શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

‘શિક્ષક તો છે જ્યોતિર્ધર’ વિષય પર સેમિનાર : દેશભરમાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્‌ના જન્મદિવસ એટલે કે ૫ સપ્ટેમ્બરને ‘શિક્ષક દિન’ તરીકે ઉજવવામાં આવે છે. રાજકોટના શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા પણ આ દિવસે શિક્ષકો માટે ‘શિક્ષક તો છે જ્યોતિર્ધર’ વિષય પર એક સેમિનારનું આયોજન થયું.

ઉદ્‌ઘાટન કરતાં રાજકોટના માનનીય જિલ્લા શિક્ષણાધિકારી શ્રી દિક્ષિતભાઈ પટેલે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કાર્યક્રમની પ્રાસંગિકતા જણાવી. લોકભારતી યુનિવર્સિટી ફૉર રૂરલ ઈનોવેશન, સણોસરાના ભૂતપૂર્વ કુલપતિ ડૉ. ભદ્રાયુભાઈ વછરાજાનીએ શિક્ષકોને પોતાની જાતને અપગ્રેડ કરવા સૂચન કર્યું, કેવી રીતે પોતે સારો શિક્ષક બની શકે તેનું ચિત્ર રજૂ કર્યું. સ્વામી નિખિલેશ્વરાનંદજીએ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ તથા ભગિની નિવેદિતાના દૃષ્ટાંતથી શિક્ષકોની મનુષ્ય-નિર્માણ તથા રાષ્ટ્ર-નિર્માણમાં શું ભૂમિકા હોઈ શકે તે દર્શાવ્યું. આ ઉપરાંત તેઓશ્રીએ શિક્ષકોના પ્રશ્નોના ઉત્તર પણ આપ્યા.

કાર્યક્રમનું સમાપન સ્વામી શંકરેશાનંદજીના મધુર કંઠથી એક ભજન દ્વારા કરવામાં આવ્યું તથા દરેક પ્રતિનિધિને પુસ્તકો ભેટ રૂપે આપવામાં આવ્યાં. સેમિનારમાં લગભગ ૨૬૦ જેટલા શિક્ષકો, આચાર્યો તથા શિક્ષણવિદો સહભાગી થયા.

ધ્યાન શિબિર : આધુનિક સમયમાં ધ્યાનાર્થીઓને ધ્યાન અંગેનું જરૂરી માર્ગદર્શન પૂરું પાડવા રવિવાર, તા. ૮ સપ્ટેમ્બરના રોજ ધ્યાન શિબિરનું આયોજન કરાયું. પ્રારંભમાં  વૈદિક-પાઠ, ગીતા-પાઠ તેમજ સ્તોત્ર-પાઠ થયાં. સ્વામી નિખિલેશ્વરાનંદજીએ ધ્યાન માટે જરૂરી પરિવેશ તથા પૂર્વશરતો અંગેનું માર્ગદર્શન આપ્યું. ધ્યાનના પ્રેક્ટિકલ સેશન બાદ શિબિરાર્થીઓના આધ્યાત્મિક જીવન તથા ધ્યાન અંગેના પ્રશ્નોનું નિરાકરણ પણ કર્યું. સ્વામી દર્પહાનંદજી, સ્વામી પ્રણવાર્થાનંદજી તથા સ્વામી મેધજાનંદજી દ્વારા અનુક્રમે ભગવાન શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી તથા સ્વામી વિવેકાનંદ દ્વારા અપાયેલ ધ્યાન અંગેના માર્ગદર્શન વિષે ચર્ચા કરાઈ. અંતે ૨૮૦ જેટલા શિબિરાર્થીઓને ધ્યાનોપયોગી પુસ્તકોનો સેટ ભેટ અપાયો.

શિકાગો વિશ્વ ધર્મસભામાં સ્વામી વિવેકાનંદે આપેલ ઐતિહાસિક ભાષણની ૧૩૧મી જયંતીની ઉજવણી : ૧૧ સપ્ટેમ્બરના રોજ યુવા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શુભારંભ આશ્રમના સંન્યાસીઓ દ્વારા મંત્રોચ્ચાર બાદ મુખ્ય અતિથિરૂપે પધારેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડૉ. કમલસિંહ ડોડીયા તથા અન્ય વક્તાઓ દ્વારા દીપ પ્રાકટ્યથી કરવામાં આવ્યો.

સ્વાગત વક્તવ્યમાં સ્વામી નિખિલેશ્વરાનંદજીએ  શિકાગોની વિશ્વ ધર્મસભાની પ્રાસંગિકતાનું વર્ણન કર્યું. ડૉ. કમલસિંહ ડોડીયાએ યુવાનોને સ્વામીજીની નીડરતાની વાતો વિવિધ ઉદાહરણો દ્વારા સમજાવી અને નીડર બનવા પ્રેરણા આપી.

આ ઉપરાંત લોકપ્રિય ગુજરાતી લેખક અને શિક્ષણવિદ્ શ્રી હરેશભાઈ ધોળકિયાએ યુવાનોને નિયમિત બનવા તેમજ આધ્યાત્મિક ચેતના જગાડવા માટે સૂચનો આપ્યાં, જ્યારે કે.એસ.કે.વી. કચ્છ યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રોફેસર ડૉ. દર્શનાબેન ધોળકિયાએ  યુવાનોને અને વિશેષ રીતે સ્ત્રીઓને બૌદ્ધિક સ્તર ઊંચું લાવવા માટે તથા વ્યાપક બનવા માટે સમજ આપી હતી.

