ગુજરાતના નામાંકિત સાહિત્યકાર અને સુપ્રસિદ્ધ શિક્ષણવિદ્ શ્રી યશવંતભાઈ શુક્લનો જન્મ અમદાવાદથી એક કલાકના અંતરે આવેલ ખેડા જિલ્લાના ઉમરેઠ ગામે તા. ૮મી એપ્રિલ, ૧૯૧૫ના રોજ થયો હતો. જીવનપર્યંત તેઓ શિક્ષણ ક્ષેત્રને વરેલા રહ્યા હતા.

૧૮૩૮માં બોમ્બે યુનિવર્સિટી, સુરતથી તેમણે ગુજરાતી અને અંગ્રેજીમાં એમ.એ. કર્યું અને ૧૯૩૯થી ૧૯૪૧ સુધી ગુજરાત કૉલેજ, અમદાવાદમાં લેક્ચરર તરીકે સેવારત રહ્યા. ત્યાર બાદ એલ્ફિન્સ્ટન કૉલેજમાં પણ લેક્ચરર રહ્યા. ૧૯૪૨થી ૧૯૪૫ દરમ્યાન પ્રસિદ્ધ ભારતીય વિદ્યાભવનમાં અધ્યાપનકાર્ય કર્યું. અને ૧૯૫૫થી ૧૯૭૮ એમ દીર્ઘકાળ સુધી તેઓ એચ.કે.આર્ટ્સ કૉલેજ, અમદાવાદના પ્રિન્સિપાલ પદે કાર્યરત રહ્યા.

ત્યાર બાદ ૧૯૭૪-૭૫ દરમ્યાન ગુજરાત સરકારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરના પદ પર તેમને નિયુક્ત કર્યા. અને તે દરમિયાન તેમનો શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સાથેનો સંબંધ ઘનિષ્ઠ બન્યો. ૧૯૭૩થી ૧૯૮૫ સુધી તેઓ રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીની જનરલ કાઉન્સીલના સભ્ય તરીકે રહ્યા. એ દરમ્યાન ૧૯૭૮માં તેઓએ ગુજરાત વિદ્યાસભાના કન્વીનર તરીકે પણ સેવાઓ આપી. ઉપરાંત ૧૯૮૪થી ૧૯૮૫ સુધી તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખ પદ શોભાવ્યું.

આવા લબ્ધપ્રતિષ્ઠ સાહિત્યકાર, કુશળ વક્તા, લેખક, ઇતિહાસકાર, સંસ્કૃત-ચિંતક અને શિક્ષણવિદ કેટલાયે પુરસ્કારોથી સન્માનિત થયા છે, જેમાં મુખ્ય છે સુપ્રસિદ્ધ ‘નર્મદ-ચંદ્રક’ પુરસ્કાર.

શિક્ષણવિદ અને લેખકનો એક અદ્‌ભુત સમન્વય એટલે શ્રી યશવંતભાઈ શુક્લ. લેખક તરીકે તેમણે પોતાના ‘તરલ’, ‘વિહંગમ’, ‘સંસાર-શાસ્ત્રી’ વગેરે કેટલાંક ઉપનામો પણ ગ્રહણ કર્યાં હતાં.

અત્યંત સૌમ્ય અને પરિપક્વ વ્યક્તિત્વ ધરાવનાર શ્રી યશવંતભાઈ પાસે જઈને મૂલ્યોનો મૂલ્યબોધ થતો. મૂલ્યો વિશે બોલનાર વ્યક્તિ કેવી હોવી જોઈએ, તેના તેઓ આદર્શ રોલ-મોડેલ હતા. જેમણે પોતાના જીવનમાં મૂલ્યોને મહત્ત્વ આપ્યું છે, વહાલાં ગણ્યાં છે, તે જ મૂલ્યો વિશે બોલી શકે અને એનો પૂરો અધિકાર શ્રી યશવંતભાઈ શુક્લની પાસે હતો.

૧૩મી માર્ચ, ૨૦૧૬માં નડિયાદમાં તેમનો જન્મ શતાબ્દી મહોત્સવ મોટા પાયે ઉજવવામાં આવ્યો હતો. તે પ્રસંગે કેટલાયે સાહિત્યકારોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. સ્વ. શ્રી પ્રકાશભાઈ શાહે તેમની સ્મૃતિ વાગોળતાં કહ્યું હતું: એક વાર તેઓ ધરણા માટે ગયા હતા. પ્રખર તાપ હતો. તેમની ઉંમર પણ ઘણી વધુ હતી. તેથી તેમને વિશ્રામ કરવાનું કહેવામાં આવ્યું છતાં તેઓ ત્યાં જ બેસી રહ્યા. તેમણે એક જ ઉત્તર આપ્યો, ‘Stand-up and be counted—આ મારો સિદ્ધાંત છે.’ જ્યારે તમે ઊભા રહેશો, ત્યારે જ તમારી ગણતરી થશે. દૃઢ ઇચ્છાશક્તિ-સંપન્ન, દેશભક્તિથી ઓતપ્રોત, નિબંધકાર, વિવેચક, પત્રકાર, સંપાદક, અનુવાદક એવા સાહિત્યકારે જે કાર્ય નિભાવવાં જોઈએ તે તમામ કાર્યોમાં તેમણે પોતાનું યોગદાન આપ્યું છે.

