માનવજીવનમાં સૌથી મહત્ત્વના બે મુદ્દા હોય તો તે છે શિક્ષણ અને આરોગ્ય. આરોગ્ય વ્યક્તિને શારીરિક રીતે સ્વસ્થ રાખે છે, તો શિક્ષણ વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વને સ્વસ્થ બનાવે છે. એટલે વ્યક્તિગત જીવનમાં તથા સામૂહિક રીતે પણ સૌથી વધુ વિચાર અને અમલીકરણ આ બન્ને બાબતે થતાં રહેવાં જોઈએ, સતત! જો તેમાં જરા પણ ચૂકાય, તો તે સમાજ માંદો અને પછાત રહે છે.
ઘણી વાર એવું જોવા મળે છે કે આંકડાની દૃષ્ટિએ આ બન્ને પર ઉત્તમ કામ થતું દેખાય, પણ ગુણાત્મક રીતે બન્ને નબળાં રહી જતાં દેખાય છે. સમાજની બન્ને પરની સ્થિતિ તે દર્શાવે છે. એટલે આ બન્ને પર સતત મંથન થતું રહે છે, થતું રહેવું જોઈએ. આ પળે આપણે શિક્ષણ બાબતે ચિંતન કરવાનો પ્રયાસ કરીએ.
શિક્ષણ એટલે શું? શિક્ષણ ‘આપવું’ એટલે શું? શિક્ષણ આપી શકાય? કોણ આપી શકે? એટલે કે શિક્ષક કેવા હોય? આ બાબતે પણ સતત મંથન થતું રહ્યું છે અને આજે પણ થાય છે. આપણે ત્યાં પણ ઉપનિષદથી લઈ આજે યશપાલ સમિતિ સુધી આ બાબતનું ચિંતન થતું રહ્યું છે.
આ બધાએ શિક્ષણની વિવિધ વ્યાખ્યાઓ આપી છે. બધી વ્યાખ્યાઓ ઉત્તમ રહી છે, પણ તે વાંચીને એ વિચાર ચોક્કસ આવે કે આ બધામાં શિક્ષણને ઉત્તમ રીતે સમજાવતી વ્યાખ્યા કઈ હોઈ શકે?
સદ્ભાગ્યે મને એ ક્ષેત્રમાં જ કામ કરવાની તક મળી હતી. એ સમય પણ એવો હતો કે સ્વતંત્રતાથી વિચારી શકાતું પણ હતું. સરકાર તેમાં માથું મારતી ન હતી. શિક્ષણ સિવાય અન્ય કામો નહીંવત્ હતાં. એટલે તેનું ચિંતન થઈ શકતું હતું અને અન્ય વિચારોને સમજવાનો સમય પણ મળતો હતો. આ સંદર્ભમાં શિક્ષણની અનેક વ્યાખ્યાઓનો અભ્યાસ કરવાની તક મળી હતી.
તો કઈ વ્યાખ્યા ઉત્તમ લાગી?
આમ તો બધી જ ઉત્તમ રહી છે. દરેક વ્યાખ્યા શિક્ષણનાં અમુક પાસાંને સમજાવે છે. પણ ઊંડાણથી તપાસતાં ખ્યાલ આવે કે બધી વ્યાખ્યાઓ શિક્ષણનાં બાહ્ય પાસાંને જ સમજાવે છે. દા.ત. ગાંધીજી કહે છે કે ‘શિક્ષણ એટલે હાથ, હૈયું અને મગજની કેળવણી.’ ઉત્તમ વ્યાખ્યા છે, પણ વાત તો બાહ્ય જ કરે છે.
એટલે બધી જ વ્યાખ્યાઓ તપાસ્યા પછી એક વ્યાખ્યા એવી મળે છે—જે શિક્ષણ આપવા શું કરવું, તે સાચી રીતે સમજાવે છે; શિક્ષકે જે પાયાનું કામ કરવાનું છે, તેના વિશે સમજાવે છે અને આ કામ કર્યા પછી શું પરિણામ આવે છે, આવવું જોઈએ, તે પણ કહે છે.
