પ્રશ્ન: શું ભગવાન આપણી પ્રાર્થના સાંભળે છે? જો હા, તો આપણને પ્રાર્થનાનું ફળ કેમ મળતું નથી? પ્રાર્થના કેવી રીતે કરવી જોઈએ?
ઉત્તર: પહેલાં તો એ વિચાર કરવાની જરૂર છે કે કેવા પ્રકારની પ્રાર્થના આપણે કરીએ છીએ અને આપણી પ્રાર્થના કેવી હોવી જોઈએ. કોઈ ખેડૂત કહે છે, ‘હે ભગવાન! અત્યારે વરસાદ થાય તો સારું, વરસાદ આપો.’ કોઈ કહે છે, ‘મારે બહારગામ જવું છે, એટલે વરસાદ ન આવે તો સારું. હે ભગવાન, વરસાદ બંધ કરો.’ વળી કોઈ કહે છે કે અમુક માણસ મારી સાથે બહુ દુશ્મની કરે છે, એને લઈ લો તો સારું. કોઈ કહે છે કે ભલે બધાંને દુઃખ હોય, પણ મારો દીકરો શાંતિમાં રહે…વગેરે..
આ પ્રકારની પ્રાર્થના આપણે હંમેશાં કરીએ છીએ. વળી જે પ્રાર્થનાથી કોઈનું કલ્યાણ ન થાય, અકલ્યાણ થાય, એવા પ્રકારની પ્રાર્થના પણ આપણે કરીએ છીએ. ભગવાન મારું બધું સાંભળે, બીજાનું નહીં. હવે ભગવાન કેવી રીતે તમારી વાત સાંભળે! બિચારાને બહુ મુશ્કેલી પડે છે. એકને સુખ થાય અને બીજાને દુઃખ થાય એવું હોય તો કોને સુખી કરવો અને કોને દુઃખી, એ મુશ્કેલી છે. એટલે આ થયો ‘ભગવાન આપણી પ્રાર્થના કેમ સાંભળતા નથી’ તેનો જવાબ.
આપણે પ્રાર્થના કેવી રીતે કરવી જોઈએ એ શીખવાની જરૂર છે. આપણને પ્રાર્થના કરતાં આવડતું નથી એટલે પ્રાર્થના કેવી રીતે કરાય એનો અભ્યાસ કરવો જોઈએ. પછીનું કામ ભગવાનનું છે. તેઓ જોશે કે પ્રાર્થના બરાબર છે કે નહીં. ખરેખર તો આપણને બીજાના સુખની કંઈ દરકાર નથી. માત્ર પોતાને સુખ જોઈએ છે. પોતાના સુખ માટે બીજાને દુઃખ થાય તો તેનો પણ કંઈ વાંધો નહીં, પણ આપણને તો માત્ર સુખ જોઈએ છે. હવે આવી પ્રાર્થના જો ભગવાન સાંભળે તો જે લોકો આપણી પ્રાર્થનાથી દુઃખી થાય એ લોકો કહેશે, ‘ભગવાન આમ કેમ કરે છે?’
એક માણસ બીમાર છે અને બહુ કષ્ટદાયક બીમારીથી ત્રાસી જઈને ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન તેને લઈ જાય તો સારું. એટલે ભગવાન તેમના દૂતોને મોકલે છે અને તે ભગવાનના ધામમાં ચાલ્યો જાય છે.
બીજી બાજુ, એક ડોશીમા લાકડાંનો ભારો ઊંચકીને બહુ થાકી ગયાં એટલે લાકડાં નીચે મૂકીને રડવા લાગ્યાં. મનમાં વિચાર કરવા લાગ્યાં કે આના કરતાં તો મોત આવે તો સારું. યમરાજને કહ્યું કે તમે જલદી આવો તો સારું. અંતરની પ્રાર્થના હતી એટલે યમરાજ આવી પહોંચ્યા. ડોશીમાએ કહ્યું, ‘અરે બાપા, આવી ગયા તો આ લાકડાંનો ભારો મારા માથા પર મૂકી દો.’ જુઓ, પ્રાર્થના આવી રીતે પણ થાય છે..!
આપણે પ્રાર્થનામાં એવું માગીએ છીએ કે જે બધું આપણે ઇચ્છીએ છીએ, એ બધું જ મને મળી જાય. પરંતુ એ બધું જ કંઈ આપણા કલ્યાણ માટે હોય છે એવું નથી. બીજાના કલ્યાણની વાત તો બાજુ પર રહી, પરંતુ આપણું પણ કલ્યાણ થતું નથી.
