(સ્વામી પુરુષોત્તમાનંદજી મહારાજ રચિત હિન્દી પુસ્તક ‘યુવા શક્તિ કા રહસ્ય’ના એક અંશનો શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલ ગુજરાતી અનુવાદ આપની સમક્ષ પ્રસ્તુત છે. – સં.)

બ્રહ્મચર્યનું પાલન કરવા તથા મનને એકાગ્ર કરવા માટે ચુસ્ત શિસ્તનું પાલન કરવું પડે છે. ઘણા લોકો એ નથી જાણતા કે કોઈ વ્યક્તિને એક કાબેલ સૈનિક બનવા માટે કેટલા કઠોર અનુશાસનમાંથી પસાર થવું પડે છે. એ જ રીતે બહુ ઓછા લોકોને એ જાણકારી છે કે ચંદ્ર-અભિયાન પર જનાર અંતરિક્ષ યાત્રીને કેટલી કઠોર તાલીમ લેવી પડે છે.

જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે કૃપા કરીને સમય કાઢીને ગહન ચિંતન કરો કે આપણા મન પર નિયંત્રણ પ્રાપ્ત કરવા માટે અને સબળ, સાર્થક તથા શાંતિપૂર્ણ જીવન જીવવા માટે કેટલા વધુ પ્રમાણમાં શિસ્તની જરૂર પડે છે.

આપણે જે આહાર લઈએ છીએ, જે દૃશ્ય જોઈએ છીએ, જે વાતો સાંભળીએ છીએ, જે શબ્દ બોલીએ છીએ, જેમની સાથે હળીએ-મળીએ છીએ —એમાંના પ્રત્યેકની આપણા ઇન્દ્રિય-નિગ્રહ અર્થાત્‌ આત્મસંયમ પર અસર પડે છે. જો આ બધું પવિત્ર છે તો બ્રહ્મચર્યનું પાલન કરવામાં આપણને બળ મળે છે અને વીર્યનું રક્ષણ થાય છે. જો તે બધી પ્રવૃત્તિઓ અપવિત્ર છે તો બ્રહ્મચર્ય ખંડિત થઈ જાય છે.

આધુનિક યુવક-યુવતીઓએ એક અનોખી જીવનશૈલી અપનાવી લીધી છે, જે અંતે તો તેમના વ્યક્તિત્વનો વિનાશ કરી દેશે. બેશક, આજે પણ ચારિત્ર્યવાન યુવક-યુવતીઓ મળશે. ‘શું સુગંધહીન પુષ્પ અને ઉચ્છિષ્ટ ફળ આપણા આરાધ્ય દેવને અર્પણ કરી શકીએ છીએ?’ પરંતુ તેની સંખ્યા ઘણી ઓછી છે. આ સંખ્યા વધવી જોઈએ અને વધતી રહેશે.

પરંતુ એનો અર્થ એવો નથી કે બધાએ નૈષ્ઠિક બ્રહ્મચારી અર્થાત્‌ જીવનભર અવિવાહિત કે બ્રહ્મચારી બની રહેવું જોઈએ, બિલકુલ નહીં. જો કોઈ તેનું સમર્થન કરવાનો પ્રયત્ન કરશે તો તેની સલાહ કોઈ માનશે નહિ. જો આજનાં યુવક અને યુવતીઓ જ્યાં સુધી લગ્ન ન કરે ત્યાં સુધી સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરે, આટલું જ પર્યાપ્ત છે. નવયુવાનો માટે આટલો સંયમ અત્યંત અનિવાર્ય છે.

સ્વામી વિવેકાનંદ ચરિત્ર-નિર્માણ અને મનુષ્ય-નિર્માણની વાત કરે છે. તેઓએ ખરા અર્થમાં વ્યક્તિત્વ વિકસિત કરવા માટે ઉચ્ચ આદર્શ આપ્યો છે. બ્રહ્મચર્ય જ આ વ્યક્તિત્વરૂપી ઇમારતના નિર્માણની આધારશિલા છે.

જો આપણા યુવાનો બધા ગુણોથી સંપન્ન સર્વાંગી વ્યક્તિત્વનો વિકાસ કરવા ઇચ્છે છે તો બ્રહ્મચર્યનું પાલન કરવું અત્યંત આવશ્યક છે.

જો આપણા યુવાનો દિવ્ય મેધાશક્તિ[1]થી પરિપૂર્ણ થઈને પ્રતિભાવાન બનવાની આકાંક્ષા રાખે છે, તો બ્રહ્મચર્ય તેમના વ્યક્તિત્વનો આધારસ્તંભ હોવો જોઈએ.

જો આપણાં વિશ્વવિદ્યાલયો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાદેવીની શક્તિ અને પ્રતિભાને ઠાંસી ઠાંસીને ભરવી છે, તો એ પરિવેશમાં બ્રહ્મચર્યના દિવ્ય આદર્શોનું પાલન અને ગુણગાન કરવાં જોઈએ.

