(આ મહિનાની ૬ તારીખે ‘વરાહ જયંતી’ અને ૧૫મી તારીખે ‘વામન જયંતી’ના ઉપલક્ષ્યમાં આવો, આપણે ભગવાન શ્રીહરિના આ બે દિવ્ય અવતારોની લીલાનું ચિંતન કરીએ.)
વરાહ અવતાર
બ્રહ્માજીના દક્ષિણ અંગમાંથી ભગવાન મનુનું અને વામ અંગમાંથી માતા શતરૂપાનું પ્રાગટ્ય થયું. મનુ એટલે ચિંતન, મનન, જ્ઞાન અને વિચાર. એ વિચારોને શ્રદ્ધા સહિત મૂર્તિમંત સ્વરૂપ આપે એનું નામ શતરૂપા.
શ્રદ્ધારૂપી શતરૂપા સદાય મનુરૂપી વિચારોનું અનુસરણ કરી તેને કાર્યમાં રૂપાંતરિત કરે છે, આ છે આદર્શ ગૃહસ્થ જીવન. મનુ અને શતરૂપાનું મન સદાય એકસમ હતું. મનુરૂપી વિચારે કહ્યું કે ‘મારે ઈશ્વરની પૂજા કરવી જોઈએ,’ તો શ્રદ્ધારૂપી શતરૂપા કહે છે, ‘આ લો પવિત્ર આસન, આ લો હાથમાં માળા-ચંદન-પુષ્પ અને નૈવેદ્ય.’
સો રૂપો ધારણ કરીને શ્રદ્ધા આવીને કહે છે, ‘હે વિચાર! તમે ઈશ્વરની આરાધના કરો.’ શતરૂપા એટલે સો- સો રૂપ ધારણ કરી વિચારની સેવા કરવી. આપણે સર્વ મનુ અને શતરૂપાનાં સંતાન છીએ, તેથી આપણે મનુષ્ય તરીકે ઓળખાઈએ છીએ.
શ્રદ્ધા અને વિશ્વાસથી આપણાં માતાપિતાની આજ્ઞાનું પાલન કરી તેમની ઇચ્છા પૂર્ણ કરી શકાય છે. મનુ-શતરૂપાએ તુરત જ બ્રહ્માજીના ચરણોમાં વંદન કરીને બ્રહ્માજીને કહ્યું કે, ‘પિતાજી, શું આજ્ઞા છે?’ બ્રહ્માજીએ આજ્ઞા કરી કે, ‘સૃષ્ટિનો વિસ્તાર કરો.’ ત્યારે મનુ-શતરૂપાએ કહ્યું, ‘પિતાજી, સૃષ્ટિનો વિસ્તાર કરીએ, પરંતુ સૃષ્ટિનો વિસ્તાર કરવો ક્યાં? કારણ કે પૃથ્વી તો રસાતળમાં છે.’ બ્રહ્માજી થોડીક ક્ષણ થોભી રહ્યા અને ત્યાર બાદ ભગવાનનું ધ્યાન કરી તેમણે નાસિકામાંથી વરાહને પ્રગટ કર્યા. આ વરાહે જોતજોતામાં એક વિશાળ સ્વરૂપ ધારણ કર્યું. બ્રહ્માજીએ વરાહ ભગવાનની સ્તુતિ કરતાં કહ્યું, ‘તમે મા વસુંધરા, જે હિરણ્યાક્ષના કબજામાં છે, તેને ત્યાંથી મુક્ત કરી સ્થાપિત કરો, તો સૃષ્ટિના વિસ્તારનું કાર્ય આરંભ થાય.’ થોડી જ ક્ષણોમાં વરાહ ભગવાન રસાતળમાં હિરણ્યાક્ષ પાસે આવીને પૃથ્વીને પોતાના નાકની ટોચ ઉપર મૂકી સ્થાપિત કરે છે.
