(સુપ્રસિદ્ધ લેખિકા શ્રી જ્યોતિબહેન થાનકીએ અર્થશાસ્ત્ર અને સંસ્કૃત બંને વિષયો પર ઍમ.એ. કર્યું છે. તેમણે ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, પોરબંદરમાં અધ્યાપિકા તરીકે સેવા આપી છે. તેઓ ચિલ્ડ્રન યુનિવર્સિટીનાં ભૂતપૂર્વ વાઈસ ચાન્સેલર અને ગુજરાતી સાહિત્યનાં સુપ્રસિદ્ધ લેખિકા છે. – સં.)
પ્રાર્થના એટલે અંતરમાંથી પરમાત્મા પ્રત્યે ઊઠતો સીધો પોકાર. દરેક મનુષ્યના જીવન સાથે આ પોકાર જડાયેલો જ હોય છે. બાળક જન્મે છે, ત્યારથી જ આ પોકાર તેનામાં રહેલો હોય છે, જે રુદનના રૂપે વ્યક્ત થાય છે. જ્યારે બાળક અસલામતી અનુભવે ત્યારે તે પોતાની માતાને રુદન દ્વારા પોકારે છે. મનુષ્યનું પણ એવું જ છે. જ્યારે જ્યારે તે અસલામતી, ભય, ચિંતા અનુભવે છે ત્યારે ત્યારે તે સહાય માટે, રક્ષણ માટે કોઈ સમર્થ વ્યક્તિ, શ્રદ્ધાવાન ગુરુ, પોતાના ઇષ્ટદેવ કે પરમ શક્તિ પાસે સહાય અને રક્ષણ માગે છે. આ રીતે દરેક મનુષ્ય એક યા બીજી રીતે પ્રાર્થના કરતો રહે છે.
ભગવાન આગળ નિવેદન કરવાથી ભગવાન સાથે તેનો આત્મીય સંબંધ બંધાય છે. પરમશક્તિ સાથેનું અનુસંધાન સધાય છે. તેથી તેની અંદર આપોઆપ શક્તિ અને આત્મવિશ્વાસ જાગૃત થાય છે. બહારની દેખીતી પરિસ્થિતિ એની એ જ હોવા છતાં ભગવાનને નિવેદન કરવાથી, તેની અંદર બધું જ બદલાઈ ગયું હોવાથી મુશ્કેલીઓ કે પ્રતિકૂળ સંજોગો તેને ખળભળાવી શકતા નથી. દુન્યવી માતાપિતાની છત્રછાયાથી જેમ બાળક હૂંફ અને સુરક્ષા અનુભવે છે, એવી જ રીતે ભગવાન આગળ કરેલા નિવેદનને પરિણામે શિશુ-આત્મા ભગવાનની છાયામાં હૂંફ અને સુરક્ષાનો અનુભવ કરે છે.
જે ઘરમાં બધા જ સભ્યો દરરોજ સાંજે સમૂહપ્રાર્થના કરતા હોય ત્યાં બાળકોમાં પ્રાર્થનાના સંસ્કારો આપોઆપ પડે છે. આવાં બાળકોમાં એક પ્રકારની આંતરશિસ્ત કેળવાય છે. નિયમિત પ્રાર્થના કરવાથી જીવનમાં સહજપણે નિયમિતતા આવી જાય છે. ભગવાન પ્રત્યેની શ્રદ્ધાથી બાળકોમાં આત્મવિશ્વાસ જાગૃત થાય છે. આથી વિપરીત સંજોગોમાં તેઓ હિંમત હારતાં નથી. ઘરમાં થતી પ્રાર્થનાની જીવનપર્યંત પડેલી અસર વિશે કાકાસાહેબ કાલેલકરે પોતાની સ્મરણયાત્રામાં લખ્યું છે, ‘બાળપણમાં કોઈ પણ સારા-માઠા પ્રસંગે દેવઘરમાં મારી માતાના મોઢે ભગવાન સાથે જે વાતચીત થતી રહેતી, એની મારા મન પર પડેલી છાપ ક્યારેય ભૂંસાઈ નથી.’ ભગવાન એ કોઈ દૂરની હસ્તી નથી, એ તો ઘરના જ એક જીવંત સભ્ય છે, જેની આગળ સહુ કોઈ પોતાની મુશ્કેલીઓ રજૂ કરી શકે છે અને તેથી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. એ પ્રતીતિ એમને નાનપણથી જ માતાપિતાની સહજ, સરળ પ્રાર્થનાઓએ કરાવી. નાનપણમાં પડેલા આ સંસ્કારો પછી મોટા થતાં જીવનના ઝંઝાવાતોમાં પ્રાર્થના દ્વારા પરમાત્માના રક્ષણમાં મૂકી આપે છે.
