(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના તંત્રી અને સંપાદક છે. – સં.)

પોરબંદર જિલ્લાના રાણા-ખીરસરા ગામે ૧૮મી મે, ૧૯૩૫ના દિવસે જન્મેલા શ્રી નરોત્તમભાઈ પલાણ પોતાના પુસ્તકમાં સંસ્મરણો લખતાં જણાવે છે કે તેઓ તેમના દાદા શ્રી જેરામભાઈ માધવજીભાઈ પલાણની આંગળી પકડી  રાણા-ખીરસરાથી પોરબંદર આવ્યા. શ્રી નરોત્તમભાઈ તેમના દાદાથી બહુ પ્રભાવિત થયા હતા.

૧૯૫૮માં નરોત્તમભાઈએ મેટ્રીકની પરીક્ષા પાસ કર્યા બાદ ૧૯૬૦માં સંસ્કૃત મુખ્ય વિષય સાથે બી.એ.ની પરીક્ષા પાસ કરી અને ૧૯૭૨માં એમ.એ. તેમજ બી.એડ. કર્યું. આ દરમિયાન ૧૯૬૬માં નવયુગ વિદ્યાલયમાં શિક્ષક તરીકે કાર્યરત રહ્યા. ત્યાર બાદ ૧૯૭૨થી ૧૯૮૦ સુધી પોરબંદરની ગુરુકુળ મહિલા કૉલેજમાં પ્રૉફેસર તરીકે અધ્યાપન કાર્ય કર્યું.  ૧૯૮૦થી ૧૯૯૦ સુધી પોરબંદરની નજીક ભાયાવદરની આર્ટ્સ કૉલેજમાં પ્રૉફેસર તરીકે અને ૧૯૯૨-૯૪ દરમિયાન રાજકોટની મીનાબેન કુંડલિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજમાં પ્રિન્સીપાલ તરીકે સેવાઓ આપી.

આ ઉપરાંત ૧૯૯૮થી ૨૦૦૦ સુધી તેઓ આર્કિઓલોજિકલ રીસર્ચ સોસાયટીના સેક્રેટરી પદે તેમજ ગુજરાતી સાહિત્ય પરિષદના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે સેવારત રહ્યા.

શિક્ષણ ક્ષેત્ર અને પુરાતત્ત્વ વિભાગમાં તેમનું બહુ મોટું પ્રદાન છે. તેમનું ઇતિહાસ અને સાહિત્યના ક્ષેત્રમાં પણ આગળ પડતું પ્રદાન છે. આમ તેમનું કાર્યક્ષેત્ર બહુ વ્યાપક છે. તેમણે ઉપરોક્ત વિષયોમાં ૬૦થી પણ વધુ પુસ્તકો લખ્યાં છે. તેમાં ‘જામનગરનો પૌરાણિક ઇતિહાસ’ અને હમણાં પ્રકાશિત થયેલ ‘પોરબંદરનો ઇતિહાસ’નો ખાસ ઉલ્લેખ કરવો ઘટે. તેમને વર્ષો સુધી સુપ્રસિદ્ધ ઇતિહાસકાર શ્રી મણીભાઈ વોરાનું સાન્નિધ્ય પ્રાપ્ત થયું, તે કારણે તેમણે કેટલીયે વાર કેટલાયે કિલોમીટર પગપાળા ચાલીને અનેક સંશોધનો કર્યાં અને સામગ્રી એકત્ર કરી. વર્ષમાં લગભગ ૩૦થી ૩૨ વખત સ્થળ પર જઈને તેઓ સંશોધન કરતા. અને આ કઠોર પરિશ્રમના ફળ સ્વરૂપે એકત્ર કરેલી વિશેષ સામગ્રીનો તેમણે પુસ્તકોમાં સમાવેશ કર્યો છે.

તેમને જ્યારે ૮૦મું વર્ષ પૂરું થયું ત્યારે તેમણે પોતાના જીવન પર આધારિત એક પુસ્તક લખ્યું અને પ્રકાશિત કર્યું. તેનું શીર્ષક છે ‘શ્વેતકર્ણી મિતર’ – ‘સફેદ વાળવાળા મિત્ર’. હજુ પણ એવું નથી લાગતું કે તેઓ વૃદ્ધ થયા છે. જે યુવકમાં એક પ્રકારનો ઉત્સાહ રહેતો હોય, નવું જાણવાની ઉત્કંઠા રહેતી હોય; કળા, સંસ્કૃતિ, ગાયન વગેરે કલાઓમાં રુચિ હોય તેવી આ વ્યક્તિને આપણે ૮૦ વર્ષના યુવાન કહી શકીએ.