જો પ્રત્યેક ઘરને સુખી-સમૃદ્ધ બનાવવું છે, તો ત્યાંના વાયુમંડળમાં બ્રહ્મચર્યની ભાવના પ્રવાહિત કરવી જોઈએ.

જો આપણે આ સ્થિતિને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરીએ, તો આપણો દેશ સંપૂર્ણપણે ગૌરવશાળી બની જશે, એટલો ગૌરવશાળી કે આપણા સ્વર્ણિમ ભૂતકાળની આભા પણ, આપણા વર્તમાનના પ્રકાશ સામે ઝાંખી અને રંગહીન પ્રતીત થશે.

છતાં પણ કેટલાક શંકાશીલ અને નાસ્તિક લોકો છે, જેઓ બ્રહ્મચર્યને એક અસંભવ આદર્શ માનીને તેને જડમૂળથી નકારી કાઢવા તૈયાર થઈને બેઠા છે. સમાજમાં આવા લોકો તમને સદૈવ જોવા મળશે. તેઓ અત્યારેય છે અને ભવિષ્યમાં પણ રહેશે. તેઓને અંધકારમય, સંશયાત્મક મનોદશામાં જીવવા માટે છોડી દઈએ.

આવા નાસ્તિકોના ભસવાથી કે બૂમ-બરાડા પાડવાથી આપણે આપણા મનને વિચલિત કરવાની જરૂર નથી. આ નાસ્તિક અને નિરાશાવાદી લોકો ભલેને ગમે તેટલી અડચણો આપણા બ્રહ્મચર્યના પ્રયાસોમાં ઊભી કરે, આપણે બ્રહ્મચર્યના અભિલાષીઓએ આ મહાન આદર્શનું પાલન કરવા માટે એથી પણ વધુ પ્રમાણમાં દૃઢ અને ઉત્સાહી બનવું પડશે. આપણે અન્ય લોકોના વિરોધ અને ઉપહાસનો જેટલો વધુ સામનો કરીશું, એટલો જ આપણો વિશ્વાસ અને ઉત્સાહ પણ વધશે. પરંતુ જે વિચિત્ર તથ્ય આપણે જોઈએ છીએ, તે એ છે કે જ્યારે આપણે બ્રહ્મચર્યના આ દિવ્ય આદર્શને સાકાર કરવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે વાસ્તવમાં એની પ્રગતિ સામે સૌથી વધુ વિરોધ આપણા મનની ભીતરમાંથી જ ઊઠે છે.

જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે આપણે બીજા લોકો પર આ વિરોધનું દોષારોપણ કેવી રીતે કરી શકીએ? જો કે, બાહ્ય અને આંતરિક બાધાઓનો હિંમતપૂર્વક સામનો કરીને જ બ્રહ્મચર્યનું પાલન કરી શકાય છે. હકીકતમાં, આંતરિક બાધાઓ પર નિયંત્રણ પ્રાપ્ત કરવા માટે જ વ્યક્તિને વધુ પ્રમાણમાં વીરતા અને સાહસની આવશ્યકતા છે. શ્રી શંકરાચાર્યે રુચિકર પ્રશ્ન પૂછ્યો હતો અને તેઓએ સ્વયં જ તેનો ઉત્તર આ પ્રમાણે આપ્યોઃ “સંસારને વાસ્તવમાં કોણ જીતે છે? તે જે પોતાના મનને જીતી લે છે.” સમગ્ર સંસારને જીતવો શક્ય છે, પરંતુ પોતાના મન પર વિજય પ્રાપ્ત કરવો અત્યંત કઠિન છે. તદુપરાંત આ એક મહાન સત્ય છે કે જો કોઈ અલૌકિક પ્રયાસ કરે છે, અને પોતાના મનને નિયંત્રણમાં લાવે છે, તો તે આ સંસારમાં મહાન શક્તિ અને ઊર્જાનો સ્રોત બની જાય છે.

બ્રહ્મચર્યની આવશ્યકતા અને મહત્તાનો સંદેશ લોકો સુધી પહોંચાડવામાં એક બીજી મુશ્કેલી જોવા મળે છે. જેવી આપણે બ્રહ્મચર્ય અંગે ચર્ચા કરીએ છીએ કે તરત લોકો ઋષિ વિશ્વામિત્રના જીવનની ઘટનાનો સંદર્ભ આપીને એને અશક્ય માનીને નકારી કાઢે છે. પરંતુ આવા લોકોએ એ સારી રીતે જાણવું જોઈએ કે આ જ ઋષિ પોતાના અથાક પ્રયત્નોને કારણે અંતતઃ બ્રહ્મજ્ઞાની બની ગયા હતા. તેથી વિશ્વામિત્રનો સંદર્ભ પુનઃપતનના પક્ષમાં નથી; પરંતુ દૃઢ સંકલ્પ, દૃઢ સંઘર્ષ અને અથાક પ્રયત્નોના પક્ષમાં છે.

