(લેખિકા મંજૂષા લાલ હિન્દી સાહિત્યનાં વિદુષી છે. તેમના હિન્દી લેખનો શ્રી હર્ષદભાઈ પટેલે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.)

ધર્મ-જગતમાં પ્રાર્થના કરવાની પ્રથા આદિકાળથી ચાલતી આવી છે. દેવકૃપાની યાચના કરવી અને દેવના દિવ્યગુણોનું કીર્તન કરવું તે ધર્મ-જગતની સનાતન રીતિ છે. પ્રાર્થનાના ઘણા બધા અર્થ ઉપલબ્ધ છે. મુખ્યતઃ તેનો એક ભાવ છે- પોતાની આંતરિક સકામ ભાવનાઓની પૂર્તિ માટે  આર્તતાપૂર્વક પ્રાર્થના કરવી. આ તીવ્ર ભાવના પ્રાર્થનાકર્તાની કાર્યસિદ્ધિમાં સહાયતા કરે છે. આ કાર્યસિદ્ધિની સફળતાનો આધાર પ્રાર્થનાકર્તાના આચાર-વિચાર અને તેની નિષ્ઠાપૂર્વકની શ્રદ્ધા પર છે. સાચી પ્રાર્થનામાં ફક્ત ઈશ્વરપ્રાપ્તિની જ ઝંખના હોય છે, કારણ કે ઈશ્વરપ્રાપ્તિ થતાં બીજું કંઈ પ્રાપ્ત કરવા યોગ્ય રહેતું નથી. પ્રાર્થનાનો અર્થ છે- પોતાના હૃદયના ભાવોને ઈશ્વર સમક્ષ પ્રગટ કરવા, સર્વશક્તિમાન ઈશ્વર પાસે સ્વના બધા ભાવ વ્યક્ત કરવા, પોતાના સુખ-દુઃખથી ઈશ્વરને અવગત કરવા. આ સંસારની પ્રત્યેક વ્યક્તિ માટે પ્રાર્થના અતિ આવશ્યક છે.

જીવાત્માનો પરમાત્મા સાથે અનન્ય ભક્તિયુક્ત પ્રેમમય સંબંધ પ્રાર્થના દ્વારા પ્રાપ્ત થતી  ઊર્જા વડે સ્થાપિત થઈ શકે છે. ઈશ્વરપ્રાપ્તિ માટે આદર્શ પ્રાર્થના એ આર્તતા અથવા વ્યાકુળતાની અભિવ્યક્તિ છે. તેથી અંતઃકરણમાં જેવા ભાવ ઊઠશે, તદનુરૂપ પ્રાર્થના ફળીભૂત થશે. પ્રાર્થના દ્વારા આપણા મનમાં ઉદ્‌ભવતા વિચારોને પરમાત્મા તરફ પ્રવાહિત કરીએ છીએ. પ્રાર્થના દ્વારા ઈશ્વરનું અપાર સામર્થ્ય અને ઈશ્વરની ભક્તવત્સલતા જાણી અને માણી શકાય છે. પ્રાર્થનાને આપણે ઈશ્વરના વિશેષ અનુગ્રહની ઝંખના પણ કહી શકીએ છીએ. પ્રાર્થના કરતી વખતે જ્યારે વ્યક્તિ ઈશ્વરની સમક્ષ આર્તનાદ કરે છે અથવા આત્મનિવેદન કરે છે ત્યારે તેનું મન નિર્મળ બની જાય છે. નિત્ય કરાતી પ્રાર્થના દ્વારા આપણું અંતઃકરણ શુભવિચારો ધારણ કરીને સ્વસ્થ બને છે, આપણા મનોવિકાર નષ્ટ થઈ જાય છે, દેહ અને મન બંનેના સંતાપ દૂર થઈ જાય છે. માનસિક અને શારીરિક બંને પ્રકારના દોષોની નિવૃત્તિ માટેની પ્રાર્થના એક અમોઘ આધ્‍યાત્મિક ચિકિત્સા છે.

