(સ્વામી શુદ્ધાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ સંઘના પાંચમા પરમાધ્‍યક્ષ હતા. તેઓ જ્યારે કોલેજમાં અધ્યયન કરતા હતા ત્યારે સ્વામી વિવેકાનંદ અમેરિકાથી પાછા ફર્યા હતા. આ એ દિવસોની વાતો છે. – સં.)

એક દિવસ બપોરે ઘણા લોકો ત્યાં બેઠા હતા. સ્વામીજીને મનમાં થયું કે ગીતા-પાઠ કરવો જોઈએ. ભગવદ્‌ગીતા લાવવામાં આવી. બધા એકચિત્ત થઈને સાંભળવા લાગ્યા કે સ્વામીજી ગીતા વિશે શું કહે છે? તેમણે ગીતા વિશે તે દિવસે જે કંઈ કહેલ, તે બે-ચાર દિવસ પછી સ્વામી પ્રેમાનંદના આદેશથી મેં લખી લીધું હતું. તે ‘ગીતા-તત્ત્વ’ શીર્ષક હેઠળ પહેલાં ‘ઉદ્‌બોધન’ પત્રિકામાં બીજા વર્ષે પ્રકાશિત થયું હતું અને પછી સ્વામીજીના ‘ભારતીય વ્યાખ્યાન’ પુસ્તકમાં સમાવિષ્ટ કરાયું હતું.

વ્યાખ્યા કરતી વખતે સ્વામીજી એક કઠોર આલોચક પ્રતીત થતા. કૃષ્ણ, અર્જુન, વ્યાસ, કુરુક્ષેત્રનું યુદ્ધ વગેરેની ઐતિહાસિક બાબતો માટે સંદેહનાં કારણોનું જ્યારે તેઓએ સૂક્ષ્મ રીતે વિશ્લેષણ કરવાનું શરૂ કર્યું, ત્યારે એવું લાગ્યું કે અત્યંત કઠોર અને પ્રવીણ આલોચકે પણ તેમની સામે હાર માનવી પડે. જો કે ઐતિહાસિક તત્ત્વોનું તેમણે સઘન વિશ્લેષણ કર્યું, પરંતુ તે વિષયમાં પોતાનો મત વિશેષરૂપે પ્રગટ કર્યા વિના જ આવી આલોચના કરીને તેમણે સમજાવ્યું કે ધર્મની સાથે આવી ઐતિહાસિક શોધને કોઈ સંબંધ નથી.

ઐતિહાસિક શોધને કારણે શાસ્ત્રોમાં ઉલ્લેખ થયેલ વ્યક્તિ કદાચ કાલ્પનિક સિદ્ધ થઈ ગઈ, તોપણ તેનાથી સનાતન ધર્મને કોઈ ઠેસ પહોંચશે નહીં. ‘જો ધર્મ-સાધનાને ઐતિહાસિક શોધ સાથે કોઈ સંબંધ ન હોય તો શું ઐતિહાસિક સંશોધનનું કોઈ મહત્ત્વ નથી?’

આ પ્રશ્નના ઉત્તરમાં સ્વામીજીએ કહ્યું કે નિર્ભીક ભાવે કરેલ ઐતિહાસિક સત્યના અનુસંધાનની એક વિશેષ ઉપયોગિતા છે. પરંતુ ઉદ્દેશ્ય મહાન હોય તોપણ તેના માટે ખોટો ઇતિહાસ રચવાની જરૂર નથી. ઊલટાનું, જો મનુષ્ય પ્રાણ ન્યોછાવર કરીને બધા વિષયોમાં પૂર્ણરૂપથી સત્યનો આશ્રય લેવા ઇચ્છે તો એક દિવસ સત્યસ્વરૂપ પરમાત્માનો સાક્ષાત્કાર કરી શકશે.

