પશ્ચિમના દેશોમાં પહેલાં મહિનાનો અને પછી તારીખનો ઉલ્લેખ કરવામાં આવે છે. આમ નાઇન ઇલેવન એટલે અગિયારમી સપ્ટેમ્બર. આ દિવસ ઘણી રીતે ઐતિહાસિક છે.

સને ૧૬૦૯માં આ જ દિવસે પ્રથમ માનવ તરીકે હેન્રી હડસને હાલમાં મેનહટ્ટન (અમેરિકામાં) તરીકે ઓળખાતા ટાપુ પર પગ મૂક્યો.

૧૮૯૩માં સ્વામી વિવેકાનંદે આ જ દિવસે પ્રથમ વખત શિકાગોમાં આયોજિત વિશ્વધર્મપરિષદમાં સમગ્ર વિશ્વને ડોલાવનાર પોતાનું ઐતિહાસિક ભાષણ આપ્યું.

૧૯૦૬માં આ જ દિવસે મહાત્મા ગાંધીએ દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અસહકાર આંદોલન શરૂ કર્યું.

અને છેલ્લે ૨૦૦૧માં આ જ દિવસે અમેરિકામાં ન્યુ યોર્કમાં આપણું કાળજું કંપાવનાર ઘટના ઘટી. એ ચોક્કસ જ એક અતિ દુઃખદ ઘટના હતી. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે એવો દિવસ ફરી ક્યારેય ન આવે. હું એ સમાચાર સાંભળીને બહુ વ્યથિત થઈ ગયો હતો. મારા ઘણા સ્નેહીઓ ત્યાં રહેતા હતા અને બધા લોકોને માનસિક આઘાતમાંથી બહાર આવવામાં ઘણો સમય લાગ્યો હતો. જ્યારે હું હાર્વર્ડમાં પ્રવચન આપતો હતો, ત્યારે પણ ઘણા લોકોએ મને કહ્યું કે મહારાજ, એ દિવસને યાદ ન કરો. હજુ આજે પણ એ દિવસની વાત કરતા અમારું હૃદય કંપી ઊઠે છે.

એવો દિવસ ફરી ન આવે તે માટે આપણે શું કરવું જોઈએ?

એનો ઉત્તર આપણને ૧૮૯૩માં શિકાગોમાં આયોજિત પ્રથમ વિશ્વધર્મપરિષદમાં જ્યાં સ્વામીજીએ વિશ્વપ્રસિદ્ધ ઐતિહાસિક ભાષણ આપ્યું હતું તેમાંથી મળે છે. આપણે એ પ્રસંગની ૧૨૫મી જયંતી પણ ઊજવી ગયા છીએ અને સ્વામીજીનાં એ પ્રવચનોની દૂરગામી અસરો પણ આપણે જોઈ શકીએ છીએ. માત્ર ભારતની જ નહિ પણ વિદેશોની સરકાર પણ સ્વામીજીનાં પ્રવચનોથી એટલી પ્રભાવિત છે કે શિકાગો શહેર જે રાજ્યમાં આવેલું છે તે ઈલિનોઈની સરકારે ૧૧મી સપ્ટેમ્બરને ‘સ્વામી વિવેકાનંદ દિવસ’ તરીકે જાહેર કર્યો છે.

ભારતમાં એક પુસ્તક પ્રકાશિત થયું છે—વિશ્વનાં મહાન વક્તવ્યો વિશેનું. તેમાં પ્રથમ ક્રમે છે ભગવાન શ્રીકૃષ્ણે પ્રબોધેલ ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ વિશેનું અને બીજા ક્રમે છે સ્વામીજીએ નાઇન ઇલેવનના રોજ વિશ્વધર્મપરિષદમાં આપેલું ભાષણ.

૧૮૯૩ પછી ફરી ૧૯૯૩માં વિશ્વધર્મપરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. મૂળભૂત રીતે ૧૯૯૩માં યોજાયેલ પરિષદ સ્વામી વિવેકાનંદનાં ભાષણોની શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે હતી. આવો વિચાર શિકાગોની વેદાંત સોસાયટીને આવ્યો હતો. એટલે નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી અને એવું નક્કી કરવામાં આવ્યું કે દર પાંચ વર્ષે કોઈક દેશના અતિથિપદે આવી ધર્મપરિષદો યોજવી. ૨૦૧૮માં બહુઆયામી અભિગમ સાથે સાતમી વિશ્વધર્મપરિષદ ટોરન્ટોમાં યોજવામાં આવી. આ પરિષદમાં વિવિધ ધર્મો પ્રત્યે સંવાદિતા સહિતના અન્ય મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવે છે.