એ વ્યાખ્યા આપી છે સ્વામી વિવેકાનંદે. સ્વામીજી માત્ર ભારતમાં જ નહીં, વિશ્વમાં ફર્યા હતા. તે માત્ર શિક્ષિત કે ધનવાનો સાથે જ નહીં, રંક અને અભણો સાથે પણ રહ્યા હતા. ભારત સહિત વિશ્વના હજારો લોકોનું નિરીક્ષણ કર્યું હતું. પૂર્વ-પશ્ચિમ બન્નેનો અભ્યાસ કર્યો હતો. ઉપનિષદથી લઈ કાન્ટ-હેગલનો અભ્યાસ કર્યો હતો. તેઓ સંસારી તથા સંન્યાસી બન્ને સાથે રહ્યા હતા. એટલે તેમની પાસે એક સર્વાંગી દર્શન હતું. આથી તેમની શિક્ષણની વ્યાખ્યામાં પણ સર્વાંગી દર્શન મળે છે.
શું કહ્યું સ્વામી વિવેકાનંદે? તેમણે વ્યાખ્યા આપી છે કે ‘શિક્ષણ એટલે મનુષ્યમાં રહેલી પૂર્ણતાની અભિવ્યક્તિ.’ આ વ્યાખ્યાનો એકેએક શબ્દ ઝીણવટથી તપાસવા જેવો છે, તેને વાગોળવાનો છે. તો જ સમજાશે. અહીં સ્વામીજી બે બાબતની સમજ આપે છે. પહેલાં માણસની વ્યાખ્યા આપે છે. માણસ કેવો છે તે કહે છે. સદીઓથી પૂર્વ-પશ્ચિમ બન્નેમાં માણસને અધૂરો અને મર્યાદિત વ્યક્તિત્વવાળો બતાવ્યો છે. એટલે જ પાપ અને પુણ્ય કે સ્વર્ગ કે નરકના ખ્યાલ આપવા પડયા છે. સારા લોકો પુણ્ય કરે છે, માટે સ્વર્ગમાં જાય છે. ખરાબ લોકો પાપ કરે છે, માટે નરકમાં જાય છે. પણ આ બધું એક જ વાત કહે છે કે માણસ અધૂરો છે, તેણે પૂર્ણ થવાનું છે.
વિવેકાનંદ આ બધા ખ્યાલોને એક ધડાકે ઊડાવી દે છે. તે કહે છે કે માણસ તો પૂર્ણ જ છે. જન્મથી જ પૂર્ણ છે. એટલે જ તે ‘રહેલી’ શબ્દનો ઉપયોગ કરે છે. મનુષ્યમાં ‘રહેલી પૂર્ણતા’ કહે છે. વ્યક્તિએ મોટા થતાં પૂર્ણ થવાનું નથી. તે તો જન્મથી જ પૂર્ણ છે.
આ જો સમજાયું તો એક પળમાં પાપ-પુણ્ય કે સ્વર્ગ-નરક રહેતાં જ નથી. એ બધી અજ્ઞાનીઓની કલ્પના છે. ધાર્મિકો અને પુરોહિતો કે કર્મકાંડીઓનો પ્રભાવ એક પળમાં અદૃશ્ય થઈ જાય છે. ‘સારા’ કે ‘પુણ્યશાળી’ બનવાની સાધના પણ ઊડી જાય છે. તે તો વ્યક્તિ જન્મથી જ છે ! તે માટે શિક્ષણ લેવાની પણ જરૂર નથી. તો શિક્ષણે શું કરવાનું છે?
શિક્ષણે આ પૂર્ણતાને પ્રગટ કરવાની છે. તેની અભિવ્યક્તિ કરવાની છે. પૂર્ણતા હોય તો પછી તેને અભિવ્યક્ત કરવાની શા માટે જરૂર છે?
