(લેખક રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે. તેઓ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય પણ છે. – સં.)
સંપૂર્ણ કુટુંબ એટલે પતિ, પત્ની, એક દીકરો અને એક દીકરી. દીકરીનું કન્યાદાન અને દીકરાના હાથે અગ્નિ સંસ્કાર એ બંને મોક્ષના માર્ગમાં મદદ કરે. કેવી સુંદર વિચારધારા? એ સમાજમાં દીકરીને એટલું મહત્ત્વ મળે કે એનો જન્મ ઉત્સવ બની જાય. પછી ‘બેટી બચાવો’ જેવા સ્લોગનની જરૂર જ ન પડે. દીકરી લક્ષ્મીનો અવતાર ગણાય. એમાંય પ્રથમ સંતાન દીકરી હોય તો તો કહેવાનું જ શું? જ્યારે સમાજરચનાના સિદ્ધાંતો સન્માનથી ભરેલા હોય ત્યારે તહેવારો પણ વિશિષ્ટ હોય. ભાઈ-બહેનના પ્રેમનો તહેવાર વીરપસલી કે રક્ષાબંધન હોય કે પછી ભાઈબીજ હોય, એમાં બહેન ભાઈના માટે ઈશ્વર પાસે શ્રેષ્ઠતા માગે અને સામે ભાઈ બહેનને એને ગમતી વસ્તુ આપે. આ જ તહેવાર ભારતના વિવિધ પ્રાંતમાં અલગ અલગ નામે ઉજવાય છે. ઉત્તર ભારતમાં ભાઈદૂજ કે ભૈયાદૂજ, બિહારમાં ભાઈટીકા વગેરે. જ્યારે દક્ષિણ ભારતમાં આ તહેવાર યમ દ્વિતીયા કે ભ્રાતૃ દ્વિતીયા કહેવાય છે.
દિવાળીના પાંચ દિવસના તહેવારોની સમાપ્તિ ભાઈબીજના તહેવારથી થાય છે. ભાઈબીજ અથવા કારતક સુદ ૨, તે હિંદુ પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના પહેલા મહિનાનો બીજો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના આઠમા મહિનાનો બીજો દિવસ છે. આ દિવસે બહેનો પોતાના ભાઈના લાંબા આયુષ્ય અને સુખભર્યા જીવન માટે પ્રાર્થના કરે છે અને ભાઈ બહેનને ભેટ આપે છે. ગુજરાતમાં આ દિવસે બહેન ભાઈને પોતાને ઘેર ભોજન માટે આમંત્રણ પાઠવે છે.
ભાઈબીજનો તહેવાર ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, ગોવા, પશ્ચિમબંગાળ, કર્ણાટકમાં વધારે લોકપ્રિય છે. ધર્મ, ભાષા અને બંધનોથી અલગ ભાઈબીજ તહેવાર કોઈનો બંધક હોય તો તે ફક્ત ભાવનાઓનો અને ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનો.
પૌરાણિક કથા મુજબ ભગવાન સૂર્યદેવનાં પત્ની સંજ્ઞા (રાંદલ માતાજી) છે . તેમનાં બે સંતાન યમરાજ અને યમુના અથવા યમી છે. માતાજી સૂર્યદેવના તેજથી અંજાઈ જતાં હતાં, તેથી તે સૂર્યનારાયણને જોઈ શકતાં ન હતાં. તેમણે વિનંતી કરી કે સૂર્યદેવ પોતાનું તેજ ઓછું કરે. તેમ ન થતાં માતાજી પોતાના બીજા રૂપને ત્યાં મૂકીને પોતાને પિયર ચાલ્યાં ગયાં. તે બીજું રૂપ એટલે છાયા. યમુના પોતાના ભાઈ યમરાજને બહુ પ્રેમ કરતી. યમુના યમરાજને હંમેશાં નિવેદન કરતી હતી કે તે તેના ઘરે આવીને ભોજન કરે. પરંતુ યમરાજ પોતાના કામમાં એટલા વ્યસ્ત હતા કે એમને સમય જ નહોતો મળતો. તે કારણે તેઓ યમુનાની વાતને ટાળી મૂકતા.
કારતક શુક્લ બીજના દિવસે યમુનાએ પોતાના ભાઈ યમરાજને ભોજન કરવા માટે બોલાવ્યા. આ વખતે યમરાજ ઇન્કાર ન કરી શક્યા અને બહેનના ઘરે જવા નીકળ્યા. રસ્તામાં યમરાજે નરકમાં રહેતા જીવોને મુક્ત કરી દીધા. ભાઈને જોતાં જ યમુના બહુ પ્રફુલ્લિત થયાં અને ભાઈનું તિલક કરી સ્વાગત કર્યું. યમુનાના હાથે સ્નેહભર્યું ભોજન ગ્રહણ કર્યા બાદ પ્રસન્ન થઈ યમરાજે બહેનને કંઈક માગવા કહ્યું.