પ્રાર્થના અંતઃકરણના દોષોના નિવારણ માટેનું અચૂક ઔષધ છે. પ્રાર્થના આત્મસત્તાને વિમલ અને વિશુદ્ધ કરવા માટેનું સર્વશ્રેષ્ઠ સાધન છે. પ્રાર્થના ઈશ્વર સાથે એકરૂપતા અર્થાત્ સાર્વભૌમિક અચેતનમાં વિલય પામવાની ભાવના લાવી શકે છે. પ્રાર્થના આપણને આધ્યાત્મિક ભાવથી ઈશ્વરની પ્રેમપૂર્ણ ઉપસ્થિતિની અનુભૂતિ કરાવે છે. પ્રાર્થનાના અનેક પર્યાય છે, જેવા કે વિનંતી, વિનય, અનુરોધ, સ્તુતિ, અભ્યર્થના, અર્ચના, દરખાસ્ત, અનુનય. પ્રાર્થના કૃતજ્ઞતા, કરુણા, ક્ષમા, શુદ્ધતા, પવિત્રતા, દયા, માનવતા અને આશાની ભાવનાઓ ઉત્પન્ન કરે છે. આ ભાવનાઓ સાર્વત્રિક કલ્યાણ સાથે જાડાયેલી છે. વળી આ ભાવનાઓની ઉપસ્થિતિને કારણે આપણે ભગવાનની ઉપસ્થિતિની અનુભૂતિ કરી શકીએ છીએ.

પ્રાર્થના આપણને મન-મસ્તિષ્કને એકાગ્ર કરવાનો અભ્યાસ કરાવે છે. આવો અભ્યાસ આપણને માનવજીવનના લક્ષ્યને સિદ્ધ કરવામાં સહાયભૂત બને છે. સાચી ભાવના દ્વારા કરાયેલી પ્રાર્થના અને નિષ્ઠાપૂર્વક કરાયેલું કાર્ય સફળતા માટે પર્યાપ્ત છે. મહાત્મા ગાંધી કહેતા હતા કે પ્રાર્થના ધર્મનો નિચોડ છે. તેઓ કહેતા, ‘પ્રાર્થના મારા જીવનનો ધ્રુવતારો છે. એક વખત ભોજન કરવાનું છોડી શકું છું પરંતુ પ્રાર્થના નહીં. આત્માને પરમાત્મામાં લીન કરવાનું એકમાત્ર સાધન પ્રાર્થના જ છે.’ સત્યપાલનની જેમ  પ્રાર્થના પણ ગાંધીજીના જીવનનું એક મુખ્ય અંગ હતું. પ્રાર્થના દ્વારા તેમને નવીન શક્તિ પ્રાપ્ત થતી હતી જેને લઈને તેઓ સ્વ અને સર્વસ્વનું કલ્યાણ સાધી શક્યા હતા.

આધુનિક વિજ્ઞાને પણ પ્રાર્થનાના મહત્ત્વનો સ્વીકાર કર્યો છે. પૂજા, આરતી, ભજન, કીર્તન, યજ્ઞ ઇત્યાદિ પ્રાર્થનાનાં રૂપ હોઈ શકે છે. પારંપરિક પ્રાર્થનાના શબ્દો આપણને દિવસની શરૂઆતમાં ભગવાન પર ભરોસો રાખવાનું સ્મરણ કરાવે છે. પ્રાર્થના શ્રદ્ધા-વિશ્વાસ પર આધારિત છે. જો નિરંતર પ્રાર્થના કરવામાં આવે તો અવશ્ય ઈશ્વરપ્રાપ્તિ કરી શકાય છે. પ્રાર્થના દૃઢતાની ચાવી છે. આપણે ઈશ્વરને પ્રાર્થનાના માધ્યમથી દિવસ-રાત પોકારવા જોઈએ. આ પ્રકારની પ્રાર્થનાનું કાર્ય વિશ્વાસનું કાર્ય બને છે. આપણે જોઈએ છીએ કે મોટાભાગની શાળાઓમાં અભ્યાસકાર્યની શરૂઆત કરતા પહેલાં પ્રાર્થના થતી હોય છે જેનું કારણ ઈશ્વર પરનો વિશ્વાસ દૃઢ થતો જાય એ છે. સનાતન પરંપરામાં ત્રિકાળસંધ્યાનું વિધાન છે. વેદોની ઋચાઓ પણ એક પ્રકારની પ્રાર્થના જ છે. ઈશ્વરપરાયણ અને વેદજ્ઞ ઋષિઓ ત્રિકાલીન પ્રાર્થના કરતા હતા. પ્રાતઃકાળ, મધ્યાહ્ન અને સાયંકાળમાં ક્યાં અને કેવી પ્રાર્થના કરવી જોઈએ, સંધ્યા સમયે કયા મંત્રોથી સૂર્યનું સ્તવન કરવું જોઈએ આ બધું હિંદુ શાસ્ત્રોમાં સુનિશ્ચિતપણે આલેખિત કરાયું છે. જો કે આપણે ઈશ્વરની પ્રાર્થના ગમે ત્યારે અને ગમે ત્યાં કરી શકીએ છીએ.