કારણ કે, આ પૂર્ણતા સુષુપ્ત છે, અપ્રગટ છે. અવ્યક્ત છે. છે તો જન્મથી જ, પણ છે સુષુપ્ત, ઢંકાયેલી. તેને પ્રગટ કરવાની છે, વ્યક્ત કરવાની છે.
બસ! શિક્ષકનું આ એક જ કામ છે—બાળકની પૂર્ણતાને અભિવ્યક્ત કરવાનું. તે ગમે તે વિષય ભણાવે, પણ તે દરમ્યાન સતત તેણે આ પૂર્ણતાની અભિવ્યક્તિ થતી રહે તે ધ્યાન રાખવાનું છે. એ કામ તે કેવી રીતે કરી શકે?
તમારામાં ઇચ્છો તે કરવાની શક્તિ છે. એટલે કે, તમે બધું જ કરી શકો છો. માની લો કે બાળક ગણિત કે ભાષા કે વિજ્ઞાન કે કોઈ અન્ય વિષયમાં નબળું છે. તો તેને ઠપકો આપવાને બદલે કહેવાનું છે કે, ‘બેટા, તું ઇચ્છીશ તો આ વિષયમાં માસ્ટરી મેળવી શકીશ.’
એટલે કે નબળાઈ તરફ ધ્યાન ન આપ, પણ તારામાં રહેલી પૂર્ણતાનો વિચાર કર. બાળકને જો સતત તેની ક્ષમતાની યાદ આપવામાં આવશે તો બાળકનું ધ્યાન તેના તરફ સ્થિર થશે. તે પોતાની ક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરશે. એટલે તે વિષય તેને સરળ લાગવો શરૂ થશે.
પણ આ તો તાત્કાલિક પરિણામ આવે છે. મુદ્દો એ નથી. મુદ્દો છે તેની પૂર્ણતાને, અદ્ભુત ક્ષમતાને પ્રગટાવવાનો. બાળકને સતત યાદ અપાવતા રહેવાનું છે કે તે અદ્ભુત વ્યક્તિત્વ છે. તેનામાં કલ્પનાતીત ક્ષમતા છે. તે ધારે તે કરી શકે છે. તે ઇચ્છે તે વિષય શીખી શકે છે એટલું જ નહીં, તે વિષયમાં નિષ્ણાત પણ થઈ શકે છે. ક્ષમતાનું સ્મરણ થયું કે કહેવાતો અઘરો વિષય પણ સરળ બની જાય છે.
આ સ્મરણનું બીજું શું પરિણામ આવે છે?
એક વખત બાળકને પોતાની ક્ષમતાનું ભાન થાય કે તરત જ તેનો આત્મવિશ્વાસ વધવા લાગે છે. સદીઓથી સમગ્ર જગત ધીમે ધીમે પ્રગતિ કરે છે, તેનું એકમાત્ર કારણ વ્યક્તિમાં રહેલી ‘લઘુતાગ્રંથિ’ છે. લઘુતાગ્રંથિના પરિણામે જ તેનામાં આત્મવિશ્વાસ નથી આવતો. માટે તેને કોઈ વિષય કે કામ કે જવાબદારી અઘરાં લાગે છે. તે શરૂ કરતાં ખચકાય છે. પણ એક વાર તેને સ્મરણ થાય કે પોતે તો પૂર્ણ છે, તો તરત લઘુતાગ્રંથિમાં ગાબડાં પડવાં શરૂ થઈ જશે અને આત્મવિશ્વાસ વધવો શરૂ થઈ જશે. હવે તેને ગમે તે વિષય ભણાવાય, ગમે તે કામ કે જવાબદારી સોંપાય, તો તે કરવા તે તૈયાર થઈ જશે. માત્ર તૈયાર જ નહીં થાય, તે સફળતાપૂર્વક કરશે.
