(લેખક શ્રી હરેશભાઈ ધોળકિયા 25 વર્ષ શિક્ષણકાર્ય સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક છે. રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે તેઓ વર્ષોથી જોડાયેલા છે. – સં.)

“આજનું નારી જગત” અને “શ્રીશારદામણિ” બે વચ્ચે એકસો સીત્તેર વર્ષનો લાં….બો ગાળો છે. વીસ વર્ષની એક પેઢી ગણીએ તો આઠ પેઢી પસાર થઈ ગઈ છે. શ્રીશારદામણિએ વિદાય લીધી ત્યારે નારીઓની જે સ્થિતિ હતી અને આજે જે તેમની સ્થિતિ છે, તેમાં પણ કલ્પનાતીત અંતરાળ છે. ત્યારથી આજ સુધીના સમાજે આમૂલ શીર્ષાસન કર્યું છે. આજની બહેનો શ્રીશારદામણિના જીવન વિશે વાંચે તો કકળી ઊઠે કે ઓહો ! તે કેટલાં દુઃખી હતાં! આખું જીવન લાજમાં, ઘરના વ્યવહારોમાં, સંસારની ખટપટો વચ્ચે તેઓ પીસાતાં રહ્યાં. તેમના ત્યારના જીવન કે તેમના ત્યારના વિચારો વિશે આજની નારીઓ સાથે તુલના કરવી તદ્દન અશક્ય છે, સંભવ જ નથી!

છતાં તે કરવી હોય તો? આજની નારીઓ તેમના વિચારો સ્વીકારે એ શક્ય છે? તેમના વિચારો આજના ટેક્નોલોજિકલ સમય સાથે સુસંગત થાય ખરા? જબરો ઉત્તેજક અને રસપ્રદ વિચાર છે, અને કરવા જેવો છે, સૈદ્ધાંતિક રીતે પણ કરવા જેવો છે.

શ્રીશારદામણિદેવીના વિચારોને સમજીએ તે પહેલાં આજની નારીઓની સ્થિતિ તપાસવાની જરૂર છે. તે સમયે તો લગભગ બધી જ નારીઓ ઘરમાં જીવન પસાર કરતી હતી. બાળપણમાં પરણી જતી અને આખું જીવન કુટુંબની સેવામાં ગાળી નાખતી. ત્યારે ઘણી સ્ત્રીઓ બાળપણમાં જ વિધવા બનતી અને તે પછી તો તેમનું જીવન તદ્દન વ્યર્થ બની જતું. કુટુંબ પર તે આધારિત થઈ જતી. કુટુંબની દૃષ્ટિએ બોજો બની જતી. બધાની સેવામાં તે ઘસાઈને મરી જતી. કુટુંબ કે સમાજ—કોઈ જ તેની ચિંતા ન કરતું. કદાચ કોઈ વિદ્યાસાગર જેવા ચિંતા કરતા, તોપણ થોડી ઘણીનો ઉદ્ધાર કરી શકતા, પણ મોટા ભાગની વિધવાઓ તો અનેક ત્રાસો વચ્ચે અનામ જીવતી અને મરી જતી. ત્યારે પણ બંગાળ અને ભારતમાં ધીમે ધીમે આધુનિકતાનો પ્રવેશ શરૂ થઈ ગયો હતો, પણ તે માત્રને માત્ર પુરુષો માટે જ હતો. સ્ત્રીઓ તો અંધકારમાં જ જીવતી હતી. ત્યારની નારીઓ વિશે આજે વાંચીએ તો ક્રોધમાં વિચાર આવે છે—તત્કાલીન સમાજને જ ફાંસી પર ચડાવી દેવો જોઈએ.

પણ પછી રમાબાઈ, ફુલે, ગાંધીજી વગેરેના પ્રયાસોથી નારીઓની સ્થિતિ સુધરવા માંડી અને બહેનો સમાજમાં આગળ આવવા લાગી. શિક્ષણ પણ લેવા માંડી. સ્વતંત્રતા પછી તો તેમનો બહુ જ ઝડપી વિકાસ થવો શરૂ થયો અને આજે તો સમાજ પર તેમનો કબજો વધતો જાય છે. તેઓ વૈશ્વિક બનવા લાગી છે.

