શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
અતિવૃષ્ટિ રાહત કાર્ય
ઉપલેટા તથા જામનગરના આસપાસના વિસ્તારમાં અતિ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં રહેતાં અસરગ્રસ્ત લોકોને પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ રાજકોટ અને જામનગર જિલ્લામાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા લાડુ, ગાંઠિયા, શક્કરપારા તથા ચવાણાના કુલ ૩૫૦૦ પેકેટ્સ વિતરણ કરવામાં આવ્યા. રાજકોટની ઉદાર જનતા દ્વારા દાન કરાયેલ ૫૦૦ જોડી કપડાં અને ૧૦૦ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સંસ્કૃત સંભાષણ શિબિરનો પ્રારંભ
રાજકોટ આશ્રમ અને સંસ્કૃત ભારતીના સંયુક્ત ઉપક્રમે આશ્રમના વિવેક હૉલમાં સંસ્કૃત સંભાષણ શિબિરનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેમાં દર મહિનાની તા. ૧ થી ૧૦ સુધી સાંજે ૪:૩૦ થી ૬:૩૦ દરમિયાન નિઃશુલ્ક સંસ્કૃત શીખવવામાં આવશે. આ શિબિરમાં ૧૨ થી ૬૦ વર્ષની કોઈપણ વ્યક્તિ જોડાઈ શકે છે.
શાળા-કૉલેજમાં મૂલ્યલક્ષી શિક્ષણ વર્ગો
રાજકોટ આશ્રમ દ્વારા રાજકોટ તથા આસપાસના વિસ્તારની ૬ શાળા તથા કૉલેજોમાં આશ્રમના સંન્યાસીઓ તથા સ્વયંસેવકો દ્વારા મૂલ્યલક્ષી શિક્ષણના વર્ગો લેવામાં આવ્યા. આ કાર્યક્રમનો ૩૭૫૪ જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો. વર્ગમાં વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદનાં જીવન અને સંદેશ પર પ્રવચન આપવામાં આવ્યું તથા પ્રેરણાદાયી પુસ્તકોનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું.
આશ્રમમાં મૂલ્યલક્ષી શિક્ષણ કાર્યક્રમ
રાજકોટ તથા આસપાસના વિસ્તારની શાળાઓમાંથી ૧૫ જુલાઈ થી ૬ ઑગસ્ટ દરમિયાન ધો. ૬ થી ૮ ના ૨૯૫ વિદ્યાર્થીઓ તેમજ ધો. ૯ અને ૧૧ ના ૭૦૯ વિદ્યાર્થીઓને ધોરણ અનુસાર સ્વામી વિવેકાનંદનું જીવન પ્રદર્શન, નાટક, ચરિત્ર નિર્માણ અંગે માર્ગદર્શન, વીડિયો ક્લિપ પ્રદર્શન, પુસ્તક વાંચન, ક્વિઝ, એકાગ્રતાની રમતો, મંદિરમાં ધ્યાન, વેદપાઠ, ગીતાપાઠ, પ્રાર્થના અને પુષ્પાંજલિ વગેરે પ્રવૃત્તિઓ કરાવવામાં આવી. અંતમાં તેઓને સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો આપવામાં આવ્યાં તથા નાસ્તો આપવામાં આવ્યો.
આશ્રમમાં ૧૫મી ઓગસ્ટની ઉજવણી
રાજકોટ આશ્રમના પ્રાંગણમાં સવારે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. પૂજ્ય સ્વામી નંદિકેશાનંદજીએ ધ્વજ ફરકાવ્યો હતો. આશ્રમમાં ચાલતી વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ સ્વયંસેવકો, વિદ્યાર્થીઓ તથા ભક્તજનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
વિવેક હૉલમાં સમૂહગાન, દેશભક્તિગાન તથા દેશભક્તિ વિશે નાટક રજૂ થયાં હતાં. ઉપસ્થિત શ્રોતાગણ દેશભક્તિના રંગે રંગાઈ ગયા હતા.
રામકૃષ્ણ મિશન, લીંબડી
દર વર્ષની જેમ તા. ૧૭ થી ૨૨ જુલાઈ સુધી પાંચ દિવસ ગૌરીવ્રત નિમિત્તે આશ્રમ પ્રાંગણમાં આવતી નાની બાલિકાઓને અલ્પાહાર રૂપે ફળફળાદિ આપવામાં આવ્યાં હતાં.
૨૧ જુલાઈના રોજ ગુરુપૂર્ણિમા નિમિત્તે શ્રીમંદિરમાં વિશેષપૂજા ઇત્યાદિનું આયોજન કરવામાં આવ્યું હતું, ૮૫૦ થી વધુ ભક્તોએ પૂજામાં ભાગ લઈ સૌએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
રામકૃષ્ણ મઠ, અમદાવાદ
૨૧ જુલાઈ, ગુરુપૂર્ણિમાના દિવસે મંગલા આરતી, વિશેષ પૂજા, હોમ, પ્રવચન ઇત્યાદિનું આયોજન થયું હતું, જેમાં ૩૦૦ ભક્તોએ ભાગ લીધો હતો.
રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદર
૯ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ કેન્દ્રના પ્રાંગણમાં નિઃશુલ્ક નેત્રચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૬૭ દર્દીઓની નિઃશુલ્ક સારવાર તથા ૬૪ જરૂરિયાતમંદ દર્દીઓનાં ડૉ. કે. એ. ગરેજાની ઓજસ આઇ હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યાં હતાં.
રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા
૧૮ થી ૩૦ વર્ષની બહેનો માટે મહિનામાં બે શનિવારે સાંજે ૫.૩૦ થી ૭.૩૦ સુધી ‘નિવેદિતા સ્ટડી સર્કલ’નું આયોજન કરવામાં આવે છે, જેમાં પ્રાર્થના, ધ્યાન, ગૃપ ડિસ્કશન થાય છે તથા વિવિધ વિષયો પર તજ્જ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે.
રામકૃષ્ણ મઠ, આદિપુર
૨૧ જુલાઈ, ગુરુપૂર્ણિમા નિમિત્તે વિશેષ પૂજા ઇત્યાદિનું આયોજન થયું હતું, જેમાં ૧૭૫ ભક્તોએ ભાગ લીધો હતો. ૩ ઓગસ્ટના રોજ નિઃશુલ્ક નેત્ર-કેમ્પનું આયોજન થયું હતું. તેમાં ૧૧૭ દર્દીઓની તપાસ થઈ. ૧૯ દર્દીઓની ઓપરેશન માટે નોંધણી થઈ. અને ૩૦ દર્દીઓને રાહત દરે ચશ્મા આપવામાં આવ્યા. ૨ ઓગસ્ટના રોજ સત્સંગનું આયોજન થયું હતું. તેમાં વિદ્યાર્થિની બહેનો સહિત ૧૫૦ ભક્તોએ લાભ લીધો હતો. તેમાં સ્વામી પ્રભુસેવાનંદ, સ્વામી ઇષ્ટમયાનંદ, સ્વામી ગુણાશ્રયાનંદ મહારાજે મનનીય પ્રવચનો આપ્યાં હતાં. ૨૮ જુલાઈના રોજ શ્રીમા શારદા ટ્યુશન ક્લાસનો શુભારંભ થયો. તેમાં દરરોજ ધોરણ ૬ થી ૮નાં ૩૦ બાળકો લાભ લે છે.
રામકૃષ્ણ વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદ, ગુજરાત
ભાવપ્રચાર પરિષદનું વાર્ષિક સંમેલન તારીખ ૩ અને ૪ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ શ્રીરામકૃષ્ણ સેવા સમિતિ, ધાણેટી-કચ્છના યજમાનપદે યોજાયું હતું. આ સંમેલનમાં રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન, બેલુર મઠ તરફથી નિયુક્ત નિરીક્ષક રામકૃષ્ણ મિશન, દિલ્હીના સચિવ શ્રીમત્ સ્વામી સર્વલોકાનંદજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાતનાં તમામ દસ કેન્દ્રો, નિરીક્ષણ હેઠળનાં એક કેન્દ્ર તેમજ ચાર આમંત્રિત કેન્દ્રોએ સેવાકીય કાર્યોના અહેવાલો રજૂ કર્યા હતા.
આ સંમેલનમાં વિવેકાનંદ મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ, ધાણેટી તરફથી ‘તેજસ્વી તારલાઓ’ના સન્માનનો જાહેર કાર્યક્રમ, કાર્યસત્રની બેઠક, ધાણેટીના જાણીતા ગાયક અનિરુદ્ધ આહિરની ભજનસંધ્યા અને ભક્તસંમેલન યોજાયાં હતાં. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી; રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરના સચિવ સ્વામી આત્મદિપાનંદજી; રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ સ્વામી ગુણાશ્રયાનંદજી; રામકૃષ્ણ મઠ, ભુજના અધ્યક્ષ સ્વામી સુખાનંદજી; રામકૃષ્ણ મઠ, અમદાવાદના અધ્યક્ષ સ્વામી પ્રભુસેવાનંદજી; રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના સચિવ સ્વામી ઇષ્ટમયાનંદજી અને રામકૃષ્ણ મઠ, આદિપુરના અધ્યક્ષ સ્વામી મંત્રેશાનંદજીએ આ પ્રસંગે માર્ગદર્શક વક્તવ્યો આપ્યાં હતાં. આ કાર્યક્રમમાં ધાણેટીના ગ્રામજનોએ ઉત્સાહભેર ભાવભર્યું આતિથ્ય દાખવ્યું હતું. પરિષદના કન્વિનર શ્રી બકુલેશભાઈ ધોળકિયાએ આ સમગ્ર કાર્યક્રમનું સંકલન અને સંચાલન કર્યું હતું.
Your Content Goes Here