આસ્તિકતાની માન્યતાઓને સુદૃઢ બનાવવા માટે ઉપાસનાની અનિવાર્યપણે આવશ્યકતા છે. સ્થૂળ વસ્તુઓ નિત્ય નિરંતર આપણી આંખો સામે ઉપસ્થિત રહે છે. તેનો અનુભવ આપણે ઇન્દ્રિયો દ્વારા કરી શકીએ છીએ. પરંતુ જે સૂક્ષ્મ છે, અદૃશ્ય છે તેનું જો વિશેષરૂપે સ્મરણ-ચિંતન ન કરવામાં આવે તો તેનું વિસ્મરણ થઈ જવું સ્વાભાવિક છે. જે સન્મુખ નથી, જે દૃશ્યમાન નથી તથા જે ઇન્દ્રિયગમ્ય નથી તેના અંગે શું? ઈશ્વર પણ એક આવી ઇન્દ્રિય-અગોચર સત્તા છે, જેનો ઇન્દ્રિયો દ્વારા અનુભવ થઈ શકતો નથી. આંખો આ અગમ્ય સત્તાને જોઈ શકતી નથી. કુવિચારને ઉદ્‌ભવતા રોકવા માટે અને કુકર્મો પર અંકુશ રાખવા માટે ઈશ્વરની એક સ્પષ્ટ મૂર્તિ આપણા હૃદયમાં અંકિત થયેલી હોવી જોઈએ. આ વિધાન નિયમિત પ્રાર્થનાથી જ શક્ય બને છે.

ભક્તિમાર્ગ અનુસાર પરમ પુરુષના પરમધામમાં પહોંચવા માટેનો માર્ગ પ્રાર્થના છે. પરમાત્માને પ્રસન્ન કરવા માટે આપણાં ધર્મ-શાસ્ત્રોમાં વિવિધ વિધિઓનું નિરૂપણ કરવામાં આવ્યું છેે. વિભિન્ન મત અને સંપ્રદાયોમાં ભિન્ન ભિન્ન ઉપાસના પદ્ધતિઓ જોવા મળે છે.  તદુપરાંત આચાર્ય અને સંતોએ પણ પોતાના અનુભવના આધારે ઉપાસનાના વિભિન્ન આયામો પ્રસ્તુત કર્યા છે. પરંતુ આ ઉપાસના પદ્ધતિઓનું સર્વાધિક મહત્ત્વપૂર્ણ રહસ્ય છે કે ઉપાસના અનુરાગાત્મિકા હોવી જોઈએ અર્થાત્ પ્રેમ સમન્વિત ઉપાસના. સંક્ષિપ્તમાં ભક્તિ દ્વારા જ ભગવદ્ પ્રાપ્તિ થઈ શકે છે.

ઉચ્ચકોટિની પ્રાર્થના કરનારા સંતો, ભક્તો અને ઈશ્વરઆરાધકો પોતાના ઇષ્ટ દેવોના આવા જ દિવ્ય ભાવોનું આવાહન કરતા આવ્યા છે. આના દ્વારા તેઓનાં સત્કર્મ, યજન-યાજન, પૂજન-પાઠ વગેરે ફળીભૂત થાય છે. આધ્યાત્મિક ગ્રંથોમાં આ અંગેનાં અનેક ઉદાહરણ છે—ગજેન્દ્ર હાથીની પુકાર, વૃત્રાસુરની આર્ત-પ્રાર્થના, અજામિલની હાર્દિક વિનંતી, ધ્રુવ-પ્રહ્લાદની તપપૂત પ્રાર્થના વગેરે.