શિકાગો વિશ્વધર્મ સભાની શતાબ્દીના અનુસંધાને એક કાર્યક્રમ ૮મી ઓક્ટોબર, ૧૯૯૩ના દિવસે યુનેસ્કોના મુખ્યાલય પેરિસમાં યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે યુનેસ્કોના તત્કાલીન ડાયરેક્ટર જનરલ ડૉ. ફ્રેડરિકો મેયરે ૧૦૦ વર્ષ પહેલાં સ્વામીજીએ આપેલ ભાષણની પ્રાસંગિકતા વિશે કહ્યું હતું: ‘સ્વામીજીનાં ભાષણો હાલના સમય માટે વધુ પ્રસ્તુત છે, સુસંગત છે. ધર્મોની સંવાદિતા હજી ઘણી જરૂરી છે, અને હજી પણ ઘણાં પરિબળો આ સંવાદિતાના વિરોધમાં છે. આ જ એ સમય છે કે જ્યારે સ્વામીજીના સંદેશની સૌથી વધુ જરૂરિયાત છે, ઉપયોગિતા છે.’

વધુમાં તેમણે કહ્યું, ‘સ્વામીજીએ રામકૃષ્ણ મિશન માટે ઘડેલ બંધારણથી હું અચંબિત થઈ ગયો છું. સ્વામીજી સમયની બાબતમાં કેટલા આગળ હતા કે ૧૯૪૫માં યુનેસ્કોનું જે બંધારણ બનાવવામાં આવ્યું તે સ્વામીજીએ પચાસ વર્ષો પહેલાં ૧૮૯૭માં વિચારી લીધું હતું. ભાષા, જાતિ, સંપ્રદાય, ધર્મ, રંગ, રાષ્ટ્રીયતાને ધ્યાનમાં લીધા વિના વંચિત લોકોની સેવા, સ્ત્રી-સશક્તિકરણ અને વિકાસ, ધર્મો વચ્ચે સંવાદિતા, દરેક ધર્મ પ્રત્યે આદર વગેરે જે સ્વામીજીએ રામકૃષ્ણ મિશન માટેના નિયમો બનાવ્યા હતા તેવા જ નિયમો આજે યુનેસ્કોના સભ્ય દેશો માટે લાગુ કરવામાં આવ્યા છે.

૨૦૦૧ની એ ઘટના કેમ બની? જો આપણે એ ઘટનાના મૂળમાં જઈએ તો આપણને ખબર પડે છે કે એ બીજું કશું નહિ પણ કટ્ટરતાવાદનું વિકૃત સ્વરૂપ છે. આ આતંકવાદ એ બીજું કંઈ નહિ પણ કટ્ટરતાવાદનું વિકૃત સ્વરૂપ છે. તેના ઘણા કારણો હોઈ શકે—રાજકીય, આર્થિક વગેરે. આપણે એમાં ઊંડા ન ઉતરીએ, પણ એટલું તો ચોક્કસ છે કે આતંકવાદનાં કારણોમાંનું એક છે ધાર્મિક કટ્ટરતાવાદ. વિમાનમાં મુસાફરો સાથે બેઠેલા આતંકવાદીઓ એમ માનતા હતા કે આ ૩૦૦૦ લોકોને મારીને તેમને સીધું જ સ્વર્ગ મળી જશે.. સ્વામી વિવેકાનંદે ચેતવણી આપી હતી કે આપણે આ કટ્ટરતાવાદને Good bye કરવો જોઈએ. જો આપણે તેમની એ ૧૧મી સપ્ટેમ્બર, ૧૮૯૩ની ચેતવણીને ગંભીરતાથી લીધી હોત તો ૨૦૦૧ના સપ્ટેમ્બરની ૧૧મી તારીખે જે ઘટના બની, તે ન ઘટી હોત. હજુ પણ બહુ મોડું થયું નથી. હજી જો આપણે સ્વામીજીની ચેતવણીને ધ્યાનમાં નહિ લઈએ તો ભવિષ્યમાં આવી ઘટના થતી રોકી નહિ શકીએ.

