(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “With the Swamis in America and India”નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. અનુવાદક છે શ્રી વિમલભાઈ વ. દવે. – સં.)

એક વાત તો સ્પષ્ટ હતી. સ્વામી તુરીયાનંદજીને જાહેરજીવન, સંસ્થાકીય બાબતો ને એવા બધાની ખાસ પરવા ન હતી. તેઓ તો થોડાક વિદ્યાર્થીઓ માટે જ હતા, મોટાં ટોળાં માટે તો નહીં જ. અને એમનું કાર્ય વ્યક્તિગત ચારિત્ર્યઘડતરનું હતું. સંસ્થાનો વિકાસ થાય તેમ સાચી આધ્યાત્મિક સાધના મંદ પડવા માંડે છે એવો એમનો અભિપ્રાય હોય એવું જણાતું. તેઓ કહેતા, “પ્રવચનો જાહેર જનતા સુધી પહોંચવા માટે છે. પરંતુ સાચું કાર્ય તો નજીકના વૈયક્તિક સંબંધ દ્વારા જ થતું હોય છે. બન્નેની જરૂર છે. આપણે આપણા પોતાના સ્વાભાવિક, સહજ માર્ગને અનુસરવું જોઈએ. સ્વામી અભેદાનંદજી એમનાં પ્રવચનો દ્વારા અનેક લોકો સુધી પહોંચશે. પરંતુ એ મારો માર્ગ નથી. અને મારા માટે સ્વામી વિવેકાનંદજીએ અમુક ખાસ સૂચનાઓ આપી છે. હું પ્રવચનકાર્યમાં બહુ જોડાઉં એવી એમની ઇચ્છા નથી. સ્વામી વિવેકાનંદજીએ મને અહીં મોકલતાં પહેલાં પૂછ્યું હતું: ‘તમે મારી જેમ પ્રવચનો આપી શકશો?’ મેં કહ્યું: ‘સ્વામીજી, તમે આ શું કહો છો? એ શક્ય જ નથી.’ તેમણે કહ્યું, ‘ઠીક છે, પ્રવચનકાર્યની ઝંઝટમાં બહુ પડતા નહીં, તમે તો એવું જીવન જીવો, જે લોકોને માટે દૃષ્ટાંતરૂપ બની રહે. સંન્યાસીઓ કેવી રીતે જીવે છે એ એમને જાણવા દો.’ તો તમે જુઓ છો ને, હું તો માત્ર સ્વામી વિવેકાનંદજીની આજ્ઞાનું પાલન કરું છું.”

આમ છતાં સ્વામી અભેદાનંદજી બહારગામ હોય ત્યારે સ્વામી તુરીયાનંદજીને ન્યુયોર્કના કાર્યનો પૂરો હવાલો સંભાળવો પડતો અને તેથી એમને થોડું પ્રવચનકાર્ય પણ કરવું તો પડતું જ. એમનાં પ્રવચનો ટૂંકાં રહેતાં. ‘વેદાંત હોમ’માં આ પ્રવચનો આપવાનાં હોવાથી શ્રોતાવર્ગની સંખ્યા બહુ રહેતી નહીં અને તેથી સ્વામી એમની પોતાની પદ્ધતિને અનુસરી શકતા. પ્રારંભમાં તેઓ શ્રોતાવર્ગને થોડી મિનિટ ધ્યાન કરાવતા અને પછી તેમનું પ્રવચન શરૂ થતું. હંમેશાં ધર્મના કાર્યાન્વિત પાસાને ઉજાગર કરતી પુરાણો તથા શાસ્ત્રોની કથાઓ સાથે તેઓ રસપ્રદ, માર્ગદર્શક પ્રવચન આપતા. આ પ્રવચનો ખૂબ જ ઉપયોગી નીવડતાં અને બધાંને એ ખૂબ ગમતાં. આવાં પ્રવચન પછીની પ્રશ્નોત્તરી પણ ખૂબ જ રસપ્રદ બનતી.