ગોસ્વામી તુલસીદાસ, સૂરદાસ, મીરાં, નરસિંહ મહેતા વગેરે ભક્તોની ગાથાઓ આજે પણ પ્રાર્થનાની મહત્તાનો પરિચય આપી રહી છે. જ્યારે જ્યારે આ ભક્તો પર વિપત્તિ આવી ત્યારે તેઓએ પ્રાર્થનાની શક્તિના માધ્યમથી પોતાના કષ્ટનો સામનો કરી કષ્ટ-મુક્ત થયાં અને પોતાના જીવનના લક્ષ્યરૂપ પરમાત્માનાં દર્શન કર્યાં. તેથી આપણે દરરોજ ઈશ્વર-પ્રાર્થનાનો અભ્યાસ કરવો જોઈએ અને પરમાત્માનો સાક્ષાત્કાર કરીને માનવ-જીવન સાર્થક કરવું જોઈએ.

પ્રાર્થનાની મહત્તા અને મહત્ત્વનું જેટલું પણ વર્ણન કરવામાં આવે તેટલું ઓછું છે. પ્રાર્થનાની શક્તિ અપરિમિત છે. આ કળિયુગમાં પ્રાર્થના જ એકમાત્ર સહજ-સુગમ સાધન છે જેના દ્વારા મનુષ્ય જીવન-સંગ્રામમાં વિજયી બનીને ચરમલક્ષ્ય એવી ઈશ્વરપ્રાપ્તિ કરી શકે છે. અંતઃકરણમાં રહેલા કુસંસ્કારોને નાબૂદ કરવા માટે પ્રાર્થના બ્રહ્માસ્ત્રનું કામ કરે છે. જેવી રીતે શરીરનો સંબંધ ભોજન સાથે છે, તેવી રીતે આત્માનો શ્રેષ્ઠ સંબંધ પ્રાર્થના સાથે છે. ભોજનથી માત્ર શરીર હૃષ્ટ-પુષ્ટ થાય છે પરંતુ પ્રાર્થનાથી આપણો આત્મા બલિષ્ઠ બને છે. બલિષ્ઠ આત્મા જ પ્રભુનો સાક્ષાત્કાર કરવા સમર્થ છે.

પરમાત્માએ પરમ કરુણા કરીને આપણને અમૂલ્ય માનવદેહ પ્રદાન કર્યો છે. એટલા માટે તેમનો આપણા ઉપર અત્યંત ઉપકાર છે. આપણે તેમના શરણાગત થઈને તેમના પ્રત્યે પ્રાર્થના દ્વારા કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ. પ્રાર્થના નરમાંથી નારાયણ બનાવાની યાત્રાનું પ્રથમ ચરણ છે. મનુષ્યે નિજ સ્વાર્થથી પર થઈને અન્યના કલ્યાણ માટે પ્રાર્થના કરવી જોઈએ. આ ઉત્તમ પ્રકારની પ્રાર્થના છે. પ્રાર્થના દૈનિક જીવનનું અનિવાર્ય અને આવશ્યક અંગ છે.

આ અંગેના સ્વામી કૃષ્ણાનંદના વિચાર ધ્યાન આપવા યોગ્ય છે, ‘પ્રાર્થના કરો, હૃદય ખોલીને પ્રાર્થના કરો, તમારી કાલી-ઘેલી ભાષામાં જ પ્રાર્થના કરો. ભગવાન સર્વજ્ઞ છે. તેઓ તરત જ તમારી કાલી-ઘેલી ભાષા સમજી લેશે. દરરોજ પ્રાતઃકાળે પ્રાર્થના કરો, મધ્યાહ્ન સમયે પ્રાર્થના કરો, સર્વત્ર પ્રાર્થના કરો, બધી જ પરિસ્થિતિઓમાં પ્રાર્થના કરો. સાચું તો એ છે કે તમારી પ્રાર્થના નિત્ય-નિરંતર થતી રહેવી જોઈએ. એટલું જ નહીં, પરંતુ તમારું સમગ્ર જીવન પ્રાર્થનામય બની જવું જોઈએ.’

અંતે દીનવત્સલ ભગવાનને એ જ પ્રાર્થના કે તેઓ જગતના સઘળા જીવોને સદ્‌બુદ્ધિ પ્રદાન કરે કે જેથી તે સૌ પ્રેમાસ્પદ પ્રભુને પ્રાપ્ત કરવાના અધિકારી બનીને જીવનના વાસ્તવિક લક્ષ્યને પ્રાપ્ત કરી  શકે.

Total Views: 57

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.