વરાહ અને હિરણ્યાક્ષનું ભયંકર યુદ્ધ થાય છે. ‘વર’ એટલે કે શ્રેષ્ઠ અને ‘અહ’ એટલે કે દિવસ. કયો દિવસ શ્રેષ્ઠ છે? જે દિવસે પ્રતિક્ષણ પરમાત્માની સ્મૃતિ રહે અને સ્મરણ થાય તે જ દિવસ શ્રેષ્ઠ છે. વરાહ એટલે જે પ્રતિક્ષણ પરમાત્માનું સ્મરણ કરે છે. હિરણ્યાક્ષ એટલે જેણે બહુ ભેગું કર્યું છે અને હિરણ્યકશિપુ એટલે જેણે અનેક ભોગ ભોગવ્યા છે. વરાહ ભગવાને મા વસુંધરાને હિરણ્યાક્ષના કબજામાંથી મુક્ત કરીને સ્થાપિત કરી છે. અર્થાત્ ભગવાન કહે છે, ‘આપણી પાસે જે કંઈ છે, તે સ્વયંના ભોગ માટે નથી, અપિતુ ‘બહુજનહિતાય બહુજનસુખાય’ માટે છે.’ વરાહ એટલે સુવર. હવે આપણે જાગતિક જગતમાં પણ જોઈએ છીએ કે સુવર પૃથ્વીના જે સૌથી ગંદા પદાર્થો છે એનું ભક્ષણ કરીને પૃથ્વીને સ્વચ્છ રાખે છે. અર્થાત્ જે ગંદકીનો સ્વીકાર કરી બીજાને પવિત્ર અને સ્વચ્છ બનાવે છે તેનું નામ છે ‘વરાહ’.
ભગવાન વરાહ અવતારે મા વસુંધરાને હિરણ્યાક્ષના કબજામાંથી મુક્ત કરી ત્યારે શ્રદ્ધા અને વિશ્વાસે ભેળાં મળીને પૃથ્વી ઉપર સૃષ્ટિનો વિસ્તાર કર્યો. મા વસુંધરા એ સહનશક્તિનું જીવંત ઉદાહરણ છે. મનુષ્યમાં જ્યારે સર્વ આઘાત-પ્રતિઘાતને સહન કરવાની શક્તિ આવે ત્યારે જ તે પોતાનો વિસ્તાર કરી શકે છે.
વામન અવતાર
દૈત્ય અને દેવતા વચ્ચેનું પાર્થક્ય શું છે? દૈત્યના જીવનનું લક્ષ્ય ભોગ ભોગવવાનું હોય છે અને દેવતાના જીવનનું લક્ષ્ય પણ તે જ હોય છે. દૈત્ય જગતના ભોગ અધર્મને સાધન બનાવીને ભોગવે છે, જ્યારે દેવતાઓ એ જ ભોગ ધર્મની મર્યાદામાં રહીને ભોગવે છે. પૃથ્વીલોક અને સ્વર્ગલોકમાં બલિ રાજાનું સામ્રાજ્ય સ્થાપિત થયું છે. બલિ રાજા ધર્મની મર્યાદામાં રહીને શાસન કરે છે, તેથી બલિ રાજાને પરાજિત કરવા દેવતાઓ માટે અશક્ય જેવું છે. દેવતાઓ રાજ્યવિહોણા થઈને વનમાં ભટકી રહ્યા છે. દેવતાઓની માતા અદિતિ પોતાના પતિ કશ્યપ ઋષિને સંતાન માટે પ્રાર્થના કરે છે. કશ્યપ ઋષિએ માતા અદિતિ પાસે ‘પયોવ્રત’નું પાલન કરાવ્યું છે, જેને પરિણામે ભગવાન વામનદેવનું પ્રાગટ્ય થયું છે. ભગવાને ગીતામાં કહ્યું છે,
जन्म कर्म च मे दिव्यमेवं यो वेत्ति तत्त्वतः।
