(લેખક રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, લીંબડીના સચિવ છે.)
મનુષ્યનું જીવન જન્મ અને મૃત્યુ વચ્ચેની સંઘર્ષમય યાત્રા છે. મનુષ્ય-જીવનમાં આવતા રહેતા આ સંઘર્ષ કે ચઢાવ-ઉતાર, સુખ-દુઃખ, સંતોષ-અસંતોષ, શોક-સંતાપ વગેરેનું મૂળ કારણ અસંખ્ય વાસનાઓ, ઇચ્છાઓ છે.
મનુષ્ય બધી ઇચ્છાને પૂર્ણ કરવા માટે હંમેશાં સંઘર્ષ કર્યા જ કરે છે અને ઇચ્છા પૂર્ણ ન થતાં અથવા તેનાથી વંચિત રહેતાં આખરે પરમ કૃપાળુ, પરમાત્મા, ઈશ્વર કે ભગવાનને પ્રાર્થનારૂપે યાચે છે.
એટલું જ નહીં, આવી વાસનાઓ, ઇચ્છાઓ વિવિધ હોય છે, પોતાની ઇચ્છાપૂર્તિ માટે ઈશ્વર પાસે પ્રાર્થનાના સતત પ્રયાસો કરતો જ રહે છે. શ્રીમા શારદાદેવી કહે છે તેમ નિર્વાસના (વાસનારહિત) થાય કે ભગવાન-લાભ થઈ ગયો સમજવું.
પ્રશ્ન એ છે કે આપણી પ્રાર્થનાઓનો લાંબા સુધી જવાબ નથી મળી રહ્યો, આવી પરિસ્થિતિમાં શું કરવું? આપણે વિચારીએ છીએ કે ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળતા નથી.
જેના માટે પ્રાર્થના કરી છે તે વસ્તુની પ્રાપ્તિ ન થાય ત્યારે અધિકાંશ સમય એવું વિચારતા હોઈએ છીએ કે ભગવાને સંભવતઃ આપણી પ્રાર્થના સાંભળી નથી. નાનું બાળક પોતાની નાનકડી માગણી ત્યાં સુધી કર્યા કરશે, જ્યાં સુધી પોતાની મા એ માગ પૂરી ન કરે.
વાસ્તવમાં મનુષ્ય એવું જ ઇચ્છે છે કે તેની પ્રાર્થના ઈશ્વરે સાંભળવી જોઈએ. આપણી દુન્યવી ઇચ્છાઓ, વાસનાઓ પરિપૂર્ણ થવી અને ભગવાનને કરાતી પ્રાર્થના ફળીભૂત ન થવી—આ બન્ને ભિન્ન વસ્તુ છે. સૌથી શ્રેયસ્કર એ છે કે પ્રાર્થના કરી દીધી અને પછી થોડા સમય માટે મુલતવી રાખી દેવામાં આવી અને ફરી સમય આપવામાં આવ્યો.
બીજું કે આપણે આ વાતને ક્યારેય ભૂલવી ન જોઈએ કે ફળ હંમેશાં કર્મોનું જ હોય છે, ફળ ક્યારેય પ્રાર્થનાનું નથી હોતું. જો કર્મ છે, તો તેનું ફળ ભોગવવાનું છે. પ્રકૃતિ કે ઈશ્વર પ્રારબ્ધ કર્મ, ક્રિયમાણ કર્મ કે સંચિત કર્મોનો હિસાબ બરાબર રાખે છે અને ક્યાંક ને ક્યાંક સંચિત કર્મને ઉપયોગમાં લેવાને માટે રાખી મૂક્યું હોય છે, જેથી કરીને પ્રકૃતિ આપણી પ્રાર્થનાની યાચિકા અનુરૂપ ફળ આપી શકે.
માનો કે કોઈ વ્યક્તિ પોતાનું વજન ઓછું કરવા માગતો હોય અને તેના માટે લાખ પ્રાર્થનાઓ કરતો હોવા છતાં જો તે પોતાની વધારે પડતી ખાવા-પીવાની આદતને છોડી શકતો ન હોય તો પ્રાર્થના દ્વારા ભગવાન કઈ રીતે મદદ કરી શકે? મતલબ કે જે કંઈક કર્મો થઈ ચૂક્યાં છે, તેનો સામનો તો કરવો જ રહ્યો. આ ઉપરાંત મનુષ્ય આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક દુઃખ-કષ્ટોથી પણ ઘેરાયેલો છે.
अवश्यमेव भोक्तव्यं कृतं कर्म शुभाशुभं।
ना भुंक्ते क्षियते कर्म कल्पकोटि शतैरपि।
બીજી એક વસ્તુ જે મનુષ્ય મોટી ભૂલ કરી બેસે છે તે એ છે કે મનુષ્યની પ્રાર્થના ફળીભૂત નથી થતી હોતી તેની પાછળ એક સૂક્ષ્મ રહસ્યની વાત છે, એ સમજીએ તો બસ થઈ રહ્યું અને એ અનુસાર તમે તમારી ઇચ્છાઓની પૂર્તિ કરી શકો.