ત્યાર પછી તેમણે ગીતાના મૂળ તત્ત્વના રૂપમાં સર્વધર્મ-સમન્વય તથા નિષ્કામ કર્મ વિશે સંક્ષેપમાં ચર્ચા કરી અને શ્લોક વાંચવાનું શરૂ કરી દીધું. બીજા અધ્યાયનો શ્લોક क्लैब्यं मा स्म गमः पार्थ—હે અર્જુન, તું કાયરતા બતાવ નહીં—વગેરે દ્વારા શ્રીકૃષ્ણે અર્જુનને યુદ્ધ માટે પ્રેરિત કરે તેવાં વચનોનું વાંચન કર્યું અને તેના ભાવમાં ભાવિત થઈ ગયા. આ ભાવમાં જ બધાને ઉપદેશ આપતા હતા—न एतत् त्वयि उपपद्यते—આ તમને શોભતું નથી—તમે સર્વ શક્તિમાન છો, તમે બ્રહ્મ છો, તમારામાં જે વિપરીત ભાવો જોઉં છું, તે બધા તમને શોભતા નથી. ઋષિની જેમ ઓજસ્વી ભાષામાં આ તત્ત્વ સમજાવતાં જાણે તેમની અંદરથી તેજ નીકળવા લાગતું. સ્વામીજી કહેવા લાગ્યા, “જ્યારે બીજામાં બ્રહ્મનું દર્શન કરવામાં આવે ત્યારે મહાપાપી પર પણ ઘૃણા નથી ઊપજતી. મહાપાપી ઉપર પણ ઘૃણા ન કરો.” આ વાત કહેતાં કહેતાં સ્વામીજીના મુખમંડળ પર જે ભાવો જોવા મળ્યા, તે છબી આજે પણ મારા હૃદયમાં અંકિત છે—તેમના મુખમાંથી સેંકડો પ્રવાહોમાં પ્રેમ જાણે પ્રવાહિત થવા લાગ્યો હતો. શ્રીમુખ જાણે પ્રેમથી પ્રકાશવા લાગ્યું—તેમાં કઠોરતા લેશમાત્ર પણ રહી નહોતી. ‘આ એક શ્લોકમાં જ ગીતાનો સાર સમાયેલો છે’ —એવું સમજાવીને સ્વામીજીએ પોતાના વક્તવ્યનો ઉપસંહાર કર્યો, ‘આ એક શ્લોકનું પઠન કરવાથી સમગ્ર ગીતા-પાઠનું ફળ મળે છે.’

* * * * *

એક દિવસ સ્વામીજીએ બ્રહ્મસૂત્ર લાવવાનું કહ્યું. તેઓ બોલ્યા, “અત્યારે તમે લોકો બ્રહ્મસૂત્રના ભાષ્યની સહાયતા વગર જ સ્વતંત્ર રીતે સૂત્રનો અર્થ સમજવાનો પ્રયત્ન કરો.” પ્રથમ અધ્યાયના પ્રથમ પદના સૂત્રનો પાઠ શરૂ થયો. સ્વામીજી સંસ્કૃતનું ઉચ્ચારણ સાચી રીતે કરવાનું કહીને બોલ્યા, “આપણે બંગાળી લોકો સંસ્કૃતનું ભાષાનું સાચું ઉચ્ચારણ નથી કરતા. તેનું ઉચ્ચારણ એટલું સરળ છે કે થોડો પ્રયત્ન કરવાથી બધા જ શુદ્ધ ઉચ્ચારણ કરી શકે છે. આપણે લોકો બાળપણથી જ આવું અલગ પ્રકારે ઉચ્ચારણ કરવા ટેવાયેલા છીએ, તેથી તે વિચિત્ર અને કઠિન લાગે છે. આપણે ‘આત્મા’નું ઉચ્ચારણ ‘આત્તા’ના રૂપમાં શા માટે કરીએ છીએ? મહર્ષિ પતંજલિ પોતાના ભાષ્યમાં કહે છે કે ‘અશુદ્ધ’ ઉચ્ચારણ કરવાવાળા મ્લેચ્છ છે. તો તેમના મત પ્રમાણે આપણે મ્લેચ્છ કહેવાઈએ.” ત્યારે નવા આવેલા બ્રહ્મચારી અને સંન્યાસીગણ એક એક કરીને સાચી રીતે ઉચ્ચારણ કરીને બ્રહ્મસૂત્ર વાંચવા લાગ્યા.

ત્યાર પછી સ્વામીજી તે ઉપાય બતાવવા લાગ્યા કે જેથી સૂત્રોનો પ્રત્યેક શબ્દ લઈને તેનો અક્ષરાર્થ સમજી શકાય. તેઓ બોલ્યા, “કોણ કહે છે કે આ સૂત્રો માત્ર અદ્વૈત મત માટે જ છે? શંકરાચાર્ય અદ્વૈતવાદી હતા, તેથી બધાં સૂત્રોની અદ્વૈતને અનુલક્ષીને ચર્ચા કરવાનો પ્રયાસ કરેલ છે, પરંતુ તમે લોકો સૂત્રોને યથાર્થ રીતે સમજવાની કોશિશ કરજો અને એ સમજવાની કોશિશ કરજો કે વ્યાસનો શો અભિપ્રાય છે. દાખલા તરીકે—अस्मिन्नस्य च तद्योगं शास्ति—‘વેદ આ જીવાત્માની સાથે તે પરમાત્માના પૂર્ણ તાદાત્મ્યનું પણ શિક્ષણ આપે છે.’ આ સૂત્રની ચર્ચા કરીને મને લાગે છે કે વેદવ્યાસે અદ્વૈત અને વિશિષ્ટાદ્વૈત બંનેને પ્રસ્તુત કર્યા છે.”