બીજી વાત છે કે આપણે જે પ્રાર્થના કરીએ છીએ એ અંતરથી-હૃદયથી થાય છે કે નહીં, તેનો પણ આપણે વિચાર કરતા નથી. આમ તો ભગવાન છે કે કેમ એ બાબતની પણ આપણા મનમાં સ્પષ્ટતા નથી. તેમ છતાં આપણે આગ્રહ રાખીએ છીએ કે ભગવાન આપણી પ્રાર્થના સાંભળે. જો ભગવાન છે કે કેમ એ વિશ્વાસ પણ મનમાં ન થતો હોય, તો પછી આપણે કોની પાસે પ્રાર્થના કરીએ છીએ? જો એવો વિશ્વાસ, એવી શ્રદ્ધા હોય તો પછી ‘ભગવાન આમ કરે છે, ભગવાન તેમ કરે છે, આમ કરતા નથી, તેમ કરતા નથી,’ એવો વિચાર કેમ કરી શકાય? ભગવાન સૌનું કલ્યાણ જ કરે છે, એવો વિચાર કરવાનો હોય છે. આપણે ઇચ્છીએ છીએ કે જે પ્રમાણે આપણે ચાહીએ છીએ તે મુજબ ભગવાન આપણું કલ્યાણ કરે. ન થાય તો આપણા મનમાં સંદેહ થઈ જાય કે ભગવાન આ શું કરે છે.
એટલે આપણે જેમની સમક્ષ પ્રાર્થના કરીએ છીએ, તેમના પર આપણને શ્રદ્ધા છે કે કેમ, એ નક્કી કરવું જોઈએ. જો ભગવાન છે એવો વિશ્વાસ હોય તો ખરેખર પ્રાર્થનાની જરૂર જ નથી રહેતી. આપણે ઇચ્છીએ તે પહેલાં જ તેઓ નક્કી કરી નાખે છે કે આને શું આપવું અને શું નહીં.
પ્રાર્થના અંતરથી કરવી જોઈએ. અંતરથી-હૃદયપૂર્વકની ન હોય તો આપણી પ્રાર્થના ભગવાન સાંભળતા નથી. કોઈ બીજો માણસ પણ આપણી વાત ન સાંભળે, તો ઈશ્વરનો તો પ્રશ્ન જ ક્યાં રહ્યો? ભગવાનને કેવી રીતે પ્રાર્થના કરવી એ સમજીને તેમને પ્રાર્થના કરો, તો જરૂર ભગવાન સાંભળશે અને એથી તમારું કલ્યાણ થશે.
જો બધાની વાત સાંભળીને ભગવાન કોઈને સુખ આપે અને કોઈને દુઃખ આપે તો તો ભગવાન પક્ષપાતી કહેવાય. જો ભગવાન એક પર કૃપા કરે છે તો બીજા પર કેમ નહીં? કોઈ પ્રત્યે અણગમો હોય અને કોઈ પ્રત્યે સ્નેહ હોય, એવું તો ન બની શકે. કારણ કે ભગવાન તો સમદર્શી છે, સૌ પ્રત્યે સમાન દૃષ્ટિ. તો પછી આપણે એમ કેમ વિચારી શકીએ કે મારા પ્રત્યે ભગવાનની શુભ દૃષ્ટિ રહે! ખરી રીતે તો જે કોઈ ભગવાનને માને છે એ ભગવાન પાસે કશું જ ન માગે. ભગવાન એવું જ કરશે જેમાં મારું કલ્યાણ હોય અને સાથે સાથે સૌનું કલ્યાણ હોય. જો આમ વિચારીએ તો પછી તેમની પાસે કંઈ માગવાનો પ્રશ્ન જ ક્યાં રહ્યો? માગવા જેવું કંઈ છે જ નહિ. જેને ભગવાન પ્રત્યે સ્નેહ છે, પ્રેમ છે, તે તેમની પાસે બિલકુલ કંઈ ન માગે. ભીખ માગનારને તેને જે જોઈએ છે તે બધું મળી શકે? જે માણસ ભગવાન પાસે માગ્યા કરે એ તો ભિખારી કહેવાય. અને ભિખારીની જેવી સ્થિતિ હોય, એની એવી જ સ્થિતિ હોય છે.
વિચાર કરીને ભગવાન વિશે મનમાં એક સ્પષ્ટ ધારણા કરવી જોઈએ. ભગવાન પર શ્રદ્ધા-વિશ્વાસ ન હોય, એમની પાસેથી શું માગવું એ પણ ખબર ન હોય, ને કેવી રીતે માગવું એની પણ ગતાગમ ન હોય, તો એવી આશા કેમ રાખી શકાય કે તેઓ આપણી ઇચ્છા પૂરી કરશે..!