આવી આધુનિક, વૈશ્વિક અને પ્રગતિશીલ સ્ત્રીઓને શ્રીશારદામણિદેવીના ‘પરંપરાવાદી’ વિચારો માન્ય થાય ખરા? તેનો જવાબ એ છે કે એ તપાસવાની જરૂર છે કે આજની સ્વતંત્ર સ્ત્રીઓ પૂર્ણ ‘સુખી’ છે? તેનો તે પૂરો લાભ લે છે? આજની સ્ત્રીઓનું માનસ કઈ રીતે કામ કરે છે? અને આ માનસને શ્રીશારદામણિદેવીના વિચારો કામ આવે ખરા? ફરીથી, બહુ રસપ્રદ મુદ્દો છે.

આધુનિક સ્ત્રીઓની માનસિકતા આ છે :

* તેઓ ભણે છે.

* તેઓ સ્વતંત્રતાનો અનુભવ કરે છે.

* લગ્ન કરવાં કે નહીં તે બાબતે સ્વતંત્ર વિચારો ધરાવે છે.

* લગ્ન પસંદ ન પડે તો તેનાથી મુક્ત પણ થઈ શકે છે.

* તેઓ નોકરી કરે છે, તેથી આર્થિક સ્વતંત્ર છે. હવે પુરુષ પર આધારિત નથી.

* તે ઇચ્છે તો એકલી પણ રહી શકે છે.

* દરેક બાબતોમાં સ્વતંત્ર નિર્ણયો લઈ શકે છે.

આનો અર્થ એવો કે આજની મહિલાઓ સુખી થઈ ગઈ છે. તેમને શારદામણિદેવીના જમાનાની સ્ત્રીઓ જેવા ત્રાસ તો નથી જ ભોગવવા પડતા, પણ આજે તો તે ઇચ્છે તે રીતે જીવી શકે છે.

ફરીથી સવાલ પૂછવાનો છે કે આજે તેઓ સુખી છે?

સુખ એટલે શું? કયા પ્રકારનું સુખ ?

સુખ એટલે જે સારી અને સ્વતંત્ર સ્થિતિ છે તેનાથી તેઓ તૃપ્ત છે. સુખ, શાંતિ અને સ્વસ્થતાથી જીવી શકે છે. શું છે આ સંદર્ભમાં સમાજની બહેનોનું દૃશ્ય?

એક બાજુ તેમની આવક વધે છે. છૂટાછેડા લઈ શકે છે. એકલી રહી શકે છે. આ બધું વધતું જાય છે. પણ સમાંતરે તેમનું સુખ-સ્વાસ્થ્ય વધે છે?

સંશોધનો બહુ હકારાત્મક જવાબો આપતાં નથી. જે મહિલાઓમાં આધુનિકતા વધે છે તેમનામાં અસ્વસ્થતાનું, વ્યસનનું પ્રમાણ વગેરે વધતું જતું દેખાય છે. આ થયો એક જવાબ. બીજો, હજી પણ બહારથી મહિલાઓ આધુનિક દેખાય છે, પણ પાયામાં તો રૂઢિચુસ્ત જ છે. સમાજે હજી પૂરી સ્વતંત્રતા નથી સ્વીકારી, એટલે એ સંદર્ભમાં પણ તેઓ બેવડું જીવન જીવે છે.