પરંતુ અગાઉ કહ્યું તેમ ખરેખરના જીવનઘડતરનું કાર્ય તો વ્યક્તિગત સ્તરે જ થઈ શકે. એક શિલ્પી જે રીતે માટીને યોગ્ય આકારમાં ઘડે, કંઈક એવી જ રીતે સ્વામી તુરીયાનંદજી પોતાના શિષ્યોના ચારિત્ર્યને ઘડતા. ખૂબ નજીકના, વ્યક્તિગત સંપર્ક દ્વારા એ કાર્ય થતું. મક્કમ હાથ અને સ્પષ્ટ ધ્યેય સાથે તેઓ પોતાનું સમગ્ર હૃદય રેડી દેતા. જો કે આ કાર્યમાં એક ચોક્કસ લક્ષ્ય અને ઘનિષ્ઠતા રહેતાં, છતાં એ બધું એટલી સ્વાભાવિક રીતે થતું કે કોઈને તેઓ કશું શીખવી રહ્યા છે એવું જણાતું જ નહીં. તેઓ તો માત્ર અમારી સાથે જીવતા અને એમનામાં કોણ જાણે ક્યાં છુપાયેલી આધ્યાત્મિકતાનો અવિચ્છિન્ન પ્રવાહ સાવ સ્વાભાવિક, મુક્ત રીતે વહ્યા કરતો. આ પ્રવાહ જાણે કે કદી ખૂટતો જ નહીં. અમારી સાથે બેઠા હોય ત્યારે, ચાલતાં ચાલતાં અને ભોજન કરતા હોય ત્યારે પણ આ અધ્યાત્મના પ્રવાહનો સતત અનુભવ થતો રહેતો. મને સમજાતું નહીં કે સ્વામી તુરીયાનંદજી આધ્યાત્મિક વાતો માટે કોઈ ને કોઈ મુદ્દો હરહંમેશ કઈ રીતે શોધી કાઢે છે. એટલે મેં એક વખત એમને પૂછી જ લીધું, “મહારાજ, હંમેશાં પવિત્ર બાબતો વિશે જ વાત કરવાનું કેવી રીતે શક્ય બને છે? તમે ક્યારેય થાકતા નથી?” તેમણે ઉત્તર વાળ્યો, “જુઓ, પ્રારંભની મારી યુવાનીથી હું આ જ જીવન જીવ્યો છું, અને ‘મા’ એનો પુરવઠો સતત પૂરો પાડે જ છે. એનો ભંડાર ક્યારેય ખૂટવાનો નહીં. જે કંઈ ખૂટે એ ત્યારે ને ત્યારે ફરીથી ‘મા’ ભરી દે છે.” હું વિસ્મિત થઈ ગયો.

વાતચીતમાં બહુ નિપુણ તો હું ક્યારેય ન હતો, પરંતુ હંમેશાં એક સરસ શ્રોતા તો રહ્યો જ. જ્યારે સ્વામી અને હું સાથે ચાલવા જતા ત્યારે લગભગ તેઓ જ બોલતા અને હું એમની વાતો માણતો. એ બધું કેટલું પ્રેરણાદાયક રહેતું! તેઓ અદમ્ય પ્રેરણા અને ઉત્સાહપૂર્વક વાતો કર્યે જ જતા અને એમાં પૂર્ણતઃ ખોવાઈ જતા. એ સમયે એમને બીજું કશું યાદ રહેતું નહીં. જેઓ તેમને સાંભળતા તેઓ પણ અભિભૂત થઈ જતા અને બધા વર્ગના લોકોને તેમના પ્રત્યે આકર્ષણ થતું.

મારા માટે તો સ્વામી તુરીયાનંદજીનો વ્યક્તિગત સંપર્ક કેટલો તો મૂલ્યવાન હતો! એમની સાથે ચાલવા જવાની એટલી તો મજા આવતી કે એમની હાજરીની પ્રત્યેક ક્ષણ મારે માટે જાણે કે આનંદનો ખજાનો લઈ આવતી! સ્વામી તુરીયાનંદજી એમની વાતમાં પોતાનો સમગ્ર પ્રાણ રેડી દેતા અને સમય અને સંજોગોને જાણે કે સાવ વીસરી જતા. એ વિશે એક રમૂજી વાત કરી લઉં.

એક વખત સ્વામી તુરીયાનંદજી અને હું ન્યુયોર્કના એક સૌથી ફેશનેબલ વિસ્તારમાં ચાલી રહ્યા હતા. એમની વાતમાં જેમ તેઓ વધુ ઊંડા ઊતરતા ગયા, તેમ એમનું બોલવાનું વધુ ત્વરિત તથા અવાજ વધુ ને વધુ ગાઢ થવા લાગ્યો. આજુબાજુના લોકોનું આથી ધ્યાન આકર્ષિત થાય એ સ્વાભાવિક જ હતું. પરંતુ ન્યુયોર્કના એ ફેશનેબલ લોકો ત્યારે કેવા આશ્ચર્યચકિત થયા હશે, એનું તમે અનુમાન કરી લો. સ્વામી માર્ગમાં અચાનક ઊભા રહી ગયા, એક હાથ ઊંચો કર્યો અને મને જાણે કે ત્રાડ પાડતા હોય એમ કહ્યું, “સિંહ બનો! સિંહ બનો! તમારું પાંજરું તોડી નાખો અને મુક્ત બની રહો! એક મોટો કૂદકો મારી દો, અને કામ બની જશે.”

સ્વામી તુરીયાનંદજી જે કહેતા એ અમને સહેલાઈથી સમજાય એને માટે તેઓ કેટલી બધી વાર્તાઓ પણ કહેતા રહેતા! તેમણે એક વખત કહ્યું, “સર્પની એક એવી જાતિ છે, જેમાં ઈંડાં મૂક્યા પછી માદા સર્પ એમને વીંટળાઈને બેસે છે. એક પછી એક ઈંડું જેવું ફૂટે અને બચ્ચું નીકળે તેવું માદા સર્પ એને ગળી જાય છે. પરંતુ આ ઈંડાંમાંથી નીકળતાં કેટલાંક બચ્ચાં એવાં ત્વરિત અને ચતુર હોય છે કે માના ગૂંચળામાંથી ઝડપથી કૂદી પડી પોતાને બચાવી લે છે, અને જેઓ મુક્ત રહીને જ જન્મે છે એમનું પણ આવું જ છે. તેઓ જન્મથી જ મુક્ત રહે છે અને માયા એમને પકડી શકતી નથી.”

Total Views: 6

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.