(લેખક ભૂતપૂર્વ પ્રિન્સીપાલ અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ વેદાંત સાહિત્યના પ્રચારક તરીકે જાણીતા છે. – સં.)

પ્રશ્ન : પ્રગતિ કરવા કઈ બાબત આવશ્યક છે?

સ્વામી વિવેકાનંદ : આજ્ઞાપાલન, તત્પરતા અને કાર્ય માટે પ્રેમ: જો તમારામાં આ ત્રણ હશે, તો તમારી પ્રગતિને કંઈ પણ રોકી નહીં શકે. (7.191)

પ્રશ્ન : સારા કામની લોકો કદર કરતા નથી!

સ્વામીજી : તમારે તો તમારું કામ કર્યે રાખવું. માણસની મંજૂરી સામે શા માટે જુઓ છો? ઈશ્વરની મંજૂરી સામે જુઓ! (6.498)

પ્રશ્ન : નોકરી કે ધંધામાં કઈ બાબત અગત્યની છે?

સ્વામીજી : જ્યારે તમે કોઈ કામ કરવાનું વચન આપો ત્યારે તમારે તે બરાબર નિયત સમયે કરવું જોઈએ, નહિતર લોકોને તમારામાંથી વિશ્વાસ ઊઠી જાય. (6.507)

પ્રશ્ન : લાયકાત કરતાં મારે નીચું કામ કરવું પડે તો શું કરવું?

સ્વામીજી : કોઈપણ કામ હલકું નથી. આ દુનિયામાં દરેક વસ્તુ વડના બી જેવી છે; એ બી શરૂઆતમાં રાઈના દાણા જેવું બહુ ઝીણું ભલે દેખાય, પણ તેની અંદર વિશાળ વટવૃક્ષ અદૃશ્ય રીતે રહેલું છે. જે આ જોઈ શકે છે અને દરેક કામને મહાન બનાવવામાં સફળ બને છે, તે જ ખરો બુદ્ધિમાન છે. (7.190)

પ્રશ્ન : કોઈ પણ બાબતનો સ્વીકાર ક્યારે કરવો?

સ્વામીજી : શરૂઆત શંકાથી કરો. બધી વસ્તુનું વિશ્લેષણ કરો. ચકાસણી કરો, સાબિત કરો અને પછી જ તેનો સ્વીકાર કરો. (1.384)

પ્રશ્ન : જીવનમાં પ્રગતિ કરવા માટે શું કરવું?

સ્વામીજી : આપણું જે પ્રથમ કર્તવ્ય હોય તે બજાવવાથી જ ઊંચે ચઢાય છે અને આમ ઉત્તરોત્તર શક્તિ પ્રાપ્ત કરીને ઊંચામાં ઊંચી ભૂમિકાએ પહોંચાય છે. (1.43)

પ્રશ્ન : નબળાઈ દૂર કરવાનો ઉપાય શું?

સ્વામીજી : નબળાઈને યાદ કર્યા કરવાથી ઝાઝો ફાયદો થતો નથી; શક્તિની જરૂર છે, બધો વખત નબળાઈનો વિચાર કર્યા કરવાથી શક્તિ આવતી નથી; નબળાઈનું ચિંતન કર્યા કરવું એ નબળાઈ દૂર કરવાનો ઉપાય નથી, પરંતુ શક્તિનું ચિંતન કરવું એ એનો ઉપાય છે. (2.447)

પ્રશ્ન : વ્યક્તિત્વ વિકાસમાં આપણા વિચારો શું ભાગ ભજવે છે?

સ્વામીજી : તમે જેનાં જેનાં સ્વપ્નાં સેવો કે વિચાર કરો તે તે તમે સર્જો છો. તમે જો નરક સર્જ્યું હોય તો મૂઆ પછી તમે નરકે જશો. તમે જે કંઈ વિચાર કરો છો તેનું સ્વરૂપ તમે બની જાઓ છો. તમારે જો વિચાર કરવા જ હોય તો સારા વિચાર કરો, મહાન વિચાર કરો. તમે નિર્બળ ક્ષુદ્ર કીડા છો એમ શા માટે માની લેવું. ‘અમે નિર્બળ છીએ, અમે નિર્બળ છીએ’ એમ કહ્યા કરવાથી આપણે નિર્બળ જ બનતા જઈએ છીએ. (4.157)

પ્રશ્ન : જીવનમાં કોને પ્રાધાન્ય આપવું? હૃદય (લાગણી) કે મગજ (બુદ્ધિ) ને?