આવા શિક્ષણને સ્વામીજી ‘મનુષ્ય સર્જતું’ (Man-making education) શિક્ષણ કહે છે. એટલે કે જ્યારે આત્મવિશ્વાસ વધે, પોતાની આત્મછબી પ્રબળ બને, પછી જ મનુષ્ય બનાય છે. માત્ર શરીર છે માટે માનવ નથી હોતો, આત્મવિશ્વાસ જન્મે પછી જ સાચો માનવ જન્મે છે. આવા માનવ પાસે જ તેનું સાચું ચારિત્ર્ય હોય છે. ચારિત્ર્ય એટલે જગતના કોઈ પણ આકર્ષણમાં ન ફસાવું. જગતના બધા જ ભોગો ભોગવવાના છે, મળે તો, પણ તેના એક પળ પણ ગુલામ નથી બનવાનું. બધાં જ આકર્ષણો વચ્ચે પરમ સ્વતંત્ર રહેવાનું છે. જગતમાં કશું સારું નથી કે કશું ખરાબ નથી. બધું જ તેની જગ્યાએ બરાબર છે. માત્ર તેની ગુલામી ખરાબ છે. મળે તો ભોગવવાનું પણ છે અને જરૂર પડે તો એક પળમાં ફેંકી દેવાની તાકાત પણ હોવી જોઈએ. આ કરી શકે તે જ માનવ છે. બાકી માનવ હોવાનો કેવળ વહેમ. આવા લોકોને કોઈ ભ્રષ્ટ ન કરી શકે, કોઈ લલચાવી ન શકે, કોઈ ફસાવી ન શકે, ગુલામ પણ ન બનાવી શકે. આવી વ્યક્તિ સમગ્ર જગતની મિત્ર હશે, છતાં સ્વતંત્ર હશે. તેનામાં ક્ષણિક પણ આસક્તિ કે રાગ કે લોભ નહીં હોય. આ હોય તો તે મનુષ્ય, બાકી જીવડાં.
કેવળ પૂર્ણત્વની સ્મૃતિ જ પોતામાં રહેલ મનુષ્યત્વને જન્માવી શકે. તે જ ચારિત્ર્ય સર્જી શકે. આવી વ્યક્તિ જ શિક્ષિત છે. આવી વ્યક્તિનાં જ હાથ, હૈયું અને મગજ કેળવાશે. આવો જ માનવ સમાજને ઉપયોગી બનશે, તે જ સમાજને ઉત્કર્ષ તરફ દોરી જશે, તે જ સાચો નેતા બની શકશે.
તો, આ જ શિક્ષણનું કામ છે—પૂર્ણત્વ પ્રગટાવવાનું, ચારિત્ર્ય પ્રગટાવવાનું, પૂર્ણ સ્વસ્થ બનાવવાનું. બાકી બધું ગૌણ છે. આ પૂર્ણત્વ જ માનવને મુક્ત રાખશે. એટલે જ શાસ્ત્ર કહે છે કે ‘યા વિદ્યા સા વિમુક્તયે.’ મુક્ત કરે તે વિદ્યા. વિષયો ભણાવાય છે તેને ‘અવિદ્યા’ કહે છે. અવિદ્યા એટલે અશુભ નહીં, પણ બાહ્ય વિષયોનું શિક્ષણ. વ્યાવહારિક જગત માટે તે જરૂરી છે, પણ પૂર્ણતા વિના તે વિદ્યા નકામી ઠરશે. પ્રથમ વિદ્યા, પછી અવિદ્યા. મુક્ત થયા પછી ગમે તે કરાય, કોઈ દોષ નહીં લાગે. ગુલામ જે કરશે, તે અધૂરું અને વ્યર્થ ઠરશે.
શિક્ષકે આ એક જ કામ કરવાનું છે—બાળકોને તેમની ક્ષમતાની યાદ અપાવવાનું. અને હા, શિક્ષક પણ એ કરે તે પહેલાં તેણે પણ પોતાની પૂર્ણતાનો સ્પર્શ કરી લેવાનો છે. અપૂર્ણ વ્યક્તિ કોઈને પૂર્ણતા સમજાવી ન શકે. એ તો આંધળો આંધળાને દોરે એવો ઘાટ થાય. બન્ને અજ્ઞાનના કૂવામાં પડી જાય!
Your Content Goes Here