સ્વામીજી પ્રથમ એવી વ્યક્તિ હતી કે જેમણે સહિષ્ણુતા જ નહિ પણ સ્વીકૃતિની વાત કરી છે. બધા ધર્મોને સહન કરવા – સહિષ્ણુ થવું એમ નહિ પણ તેનો સ્વીકાર કરવો. મારો જ ધર્મ મહાન છે, હું એને જ વળગી રહીશ, એમ માનીને કેટલાંક ધર્મોના પ્રતિનિધિઓ આ સભામાં જોડાયા નહોતા. જો તેઓ અમારા ધર્મનો સ્વીકાર કરશે, તો જ અમે આ પરિષદમાં જોડાશું એવી ધાર્મિક કટ્ટરતાને કારણે તેઓ આવ્યા જ નહિ. વળી જે કેટલાક પ્રતિનિધિઓ આવેલા, તેમાંથી પણ કેટલાક સહિષ્ણુ હતા અને કેટલાક અસહિષ્ણુતામાં માનતા હતા. કોઈએ સ્વીકૃતિની વાત નહોતી કરી. સ્વામીજી એવા પ્રથમ પ્રતિનિધિ હતા જેમણે કહ્યું હતું, “We do not believe only in toleration but we believe in Universal Acceptance, we accept all religions as equally true.”

ટ્રેઇનનાં આરક્ષિત કમ્પાર્ટમેન્ટમાં અનારક્ષિત લોકો બેસી જાય છે. તમે કહો કે આ મારી જગ્યા છે, તો તે એવું કહે છે કે શું તમે આ ટ્રેન ખરીદી લીધી છે? એનું ગ્રુપ મોટું છે, તમે એકલા છો, શું કરશો? તમે તેને tolerate કરશો. આને કહેવાય Tolerance!!!

‘મને ખબર છે કે તમારો ધર્મ કેટલાક સમય પછી ખતમ થઈ જવાનો છે પણ એ સમય સુધી હું તમને સહન કરીશ.’ આ છે Tolerance! પણ સ્વામીજી કહે છે, ‘….we accept all religions as equally true.’ શા માટે તેમણે એવું કહ્યું? કારણ કે તેઓ શ્રીરામકૃષ્ણના શિષ્ય હતા, જેમનું પોતાનું જીવન જ ‘Parliament of Religion’ જેવું હતું. સ્વામીજી કહે છે કે શ્રીરામકૃષ્ણની પાસે દરેક ધર્મના અનુયાયીઓ આવતા અને તેઓએ તમામ ધર્મોની એક પછી એક સાધના કરી હતી.

આમ દરેક ધર્મની સાધના બાદ તેઓએ અનુભવ્યું કે કોઈ પણ ધર્મની સાધના પછી તેમને જેનું દર્શન થયું છે, તે એક જ પરમ તત્ત્વ છે, એક જ પરમ સત્તા છે. આમ પ્રયોગ કરીને તેઓએ સિદ્ધ કર્યું કે દરેક ધર્મ એક જ લક્ષ્ય પ્રતિ દોરી જાય છે. લક્ષ્ય એક જ છે, માર્ગ જુદા જુદા છે. તેઓએ સંદેશ આપ્યો, “જતો મત તતો પથ”, જેટલા મત એટલા પથ. અને તેનું સુંદર દૃષ્ટાંત તેઓ આપે છે.

તેઓએ કહ્યું છે, એક જ તળાવના પાણીને વિવિધ ધર્મના લોકો જળ, પાણી, વોટર, એક્વા એમ અલગ-અલગ નામ આપે છે, વસ્તુત: તો એ એક જ છે. એ જ પ્રમાણે આપણે એ સર્વોત્તમ સત્યને અલ્લાહ, ગોડ, રામ, કૃષ્ણ વગેરે અલગ-અલગ નામે બોલાવીએ છીએ – જાણીએ છીએ. એ બધાં એક જ ઈશ્વરના વિવિધ નામો છે. રસ્તાઓ જુદા જુદા હોઈ શકે છે, પરંતુ લક્ષ્ય તો એક જ છે. સ્વામીજીએ શ્રીરામકૃષ્ણના જીવનમાં આ સત્ય જોયું હતું. અને એટલે જ તેમણે તેમના ગુરુભાઈ સ્વામી તુરીયાનંદને કહ્યું હતું, ‘વિશ્વધર્મપરિષદનું જે આયોજન થયું છે તે આને (પોતાના તરફ બતાવીને) માટે જ થયું છે.’ તેમણે પરિષદના મંચ પરથી શ્રીરામકૃષ્ણનું નામ લીધા વગર ભારતીય સંસ્કૃતિનો “વસુધૈવ કુટુમ્બકમ્’—સમગ્ર વિશ્વ અમારો પરિવાર છે, વૈશ્વિક ભાઈચારો, વૈશ્વિક ધર્મ, વૈશ્વિક સ્વીકૃતિ—નો સંદેશ કહ્યો હતો. તેમણે ગીતા અને શિવમહિમ્નસ્તોત્રમાંથી ઉદ્ધૃત કરતાં કહ્યું હતું કે પ્રાચીન સમયથી ભારત સહિષ્ણુતા અને સ્વીકૃતિમાં માને છે. તેમણે કહ્યું, “રોમન જુલમગારોએ યહૂદી ધર્મના દેવળને જ્યારે તોડી પાડ્યું ત્યારે તે જ સાલમાં દક્ષિણ ભારતમાં દોડી આવનાર એમના પવિત્ર અવશેષોને અમે અમારી ગોદમાં સમાવ્યા હતા. …મહાન જરથોસ્તી પ્રજાના અવશેષોને આશ્રય આપનાર અને આજ દિવસ સુધી પાળનાર ધર્મના એક અનુયાયી હોવાનું મને અભિમાન છે…”

