(સ્વામી ગુણેશાનંદજી મહારાજ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સહકાર સમિતિના સભ્ય છે. – સં.)
આ માસની ૧૪ તારીખે, માગશર સુદ પૂર્ણિમાના દિવસે દત્ત જયંતી છે. દત્તાત્રેય ભગવાનનું અવતરણ ઋષિ અત્રિ અને અનસૂયાને ત્યાં થયું છે. અત્રિ એટલે જે ત્રણેય ગુણોને અધીન નથી, જે ત્રણેય ગુણોનો નાશ કરી નિર્ગુણ બને તે અત્રિ છે. જે જાગ્રત-સ્વપ્ન-સુષુપ્તિથી પર છે, એવા પરમાત્માને, બ્રહ્મને અત્રિ કહેવાય છે. અનસૂયા એટલે જે કોઈનામાં દોષ જોવાની વૃત્તિ ન હોવી. અનસૂયા શબ્દમાંથી જો ‘ન’ કાઢી નાખવામાં આવે તો ‘અસૂયા’ શબ્દ રહે છે. અસૂયા એટલે જે સર્વમાં દોષદર્શન કરે. વ્યક્તિનું મન જ્યારે અસૂયા બને છે ત્યારે તે સર્વમાં દોષનું દર્શન કરી, પોતાના મનને વધુ ચંચલિત કરી જીવન વ્યર્થ કરે છે. મનુષ્ય જ્યારે સર્વમાં ઈશ્વર-દર્શન કરે છે અને સર્વમાં ઈશ્વરનું જ્ઞાન કરે છે ત્યારે તે સર્વ જીવોમાંથી દોષદર્શન દૂર કરે છે.
જ્યારે જીવ ત્રણ ગુણોમાં સપડાયેલો હોય છે ત્યારે તે શુભ-અશુભ કર્મ કરી વારંવાર જન્મ-મૃત્યુના ચક્રમાં ફસાઈને મોક્ષથી વંચિત રહે છે. મુમુક્ષુ સાધક પોતાને આ ત્રણ ગુણથી અલગ રાખે છે. ત્રણ ગુણ છોડીને સાધકે બ્રહ્મ-સંબંધ કરવાનો છે.
શરીરમાં તમોગુણ છે, તેનો રજોગુણથી નાશ કરવાનો છે અને રજોગુણનો સત્ત્વગુણથી નાશ કરવાનો છે. રજોગુણ કામ અને ક્રોધનો જનક છે.
અર્જુને ભગવાનને પ્રશ્ન કર્યો છે કે
अर्जुन उवाच –
अथ केन प्रयुक्तोऽयं पापं चरति पूरुष:।
अनिच्छन्नपि वार्ष्णेय बलादिव नियोजित:॥३.३६॥
(હે વિષ્ણુવંશી, તો પછી આ માણસ કોના દ્વારા પ્રેરિત થઈને, પોતે ઈચ્છતો ન હોય છતાં પણ જાણે પરાણે જોડાયો હોય તેમ પાપનું આચરણ કરે છે?)
એના ઉત્તરમાં શ્રી ભગવાન બોલ્યા:
श्रीभगवानुवाच –
काम एष क्रोध एष रजोगुणसमुद्भव:।
महाशनो महापाप्मा विद्ध्येनमिह वैरिणम्॥३.३७॥
(રજોગુણથી ઉત્પન્ન થયેલ આ કામ છે, આ જ ક્રોધ છે. તે ખૂબ ખાનારો—ભોગોથી કદી ધરાય નહિ તેવો—અને મહાપાપી છે. એને તું શત્રુ માન.)
રજોગુણને કારણે જ મનુષ્ય કામ અને ક્રોધથી ગ્રસિત થઈને પાપ-પુણ્યના ચક્રમાં પડી વારંવાર વિવિધ યોનિઓમાં જન્મે છે.
સત્ત્વગુણથી સત્કર્મ વધે છે પરંતુ સત્ત્વગુણ પણ બંધનકારક છે. મુમુક્ષુ સાધકે સત્ત્વગુણનો પણ ત્યાગ કરી નિર્ગુણી થવાનું હોય છે.
