્રદ્ધા અને સમર્પણ ભાવે પરિક્રમા કરી હતી. પોતાના ઇષ્ટદેવ શિવજીનાં દર્શન થાય એવી મનોકામના સાથે તેમણે પરિક્રમા કરી હતી. આ ઉપરાંત ગૌરીશંકર મહારાજે ૧૮ વાર પરિક્રમા કરી હતી અને સિદ્ધ મહાપુરુષ બની ગયા હતા. તેમની સંગાથે કેટલાય સાધુ-સંતો ભક્તો પરિક્રમામાં હોય. આવી ૧૮ વાર પરિક્રમા કરવા છતાં ઈષ્ટદેવ ભગવાન શિવનાં દર્શનની તેમની મનવાંછા પૂર્ણ ન થઈ. તેમણે મનમાં વિચાર્યું કે મા નર્મદાની કૃપા તો મારા પર છે, મારામાં જ કંઈક દોષ હશે એટલે મને મારા ઇષ્ટનાં દર્શન થતાં નથી.

એક રાત્રે તેમણે નિર્ણય કર્યો કે આજે નર્મદાના જળરાશિમાં પોતાના દેહને વિસર્જિત કરી દેશે. રાત્રી થઈ, પોતાની ઇચ્છાથી નર્મદા-જળમાં કૂદી પડ્યા. પરંતુ આજે નર્મદામાં ગોઠણભર પાણી પણ નહીં! જળમાં વધુ આગળ જાય છે, ત્યાં એક કન્યા આવી અને આંગળી પકડીને તેમને બહાર ખેંચે છે ત્યારે મહારાજને આશ્ચર્ય થયું! આ કન્યા કોણ છે, અડધી રાત્રે ક્યાંથી આવી, તેને કેમ ખબર પડી કે હું નદીમાં કૂદવા જાઉં છું!

કન્યાએ કહ્યું, ‘બાબા, ક્યાં જાઓ છો? ચાલો પાછા વળો.’ ગૌરીશંકર મહારાજે કહ્યું, ‘તું મને છોડી દે, મારે હવે જીવવું નથી, મને હજુ મારા ઇષ્ટનાં દર્શન થયાં નથી. તું કોણ છે, અડધી રાત્રે ક્યાંથી આવી, તને કેમ ખબર પડી? હું તારું કહેવું શા માટે માનું? તું શું મારી નર્મદામૈયા છો?’

ત્યારે કન્યા કહે છે, ‘બીજું કોણ હોય અડધી રાત્રે, હું નર્મદા જ છું.’ ગૌરીશંકર મહારાજ કહે, ‘હું તો માનું જ નહીં, તું તારા નિજ સ્વરૂપમાં દર્શન આપ તો જ માનું.’ અને શ્રીશ્રીમા નર્મદામૈયાએ ગૌરીશંકર મહારાજને નિજ સ્વરૂપનાં દર્શન કરાવ્યાં!! નર્મદા માત કી જય !!

મહારાજ કહે છે, ‘મા મને મારા ઇષ્ટ ભગવાન ભોલેનાથનાં દર્શન કેમ નથી થયાં?’ નર્મદા મૈયા કહે છે, ‘અરે બાબા, તમારી જમાતમાં ભગવાન ભોલેનાથ સ્વયં ચાલે છે.’ મહારાજે કહ્યું, ‘કોણ છે, કોણ છે, મને તો ખબર નથી.’ ત્યારે નર્મદામૈયાએ કહ્યું, ‘તમારી જમાતમાં કેશવાનંદ કરીને જે અવધૂત સાધુ ચાલે છે તે જ ભગવાન શિવ છે, તમારા સંઘમાં એ રસોઈ પણ બનાવે છે!’ ગૌરીશંકર મહારાજ વિચારવા લાગ્યા, ‘કેશવાનંદ લાગે છે તો બાવરો, બાવરો! હા, તે જ્યારથી જમાતમાં આવ્યો છે ત્યારથી અન્નનો અભાવ રહેતો નથી અને જમાતની ઇચ્છા થાય કે સવારના શીરો પૂરી ખાવા છે તો શીરો પૂરી તૈયાર હોય! ક્યારેક જમાતની માલપુઆ ખાવાની ઇચ્છા થાય તો માલપુઆ તૈયાર હોય! એનામાં કંઈક અદ્‌ભુત અને વિશિષ્ટ ગુણો તો છે જ.