યમુનાએ યમરાજને કહ્યું કે તમે દર વર્ષે આજના દિવસે મારે ત્યાં ભોજન કરવા આવશો અને આ દિવસે જે ભાઈ યમુનામાં સ્નાન કરી પોતાની બહેનને મળશે, જે બહેન પોતાના ભાઈને ચાંદલો કરી ભોજન કરાવશે અને આ પર્વ ઉજવશે, તે અકાલ મૃત્યુના ભયથી મુક્ત થઈ જાય. તેમને યમનો ડર નહિ રહે અને મોક્ષ પ્રાપ્ત કરશે. યમરાજે યમુનાની વાત માનતાં ‘તથાસ્તુ’ કહ્યું અને યમલોક ચાલ્યા ગયા. ત્યારથી માન્યતા છે કે કારતક શુક્લ બીજના રોજ જે ભાઈ પોતાની બહેનનું આતિથ્ય સ્વીકાર કરે છે એને યમરાજનો ભય રહેતો નથી.
આ દિવસે બહેન પોતાના ભાઈને મનગમતી રસોઈ બનાવીને તેને એ અહેસાસ કરાવે છે કે આજે પણ બહેનને ભાઈ પ્રત્યે એટલો જ પ્રેમ છે અને ભાઈ પણ બહેનના પ્રેમને સમજી તેને ખુશ કરવા તેને પસંદ આવે તેવી ભેટ આપે છે. ભેટની કીમત મહત્ત્વની નથી હોતી, મહત્ત્વનું તો હોય છે એક ભાઈનું બહેનના ઘરે આગમન. બહેન તો પિયર અવાર-નવાર જતી હોય છે. પણ ભાઈનું પરિવાર સહિત જવું એવું તો કોઈ પ્રસંગ હોય ત્યારે જ બને છે. આમ પણ લોકોની માન્યતા છે કે દીકરીના ઘરે વધુ ન જવાય, ન ખવાય વગેરેને કારણે પણ પિયરિયાઓ કારણ વગર જવાનું ટાળતાં હોય છે. આ ધાર્મિક પરંપરાને કારણે બહેન હકથી ભાઈને પોતાને ઘરે જમવા બોલાવી શકે છે.
રક્ષાબંધનના દિવસે દરેક બહેનને ભાઈને ઘરે જવાનો અવસર મળે છે અને ભાઈબીજના દિવસે ભાઈને બહેનને ઘરે જવાનો. આ બંધનની વચ્ચે આ બે તહેવારો દરમિયાન કોઈ પણ વિધ્ન આવી શકતું નથી, એવી માન્યતા છે. ભાઈ-બહેનનું સરખું જ મહત્ત્વ, કોઈને અન્યાય નહીં. આવા તહેવારોને કારણે જ તો ભાઈ-બહેનનો પ્રેમ વધુ મજબૂત બનતો જાય છે!
પુરુષપ્રધાન સમાજમાં નારી પોતાનાથી થતું જે કરી શકે એ કરે અને એની સામે ભાઈ એને ગમતી વસ્તુ આપે. એવા તહેવાર પછી વહુનો ભાઈ આવે અને જુએ કે ઘરની સ્થિતિ યોગ્ય નથી તો એ પોતાની બહેનને એક પરંપરાના ભાગ રૂપે કંઈક મદદ કરે જે ભેટ ગણાઈ જાય. કોઈએ કોઈની પાસે માગણી ન કરવી પડે અને તો પણ દીકરીનું ઘર સચવાઈ જાય. દીકરી સાસરે ગઈ એટલે સાવ પારકી થોડી જ થઈ જાય છે? હા, કારણ વિના એના ઘરમાં દરરોજ ન જવાય પણ વાર-તહેવારે એને સાચવી તો લેવાય ને? જેણે પણ આ વ્યવસ્થા વિચારી હશે એ ખરેખર મહાન હશે. હવે આટલાં વરસો પછી કોર્ટે દીકરીને માતાપિતાની સંપત્તિમાં અધિકાર આપ્યો છે પણ આપણા દેશમાં તો આવો વિચાર અન્ય સ્વરૂપે વરસોથી ચાલતો આવે છે.