જ્યાં સુધી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સાથેના સંબંધની વાત છે, તો ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ મુખપત્રમાં તેઓ અવશ્ય લેખ લખી મોકલતા અને પુસ્તકાકારે સંકલન કરેલા અન્ય પ્રસિદ્ધ લેખો સાથે તેમના લેખોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેના દ્વારા આપણે જાણી શકીએ કે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનું તેમણે કેટલું ઊંડું અધ્યયન કર્યું હશે.

આ ઉપરાંત ૧૯૯૨માં શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા ‘The Science and Art of Becoming a Better Teacher’ (ઉત્તમ શિક્ષક બનવાની કળા અને તેનું વિજ્ઞાન) આ વિષય પર આયોજિત બે દિવસના સેમિનારમાં તેમણે પ્રવચન પણ આપ્યું હતું. એ કાર્યક્રમમાં UNESCO Educational Institute ના પૂર્વ ડાયરેક્ટર ડૉ. રવીન્દ્ર દવે પણ એક પ્રસિદ્ધ વક્તા તરીકે ઉપસ્થિત હતા. શ્રી યશવંતભાઈએ સુંદર પ્રવચન આપ્યું હતું, જેમાં તેમણે કહેલું તે મને હજુ પણ યાદ છે,

“આ શિક્ષકનો વ્યવસાય, એમ તો નહીં કહું, પણ શિક્ષકનો ધર્મ છે, સ્વધર્મ છે. એ અત્યંત ઉમદા કાર્ય છે. આ કાર્યમાં કેટલાક લોકો આકસ્મિક રૂપે આવી પડ્યા છે. તે લોકોને હું અનુરોધ કરું છું કે જલદીથી તેઓ આ વ્યવસાયને છોડી દે. તેમને જે જોઈએ છે, તે આ વ્યવસાયમાંથી નહીં મળે. તેમને જોઈએ છે પગાર, ભથ્થાં, પેકેજ, રજાઓ; પણ આ લાભો તેમને નહીં મળે. જો તેઓ બલિદાન આપવા ઇચ્છે છે, દેશ માટે જીવવા માગે છે અને તેના માટે ત્યાગ કરવાની ઇચ્છા ધરાવે છે; આવનારી પેઢી માટે કંઈક કરી બતાવવાની, મરી ફીટવાની, સમર્પિત થવાની ઇચ્છા છે; તો જ આ મહાન સ્વધર્મમાં, મહાન વ્યવસાયમાં આવે.”

હૃદયના ઊંડાણમાંથી તેમણે આ વાત કહી હતી. પછી ઉમેર્યું, “મને બહુ દુઃખ થાય છે, જ્યારે હું શિક્ષકોની આવી અવસ્થા જોઉં છું. શિક્ષકથી ઉપર કોઈ છે જ નહિ. આવનારી પેઢીને તૈયાર કરનાર શિક્ષક જ છે.”

તેમણે પ્રવચન દરમ્યાન પોતાની પ્રાથમિક શાળાના એક શિક્ષક વિશે વાત કરતાં કહ્યું, ‘તેઓ એટલા મૂલ્યનિષ્ઠ હતા અને એટલી સમર્પિત બુદ્ધિથી તેઓ અમને ભણાવતા! જો કોઈ વિદ્યાર્થીને સમજ ન પડે તો પણ ક્યારેય તેઓ ગુસ્સે ન થતા. તેઓ કહેતા કે જો વિદ્યાર્થી શીખી નથી શકતો તો એ દોષ વિદ્યાર્થીનો નહિ પણ શિક્ષકનો છે, જે તે વિદ્યાર્થીને બરાબર ભણાવી શકતો નથી. તેઓ પોતા પર એ દોષ લઈ લેતા. તેને તેનાં માતા-પિતાએ મારી પાસે ભણવા મોકલ્યો છે ને હું તેને બરાબર ભણાવી શક્યો નહિ. તેના માટે તેઓ કોઈ ફી લીધા વિના વધારાનો સમય ફાળવતા અને તે પણ વિદ્યાર્થી બરાબર સમજી ન લે ત્યાં સુધી. સંપૂર્ણ સમર્પિત જીવન!’ શ્રી યશવંતભાઈએ ઉમેર્યું, ‘આવા શિક્ષકો પણ છે. એમને યાદ કરીને હું આજે પણ ગદ્‌ગદ થઈ જાઉં છું. તેમની પાસે ધન-સંપત્તિમાં કશું જ ન હતું. પરંતુ જ્યારે તેમની સ્મશાનયાત્રા નીકળી, ત્યારે ગામના બધા લોકો તેમાં જોડાયા હતા. બધા દુઃખી હતા અને રડતા હતા.’