પણ બન્ને સંદર્ભમાં જો અવલોકન કરવામાં આવે તો મહિલાઓ આધુનિકતામાં ચોક્કસ જીવે છે, પણ પૂરી સ્વસ્થ અને સુખી દેખાતી નથી. હવે એક બાજુ શારદામણિદેવી ભયંકર રૂઢિચુસ્તતામાં અને કૌટુંબિક તકલીફોમાં જીવતાં હતાં, છતાં ‘દેવી’ કે ‘મા’ બની શક્યાં અને આજે પણ પૂજનીય છે. તો આજની તુલનાત્મક સ્વતંત્ર મહિલાઓ એ આનંદ કેમ ભોગવી શકતી નથી? સ્વતંત્રતા અને આધુનિકતા વચ્ચે પણ કેમ સામાન્ય અને ફરિયાદી રહે છે? બે વચ્ચે શું તફાવત છે? રૂઢિચુસ્ત કહેવાતાં મા શારદામણિદેવી પાસે એવું શું હતું, જેની આજે આધુનિક સ્ત્રીઓને જરૂર છે ?

શારદામણિદેવી ભલે રૂઢિચુસ્તતામાં જ જીવ્યાં, બંધન અને સંકડાશમાં જ જીવ્યાં, અનેક તકલીફોમાં જીવ્યાં, છતાં વિવેકાનંદ જેવા અનેક લોકોના મા બની રહ્યાં. પછી પણ સમગ્ર જગતમાં અનેક બહેનો માટે પ્રેરણારૂપ બની રહ્યાં. પશ્ચિમે તો તેમને ‘પરંપરાવાદી’ કહી અવગણ્યાં, છતાં ત્યાં પણ આજ સુધી તે અનેક આધુનિક મહિલાઓ માટે પ્રેરણારૂપ બની રહ્યાં છે. આમ કેમ બન્યું ?

જવાબ એ છે કે શારદામણિદેવીએ બહારની પરિસ્થિતિ પ્રત્યે ક્યારેય ધ્યાન જ ન આપ્યું. કદાચ ત્યારે આ સ્વાભાવિક હતું. એટલે તેને તેમણે સહજ માન્યું. પણ આ બધા વચ્ચે તેમણે રામકૃષ્ણ પાસે રહી, દૂર બેસીને પણ, સાધના કરી. આ સાધનાને પ્રભાવે તેમણે પોતાના ચિત્તને જીતીને સ્થિર કરી દીધું. બાહ્ય પરિસ્થિતિ પર નજર કરવાને બદલે પોતાની આંતરિક સ્થિતિને મજબૂત કરી લીધી.

ભક્તિ અને ધ્યાનની સહાયથી તેમણે સમાધિસ્થ સ્થિતિ પ્રાપ્ત કરી લીધી. તેમણે પોતાની બાહ્ય સ્થિતિ વિશે વિચારવાને બદલે આંતરિક સ્વસ્થતા તરફ વધારે ધ્યાન આપ્યું. અલબત્ત, શ્રીરામકૃષ્ણે પણ તેમને પૂરી મદદ કરી. પણ મહત્ત્વની વાત એ છે કે પતિ તો મદદ કરે, પરંતુ તેને સ્વીકારવી કે નહીં તે તો પત્નીએ નક્કી કરવાનું છે. શારદામણિદેવીએ પૂર્ણ હૃદયથી તેનો સ્વીકાર કર્યો. તે પતિની મહાનતાને સમજી ગયાં અને તેમને સામાન્યતા તરફ ઘસેડવાને બદલે પોતે તેમના જેવાં મહાન બનવાનો પ્રયાસ કર્યો. તેમણે પણ સાધનાનો માર્ગ અપનાવ્યો અને એક તદ્દન નાના ખંડમાં રહી બધી જ અગવડો વચ્ચે પરમ સ્વાસ્થ્ય મેળવી લીધું. આ સંદર્ભમાં શારદામણિદેવી ‘ચતુર’ હતાં, એમ કહી શકાય. તેમણે સાંસારિક બાબતોનો લાભ લેવાને બદલે શાશ્વતીનો માર્ગ પસંદ કરી પરમને મેળવી લીધું.