વિદ્યાર્થીજીવનમાં પ્રાર્થનાની અનિવાર્યતા
મોટા ભાગના વિદ્યાર્થીઓની ફરિયાદ હોય છે કે વાંચેલું યાદ નથી રહેતું અને પરીક્ષાનો ભય લાગે છે. તેથી ટેન્શન વધી જાય છે. તેમાં પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને નીટની તૈયારી કરી રહેલ વિદ્યાર્થીઓ તો તણાવમાં જ રહેતા હોય છે. સખત મહેનત કરવા છતાંય ધાર્યું પરિણામ નહીં આવે, એની ચિંતા તેમને કોરી ખાતી હોય છે. પછી તેઓ આત્મહત્યાનો રસ્તો લે છે. પરંતુ જેઓને નાનપણથી જ પ્રાર્થનાની ટેવ હોય, તેમનું મન શાંત અને સ્થિર રહે છે. તેમને પરમાત્મા કે પોતાના ગુરુ કે ઇષ્ટદેવતા પ્રત્યે જે શ્રદ્ધા હોય છે, એ જ એમને હિંમત, શક્તિ અને આત્મવિશ્વાસ પૂરાં પાડે છે. તેઓ મુશ્કેલ પરિસ્થિતિમાં સ્વસ્થ રહીને રસ્તો કાઢી શકે છે. વિદ્યાર્થીઓમાં વધતી જતી આત્મહત્યાનું પ્રમાણ અટકાવવા માટે કાઉન્સિલિંગની સાથે સાથે પ્રાર્થનાનો પણ સમાવેશ કરવામાં આવે તો ઘણું જ અસરકારક પરિણામ આવી શકે છે.
પ્રાર્થના દ્વારા પ્રાપ્ત થતી શક્તિઓ
બાળકો અને ખાસ કરીને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તો કોરી પાટી જેવા હોય છે. તેમનાં મન દુન્યવી બાબતોથી ખરડાયાં હોતાં નથી. આવા મન પર પ્રાર્થનાની ઊંડી અસર થાય છે, આથી દરેક બાલમંદિર, પ્રાથમિક, માધ્યમિક શાળાઓમાં દરરોજ શાળાકાર્ય શરૂ કરતાં પહેલાં જો પ્રાર્થના કરાવવામાં આવે તો એ સંસ્કારો બાળમાનસ પર દૃઢ થઈ જાય છે. પ્રાર્થનાથી એમનું મન શાંત બને છે. તેથી વર્ગખંડોમાં બાળકોની એકાગ્રતા વધે છે. તેઓ અભ્યાસમાં સારી રીતે ધ્યાન આપી શકે છે. ઉપરાંત બાળકોના સૂક્ષ્મ મનમાં પ્રાર્થનાના તરંગો શુભભાવ ઉત્પન્ન કરે છે, આથી વર્ગખંડોમાં પણ શાંતિ અને શિસ્ત જળવાય છે. શ્રદ્ધાપૂર્વક, શુદ્ધમનથી કરેલી પ્રાર્થનાથી તો પરમાત્મા સાથેનું અનુસંધાન થઈ જતું હોવાથી બાળકોની અંતર્નિહિત શક્તિઓ જેવી કે શ્રદ્ધા, હિંમત, કરુણા, ઉદારતા, સંવાદિતા જાગૃત થાય છે. આથી જે શાળા-કોલેજોમાં નિયમિત પ્રાર્થના થતી હોય ત્યાંના વિદ્યાર્થીઓમાં ગુરુજનો પ્રત્યે આદરભાવ, સહાધ્યાયીઓ પ્રત્યે સુમેળભર્યો વ્યવહાર, સંકલ્પની દૃઢતા, અભ્યાસમાં રુચિ અને આત્મવિશ્વાસની જાગૃતિ જોવા મળે છે.
સામૂહિક પ્રાર્થનાનો પ્રભાવ
જે શાળા-કોલેજોમાં બધા જ વિદ્યાર્થીઓ પ્રાર્થનાખંડમાં કે મુખ્ય ખંડમાં બેસીને લયબદ્ધ પ્રાર્થના ગાય તો તેના ધ્વનિતરંગો સમગ્ર વાતાવરણમાં પ્રસરી જાય છે. તેથી સૂક્ષ્મ વાતાવરણમાં રહેલી નકારાત્મક ઊર્જાને દૂર કરીને શાળાના સમગ્ર વાતાવરણમાં દિવ્યતા છવાઈ જાય છે. સામૂહિક પ્રાર્થનાની શક્તિ પ્રચંડ હોય છે. દરરોજ નિયમિતપણે સેંકડો બાળકોના કંઠમાંથી પરમ શક્તિ પ્રત્યે પ્રાર્થનાની જે ધારા વહે છે, તેથી તેમનો દિવસ તો દિવ્ય ઊર્જાસભર બની રહે છે. પરંતુ ત્યાંના શિક્ષકો, કર્મચારીઓમાં પણ એ દૈવી આંદોલનોનો પ્રભાવ જોવા મળે છે. આવી શાળામાં આવનાર મુલાકાતીઓ પણ એવું અનુભવે છે કે અહીંનું વાતાવરણ વિશિષ્ટ છે. આવી શાળાઓમાં અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓના પછીના જીવનકાળમાં પણ પ્રાર્થના વણાયેલી રહે છે. પરિણામે જીવનમાં આવતા સંઘર્ષો અને કટોકટીઓને પાર કરીને તેઓ આગળ વધતા રહે છે.