ભગવાન દુઃખ આપે છે. પણ એ દુઃખમાં આપણું કંઈક મંગલ થવાનું છે, એવો વિચાર કરવો જોઈએ.
એક વૃદ્ધ વિધવા સ્ત્રી હતી. એની પાસે એક ગાય હતી, જે થોડું દૂધ આપતી હતી. એ દૂધ વેચીને થોડી ઘણી કમાણી કરતી અને નિર્વાહ ચલાવતી. એ સ્ત્રી પરમ ભક્ત હતી. એક વાર ભગવાન એક બ્રાહ્મણનું રૂપ લઈને તેની પાસે આવ્યા. તે વૃદ્ધ સ્ત્રીએ એમનો ખૂબ સત્કાર કર્યો. બ્રાહ્મણ જતા હતા ત્યારે તેમને આશીર્વાદ આપ્યા કે એ ગાય મરી જાય. કેવું વિચિત્ર! એક વ્યક્તિ ભગવાનને ઓળખી ગઈ. તેણે ભગવાનને પૂછ્યું, ‘અરે ભગવાન! આ તમે શું કર્યું? આ વિધવા વૃદ્ધાનો એક માત્ર સહારો તમે છીનવી લીધો!’ ત્યારે ભગવાને કહ્યું, ‘એ વૃદ્ધાને ગાય પ્રત્યે ખૂબ આસક્તિ છે, એટલે મારું સંપૂર્ણ શરણ લઈ શકતી નથી. એટલે જો ગાય મરી જાય તો એનું મન મારામાં સ્થિર થઈ જાય. એટલે મેં તેના કલ્યાણ માટે એવો આશીર્વાદ આપ્યો.’
બીજી એક ઘટના જોઈએ. એક વ્યક્તિનું જીવન બહુ અધાર્મિક છે અને ભગવાન એને એવા આશીર્વાદ આપે છે, ‘તારી સંપત્તિ ખૂબ વધે, અને તું ખૂબ આનંદમાં રહે.’ આ તે કેવું! સારી વ્યક્તિને દુઃખ, અને અધાર્મિકને સુખ..! એટલે ભગવાન કહે છે, ‘તે જાણતો નથી કે આ સંપત્તિ તેના બંધનનું કારણ છે. એ ભગવાનને માનતો જ નથી. ત્યાર પછી એક દિવસ એવો આવશે કે આપોઆપ એ બધું ખોઈ બેસશે. પછી મારા તરફ તેને આકર્ષણ થશે. જો અત્યારે હું એ માટે કહીશ તો એ માનવાનો નથી અને કશું છોડવાનો નથી. એનું મન સંપત્તિના જ વિચારોમાં રહેશે. એક દિવસ એ જબરો આઘાત પામશે, ત્યારે તેનું મન ભગવાન તરફ અગ્રસર થશે.’
કુંતીજી પ્રાર્થના કરે છે કે ‘હે ભગવાન! જ્યારે હું સુખમાં હોઉં છું ત્યારે તમને ભૂલી જાઉં છું, (આ માત્ર કુંતીજીની વાત નથી, આપણા સૌની પણ આ જ સ્થિતિ હોય છે) એટલે હું એવું ઇચ્છું છું કે મારા પર દુઃખના પહાડ તૂટી પડે, જેથી હંમેશાં હું તમારું સ્મરણ કરતી રહું.’ આમ દુઃખ પણ એક મંગલકારી કારણ હોય છે. જ્યાં સુધી આપણા વિચારો કોઈ અપેક્ષા વિનાના હોય છે, મન જ્યારે વિશુદ્ધ હોય છે, ત્યારે જ શુદ્ધ વિચાર થઈ શકે છે. અને ત્યારે જ ભગવાનની આ રીત આપણે સમજી શકીએ છીએ. આપણે ભગવાન પાસે અંતરથી પ્રાર્થના કરવી જોઈએ કે ‘હે ભગવાન! મારે બીજી કોઈ વસ્તુની જરૂર નથી. હું ફક્ત આપને જ ચાહું છું.’ તો ભગવાન જરૂર પોતાને પણ સોંપી દે છે. ભાગવતમાં ભગવાનને કહે છે: ‘તમે વરદાતાઓમાં રાજા છો.’ કારણ કે અમુક લોકો પોતાની સંપત્તિનો કેટલોક અંશ દાનમાં આપી દે છે, જ્યારે ભગવાન તો પોતાની જાતને પણ આપી દે છે. એટલે ભગવાન વરદાતાઓમાં રાજા છે.