ભાઈબીજના દિવસે ભાઈ બહેનના ઘરે જમવા જાય. બંને મળે, સુખ-દુઃખની વાત કરે. એવું કહે છે કે સહોદરથી વધારે સારા મિત્રો ભાગ્યે જ મળે છે. ગમે તેટલા સારા મિત્રો હોય તો પણ અંગત વાત કરવા માટે સહોદર જ યાદ આવે. ભાઈને કોઈ મૂંઝવણ હોય તો એ બહેનની સાથે વાત કરીને હળવો થાય. વળી એ સાબિત પણ થયું છે કે પુરુષ કરતાં સ્ત્રીમાં સૂઝ વધારે હોય છે. તેથી બહેનની સલાહ સારી રીતે કામ પણ કરે. બહેનને મળવાના બહાને ભાઈ પણ બહેનની સ્થિતિ પામી શકે. આમ સાવ સામાન્ય દેખાતું પર્વ જીવનના ઘણા મોટા ભાગને સરળ બનાવી નવજીવનનું જોમ આપી શકે છે, ચેતના આપી શકે છે.
ભાઈબીજનો તહેવાર પણ રક્ષાબંધન જેવા ભાઈ-બહેન વચ્ચેના સંબંધને મજબૂત કરવાનો છે.
એક અન્ય કથા અનુસાર, એક રાજા તેના સાળા સાથે ચોપાટ રમતા હતા. કહેવાય છે કે, આ રમતમાં તેનો સાળો હંમેશાં જીતી જતો હતો. આથી રાજાએ વિચાર્યું કે, તેનું કારણ જાણવું જોઈએ. ક્યાંક એવું તો નથી કે, આ ભાઈ ભાઈબીજ પર પોતાની બહેન પાસે તિલક કરાવવા આવે અને તેના પ્રતાપે જીતી જાય! આથી રાજાએ ભાઈબીજના દિવસે સાળાને ઘરે આવવાની ના પાડી દીધી. આ ઉપરાંત તેમના ઘરે ન આવે તે માટે તેણે ચારે બાજુ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો, જેથી તેનો સાળો તેની બહેનને મળવા અને ચાંદલો કરાવવા માટે છુપાઈને આવી ન શકે. પણ ભાઈ પોતાની બહેન પાસે જવા માટે બેચેન હતો. પછી યમરાજની કૃપાથી તે કૂતરાનું રૂપ ધારણ કરીને પોતાની બહેન પાસે ચાંદલો કરાવવા માટે ગયો. કૂતરાને જોઈને રાજાની પત્નીએ તેના કપાળ પર ચાંદલો કર્યો અને કૂતરો પાછો જતો રહ્યો.
આ પછી તે પાછો આવ્યો અને રાજાને કહ્યું કે, હે રાજન, હું ભાઈબીજનું તિલક કરાવીને આવ્યો છું, હવે ચાલો ચોપાટ રમીએ. તેની આ વાત સાંભળીને રાજાને ખૂબ જ આશ્ચર્ય થયું. ત્યારબાદ સાળાએ રાજાને આ ઘટનાની આખી વાત કહી. તેની વાત સાંભળીને રાજાએ તિલકનું મહત્ત્વ સ્વીકાર્યું અને તે પોતાની બહેન પાસે તિલક કરાવવા ગયો. આ ઘટના સાંભળીને યમરાજ ચિંતિત થઈ ગયો અને વિચારવા લાગ્યો કે, આ રીતે તો યમપુરીનું અસ્તિત્વ ખતમ થઈ જશે. ભાઈને ચિંતિત જોઈને તેની બહેન યમુનાએ તેમને કહ્યું કે, ‘ભાઈ તમે ચિંતા ન કરો. તમે મને આ વરદાન આપો કે, જે લોકો કારતક મહિનાના શુક્લ પક્ષની બીજી તિથિએ બહેનના ઘરે ભોજન લે છે અને મથુરા શહેરના વિશ્રામ ઘાટ પર સ્નાન કરે છે, તેમણે યમપુરી ન જવું પડે. જીવન અને મૃત્યુના આ બંધનમાંથી મુક્ત થઈને તે મોક્ષ પ્રાપ્ત કરે.’ યમરાજે તેમની પ્રાર્થના સ્વીકારી અને ત્યારથી ભાઈ-બહેનના મિલનનો આ તહેવાર ભાઈબીજ તરીકે ઊજવવામાં આવ્યો અને આ દિવસે મથુરાના વિશ્રામ ઘાટ પર સ્નાન કરવાની પરંપરા શરૂ થઈ.
આપણાં પુરાણોમાં પણ ભાઈ-બહેનના પ્રેમના પ્રતીકરૂપ આ તહેવારનું અનેરું મહત્ત્વ છે.
Your Content Goes Here