ઋષિ વાલ્મીકિનો સંદર્ભ પણ કંઈક આવો જ છે. એ સાચું છે કે તેમના પ્રારંભિક જીવનમાં તેઓ ડાકુ હતા. પરંતુ બાદમાં, તેઓએ સ્વયંને કઠોર ધ્યાન-સાધનામાં લીન કરીને તપાવ્યા! ત્યાર બાદ તેમના વ્યક્તિત્વમાં કેટલું અદ્‌ભુત રૂપાંતરણ આવી ગયું! અને આ આધ્યાત્મિક રૂપાંતરણના પરિણામે, તેઓએ સાહિત્યનો કેટલો દિવ્ય ગ્રંથ માનવજાતિને વારસામાં આપ્યો, શ્રીમદ્‌ રામાયણ. આ એક અદ્વિતીય મહાકાવ્ય છે, જે અનાદિ કાળ પછી આજે પણ લોકોના હૃદયમાં વસેલું છે!

જ્યારે આપણે આવાં સેંકડો સફળ દૃષ્ટાંતો વિશે સાંભળીએ છીએ, ત્યારે એ સ્પષ્ટ થઈ જાય છે કે જ્યાં અને જ્યારે પણ માનવ-આત્માનો પૂર્ણ વિકાસ થયો છે, કોઈ સામાન્ય મનુષ્ય સ્વયં દિવ્ય સ્તર સુધી પહોંચ્યો છે, તે એકમાત્ર બ્રહ્મચર્યની શક્તિથી જ સંપન્ન થઈ શક્યું છે. આધ્યાત્મિક રૂપે રૂપાંતરિત આ આત્માઓની પ્રત્યેક મહાન ઉપલબ્ધિ બ્રહ્મચર્યની શક્તિની અભિવ્યક્તિ હતી. આમ, એ સ્પષ્ટ થઈ જાય છે કે બ્રહ્મચર્ય એક ગૌરવશાળી અને ઉજ્જ્વળ વ્યક્તિત્વના નિર્માણનો આધારસ્તંભ છે.

આથી, આવા મહાન આદર્શને પોતાના વ્યક્તિત્વમાં આત્મસાત્‌ કરવાને બદલે, શું આપણે આવા મૂર્ખ લોકોના તુચ્છ સંશય આગળ નમતું જોખવું જોઈએ? શું આપણે પોતાના પવિત્ર પ્રયાસોમાં આવા દુર્બળ લોકો, જેનું લક્ષ્ય ક્યારેય પણ મહાન ન હોઈ શકે, જે ક્યારેય મોટાં સપનાં નથી જોતા અને આ જીવનમાં ક્યારેય કંઈ શ્રેષ્ઠ પ્રાપ્ત નથી કરી શક્યા, તેમના વિકૃત કુ-તર્કોથી હતોત્સાહિત થઈ જવું જોઈએ? શું આપણે પોતાના સામાન્ય-બોધને ઘટાડીને એ આકલન કરવાનું જોખમ ઉઠાવી શકીએ છીએ કે કોણે આપણા જીવનને પ્રભાવિત કરવું જોઈએ—એ સામાન્ય મનુષ્યોએ કે જે બ્રહ્મચર્યની નિંદા કરતા રહે છે અથવા આપણા આદર્શ નાયકોએ, જે બ્રહ્મચર્યનું પાલન કરે છે અને શાશ્વત ગૌરવ પ્રાપ્ત કરી લે છે? શું આપણે પણ અજ્ઞાની અને આળસુ લોકોને જોઈને આપણી ઉન્નતિના પ્રયત્નોનો ત્યાગ કરી દેવો જોઈએ કે આપણી બુદ્ધિમત્તાથી સૂર્ય સમાન ઉદિત થઈને સર્વત્ર પ્રકાશ પાથરવો જોઈએ?

[1]     મેધાશક્તિ એક બૌદ્ધિક ક્ષમતા છે, જે બે પ્રકારે કાર્ય કરે છે— સમજવાની ક્ષમતા અને સ્મરણ ક્ષમતા. આ મેધાશક્તિ વ્યક્તિએ અધ્યયન કરેલા વિષયોનો અર્થ શીઘ્રતાથી સમજવા અને કોઈ ભૂલ વિના તેને સ્મૃતિમાં સંગ્રહિત કરવા સક્ષમ બનાવે છે. આ ક્ષમતા સામાન્ય બુદ્ધિમત્તાથી ભિન્ન હોય છે. આ સર્વોચ્ચ ક્ષમતા પવિત્ર, સદાચારી અને સંયમિત લોકોમાં સ્ફુરિત થાય છે.

Total Views: 29

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.