તર્જની આંગળી જીવભાવ વ્યક્ત કરે છે અર્થાત્ અહંકાર બતાવે છે. જીવમાં અભિમાન પ્રધાન છે. કનિષ્ઠ આંગળી સત્ત્વગુણનું પ્રતીક છે, તેથી ભગવાને ગોવર્ધન-ધારણલીલા કનિષ્ઠ આંગળી પર કરી છે. જ્યારે સાધકના જીવનમાં વાસનારૂપી વરસાદ અને અહંતા-મમતારૂપી તોફાન આવે ત્યારે સાધક સત્ત્વગુણનો આશ્રય લઈ, નિરંતર ભગવન્નામ સ્મરણ કરી આવેલી આપત્તિથી સ્વયંને સુરક્ષિત રાખી શકે છે.
અંગૂઠો તે બ્રહ્મનું પ્રતીક છે, તેથી પુષ્ટિ સંપ્રદાયમાં ભગવાનને તિલક અંગૂઠાથી કરવામાં આવે છે. તાત્પર્ય જીવ અને બ્રહ્મનો સંબંધ સતત થવો જોઈએ.
જીવ અત્રિ થાય ત્યારે તેની બુદ્ધિ અનસૂયા બને છે. અર્થાત્ જીવ ત્રણ ગુણથી પર થઈ અને એની બુદ્ધિ અસૂયા-મત્સરથી રહિત થાય છે ત્યારે પરમાત્મા ભગવાન દત્તાત્રેયનું પ્રાગટ્ય થાય છે.
એક વાર ત્રણેય સતીઓ—પાર્વતી, લક્ષ્મી અને સાવિત્રી વચ્ચે ચર્ચા થાય છે કે આ સૃષ્ટિમાં સૌથી મોટી તપસ્વી સતી કોણ છે? એ ત્રણેય પોતાને સૌથી મોટી તપસ્વી સતી માને છે. એટલામાં નારદજીનું ત્યાં આગમન થયું અને નારદજીએ સૌથી વધુ તપસ્વી સતી તરીકે અત્રિ-પત્ની અનસૂયાજીનું નામ લીધું. નારદજીએ અનસૂયા માતાજીની ઘણી પ્રશંસા કરી છે. નારદજીના કહેવાથી સાવિત્રી-લક્ષ્મી-પાર્વતી પોતપોતાના પતિદેવ બ્રહ્મા-વિષ્ણુ-મહેશને અનસૂયા માતાની પરીક્ષા કરવા માટે પ્રેરિત કર્યા છે. આ ત્રણેય દેવો પોતાની પત્નીઓની પ્રેરણાથી માતા અનસૂયાની પરીક્ષા લેવા આવ્યા છે. ત્રણેય દેવતાઓ ચિત્રકૂટમાં અત્રિ ઋષિના આશ્રમમાં ભિક્ષા માટે પધાર્યા છે. જ્યારે ત્રણેય દેવતાઓ અત્રિ ઋષિના આશ્રમમાં પધારે છે ત્યારે ઋષિ સંધ્યાદિ કર્મ માટે નદીકિનારે ગયા છે. માતા અનસૂયા પોતાની કુટિયામાં એકલા જ છે. ત્રણેય દેવતાઓ ભિક્ષાની માગણી કરે છે. માતા અનસૂયાએ ત્રણેય દેવનો સત્કાર કરી આસન ગ્રહણ કરવા માટે વિનંતી કરી છે. ત્રણેય દેવતાઓએ ભિક્ષા માટે શરત મૂકી છે, ‘જે અમને દિગંબર થઈને ભિક્ષા આપે એની જ ભિક્ષાનો અમે સ્વીકાર કરીએ છીએ.’
માતા અનસૂયા સ્વગત ચિંતન કરે છે, જો દિગંબર થઈને ભિક્ષા આપું તો મારા પાતિવ્રતનું ખંડન થાય અને ભિક્ષા ન આપું તો અતિથિના અનાદરનું મહાપાપ લાગે. માતા અનસૂયાએ પોતાની અંતર્દૃષ્ટિથી ધ્યાન ધરીને જોયું તો ત્રણ ભિક્ષુઓ બીજા કોઈ નહીં પરંતુ સ્વયં બ્રહ્મા-વિષ્ણુ-મહેશ પધાર્યા છે.
ત્રણેય દેવોએ દિગંબર થઈને ભિક્ષા આપવાની માગણી કરી છે, એનો અર્થ ભક્ત વાસના રહિત થઈને ભગવાનને ભિક્ષા આપે. વાસના એ જ વસ્ત્ર છે. તેથી વાસનારૂપી વસ્ત્રનો ત્યાગ કરી, નિષ્કામ થઈ ત્રણેય દેવોની સેવા કરવાની વાત થઈ છે.