त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति सोऽर्जुन।।४.९।।
ભગવાનનો જન્મ અને કર્મ બેઉ દિવ્ય છે. જે સાધક ભગવાનના જન્મ અને કર્મને તત્ત્વથી સમજે છે એનો પછી પુનર્જન્મ થતો નથી. અહીં વામનદેવનું પ્રાગટ્ય બલિ રાજાને પરાસ્ત કરવા માટે જ થયું છે. વામનદેવનું પ્રાગટ્ય થયું ત્યારે તેમની ઉંમર ૭ વર્ષની છે, તેથી વામનદેવની બાલ્યલીલા કોઈ જગ્યાએ નથી. વામનદેવને જનોઈ આપવામાં આવે છે ત્યારે સૂર્ય નારાયણ ભગવાન ગાયત્રીનો મંત્ર આપે છે, માતા અદિતિએ લંગોટી આપી છે, માતા પૃથ્વીએ તેમને આસન આપ્યું છે, બ્રહ્માએ તેમને કમંડળ આપ્યું છે, કુબેરજીએ તેમને ભિક્ષાપાત્ર આપ્યું છે અને મા સરસ્વતીએ તેમને માળા આપી છે. આ રીતે વામનદેવના યજ્ઞોપવિત સંસ્કાર પૂર્ણ થાય છે. યજ્ઞોપવિત સંસ્કારથી બ્રાહ્મણનો નવો જન્મ થાય છે અને ત્યારે બ્રાહ્મણનો બ્રહ્મસંબંધ થાય છે. યજ્ઞોપવિત સમયે પિતા પુત્રને કહે છે, ‘આજથી તું મારો નહીં, આજથી તું ઈશ્વરનો થયો છે.’ યજ્ઞોપવિતને દિવસે માતા સાથે છેલ્લું ભોજન કરવામાં આવે છે. યજ્ઞોપવિત થતાં સૂર્યનારાયણ પિતા બને છે અને માતા બને ગાયત્રીમાતા.
વામનદેવ બલિ રાજા પાસે આવે છે, ત્યારે બલિ રાજા એક મહાન યજ્ઞનું આયોજન કરી, યજ્ઞ પૂર્ણ કરવા બેઠા છે. જ્યાં વામનદેવનું આગમન થાય છે, ત્યાં સર્વ લોકો એમના દિવ્ય તેજને જોઈને એમના સ્વાગત માટે ઊભા થઈ જાય છે. વામનદેવ અવતારમાં ભગવાનની દિવ્યતા એમના મુખારવિંદ થકી પ્રગટ થઈ છે. તેથી જે કોઈ વામનદેવનાં દર્શન કરે છે તે એમના ચરણમાં વંદન કરે છે. બલિ રાજા તેમની પત્ની વિંધ્યાવલી સાથે આવીને ભગવાનના ચરણોમાં સાષ્ટાંગ પ્રણિપાત કરે છે. બલિરાજા ભગવાનને કહે છે, ‘મહારાજ, આજે અમારું જીવન સફળ થયું છે, અમારો અનુષ્ઠાનરૂપી યજ્ઞ પણ સફળ થયો છે. તમારા જેવા બ્રહ્મર્ષિ બ્રાહ્મણ અમારા યજ્ઞમાં પધારે એ અમારા માટે અહોભાગ્યની વાત છે.’ બલિ રાજાએ ભગવાન વામનદેવને ઉચ્ચાસન પર વિરાજિત કરી એમનું વિધિવત્ પૂજન કર્યું છે. બલિરાજા ભગવાનને કહે છે કે, ‘મહારાજ, આપ અમારા ઉપર પ્રસન્ન થયા હો તો કંઈક માગીને અમને કૃતાર્થ કરો.’