પ્રાર્થનાથી વધતી સ્મૃતિશક્તિ
પ્રાર્થનાને પરિણામે સ્મૃતિશક્તિમાં વૃદ્ધિ થાય છે. પહેલાં જે બાળકને કશું યાદ ન રહેતું હોય, એવું બાળક પણ નિયમિત પ્રાર્થનાને પરિણામે પોતાની સ્મૃતિશક્તિ અને બુદ્ધિમાં વૃદ્ધિ કરી શકે છે. ગુરુદયાળ મલ્લિકજીના જીવનની વાત છે: “એક દિવસ પાઠશાળાએથી આવીને રડતાં રડતાં માતાને કહ્યું, ‘મારા ગુરુજી મારા ઉપર ગુસ્સે થયા કરે છે અને કહે છે કે તને કંઈ યાદ નથી રહેતું, તું નહીં ભણી શકે.’ માએ વહાલા પુત્રને માથે હાથ ફેરવીને કહ્યું, ‘હું તને સૂર્યદેવની પ્રાર્થના શિખવાડું છું અને ગાયત્રીમંત્ર. એ જપીશ તો તને બધું જ યાદ રહી જશે અને તું તો ગુરુજી કરતાંય મોટો પંડિત બનીશ.’ માએ દિવસો સુધી મહેનત કરી સૂર્યસ્તુતિ અને ગાયત્રીમંત્ર શિખવાડ્યાં.” આ બાળક ગંગાના પાણીમાં ઊભો રહીને દરરોજ કલાક સુધી આ પ્રાર્થના અને મંત્રજપ કરવા લાગ્યો. એની સ્મૃતિશક્તિ, બુદ્ધિશક્તિ, વિવેકશક્તિ જાગૃત થઈ ગઈ અને એ મહાન પંડિત ગુરુદયાળ મલ્લિક બન્યા! તેમણે આ વાત એક જાહેર પ્રવચનમાં કરી હતી.
આ પ્રવચનથી પ્રભાવિત થઈને એક શિક્ષિકાએ પોતાના વર્ગખંડમાં આ પ્રયોગ કર્યો. પહેલાં વર્ગખંડમાં પ્રવેશ કરતાં જ તોફાન, મસ્તી, કોલાહલ, હસીમજાક ચાલુ જ રહેતાં. તેમણે એક દિવસ વિદ્યાર્થીઓને કહ્યું, ‘આપણે બે મિનિટ આંખો બંધ કરીને સરસ્વતી માતાને પ્રાર્થના કરીશું કે તેમનો દિવ્ય ઉજાસ આપણા મનમાં ઊતરો અને અમે જે શીખીએ એ બધું સમજાય અને અમે ધારણ કરી શકીએ.’ ધીરે ધીરે પ્રાર્થનાનું વાતાવરણ એવું સઘન બન્યું કે નિરીક્ષણ કરવા નીકળેલા આચાર્ય આ સઘન શાંતિ જોઈને બહાર ઊભા રહી ગયા. પછી આવીને બધાને ખૂબ બિરદાવ્યા. પછી આ જ પ્રયોગ શિક્ષિકાએ પરીક્ષાના ખંડમાં કર્યો. દસ મિનિટ વહેલો ઘંડ પડે અને વિદ્યાર્થીઓ ખંડમાં પ્રવેશે ત્યારે બધા શંકા, ભય, ચિંતાથી ઘેરાયેલા હોય. શિક્ષિકાએ કહ્યું, ‘આપણે પાંચ મિનિટ મનને શાંત કરીને પોતપોતાના ઇષ્ટદેવને અને માતા સરસ્વતીને પ્રાર્થના કરીએ કે તમે જે તૈયારી કરી છે, એ બધું તમે સરસ રીતે લખી શકો, તેવી તમારા મનમાં અને હાથમાં શક્તિ આપે.’ ખરેખર ચમત્કાર થયો. આખો વર્ગખંડ પ્રાર્થનાની એકાગ્રતામાં લીન થઈ ગયો. જ્યારે બીજો ઘંટ વાગ્યો અને પ્રશ્નપત્ર વહેંચાયું, ત્યારે બધાના ચહેરા ઉપર શાંતિ અને પ્રસન્નતા હતાં. પછી તો એ શિક્ષિકાનું સુપરવિઝન ન હોય તોપણ વિદ્યાર્થીઓ પ્રાર્થના કરવા લાગ્યા.