તેમણે U.K. અને કેન્યા જેવા દેશોની યાત્રાઓ પણ કરી છે. એક રીતે તેઓ હરતું-ફરતું પુસ્તકાલય છે. કંઈ પણ પૂછો, તો ઉત્તર તરત જ મળે.

શ્રી નરોત્તમભાઈને તેમના કાર્યની કદર રૂપે ૧૫થી વધુ પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે.

૨૦૦૧માં તેમના રેડિયો-નાટક ‘આરતી અને અગ્નિ’ને ‘રાષ્ટ્રીય એકતા પુરસ્કાર’ પ્રાપ્ત થયો, જે તેમને કટકમાં ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટરના હસ્તે સુપ્રત થયો.

૨૦૦૬માં તેમને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ‘નાગર રત્ન’ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો.

૨૦૦૭માં તેમની નવલકથા ‘હુ હુ’ (સમુદ્રનો ઘૂઘવાટ)ને ગુજરાત સાહિત્ય પરિષદ તરફથી શ્રેષ્ઠ નવલકથા ઘોષિત કરવામાં આવી અને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.

૨૦૧૧માં લોહાણા પરિષદ તરફથી તેમને શ્રેષ્ઠ રઘુવંશી વરિષ્ઠ નાગરિક સન્માન ‘મહર્ષિ એવોર્ડ’થી નવાજવામાં આવ્યા.

૨૦૧૬માં તેમને ગુજરાતના રાજ્યપાલના હસ્તે, સૌરાષ્ટ્ર યુનિ. ખાતે ‘શિક્ષણ વિભૂષણ’ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો.

સ્વામી વિવેકાનંદનો તેમના પર જબરો પ્રભાવ રહ્યો છે. આ કારણે તેઓ કન્યાકુમારી ખાતે આવેલ વિવેકાનંદ કેન્દ્રની ચાર વાર મુલાકાત લઈ ચૂક્યા છે. ત્યાં સ્થાપિત સ્વામીજીની આકર્ષક પ્રતિમાથી પણ તેઓ બહુ જ પ્રભાવિત થયા છે, તેમ તેઓ પોતાના પુસ્તકમાં ખાસ લખે છે. વધુમાં તેઓ કહે છે કે જ્યારે સ્વામીજી વિશે ચર્ચા થાય ત્યારે કેટલો સમય વીતી જાય તેનો તેમને કશો ખ્યાલ આવતો નથી.

હું પોરબંદરમાં આઠ વર્ષ રહ્યો, તે દરમિયાન તેઓ ક્યારેક રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલમાં આવતા અને કાર્યક્રમોમાં પ્રવચન પણ કરતા. આજે પણ લગભગ ૯૦ વર્ષની ઉંમરે દરરોજ સંધ્યા આરતીમાં તેઓ ઉપસ્થિત રહે છે. શ્રી નરોત્તમભાઈ એકદમ આનંદી, પ્રસન્નચિત્ત અને જીવંત વ્યક્તિત્વ ધરાવે છે.

પુરાતત્ત્વ વિભાગ દ્વારા સોમનાથ અને દ્વારકામાં જ્યારે ઉત્ખનન થયું ત્યારે તેમાં પણ તેઓ પુરાતત્ત્વવિદ્ તરીકે ઘનિષ્ઠતાપૂર્વક જોડાયેલા રહ્યા. ઇતિહાસકાર, લેખક તેમજ શિક્ષકનો અદ્‌ભુત સમન્વય તેમના વ્યક્તિત્વમાં જોવા મળે છે.

સ્વામીજીનાં ચરણોમાં પ્રાર્થના કરીએ કે તેઓ શ્રી નરોત્તમભાઈને આવા જ પ્રસન્નચિત્ત રાખે અને તેઓ જ્ઞાનના દાનની સાથે બીજાઓને પ્રસન્નતાનું દાન પણ આપતા રહે.

Total Views: 61

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.