ભગવાન વામનદેવ બલિરાજા પાસે માગવા માટે આવ્યા છે. જ્યારે માણસ કોઈની સામે ભિક્ષુકવૃત્તિ રાખે છે તો એને તેનાં વખાણ કરવાં જ પડે છે. ભગવાન વામનદેવ બલિરાજાને કહે છે, ‘હે રાજન્, તમારા પિતાશ્રી અત્યંત દયાવાન હતા. તમારા દાદાશ્રી, એમણે તો ભગવાનને પ્રગટ કર્યા છે. તેઓ અત્યંત દયાળુ હતા અને વિપ્રજનોની ઇચ્છા પૂર્ણ કરનારા હતા.’ અહીં ભગવાન પોતાના ચરિત્ર દ્વારા સમજાવે છે કે જ્યારે કોઈની પાસે માગવાનો અવસર આવે તો આપનાર વ્યક્તિની ખુશામત કરવી પડે છે.
ભગવાન વામનદેવ કહે છે, ‘હે રાજન્, હું ક્યાંય જતો નથી. પરંતુ માર્ગમાં સંધ્યાવંદન કરવા બેઠો હતો, ત્યારે એક વ્યક્તિ મને કાઢી મૂકે છે. મારું સંધ્યાવંદનનું કૃત્ય અપૂર્ણ રહી જાય છે. તેથી રાજન્! વધુ તો શું કહું? સંધ્યાવંદન કરવા માટે મને ત્રણ ડગલાં ભરીને સ્થાન આપો.’ બલિરાજા વામનદેવને કહે છે, ‘મહારાજ, તમે આ શું માગો છો? હું જે કોઈ ભિક્ષુકને આપું છું તે પછી આજીવન એણે બીજા પાસેથી માગવું પડતું નથી. મહારાજ, તમે સંકોચાશો નહીં. તમે જે માગશો તે હું આપી દઈશ. મેં તમારા જેવો તેજસ્વી બ્રાહ્મણ આજ સુધી જોયો નથી. અમારા ઉપર કૃપા કરો.’ ભગવાન વામનદેવ કહે છે, ‘મારે ત્રણ ડગલાં જેટલી જ ભૂમિ જોઈએ છે. એથી વધારે સ્થાન મારે જોઈતું નથી. રાજન્, હું સંતોષી છું.’
દૈત્યોના આચાર્ય શુક્રાચાર્ય ભગવાનને ઓળખી જાય છે અને બલિરાજાને સાવધાન કરે છે, ‘હે રાજન્, આ બ્રાહ્મણ જેવો દેખાય છે તેવો નથી. ત્રણ ડગલામાં તારું સર્વસ્વ લૂંટીને જતો રહેશે. આ સાક્ષાત્ વિષ્ણુ પધાર્યા છે.’ બલિરાજા શુક્રાચાર્યનાં આ વચન સાંભળીને ગદ્ગદ થયા છે. કહે છે, ‘જો ભગવાન મારે દ્વારે ભિક્ષુક બનીને આવ્યા હોય તો હું મારું સર્વસ્વ ભગવાનના ચરણોમાં અર્પણ કરી દઈશ. મહારાજ, મેં કંઠમાં તુલસીની માળા ધારણ કરી છે. વૈષ્ણવોનો નિયમ છે કે જેમાં તુલસી અર્પણ થઈ જાય એ પછી કૃષ્ણાર્પણ થયેલું કહેવાય. મહારાજ, મારું જીવન શ્રીકૃષ્ણાર્પણ થયેલું છે એટલે હું અવશ્ય બ્રાહ્મણ દેવતાની ઇચ્છા પૂર્ણ કરીશ.’