મૌલિકરૂપે મનુષ્ય ભૂલ એ કરે છે કે તે એકી સાથે મનમાં એક કરતાં અધિક વાસનાઓ, ઇચ્છાઓ રાખતો હોય છે. પરંતુ તેણે એકી સાથે એક જ ઇચ્છાને પ્રાધાન્ય આપવું જોઈએ.
વાસ્તવમાં શાશ્વતસુખની પ્રાપ્તિ થાય તેવી ઇચ્છાને પ્રાથમિકતા આપવી જોઈએ. સૌથી શ્રેષ્ઠ ઇચ્છા કઈ છે તે નક્કી ન હોય તો પ્રાર્થના કરવાનું મુલતવી રાખો. વિચારો કે સમય પાક્યે જોયું જશે. મનુષ્યનું કલ્યાણ શેમાં સમાયેલું છે, એ મુજબ ઈશ્વર તેની ઇચ્છા પૂરી કરે છે.
ભગવાન શ્રીરામકૃષ્ણદેવે કહ્યું છે તેમ ઈશ્વર અને એનું ઐશ્વર્ય. મનુષ્યજીવનનો ઉદ્દેશ્ય જ ઈશ્વર-લાભ છે. જો એ ન થાય તો મનુષ્ય જન્મ જ વૃથા. એટલે પ્રત્યેક જાગૃત સાધક પોતાના જીવનના આખરી લક્ષ્ય પ્રત્યે સચેત હોવો ઘટે. પરંતુ ઈશ્વર જોઈએ છે કોને? તેના મનમાં તો વૈભવ, ઇચ્છાઓ, વાસનાઓ, સ્વાર્થવૃત્તિથી જ ભરેલી હોય છે.
શ્રીરામકૃષ્ણદેવ કહે છે કે જગતનાં સુખો માટે લોકો ઘડો ભરીને આંસુ સારે છે પણ ઈશ્વરને માટે કોણ આંસુ સારે? મનુષ્યને ઈશ્વરનું ઐશ્વર્ય ભોગવવું છે, ઈશ્વરને નહીં. માતા કુંતી કહે છે કે ‘હે કૃષ્ણ, તું અમને દુઃખો જ આપતો રહેજે, જેથી કરીને તારો સંગાથ હંમેશાં રહે.’ જો આપણે સંસારની વિટંબણાઓ કે સમસ્યાના નિવારણને ખાતર જ ભક્તિના માર્ગને અપનાવી લઈએ તો આપણે સાચા માર્ગ તરફ નથી જઈ રહ્યા.
કારણ કે તેનાથી ન તો શુદ્ધ ભક્તિ આવશે અને ન તો સમસ્યાઓ ઉકેલાશે. સંસારિક સમસ્યાઓનું નિવારણ તો વિવેકબુદ્ધિ દ્વારા પણ લાવી શકાય. ભક્તિમાર્ગ તો ભગવાનને પામવાના એક ઉચ્ચ અને સર્વ શ્રેષ્ઠ વસ્તુને પામવા માટેનો માર્ગ છે, તેમાં ઈશ્વરની સર્વોપરિતા જ મુખ્ય વસ્તુ છે.
અલબત્ત, ભયંકર દુઃખ-કષ્ટો પછી જ ઈશ્વર પ્રત્યેની પ્રાર્થનામાં સાચી વ્યાકુળતા આવે છે અને એ જ સાચા અર્થમાં ઈશ્વર પ્રત્યેની તાલાવેલી કહેવાય. જો ઈશ્વરને પામવું જ હોય તો તેના માટે પ્રહ્લાદ, ધ્રુવ, સુદામા, મીરાંબાઈ કે નરસિંહ મહેતાની જેમ તૈયાર રહેવું પડે.
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે,
यं लब्ध्वा चापरं लाभं मन्यते नाधिकं ततः।
यस्मिन्स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते।।
જ્યારે આત્મલાભને પામીને યોગી બીજા કોઈ લાભને વધારે માનતો નથી. અને જેમાં સ્થિત એવો તે ભારે દુઃખથી પણ વિચલિત કરી શકાતો નથી.
ભગવદ્ ગીતાના આ એક શ્લોકમાં બધો જ સાર રહેલો છે. આપણી બધી જ વાસનાઓ, દુન્યવી ઇચ્છાઓ, સુખ-દુઃખનું કોઈ જ મૂલ્ય નથી. પ્રાર્થના આંતરિક, નિઃસ્વાર્થ અને ઈશ્વરપરાયણ હોવી જોઈએ. આવી પ્રાર્થના દ્વારા ઇહલોકને પાર કરીને પરલોક પામી જઈએ એ જ પ્રભુના શ્રી ચરણોમાં પ્રાર્થના.
Your Content Goes Here