માતા અનસૂયાના મનમાં કોઈ વાસના ન હતી. સૂક્ષ્મ વાસના પણ જો મનમાં હોય તો ત્રણેય દેવો ક્યારેય દર્શન દેતા નથી. માતા અનસૂયાને ખબર પડી છે કે સાક્ષાત્ બ્રહ્મા-વિષ્ણુ-મહેશ પધાર્યા છે, તેથી તેમની શરત સ્વીકારી અને ત્રણેય દેવતાઓ ઉપર પવિત્ર જળનો છંટકાવ કર્યો છે. પવિત્ર જળના સ્પર્શથી અને માતા અનસૂયાના પાતિવ્રતાના પ્રભાવથી ત્રિદેવો નાના બાળક બની ગયા છે. માતા અનસૂયા ત્રણેય બાળકોને પોતાના ખોળામાં લઈને સ્તનપાન કરાવે છે અને એમને બાળકની જેમ રાખે છે. અત્રિ ઋષિ સંધ્યાદિ કર્મથી નિવૃત્ત થઈને કુટિયામાં પાછા ફરે છે તો ત્રણ બાળકોને સતીના ખોળામાં રમતાં જુએ છે. ઋષિ પોતાની દિવ્યદૃષ્ટિથી ભગવાનની દિવ્ય લીલા સમજી ગયા છે.
આમ, ત્રિદેવો ઘણા સમય સુધી માતા અનસૂયાના માતૃત્વનો આનંદ માણે છે. શંકરજી દુર્વાસા બન્યા, બ્રહ્માજી ચંદ્રમા બન્યા અને વિષ્ણુ ભગવાન સ્વયં દત્તાત્રેય બની ગયા. ત્રણેય સતીઓ પોતાના પતિની શોધમાં માતા અનસૂયાના આશ્રમે પધારે છે અને પોતાના પતિઓને પાછા આપવાની પ્રાર્થના કરે છે. માતા અનસૂયાએ તેમને પોતપોતાના પતિઓને લઈ જવા માટે કહ્યું. પરંતુ કોઈ સતી પોતાના પતિને ઓળખી સુધ્ધાં શકતી નથી. ત્રણેય સતીઓનો અહંકાર ચૂર્ણ થયો છે અને મા અનસૂયાને પ્રાર્થના કરે છે કે અમને અમારા પતિઓ પરત કરો. માતા અનસૂયાએ ત્રણેય દેવોને પ્રગટ કરી તેમને પોતાની સતીઓ સાથે પરત જવા પ્રાર્થના કરી છે. ત્રણેય દેવો માતા અનસૂયાની સેવા અને ભક્તિનિષ્ઠાથી પ્રસન્ન થઈને વર માગવાનું કહે છે ત્યારે અનસૂયા માતાએ ત્રિદેવોને પોતાના પુત્રરૂપે જન્મ લેવાની પ્રાર્થના કરી. આ ત્રણેય દેવોનું તેજ એકત્રિત થઈને ભગવાન દત્તાત્રેય સ્વરૂપે પ્રગટ થયું છે.
જીવ જ્યારે ભગવાન પાસેથી કંઈ લેતો નથી ત્યારે પરમાત્મા સ્વયં જીવને પોતાના સ્વરૂપનું દાન કરે છે. દત્તાત્રેય ભગવાન જીવોના કલ્યાણાર્થ વિવિધ સ્વરૂપે ધરતી પર અવતરિત થયા છે.
તેમાં મુખ્યત: શ્રીપાદશ્રીવલ્લભ (તેમનો જન્મ કાકીનાડા, આંધ્રપ્રદેશમાં થયો હતો.)
શ્રીનૃસિંહ સરસ્વતી (તેમનું મુખ્ય લીલાસ્થાન શ્રીગાણગાપુર ક્ષેત્ર છે, જે કર્ણાટકમાં ગુલબર્ગાની નજીક આવેલું છે.)
શ્રીવાસુદેવાનંદ સરસ્વતી (તેમનો જન્મ મડગાંવ, ગોવામાં થયો હતો અને તેમણે લીલાનું સંવરણ શ્રીગરુડેશ્વર ક્ષેત્ર, ગુજરાતમાં કર્યું છે.)
આ સિવાય સંતો, ભક્તો અને વિદ્વાનો દત્તાત્રેય ભગવાનના અનેકવિધ અવતારો ગણે છે અને તેમાં સૌથી પ્રમુખ તરીકે પૂજ્યશ્રી રંગઅવધૂત મહારાજ (શ્રીનારેશ્વરધામ, ગુજરાત)ને ગણે છે.
Your Content Goes Here