શિબિરમાં ઓડિયો-વિઝ્યુયલ તથા પ્રશ્નોત્તરી સત્ર પણ સમાવિષ્ટ રહ્યા. સ્વામી શંકરેશાનંદજીએ સમૂહ ગાન પ્રસ્તુત કર્યું તથા  સ્વામી ગુણેશાનંદજી અને સ્વામી મેધજાનંદજીએ સ્વામી વિવેકાનંદના વિચારોનો પરિચય આપી સ્વામીજીના ચારિત્ર્ય ધડતર તેમજ રાષ્ટ્ર નિર્માણના ધ્યેયને સાકાર કરવા માટે યુવાનોને આહ્વાન કર્યું. આ યુવા શિબિરમાં ૫૦૦થી વધુ યુવાનોએ ભાગ લીધો અને તમામ શિબિરાર્થીઓને સ્વામી વિવેકાનંદના પુસ્તકો ભેટ રૂપે આપવામાં આવ્યા હતા.

શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી : આશ્રમના શ્રીમંદિરમાં તા. ૨૬ ઑગસ્ટના રોજ શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે સવારે સમગ્ર શ્રીમદ્ ભગવદ્ ગીતા તથા વિષ્ણુસહસ્રનામનો પાઠ કરવામાં આવ્યો. સંધ્યા આરતી પછી વિશેષ પૂજા, ભજન તથા શ્યામનામ સંકીર્તન કરવામાં આવ્યું. પૂજા દરમિયાન લગભગ ૨૦૦ જેટલા ભક્તો ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત અષ્ટમીના બીજે દિવસે સંધ્યા આરતી પછી સ્વામી ગુણેશાનંદજી મહારાજ દ્વારા ‘શ્રીકૃષ્ણ જન્મોત્સવ અને નંદોત્સવ’ વિષય પર પ્રવચન આપવામાં આવ્યું.

શ્રાવણ  સંકીર્તન : પવિત્ર શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે શ્રીમંદિરમાં સંધ્યા આરતી પહેલાં શ્રીશિવનામ-સંકીર્તનનું ગાન કરવામાં આવ્યું અને ભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો.

રામકૃષ્ણ આશ્રમ દ્વારા વરસાદથી અસરગ્રસ્ત ૬૦૦૦ થી વધુ લોકોને ભોજન કરાવાયું : રાજકોટમાં ઑગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં થયેલ અતિવૃષ્ટિને કારણે નીચાણવાળા તથા ઝૂંપડપટ્ટીવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને રહેવા-ખાવાની હાલાકી પડી. આ સમયે રાજકોટ આશ્રમ દ્વારા સાધુઓ તથા સ્વયંસેવકો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચીને રાહત કાર્ય શરૂ કરાયું અને લગભગ ૬૦૦૦થી વધુ લોકોને ભોજન પહોંચાડવામાં આવ્યું.

આશ્રમ દ્વારા વરસાદ વચ્ચે ૨૫૦૦ લોકોને ખીચડી ઉપરાંત ૨૦૦૦ કોરા નાસ્તાના પેકેટ વિતરણ થયા હતા. અસરગ્રસ્તોને લગભગ ૮૦૦૦ થેપલા ઉપરાંત ૪૫૦ કિલો ગાંઠિયા તેમજ ચવાણું, મસાલા ભાત વગેરે ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું. આમ કુલ મળીને લગભગ ૬૦૦૦થી વધુ લોકોને ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે.

રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદર

૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ કેન્દ્રના પ્રાંગણમાં નિઃશુલ્ક નેત્રચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૨૮ દર્દીઓની નિઃશુલ્ક સારવાર તથા ૮ જરૂરિયાતમંદ દર્દીઓનાં વીરનગરની શિવાનંદ આઇ હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યાં હતાં.

રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા

૨૩ થી ૨૫ ઓગસ્ટ સુધી ત્રિદિવસીય રામચરિતમાનસ કથાનું આયોજન થયું હતું. રામકૃષ્ણ મઠ, ભુજના અધ્યક્ષ સ્વામી સુખાનંદજીએ કથાનું રસપાન કરાવ્યું હતું. અંતિમ દિવસે આધ્યાત્મિક શિબિરનું આયોજન થયું હતું.

અતિવૃષ્ટિથી પ્રભાવિત જુદાં જુદાં ગામો અને વિસ્તારોમાં ૨૮ થી ૩૦ ઓગસ્ટ દરમિયાન ઘઉં, ચોખા, તુવેરદાળ, મીઠું, ખાંડ, ચા, તેલ, વિવિધ મસાલા વગેરેની કીટનું ૫૦૦ પરિવારોમાં વિતરણ થયું હતું. તદુપરાંત ૨૦૦૦ બાળકોમાં શૈક્ષણિક કીટનું વિતરણ થયું હતું.

Total Views: 52

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.