શુક્રાચાર્ય સંકલ્પ કરાવતા નથી, એટલા માટે વામનદેવ સંકલ્પ કરાવે છે અને જ્યાં સંકલ્પ પૂર્ણ થાય છે ત્યાં ભગવાને બે ડગલામાં જ બલિરાજાનું સ્વર્ગ અને પૃથ્વીનું સામ્રાજ્ય છીનવી લીધું છે. હવે ત્રીજું ડગલું મૂકવા માટે જગ્યા નથી. ભગવાન ક્રોધિત થયા છે. ભગવાનનું આ વિશાળ સ્વરૂપ જોઈને બલિરાજા ભગવાનની પુન: પુન: વંદના કરે છે. ભગવાન બલિરાજાને કહે છે, ‘ત્રીજું ડગલું હવે ક્યાં મૂકું? તારી પાસે કોઈ સ્થાન નથી.’
વિંધ્યાવલી અને બલિરાજા ભગવાનના ચરણોમાં વંદન કરે છે. વિંધ્યાવલી પોતાની સાડીનો પાલવ પાથરીને કહે છે, ‘પ્રભુ, અમારામાં ખૂબ અહંકાર હતો કે અમે સૌથી મોટા દાતા છીએ. તમે અમારા અહંકારને ચૂર્ણ કર્યો છે. હે ભગવન્, અમે તમને ઓળખી શક્યાં નહીં. અમારો અપરાધ થયો છે. પ્રભુ, હવે ત્રીજું ડગલું અમારા મસ્તિષ્ક ઉપર મૂકો.’ અને ભગવાન પ્રસન્ન થયા છે. બલિરાજા અને વિંધ્યાવલી આપણને સમજાવે છે કે ભગવાનના શ્રીચરણ આપણે મસ્તિષ્કમાં પધરાવવાના છે. કારણ કે કામ અને અહંકાર મસ્તિષ્કમાં છે. જ્યાં સુધી મસ્તિષ્ક પવિત્ર નહીં થાય ત્યાં સુધી કામ અને અહંકાર જવાનાં નથી. તેથી જ ગોપીઓએ ‘ગોપીગીત’માં પણ ભગવાનના શ્રીચરણને પોતાના મસ્તિષ્ક ઉપર ધારણ કરવાની પ્રાર્થના કરી છે.
ત્યાં તો પ્રહ્લાદજી પ્રગટ થઈ જાય છે અને ભગવાનની અદ્ભુત વંદના કરે છે. ભગવાનને કહે છે, ‘વાહ પ્રભુ, વાહ, તમે મારા પૌત્ર પાસેથી બધું જ છીનવી લીધું છે. તમારો જયજયકાર હો. હવે મારા પૌત્રનો એક પણ આશ્રય રહ્યો નથી. મારા પૌત્રને તમારો આશ્રિત બનાવવા માટે એની પાસેથી તમે બધું છીનવી લીધું છે. હવે એ તમારો આશ્રિત થયો છે.’ આ છે ભગવાનની ભગવદ્તા. ભગવાન જે જીવને પ્રેમ કરે છે, તેની પાસેથી પહેલાં બધું છીનવીને પોતાનો આશ્રિત બનાવે છે. અને ભગવાન જ્યારે જુએ છે કે જીવ મારો આશ્રિત થયો છે ત્યારે ભગવાન સ્વયં ભક્તના વશમાં થઈ જાય છે. આ છે ભગવાનની અદ્ભુત લીલા.
તેથી સ્વામી વિવેકાનંદે ભગવાન શ્રીરામકૃષ્ણદેવની આરાત્રિકમ્ સ્તવમાં પ્રથમ પંક્તિ લખી છે: ‘ખંડન-ભવબંધન જગ-વંદન વંદિ તોમાય.’ હે ભગવાન્ જે જીવ તમારે શરણે આવે છે તેના ભવ-બંધનનું તમે ખંડન કરો છો. અર્થાત્ જીવને ભગવાન જગતમાં બધી બાજુએથી નિરાશ્રિત કરી કેવળ તેમનો જ આશ્રિત બનાવે છે. જીવ જ્યારે કેવળ ભગવાનનો આશ્રિત બને છે ત્યારે તેની આધ્યાત્મિક યાત્રા શરૂ થાય છે.
Your Content Goes Here