એમના હૃદયમાંથી નીકળતા એ વ્યાખ્યાનના શબ્દો શ્રોતાઓના હૃદયમાં સોંસરવા ઊતરી ગયા. તેમને ફાળવવામાં આવેલી પાંચ મિનિટમાંથી બે મિનિટ તો તાલીઓના ગડગડાટમાં પસાર થઈ ગઈ. બાકી બચેલી ત્રણ મિનિટમાં તેમણે આપેલું વ્યાખ્યાન તે સમય કરતાં આજના સમય માટે વધુ સુસંગત છે. સમગ્ર અમેરિકામાં તમામ અખબારોએ સ્વામીજીનાં ભરપેટ વખાણ કર્યાં. ન્યુ યોર્ક હેરાલ્ડે લખ્યું: ‘નિ:શંકપણે વિશ્વધર્મ પરિષદમાં સૌથી મહાન વિભૂતિ સ્વામી વિવવેકાનંદ છે.’

તે વ્યાખ્યાન એટલું પ્રભાવશાળી હતું કે યુનેસ્કોના તત્કાલીન મહાનિર્દેશક ઈરીના બોકોવાને જ્યારે ૨૦૧૩માં આંતરરાષ્ટ્રીય યુથ કોન્ફરન્સ માટે વડોદરામાં આમંત્રણ આપવામાં આવ્યું હતું ત્યારે તેમના સંદેશમાં તેમજ અમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ તેમની ભારત મુલાકાત વખતે જ્યારે ભારતમાં સંયુક્ત સંસદ-સત્રમાં સંબોધન કર્યું ત્યારે પણ તે બન્ને દ્વારા કહેવામાં આવ્યું કે સ્વામીજીએ પ્રથમ વિશ્વધર્મપરિષદમાં આપેલું વ્યાખ્યાન આજના સમયમાં વધુ સુસંગત છે, પ્રસ્તુત છે. જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન કોબે જ્યારે ભારત આવ્યા હતા ત્યારે તેમણે પણ સ્વામીજીના આ વ્યાખ્યાનના વાક્યાંશોને ઉદ્ધૃત કર્યા હતા.

નાઇન ઇલેવનના તેમના વ્યાખ્યાનમાં અંતે સ્વામીજીએ કહ્યું હતું, “પંથવાદ, ધર્માંધતા અને તેમાંથી પેદા થતાં ભયંકર ધર્મઝનૂન, આ સુંદર જગતને વરસો સુધી આવરી રહેલાં છે. દુનિયાને એ ઝનૂને હિંસાથી ભરી દીધી છે અને માનવલોહીથી વારંવાર રંગી નાખી છે, સંસ્કૃતિઓનો નાશ કર્યો છે અને સમગ્ર પ્રજાઓને નિરાશામય બનાવી છે. આ ત્રાસદાયી રાક્ષસોનું અસ્તિત્વ ન હોત તો, આજના કરતાં માનવસમાજે વધારે પ્રગતિ સાધી હોત. પણ હવે એનો સમય ભરાઈ ગયો છે….” વિડંબણા એ છે કે આટલાં વર્ષો પછી પણ આપણામાં બહુ ફરક નથી પડ્યો.

શું આપણને બીજું ૨૦૦૧ જેવું નાઇન ઇલેવન જોઈએ છીએ? આપણને તે પરવડશે? જો ના, તો આપણે સ્વામી વિવેકાનંદે સર્વ ધર્મ સમન્વય અને વૈશ્વિક ભ્રાતૃભાવનો જે સંદેશ નાઇન ઇલેવન, ૧૮૯૩ના રોજ આપ્યો હતો તેનું સમસ્ત વિશ્વના બધા જ ધર્મો અને દેશોએ પાલન કરવું પડશે.

Total Views: 18

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.