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં શ્રી યશવંતભાઈએ એક લેખ લખ્યો હતો ‘પ્રભાવનું રહસ્ય’. પછીથી ‘વિશ્વધર્મપરિષદ અને સ્વામી વિવેકાનંદ’ પુસ્તકમાં કેટલાક સુપ્રસિદ્ધ સાહિત્યકારોના લેખ સાથે તેમના આ લેખનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. શિકાગો વિશ્વધર્મસભામાં સ્વામીજીએ માત્ર પાંચ મિનિટ આપેલા વક્તવ્ય દ્વારા સમગ્ર વિશ્વ પર જાણે વિજય પ્રાપ્ત કરી લીધો, તેનું રહસ્ય શું છે, તે વિશે તેમણે બે વાતો કહી. ‘એક તો, રામકૃષ્ણ પરમહંસની સ્વામીજી પર કૃપા, તેમની પાસેથી સ્વામીજીને જે મળ્યું તેને અને શ્રીરામકૃષ્ણદેવને યાદ કર્યા વગર આપણે સ્વામીજીની મહત્તાને ન સમજી શકીએ. અને બીજી વાત, ધર્મ એ બાહ્યાચાર નથી પણ અંદરની અને બહારની એકરૂપતા છે. પોતે (સ્વામીજી) અને વિશ્વ અભેદ છે, તે સ્વામીજીએ આત્મસાત્‌ કર્યું હતું અને એ જ એમના પ્રભાવનું રહસ્ય છે.’

અંતમાં તેઓ લખે છે, ‘હું અને વિશ્વ આત્માની દૃષ્ટિએ અભેદ છીએ, અને એ માત્ર તાર્કિક અનુમાનથી નહિ, પણ સ્વામીજીએ તેવું સ્પષ્ટપણે જાણ્યું હતું. તેમને એવું લાગતું હતું કે બધાંમાં મારો જ આત્મા છે. સમગ્ર વિશ્વમાં તેમની એકાત્મ બુદ્ધિ હતી. તે કારણે જ તેઓ વિશ્વને આટલું પ્રભાવિત કરી શક્યા હતા—આ છે અદ્વૈતની અનુભૂતિ.’

અન્ય એક પુસ્તક પ્રકાશિત થયું છે ‘આધુનિક યુવાવર્ગ અને સ્વામી વિવેકાનંદ’. તેમાં શ્રી યશવંતભાઈનો એક લેખ સમાવિષ્ટ છે, જેનું શીર્ષક છે ‘સ્વામી વિવેકાનંદે પ્રબોધેલ ધર્મ’. તેમાં તેઓ લખે છે: “ગોવર્ધનરામ ત્રિપાઠી અને સ્વામીજી સમકાલીન હતા અને ધર્મતત્ત્વની સ્વામીજીની સમજ ઊંડી  અને તાત્ત્વિક હતી, કેમ કે મૂળ તત્ત્વનું તેમણે સુપેરે આકલન કર્યું હતું. સ્વામી વિવેકાનંદે પોતાની સમજણ વિશ્વભરમાં ગાજતી કરી હતી. ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા ‘સરસ્વતીચંદ્ર’ના ત્રીજા ભાગમાં એક ‘લક્ષ્યાલક્ષ્ય’ પ્રકરણ આવે છે. સ્વામીજીએ જે વેદાંતની વાત કરી તેની અસર શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી પર પડી હશે, જે નવલકથામાં દેખાઈ આવે છે.”

અંતમાં તેઓ લખે છે: “સ્વામીજીનું સમગ્ર જીવન આ તત્ત્વને જીવનમાં પ્રત્યક્ષ કરનારું હતું. એ જ એમના વ્યાપક પ્રભાવનું રહસ્ય છે.”

સ્વામીજીની બે વાતો, ‘ધર્મ અનુભૂતિનો વિષય છે’ અને ‘દિવ્યતાની અભિવ્યક્તિ’. એના પર શ્રી યશવંતભાઈએ ખાસ વિશ્લેષણ કર્યું છે. તેમનું માનવું હતું કે સ્વામી વિવેકાનંદ દ્વારા પ્રતિપાદિત જે ધર્મ હતો તે છે વેદાંતનો ધર્મ, જે વ્યવહારમાં પણ અનુસરણીય છે. આમ આપણે સમજી શકીએ કે તેમણે રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને સાહિત્યનું ઊંડાણપૂર્વક ગહન અધ્યયન કર્યું છે અને એટલે જ તેઓ સ્વામીજીના તત્ત્વદર્શનના મૂળ સુધી પહોંચી શક્યા છે.

૨૩મી ઓક્ટોબર, ૧૯૯૯ના દિવસે અમદાવાદમાં શ્રી યશવંતભાઈ શુક્લનું દુઃખદ નિધન થયું.

ભગવાન શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદના અવિરત આશીર્વાદ તેમના પરિવારજનોને પ્રાપ્ત થાય તેવી તેઓની પાસે પ્રાર્થના કરીએ.

Total Views: 12

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.