પણ આપણે તો ભગવાનને ચાહતા નથી. એટલે ભગવાનને મેળવીને શું કરવું? અર્જુન અને દુર્યોધન બન્ને ભગવાન પાસે પ્રાર્થના કરવા ગયા કે ભગવાન મહાભારતના યુદ્ધમાં તેની સાથે, તેના પક્ષે રહે. દુર્યોધન અભિમાની છે. તે તો જઈ બેઠો ભગવાનના મસ્તક પાસે અને અર્જુન આવીને ચરણ પાસે બેસી ગયો. ભગવાને જ્યારે આંખ ખોલી ત્યારે તેમની પ્રથમ દૃષ્ટિ અર્જુન પર પડી. ભગવાને પૂછ્યું, ‘શું જોઈએ છે?’ અર્જુને કહ્યું, ‘ભગવાન , યુદ્ધમાં આપ અમારી સાથે રહો.’ ભગવાને કહ્યું, ‘ઠીક છે.’ પછી ખબર પડી કે દુર્યોધન પણ છે, એટલે તેને પણ પૂછ્યું. ઉત્તરમાં તેણે કહ્યું, ‘તમે.’ બન્ને એક જ ભગવાનને પોતાના પક્ષે રહેવાનું કહે છે. હવે શું થાય? ભગવાને દુર્યોધનને કહ્યું, ‘જુઓ દુર્યોધન, મેં અર્જુનને પહેલાં જોયો એટલે અર્જુનની ઇચ્છા મારે પહેલી પૂરી કરવી જોઈએ, અને પછી તારી પ્રાથના પૂરી કરવી જોઈએ. તમે બન્ને મને માગો છો. હું બન્ને બાજુએ તો ન રહી શકું. એટલે તમે નક્કી કરીને કહો કે તમારે કઈ વસ્તુની વધારે જરૂર છે. હું તો લડાઈમાં કંઈ અસ્ત્ર ધારણ કરવાનો નથી. હું અસ્ત્ર ધારણ કર્યા વિના યુદ્ધમાં જઈશ અને બીજી તરફ મારી નારાયણી સેના હશે, જે અજેય છે. એ જેના પક્ષે હશે તેનો વિજય નિશ્ચિત થઈ જાય છે. તો આ બેમાંથી તમારે શું જોઈએ છે, એ નક્કી કરી લો.’
દુર્યોધને તરત જ કહી દીધું, ‘હે ભગવાન, તમારી નારાયણી સેના મને આપો.’ મનમાં તો કહે છે, ‘તમે તો અસ્ત્ર ધારણ નથી કરવાના, તો તમારું શું કામ છે?’ અર્જુન કહે છે, ‘ભગવાન, આપ અમારા પક્ષે રહો. અસ્ત્રો હોય કે ન હોય, એમાં કશો ફરક નથી.’ ભગવાને બંનેની વાત કબૂલ રાખી અને આમ બંનેની પ્રાર્થના પૂરી થઈ. પરંતુ ફળ શું મળ્યું? કૌરવોનો વિનાશ અને પાંડવોનો વિજય.
જ્યારે ભગવાન સાથે હોય ત્યારે જે લક્ષ્ય હોય તે સિદ્ધ કરી શકાય છે, એમાં શંકા નથી. તો આપણને શું જોઈએ છીએ? ‘યોગ’ કે ‘ભોગ’? ભગવાન જોઈએ છીએ કે સંસાર? એમાંથી આપણા માટે શું ઉચિત છે, તેનો વિચાર કરવો જોઈએ.
બધા મારી પાસે આવીને કહે છે કે ‘મહારાજ, બહુ જ અશાંતિ છે. શાંતિ કેવી રીતે પ્રાપ્ત થાય, એ કહો.’ એક સાધારણ ઉપાય છે. મેં કહ્યું, ‘વાસના છોડી દો. કાઢી મૂકો વાસનાને મનમાંથી. વાસના હોય ત્યારે અશાંતિ થયા જ કરે. વાસના છોડી દો તો અશાંતિ ક્યાં છે? જેને મનમાં કશી વાસના ન હોય એને શું અશાંતિ હોય કદી? માણસને શાંતિ જોઈએ છે અને વળી અશાંતિનાં કારણો પણ ઇચ્છે છે. જો આવું હોય તો ભગવાન બિચારા શું કરે? હવે તમે ભગવાનને કહો કે કંઈક રસ્તો સૂઝાડે, તો તેઓ જરૂરથી તમને માર્ગદર્શન આપશે.’
Your Content Goes Here