બીજા દિવસે સવારે ગૌરીશંકર મહારાજ રસોઈ ઘરમાં જાય છે. કેશવાનંદજી સ્નાન વગેરે બાદ ચૂલો પેટાવીને કડાઈ સાફ કરતા હતા. ગૌરીશંકર મહારાજને થયું આ શું ભોલેનાથ હોય? એ શું કડાઈ માંજે , ચૂલો પેટાવે? એને મનમાં સંદેહ થયો, ત્યાં ફરી નર્મદા મૈયાએ પ્રગટ થઈને કહ્યું, ‘આ જ ભોલેબાબા છે.’ ગૌરીશંકર મહારાજે કેશવાનંદજી બાબાના ચરણ પકડી લીધા અને એકટસે નિરખવા લાગ્યા. ત્યાં તો જટાજૂટ, ચંદ્રમૌલી, ગંગાધર, પિનાકપાણી, સર્વેશ્વર, કરુણેશ્વર, ભોલેનાથ ભગવાન શિવજીનાં દર્શન થયાં. પોતાના ઇષ્ટદેવનાં દર્શન કરીને ગૌરીશંકર મહારાજ ગદ્‌ગદ થઈ ગયા. વારંવાર સાષ્ટાંગ પ્રણામ કરે છે. ભોલેબાબા બોલ્યા, ‘મને ઓળખી ગયા છો, હવે અહીં રહી શકાશે નહીં.’ તરત જ વગડાના માર્ગે ભોલેબાબા અદૃશ્ય થઈ ગયા!

રણમુક્તેશ્વરથી સંન્યાસી પરિક્રમામાં આગળ વધ્યા. ત્યાં આગળ રોકડિયા હનુમાનજીનું મંદિર હતું. ત્યાં એક ત્યાગીજી કેટલાક ભક્તો સાથે ચલમની મજા માણી રહ્યા હતા, સંન્યાસીને ત્યાં ભોજનની આશા હતી, પણ ચાની પ્રસાદી મળી; કારણ કે તેઓ પોતાની દુનિયામાં મસ્ત હતા. આગળ ચાલતાં ચાલતાં સોમેશ્વર મહાદેવના મંદિરે પહોંચ્યા. ગામડાનું શાંત વાતાવરણ હતું! ચારે તરફ વૃક્ષોની વનરાઈ હતી અને મંદિર પાસે નાનાશાં કેટલાંક પાકાં મકાનો અને બીજી તરફ વસાહત હતી.

સંન્યાસી શિવમંદિરે બેઠા હતા ત્યારે પાસેના ઘરેથી એક માતાજી કેટલીક રોટલી, શાક અને અથાણું સંન્યાસીને ભોજન અર્થે આપ્યું. સંન્યાસી અમૃત સમાન ભોજન ગ્રહણ કરીને તૃપ્ત થયા. થોડી વાર વિશ્રામ કરી પરિક્રમાના માર્ગે આગળ વધ્યા. ઘટક ખોલ અને અડાળા ગામ પાર કર્યા, ખૂબ અસ્વચ્છ ગામ! આગળ જતાં શક્તિપીઠ સમાન સિદ્ધેશ્વરી માતાજીનું મંદિર આવ્યું. ત્યાં દર્શન કરી, તેની નજીકની શાળામાં બાળાઓ ગરબાનો અભ્યાસ કરી રહી હતી. રસ્તામાં નાનકડા સ્કૂટરમાં આવતા માતાજીએ સંન્યાસીને 20 રૂપિયા પ્રણામી આપી. અંકલેશ્વરથી ત્રણ-ચાર કિલોમીટર દૂર રામકુંડમાં સંન્યાસી સાંજના પહોંચી ગયા. (ક્રમશઃ)

Total Views: 10

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.