અસ્તુ, પાઠ આગળ ચાલવા લાગ્યો. પછી शास्त्रदृष्टया तु उपदेशो वामदेववत्—એ સૂત્ર ચર્ચા માટે આવ્યું. તેનો અર્થ થાય છે—જેમણે શાસ્ત્રો દ્વારા બતાવેલ तत्त्वमसिના સત્યની અનુભૂતિ કરી લીધી છે, તેમને પરમ-બ્રહ્મની સાથે એકત્વનો અનુભવ થઈ જાય છે. આ સૂત્રની ચર્ચા પછી સ્વામીજીએ સ્વામી પ્રેમાનંદ સામે જોઈને કહ્યું, “જુઓ, તમારા શ્રીરામકૃષ્ણ જે પોતાને ભગવાન કહેતા હતા, તેઓ આ ભાવથી કહેતા હતા.” પરંતુ આ કહ્યા પછી સ્વામીજી બીજી તરફ મુખ ફેરવીને કહેવા લાગ્યા કે શ્રીરામકૃષ્ણે જો કે મને અંતિમ સમયે કહેલું, “જે રામ હતા, જે કૃષ્ણ હતા, તે જ આ વખતે રામકૃષ્ણ છે, પરંતુ તારી વેદાંતની દૃષ્ટિએ નહીં.” પછી તેમણે આગળનું સૂત્ર વાંચવાનું કહ્યું.

સ્વામીજીમાં અપાર દયા હતી. તેમણે અમને ક્યારેય સંદેહને છોડવાનું પણ નહોતું કહ્યું કે કોઈની વાત પર તરત વિશ્વાસ કરવાનું પણ નહોતું કહ્યું. તેમણે કહેલું, “તમે લોકો તમારી ક્ષુદ્ર બુદ્ધિ (વિદ્યાબુદ્ધિ) દ્વારા જેટલું શક્ય હોય તે રીતે આ અદ્‌ભુત રામકૃષ્ણ ચરિત્રની ચર્ચા કરો, અધ્યયન કરો—હું તો હજુ તેમના ચરિત્રનો લાખમો ભાગ પણ સમજી શક્યો નથી. તમે જેટલા ઊંડા ઊતરી સમજવાની કોશિશ કરશો, તેટલું જ સુખ મેળવશો અને તેટલા જ તેમાં ડૂબી જશો.”

સ્વામીજી એક દિવસ અમને લોકોને પૂજાગૃહમાં લઈ જઈને સાધન-ભજન શીખવવા લાગ્યા. તેઓ બોલ્યા, “પહેલાં બધા લોકો આસન પાથરીને બેસો, વિચારો—મારું આસન દૃઢ બનો, આ આસન અચલ-અટલ હોય, તેની સહાયતાથી હું સંસાર-સમુદ્રની પાર તરી જઈશ.”

આ રીતે થોડી વાર ચિંતન કરાવ્યા પછી સ્વામીજી પુનઃ બોલ્યા, “વિચારો—મારું શરીર નિરોગી અને સ્વસ્થ છે, વજ્રની જેમ દૃઢ છે, આ દેહની મદદથી જ હું સંસાર-સાગરને પાર કરીશ.”

“પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ—ચારેય દિશાઓમાં મારા તરફથી પ્રેમનો પ્રવાહ વહી રહ્યો છે. હૃદયની અંદરથી આખા જગત માટે શુભકામના વહી રહી છે—બધાનું કલ્યાણ થાઓ, બધા સ્વસ્થ તથા નિરોગી રહો. આવું ચિંતન કરીને થોડી વાર પ્રાણાયામ કરવો, વધારે નહીં, ત્રણ પ્રાણાયામ કરવા પૂરતા છે. ત્યાર પછી દરેક વ્યક્તિ હૃદયમાં પોતાના ઇષ્ટદેવનું ચિંતન અને મંત્રનો જાપ લગભગ અડધા કલાક સુધી કરશે.” બધા સ્વામીજીના ઉપદેશ અનુસાર ધ્યાન કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા.

આ પ્રકારની સામૂહિક સાધના મઠમાં ઘણા સમય સુધી થયા કરતી હતી અને સ્વામીજીની આજ્ઞા પ્રમાણે સ્વામી તુરીયાનંદ નવા સંન્યાસીગણ અને બ્રહ્મચારીઓને સૂચના આપતા કે “હવે આ પ્રકારે ચિંતન કરો, તેના પછી આમ કરો.” અને પોતે પણ તે રીતે કરતા અને સ્વામીજીના બતાવ્યા પ્રમાણે સાધના-પદ્ધતિનો અભ્યાસ કરાવતા.

Total Views: 14

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.