આ બધાના પરિણામે તેઓનું ચારિત્ર્ય આત્યંતિક સ્થિર, અચલ અને ખડક જેવું મજબૂત બની ગયું. હવે તેમને બાહ્ય કોઈ જ બાબત અસર કરી શકે તેમ ન હતી. એટલે જ શ્રીરામકૃષ્ણના મૃત્યુ પછી અને જયરામવાટીની કૌટુંબિક તકલીફો વચ્ચે પણ પોતાની જાતને પૂર્ણ સ્વસ્થ રાખીને ભક્તિ, જ્ઞાન અને તટસ્થતાનું એક એવું અદ્‌ભુત આવરણ ઓઢી લીધું કે બહારની કોઈ પણ તકલીફ તેમાં પ્રવેશ કરવા શક્તિમાન જ નહોતી થઈ શકતી.

બીજું, તે ઓફિશિયલી તો સંતાનનાં માતા ન બન્યાં, પણ શ્રીરામકૃષ્ણ પાસે રહી પોતાની જાતને એટલી તો વિશાળ કરતાં ગયાં કે શરૂઆતમાં શ્રીરામકૃષ્ણના સોળ શિષ્યોનાં અને સમય જતાં અનેક લોકોનાં માતા બનતાં ગયાં. તેમની પાસે આવનારાઓ બધાનાં તે માતૃવત્‌ જ બની ગયાં. તેમનું હૃદય વ્યાપક બની ગયું, જેમાં સમગ્ર જગતનો સમાવેશ થઈ ગયો. એટલે તે કેવળ એકાદ બે ભૌતિક સંતાનોનાં મા બનવાને બદલે સમગ્ર જગતનાં માતા બની ગયાં. આ વ્યાપકતા પણ તેમના આ આંતરિક મજબૂત ચારિત્ર્યનો વ્યાપ હતો.

આ બે મુદ્દા સનાતન છે. પ્રથમ મુદ્દો, પ્રતિકૂળ પરિસ્થિતિમાં ફરિયાદી કે દુ:ખી રહેવાને બદલે તેની વચ્ચે પોતાની જાતને સ્વસ્થ અને મજબૂત કરી લેવી. પરિસ્થિતિને બદલાવવાને બદલે પોતે બદલાઈ જવું. આ પ્રયાસ એક પ્રબળ વ્યક્તિત્વ ઊભું કરે છે. અને બીજો મુદ્દો, સંકુચિત પરિસ્થિતિને વિશાળતામાં પરિવર્તિત કરી નાખવી. પહેલી બાબત વ્યક્તિને પરમ સ્વસ્થ કરે છે. તો બીજી પરિસ્થિતિ વ્યક્તિને આકાશ સમાન વિશાળ થવાની તક આપે છે. તેમના માટે કોઈ જ પારકું રહેતું નથી.

વિવેકાનંદ હોય કે પરદેશી સિસ્ટર નિવેદિતા હોય કે કોઈ ગરીબ ઝાડુવાળો હોય; બધાં જ પોતાનાં સંતાન. અને મોટી વાત કે કોઈ પાસે કોઈ જ અપેક્ષા નહીં. માત્ર નિષ્કામ અને અનર્ગળ પ્રેમ જ આપવો, આપતા રહેવું. વડમાંથી કબીરવડ બની જવું. એક બાજુ વડનાં મૂળિયાં ઊંડાં અને મજબૂત થાય, તો બીજી બાજુ બહારથી પણ તે ચારે બાજુ પ્રસરી વ્યાપક બની હજારોને છાંયડો આપે.

મૂળ મુદ્દો એ કે બહારની પરિસ્થિતિને દોષ આપી સ્વ-નબળાઈ છુપાવવાને બદલે એ વચ્ચે પોતાની જાતને વિસ્તારતી જવી. બહાર જોવું જ નહીં, માત્ર પોતાના આંતરિક વિકાસ તરફ જ ધ્યાન આપવું. તેમને ખબર હતી કે બહારની સ્થિતિ સુધરવાની ન હતી. તે તેમના હાથમાં પણ ન હતું. એટલે તેની ફરિયાદ જ નકામી હતી. પણ પોતાની જાતને સ્વસ્થ અને મજબૂત કરવાનું તેમના હાથમાં હતું. અને તે કરે તો બહારની સ્થિતિ ગૌણ બની જાય અને તે વચ્ચે પણ તે પોતાની જાતને એટલી વ્યાપક બનાવી દે કે નાનકડું બીજ કબીરવડમાં ફેરવાઈ જાય. માટે ભયંકર રૂઢિચુસ્તતા અને તકલીફો વચ્ચે શારદામણિદેવી એક અદ્‌ભુત વ્યક્તિ બની રહ્યાં.

