ઘટોત્કચનો જન્મ
ભીમ પોતાની માતાને પોતાના ખભા પર બેસાડી, નકુલ-સહદેવને પોતાની પીઠ પર લઈ, યુધિષ્ઠિર અને અર્જુનનો હાથ પકડીને ચાલી રહ્યા હતા. આટલી લાંબી યાત્રા પછી તેઓ ખૂબ થાકી ગયા હતા. તેઓ એક વડના ઝાડના છાયામાં વિશ્રામ કરવા માટે રોકાયા અને તરત જ ગાઢ નિદ્રામાં ડૂબી ગયા.
હિડિમ્બા નામની એક રાક્ષસી પોતાના ભાઈ હિડિમ્બ સાથે બાજુના જ એક વૃક્ષ પર નિવાસ કરતી હતી. ભોજનની શોધમાં ફરતા હિડિમ્બને આસપાસમાં જ ક્યાંક મનુષ્ય હોવાની ગંધ આવી. તેણે પોતાની બહેનને આ ગંધ ક્યાંથી આવે છે, તેની તપાસ કરવાનું કહ્યું. મનુષ્યની ગંધની પાછળ પાછળ ચાલતી જતી હિડિમ્બા વડના ઝાડ પાસે જઈ પહોંચી અને જોયું કે પાંડવો સૂઈ રહ્યા છે અને ભીમ ચોકી કરી રહ્યા છે. ભીમનું સુગઠિત શરીર જોઈ, તે તેમના પ્રત્યે આકર્ષિત થઈ અને પ્રેમ કરવા લાગી. તેના મનમાં ભીમ સાથે લગ્ન કરવાની ધૂન સવાર થઈ ગઈ. તેણે સંકલ્પ કર્યો કે હવે તે તેના ભાઈ પાસે પાછી નહિ જાય. ભીમનો પ્રેમ પામવા માટે તેણે એક સુંદર નારીનું રૂપ ધારણ કર્યું અને મધુર મુસ્કાન સાથે તેમની પાસે જઈ પહોંચી.
તે ભીમને સંબોધીને બોલી, ‘મહાશય, તમે કોણ છો? શું તમે નથી જાણતા કે આ જંગલ મારા ભાઈ હિડિમ્બનું છે? તે નરભક્ષી છે અને જો તે અહીં આવી ચડે તો તમને બધાને ખાઈ જશે. પરંતુ હું તમને પ્રેમ કરું છું, તેથી તમારી રક્ષા અને તમારી સાથે લગ્ન કરવા માગું છું.’ ભીમ પોતાના ભાઈઓને છોડીને હિડિમ્બા સાથે જવા રાજી થયો. એ દરમિયાન હિડિમ્બ તેની બહેનને શોધતો ત્યાં આવી પહોંચ્યો અને તેણે ભીમ તથા અન્ય લોકોને જોયા. ભીમ અને હિડિમ્બ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. તે લોકો લાંબા સમય સુધી લડતા રહ્યા. અંતે ભીમે રાક્ષસને મારી નાખ્યો. હિડિમ્બા નિરાધાર થઈ કુંતી પાસે ગઈ. તેણે કુંતીને ભીમ સાથે લગ્ન કરાવી દેવાની વિનંતી કરી. કુંતી તેની વિનંતીથી પીગળી ગયાં. તેમણે યુધિષ્ઠિર અને અન્ય લોકો સાથે ચર્ચા કર્યા બાદ ભીમને હિડિમ્બા સાથે લગ્ન કરવાનો આદેશ કર્યો. ભીમે માનો આદેશ માનવો પડ્યો. સમય જતાં હિડિમ્બાને એક પુત્ર પ્રાપ્ત થયો, જેનું નામ ઘટોત્કચ પાડવામાં આવ્યું. થોડા સમય બાદ પાંડવોએ વનનો ત્યાગ કરવાનો નિશ્ચય કર્યો. હિડિમ્બા અને ઘટોત્કચે વનમાં જ રહેવાનું પસંદ કર્યું. ‘અમે બંને હંમેશાં તમારા સહુની સેવા કરવા તૈયાર છીએ. તમે લોકો જ્યારે અમને યાદ કરશો ત્યારે અમે તાત્કાલિક આપની સમક્ષ હાજર થઈ આપની મદદ કરીશું.’ આમ કહી તે બંનેએ પાંડવોની વિદાય લીધી.
એકચક્રા નગરીમાં નિવાસ
પાંડવો બહુ ધીરજપૂર્વક બધા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરતાં જંગલમાંથી નિરંતર પસાર થઈ રહ્યા હતા. રસ્તામાં તેમણે વ્યાસદેવનાં દર્શન કર્યાં અને તેમના આશીર્વાદ પણ તેમને પ્રાપ્ત થયા. વ્યાસે કુંતીને આશ્વાસન આપતાં કહ્યું, ‘બેટી, ધીરજ રાખો, ઘણી તકલીફો પછી સારા દિવસો આવે છે. બધાએ પોતાનાં સારાં અને ખરાબ કર્મોનાં ફળ ભોગવવાં પડે છે.’
વ્યાસદેવની સલાહથી પાંડવોએ બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો અને એકચક્રા નામની નગરીમાં પહોંચી એક બ્રાહ્મણના ઘરે રહેવા લાગ્યા. તેઓ હરરોજ ભિક્ષા માગી તેમના ભોજનનો પ્રબંધ કરતા. તેઓએ લાવેલા ભોજનના કુંતી બે સરખા ભાગ પાડતાં. તેમાંથી એક ભાગ ભીમ અને બીજો ભાગ બીજા ભાઈઓ અને પોતે ગ્રહણ કરતાં. ભીમની ભૂખ ભયંકર હતી અને આમ જે થોડું-ઘણું ભોજન મળતું, તેનાથી ભીમની ભૂખ શાંત થતી ન હતી. તે દિવસે-દિવસે દુબળો થતો જતો હતો અને તેના કારણે તેના ભાઈઓ અને કુંતીને પણ ચિંતા થયા કરતી.
Your Content Goes Here