શ્રીમા શારદાદેવીનું જીવન પ્રાર્થનામય હતું. તેમણે હંમેશાં આદર્શ દેખાડવા માટે અથવા તો લોક-કલ્યાણ માટે જ પ્રાર્થના કરી છે! શ્રીમા શારદાદેવી તરુણ અવસ્થામાં હતાં અને જયરામવાટીમાં રહેતાં હતાં ત્યારે દક્ષિણેશ્વરથી લોકમુખેથી વાતોના વાયરા સંભળાવા લાગ્યા કે ગદાઈ (શ્રીરામકૃષ્ણ) ગાંડા થઈ ગયા છે; ક્યારેક હસે, નાચે, ગાય, રડે તો ક્યારેક મહાકાલીનો પ્રસાદ ખાઈ લે, ક્યારેક ઝાડ ઉપર ચડી જાય, વગેરે વગેરે.. અને લોકો પણ સહાનુભૂતિના અંચળા હેઠળ શ્રીમા શારદાને જોઈને ‘અરેરે! ગાંડાની વહુ જાય છે,’ કહી દિલ દુભવતા.

શ્રીમા શારદાએ વિચાર્યું કે કિશોર અવસ્થામાં કામારપુકુરમાં તેમની પાસે હતી ત્યારે કેવા દેવતા સમાન હતા! આખો દિવસ ભગવાનની વાતો કરે, કેટલી બધી વ્યવહારિક વાતો શીખવે! રમૂજ કરતા અને આનંદનું તો જાણે બજાર ભરાતું. મારા હૃદયમાં પણ જાણે આનંદનો ઘટ સ્થાપિત થયો હોય તેવું લાગતું. તેઓ ખરેખર જો ગાંડા થઈ ગયા હોય તો મારી પ્રથમ ફરજ છે કે તેમની પાસે જઈને તેમની સેવા કરું, પણ દક્ષિણેશ્વર મને કોણ લઈ જાય?

તેઓ મન-પ્રાણથી વ્યાકુળ થઈ શ્રીજગદંબાને પ્રાર્થના કરવા લાગ્યાં. ગંગાસ્નાન કરવાના બહાને પિતાજી અને જયરામવાટી ગામની કેટલીક મહિલાઓ સાથે દક્ષિણેશ્વર જવાનું થાય છે અને જાણે અધવચ્ચેથી જ મહાકાલી તેમને લેવા આવે છે! સ્થાનાભાવને કારણે આ ઘટનાનું વિસ્તૃત વર્ણન નહીં કરીએ પરંતુ પતિની સેવા કરવાના એક ઉચ્ચ આદર્શની પ્રાપ્તિ કરવા માટે શ્રીમા પ્રાર્થના કરે છે.

શ્રીરામકૃષ્ણદેવ પોતાનાં લીલાસહધર્મિણી શ્રીમા શારદાદેવી વિશે કહે છે, ‘તેઓ શારદા છે, સરસ્વતી છે, જ્ઞાન દેવા આવ્યાં છે; તે મારી શક્તિ છે.’ બીજી એક વાર શ્રીરામકૃષ્ણદેવે જોયું કે તેમનો ભાણેજ હૃદયરામ શ્રીમા શારદાદેવીને સામાન્ય મહિલા સમજીને અવગણના કરતો ફરે છે. ત્યારે એક વાર તેને સાવધાન કરી શ્રીરામકૃષ્ણદેવે પોતાના શરીરને બતાવીને કહ્યું, ‘આની અંદર જે છે તે તને ફૂંફાડો મારશે તો કદાચ તું બચી જશે,’ નોબતખાનામાં શ્રીમા શારદાદેવી રહેતાં હતાં, તેમના તરફ ઇંગિત કરી કહ્યું, ‘તેની અંદર જે છે તે ફૂંફાડો મારશે તો તને બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ કોઈ પણ બચાવી નહીં શકે!’

કોણ હતાં શ્રીમા શારદાદેવી! શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્ય અભેદાનંદ મહારાજ શ્રીમા શારદાદેવી વિશે સ્તોત્રના એક શ્લોકમાં લખે છે,

पवित्रं चरितं यस्याः पवित्रं जीवनं तथा।
पवित्रतास्वरूपिण्यै तस्यै कुर्मो नमो नमः॥

શ્રીમા શારદાદેવી દક્ષિણેશ્વરમાં નોબતખાનામાં રહેતાં હતાં ત્યારે ધ્યાન-જપની સાથે નિરંતર પ્રાર્થના પણ કરતાં. રાત્રે જ્યારે ચંદ્ર ઊગતો ત્યારે ગંગાના સ્થિર પાણીમાં તેનું પ્રતિબિંબ જોઈને આંખોમાં આંસુ સાથે ભગવાન પાસે તેઓ પ્રાર્થના કરતાં, ‘ચંદ્રમાં પણ કલંક છે, હે પ્રભુ! મારા મનમાં કોઈ પણ ડાઘ ન રહે એવું કરો!’ સ્વયં જગજ્જનની, પવિત્રતા સ્વરૂપિણી છતાં પોતાના મનમાં કોઈ ડાઘ ન રહે એવી પ્રાર્થના કરે છે!! કેવી પ્રાર્થના કરવી જોઈએ, એ શ્રીમા શારદાદેવી આપણને શીખવે છે. આપણું ચારિત્ર એ જ મુખ્ય વસ્તુ છે અને એમાં કોઈ ડાઘ ન લાગે એવી આપણે હંમેશાં પ્રાર્થના કરવી જોઈએ.