આજે શું તકલીફ છે? આજે વિકાસ કરવા માગતાં બધાં—આપણા સંદર્ભમાં મહિલાઓ—એમ ઇચ્છે છે કે સમાજે તેમને આગળ આવવામાં મદદરૂપ બનવું જોઈએ. સમાજે તેમને સગવડો આપવી જોઈએ. પણ સમાજ તો સમાજ છે. આજે પણ પાયામાં રૂઢિચુસ્ત જ છે. પુરુષપ્રધાન હોવાથી સમાનતામાં પૂરો તો નથી જ માનતો અને નથી જ માનવાનો. એટલે તેમને ધારી સગવડો નથી મળી શકતી. પણ ત્યારે સ્ત્રીઓ સમાજને દોષ આપે છે. દોષ આપે તેમાં વાંધો ન હોય, પણ તેમના દોષ આપવાથી સમાજની વિચારસરણીમાં ફરક નથી પડતો. એટલે સ્ત્રીઓનો મહત્તમ સમય દોષને વાગોળવામાં જાય છે અને કરવાનું છે તે કામ, પ્રગતિનું, રહી જાય છે.

હવે આ મુદ્દો રૂઢિચુસ્તતાનો કે આધુનિકતાનો નથી. એ સંદર્ભમાં જોવાનું જ નથી. મુદ્દો છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય, છતાં સ્ત્રીઓ ધારે તો પોતાની જાતને સ્વસ્થ અને વ્યાપક બનાવી શકે છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં ફરિયાદ, વ્યસન કે આત્મહત્યાને શરણે જવાને બદલે પોતાની જાતને જ એટલી મજબૂત કરે કે આ બધાથી પર થઈ તે આંતરિક રીતે મજબૂત બને અને ઇચ્છિત પ્રગતિ કરી શકે.

મા શારદામણિદેવીનો દરેક સમયની સ્ત્રીઓને આ જ સંદેશ છે, ‘બહાર ન જુઓ. પરિસ્થિતિને દોષ ન આપો, સ્વીકારી લો. પણ એ વચ્ચે પોતાની જાતને સ્વસ્થ અને વ્યાપક કરતાં જાઓ, તો નાનું વ્યક્તિત્વ વિશાળ બનશે અને સમાજ પણ તેનો સ્વીકાર કરશે. પરંપરા કે આધુનિકતાની ચર્ચાને બદલે કે બાહ્ય મુશ્કેલીઓની ફરિયાદમાં સમય બગાડવાને બદલે શાશ્વત મુદ્દા (પોતાની ચેતનાના વિકાસ) પર ધ્યાન આપી વિરાટ વ્યક્તિત્વ બનાવવું. શાશ્વતનો સ્પર્શ અને સ્વીકાર વ્યક્તિને સમયાતીત બનાવે છે.’

એટલે જ, આજે વર્ષો પછી પણ, કહેવાતી આત્યંતિક આધુનિકતા વચ્ચે પણ, શારદામણિદેવીનું વ્યાપક માતૃત્વયુક્ત વ્યક્તિત્વ, વર્તમાનમાં અને ભાવિમાં પણ, સ્ત્રીઓ માટે દીવાદાંડીરૂપ બની રહે છે. તે પરંપરા અને આધુનિકતા વચ્ચે સેતુનું કામ કરે છે. આ સેતુ પસાર કરવાથી તે બન્નેથી પર થવાય છે અને શાશ્વતી તરફ ડગ ભરાય છે. શારદામણિદેવી સ્ત્રીઓને બન્નેથી પર થઈ શાશ્વતીનો પરમ આનંદ માણવાનું આમંત્રણ આપે છે.

Total Views: 66

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.