સ્વામીજી : જેની આપણે સૌથી પહેલી જ જરૂરિયાત છે તે મગજ અને હૃદયનું જોડાણ છે. હૃદય જરૂર મહાન છે, કારણ કે જીવનની મહાન પ્રેરણાઓ હૃદયમાંથી જન્મે છે; સંપૂર્ણ મગજ અને હૃદયહીનતાના મુકાબલે મને તો થોડુંક હૃદય અને મગજનો અભાવ વધારે ગમે. જેની પાસે હૃદય છે તેને માટે જીવન શક્ય છે, તેનો વિકાસ પણ શક્ય છે; પણ જેની પાસે હૃદય નથી અને માત્ર મગજ છે તે શુષ્કતાથી મરે છે. સાથોસાથ આપણે જાણીએ છીએ કે જે માત્ર હૃદયથી જ દોરાય છે તેને ઘણાં કષ્ટો વેઠવાં પડે છે, કારણ કે તેથી અવારનવાર તે ખાડામાં પડે એવો સંભવ છે. હૃદય અને મગજના જોડાણની આપણને ખાસ જરૂર છે. (2.375)

પ્રશ્ન : લોકો મને સમજી શકતા નથી.

સ્વામીજી : વિચારોમાં પોતાના જમાનાથી આગળ વધેલો પ્રત્યેક મનુષ્ય અવશ્યમેવ ગેરસમજનો ભોગ બને છે. એટલે પ્રતિકાર અને અત્યાચાર ભલે આવે; માત્ર મારે દૃઢ અને પવિત્ર રહેવાનું છે અને ઈશ્વરમાં પ્રબળ શ્રદ્ધા રાખવાની છે, તો એ બધાં અદૃશ્ય થઈ જશે. (6.472)

પ્રશ્ન : ઉચ્ચ ધ્યેય રાખવામાં નિષ્ફળતાનો ડર બહુ લાગે છે.

સ્વામીજી : મહાન કાર્યો લાંબા સમય સુધી જબરો અને એકધારો પ્રયાસ માગે છે. એમાં જો થોડા પ્રયાસો નિષ્ફળ જાય તો આપણે ગભરાવાની જરૂર નથી. એ તો સ્વાભાવિક છે કે ઘણા નિષ્ફળ બને. (7.74)

પ્રશ્ન : માતાપિતા સાથેના સંઘર્ષનું નિવારણ શું?

સ્વામીજી : જીવનમાં જે નાની કર્કશતાઓ આપણે અનુભવીએ છીએ તેમાંથી છૂટવાનો ઉપાય કેવળ ક્ષમામાં જ રહેલો છે. (1.42)

પ્રશ્ન : અવનવા બિનજરૂરી વિચારો આવે છે.

સ્વામીજી : આટલા બધા ઉછાળા મારતા પ્રશ્નો એ તમારું નબળું મન સૂચવે છે. હે બળવાન માનવ, ઊઠ અને મજબૂત બન! કાર્ય કર્યા જ કર; સંગ્રામ કર્યા જ કર! (6.61)

પ્રશ્ન : યુવાનોમાં સ્વાવલંબન શા માટે હોવું જોઈએ?

સ્વામીજી : આપણે એવા આળસુ છીએ કે આપણે માટે આપણે પોતે કંઈ જ કરવા ઇચ્છતા નથી. આપણને એક વ્યક્તિરૂપ ઈશ્વર, એક તારણહાર કે આપણને બધુંય કરી દે એવો એક પયગંબર જોઈએ જ છે. જેમ કે કોઈક ગર્ભશ્રીમંત માનવી પગે કદી ચાલે જ નહિ. કાયમ પાલખીમાં કે વાહનમાં જ જાય-આવે. વર્ષો જતાં આખરે એક દિવસે તેને ભાન થાય છે કે તેને આખે શરીરે પક્ષાઘાત થઈ ગયો છે. તે વેળા તેને ભાન થાય છે કે પોતે જે રીતે જીવ્યો તે માર્ગ આખરે તો સારો ન જ હતો. પોતાને બદલે બીજો કોઈ માણસ ચાલી ન જ શકે. જેટલી જેટલી વાર એવું બન્યું છે તે બધી વાર પોતાને નુકસાન જ થયું છે. એક માણસને બદલે જો દરેક બાબત બીજો માણસ જ કરે, તો પેલો માણસ પોતાના અવયવોનો ઉપયોગ કરવાનું જ ગુમાવી બેસશે. જે કોઈ બાબત આપણે જાતે કરીએ છીએ તે જ ખરી રીતે આપણે કરીએ છીએ. આપણે માટે બીજો કંઈ કરે છે તે કદી આપણું થઈ શકે જ નહિ. (4.517-18)

(નોંધ: સ્વામી વિવેકાનંદના વિચારો પ્રવર્તમાન સમયમાં પણ કેટલા પ્રસ્તુત છે તે હેતુથી અત્યારના પ્રશ્નો અને સ્વામીજીના વિચારો મૂકવામાં આવ્યા છે. બધાં ઉદ્ધરણોસ્વામી વિવેકાનંદ ગ્રંથમાળાના વિવિધ ભાગોમાંથી લેવાયાં છે. પ્રથમ અંક ભાગ નંબર છે અને પછીનો અંક પૃષ્ઠાંક બતાવે છે.)

Total Views: 81

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.