પ્રાર્થનાનો પ્રત્યુત્તર મળે જ છે
સાચા હૃદયથી કરેલી પ્રાર્થનાનો પ્રત્યુત્તર મળે જ છે. અંતરિક્ષમાં ગોઠવાયેલું ભગવાનનું સુપર કમ્પ્યૂટર એટલું બધું શક્તિશાળી છે કે એમના પ્રત્યે પાઠવેલો સૂક્ષ્માતિ સૂક્ષ્મ સંદેશ પણ એમાં ઝીલાય છે, તેની નોંધ લેવાય છે અને જરૂરિયાત પ્રમાણે તેનો પ્રત્યુત્તર પાઠવીને તુરત જ અમલ પણ થઈ જાય છે. વરસો પહેલાં જ્યારે મુંબઈમાં બિલકુલ વરસાદ નહોતો, ત્યારે બધાને પ્રાર્થના કરવાનું કહેવામાં આવ્યું. એક શાળાના બાળકોને પણ પ્રાર્થના માટે રવિવારે બોલાવ્યા. વરસાદ માટેની પ્રાર્થના કરવાની હતી, એટલે બધા બાળકો છત્રી અને રેઈનકોટ સાથે આવ્યા. એમને સંપૂર્ણ વિશ્વાસ કે અમે પ્રાર્થના કરીશું એટલે ભગવાન વરસાદ મોકલશે જ. અને ખરેખર બાળકોનો વિશ્વાસ સાચો પડ્યો! બાળકો છત્રી ઓઢીને ગયા અને એમના શિક્ષકો ભીંજાતા ગયા. જો પૂર્ણ શ્રદ્ધા સાથે પ્રાર્થના કરવામાં આવે તો તેનો પ્રત્યુત્તર મળે જ છે. આ સંદર્ભમાં મહર્ષિ અરવિંદ કહે છે, ‘જો તમારામાં પૂરતા પ્રમાણમાં સાચી અભીપ્સા હોય અથવા તો પૂરતા પ્રમાણમાં ઉત્કટ પ્રાર્થના હોય, તો તમે બધું જ પલટી નાખવા સમર્થ એવું કશુંક તમારામાં લાવી શકો.’
પરંતુ પ્રાર્થના શ્રદ્ધાપૂર્વક કરવી જોઈએ. બાળકના જેવી શ્રદ્ધા અને સરળતાથી પ્રાર્થના કરવામાં આવે તો તે જરૂર ફળે છે. શ્રીમાતાજી કહે છે, ‘કોઈ પણ જાતની દલીલ વગરની, શંકા વગરની, વિરોધાભાસ વગરની દૃઢ શ્રદ્ધા હોય તો એવી એક પણ પ્રાર્થના નથી કે જેનો ઉત્તર ન મળે, એવી એક પણ અભીપ્સા નથી કે જે સાક્ષાત્કાર ન પામે.’
મહાત્મા ગાંધીજી પ્રાર્થનાને મનનો ખોરાક કહે છે. જેમ શરીરને ખૂબ પોષણ આપતાં રહીએ છીએ, તેમ મનને પણ પ્રાર્થના, ધ્યાન, સત્સંગ, સ્વાધ્યાય દ્વારા પુષ્ટ બનાવતાં રહેવું જોઈએ. વિદ્યાર્થી અવસ્થામાં તો મનને ખાસ પોષણ આપવાની આવશ્યકતા રહે છે. મનમાં અશાંતિ, નિરાશા, હતાશા, બેચેની, અણગમો વગેરે કંઈ પણ થાય તો તુરત જ પ્રાર્થનાનો ‘ડોઝ’ આપી દેવામાં આવે તો પરિસ્થિતિ તત્ક્ષણ બદલાઈ જાય છે. પ્રાર્થના તો ભગવાન અને મનુષ્ય વચ્ચેનો અદૃશ્ય સેતુ છે. તેના પર થઈને સીધું ભગવાન પાસે પહોંચી શકાય છે. ભગવાન સાથેનો સંપર્ક થયા પછી દૃષ્ટિ જ બદલાઈ જાય છે અને પહાડ જેવી મુશ્કેલીઓ પણ અદૃશ્ય થઈ જાય છે. દુ:ખમાં સાંત્વન આપનાર, નિરાશામાં આશાનો સંચાર કરનાર, મુશ્કેલીઓમાં હિંમત અને શક્તિ પ્રદાન કરનાર પ્રાર્થના જેવું દિવ્ય ઔષધ બીજું એકેય નથી.
Your Content Goes Here