બંગાળીમાં કહેવત છે ‘પુડલે મુંઈ, ઊઠબે છાંયી, તબે સાધુર ગુણ ગાયી.’ એટલે કે જ્યારે સાધુ મરી જાય અને અગ્નિદાહ આપવામાં આવે અને પછી એની રાખ ઊડે એ પછી સાધુના ગુણ ગાવા જોઈએ, તે પહેલાં નહીં!! કેટલી મોટી વાત છે! માટે સાધકોએ-ભક્તોએ પોતાના ચરિત્ર માટે હંમેશાં સજાગ રહેવું જોઈએ અને એ માટે જ પ્રાર્થના કરવી જોઈએ, એમ સ્વયં જગજ્જનની શ્રીમા શારદાદેવી પોતાના જીવન દ્વારા શીખવે છે.

સને ૧૮૯૦ના માર્ચ મહિનાની આખરમાં શ્રીમા શારદાદેવી બોધગયા ગયાં હતાં. એ વખતે ત્યાંના મઠની સમૃદ્ધિ જોઈને સંઘમાતાના મનમાં પોતાનાં સંન્યાસી-સંતાનો કેવી રીતે સ્થાયી આશ્રય વગર, અન્ન-વસ્ત્ર વગર, અથાગ પરિશ્રમ કરી ભારે કષ્ટો વેઠી મઠ ચલાવે છે, એ યાદ આવ્યું તેથી તેઓ વ્યાકુળ થઈ ગયાં. પાછળથી તેમણે કહ્યું હતું, ‘મઠ માટે મેં કેટલાં આંસુ સાર્યાંં હતાં!’

કેટલી પ્રાર્થના ઠાકુર પાસે કરી હતી, ‘હે ઠાકુર! તમે આવ્યા, આ થોડા ભક્તો સાથે લીલા કરી, આનંદ કરી ચાલ્યા ગયા. શું આમ જ બધું પૂરું થઈ જશે? તો પછી આટલાં કષ્ટ વેઠીને અવતરવાની શી જરૂર હતી? મેં કાશી ને વૃંદાવનમાં જોયું કે ઘણા સાધુઓ ભિક્ષા માગી ખાય છે ને ઝાડની નીચે રહીને અહીંતહીં ફર્યા કરે છે. આવા સાધુઓનો તો અભાવ ન હતો. તમારું નામ લઈ મારાં છોકરાઓએ સંસાર છોડ્યો છે ને પછી બે મૂઠી અન્ન માટે ભીખ માગતા ફરે એ મારાથી નહીં જોઈ શકાય. મારી એ જ પ્રાર્થના છે કે તમારું નામ લઈ જે લોકો સંસાર છોડે તેમને સાધારણ ભરણપોષણનો અભાવ કદી ન થાય. એ લોકો બધા તમને ને તમારા આદર્શોને અનુસરીને એકત્ર રહી શકે, ને સંસારના તાપથી દગ્ધ માણસો એમની પાસે આવી તમારી વાતો સાંભળીને શાંતિ મેળવી શકે તે માટે તો તમે આવ્યા હતા. એમને આ રીતે ભટકતા જોઈ મને બહુ દુઃખ થાય છે. મારા પ્રાણ વ્યાકુળ બને છે…’

લોક-કલ્યાણ માટે શ્રીશ્રીમાની કેવી સુંદર પ્રાર્થના! વરસાદ ઓછો પડવાને લીધે એક વાર જયરામવાટીની આસપાસનાં ગામડાંનાં ખેતરોમાં પાક સૂકાવા લાગ્યો. નિરાધાર ખેડૂતો માતાજી પાસે આવીને બોલ્યા કે આ વખતે એમનાં છોકરાંને બચવાની કોઈ આશા નથી. ભૂખ્યાં-તરસ્યાં બધાં જ મરી જશે. ખેડૂતોની વાત સાંભળી માતાજીનું હૃદય દ્રવી ઊઠ્યું. તેઓ તેમની સાથે ખેતરો જોવા ગયાં. ચોમેર નજર કરી દુઃખપૂર્વક બોલ્યાં, ‘અરેરે ઠાકુર! આ શું કર્યું? છેવટે બધાં શું ખાધા વગર મરી જશે?’ તે લોકોના કલ્યાણ માટે શ્રીમા શારદાદેવીએ શ્રીઠાકુરને ખૂબ પ્રાર્થના કરી અને તે રાતે જ ખૂબ ધોધમાર વરસાદ પડ્યો ને કોઈ જ વરસે નહોતો થયો એટલો પાક તે વરસે ઊપજ્યો!!

આવાં તો અસંખ્ય ઉદાહરણો આપી શકાય. આ પહેલાં કહ્યું છે તે મુજબ શ્રીશ્રીમાનું સમગ્ર જીવન પ્રાર્થનામય હતું.

Total Views: 10

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.