(શ્રીમા શારદાદેવીની જન્મજયંતી નિમિત્તે લેખ પ્રસ્તુત છે. કુ. સીમાબેન માંડવિયા, નિવૃત્ત પ્રાધ્યાપક, અંગ્રેજી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, ચાલીસ વર્ષ અંગ્રેજી શીખવી હવે બાળકો, યુવાનો તથા બહેનોની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાં છે. તેઓ રામકૃષ્ણ મઠ-મિશન તથા સારદા મઠ-મિશનની સાહિત્યિક પ્રવૃત્તિઓમાં કાર્યરત છે. – સં.)

ભારતીય પરંપરામાં ઈશ્વરની કે પરમતત્ત્વની ઉપાસના માટે ત્રણ પ્રકારના પંથો પ્રચલિત છે—શૈવ, વૈષ્ણવ અને શાક્ત. જે લોકો આદિદેવ, નિરંજન-નિરાકાર શિવજીની પૂજામાં માને છે, તે લોકો શૈવપંથી કહેવાય છે. ભગવાન વિષ્ણુની અવતાર-પરંપરામાં શ્રીકૃષ્ણ (આઠમા અવતાર)ને ભજતા ભક્તો વૈષ્ણવપંથી તેમજ શક્તિ એટલે કે શ્રીજગદંબાના વિવિધ રૂપોના ઉપાસકો શાક્ત કહેવાય છે. આમ તો તત્ત્વની દૃષ્ટિએ ત્રણેય—શિવ, શ્યામ, શ્યામા એક જ છે; નામ-રૂપ અલગ છે. આ વાતને શ્રીરામકૃષ્ણદેવ વધુ સરળ રીતે સમજાવતાં કહે છે, ‘વેદાંતવાદીઓ જેને બ્રહ્મ (શિવરૂપી પરમતત્ત્વ) કહે છે, ભક્તો તેને જ ભગવાન કહે છે તથા તાંત્રિકો તેને ‘શક્તિ’ કહે છે. અદ્વૈત વેદાંતના મતાનુસાર તો બ્રહ્મ સત્ય, જગત મિથ્યા એટલે કે બ્રહ્મ એક જ સત્ય છે, બાકી બધું મિથ્યા—અસત્ય અથવા ભાસમાન છે. પરંતુ સામાન્ય રીતે આપણે જગતને આ ઇન્દ્રિયોથી જોઈએ છીએે, અનુભવીએ છીએ તો તેને મિથ્યા કઈ રીતે કહી કે સમજી શકીએ? જેથી ફરીથી શ્રીરામકૃષ્ણદેવના શબ્દોમાં જોઈએ તો, જે બ્રહ્મ છે, તે જ આદ્યશક્તિ છે, જ્યારે તે નિષ્ક્રિય હોય ત્યારે તેને બ્રહ્મ કે પુરુષ કહીએ છીએ. પુરુષ અને પ્રકૃતિ—જે પુુરુષ તે જ પ્રકૃતિ છે. આનંદમય કે આનંદમયી. તેમના મતે કાલી જ બ્રહ્મ, બ્રહ્મ જ કાલી એટલે કે આ સત્ય દેખાતું વિશ્વ એ શક્તિનો ખેલ છે, લીલા છે. અંતતઃ બ્રહ્મ અને શક્તિ અભિન્ન છે, એક જ છે. આપણે શ્રીમા કાલીનું ચિત્ર જોઈએ તો આ વધુ સારી રીતે સમજી શકીએ છીએ. શિવના શબ પર પગ ધરીને મા ઊભેલાં છે એટલે કે નિષ્ક્રિય બ્રહ્મ પર સક્રિય શક્તિ જગતને ચલાયમાન કરે છે. આમ, શિવની જ શક્તિ, ઈશ્વરીય કે દૈવી શક્તિ (પરમા પ્રકૃતિ) જ જગતને ચાલિત કરે છે. અલબત્ત, ઈશ્વરની મરજીથી.

શક્તિનું સ્વરૂપ

આ જગતનું સંચાલન, પાલન તથા પ્રલય કરનારી શક્તિની આરાધના કે ઉપાસના ભારતમાં યુગો યુગોથી થતી આવી છે. જો કે બંગાળમાં તેનું પ્રચલન વિશેષ છે. ત્યાં શારદીય નવરાત્રિમાં દુર્ગાપૂજા, દિવાળીની મહારાત્રિએ કાલીપૂજા, કોજાગરી પૂર્ણિમાએ લક્ષ્મીપૂજા તેમજ વસંત પંચમીના દિવસે (મહા સુદ પાંચમ) સરસ્વતી પૂજાનું આયોજન થાય છે. શક્તિના આ મુખ્ય સ્વરૂપોનું વર્ણન ઉપાખ્યાન રૂપક સ્વરૂપે શ્રી માર્કંડેય પુરાણ અંતર્ગત શ્રીશ્રી ચંડી (દુર્ગા સપ્તશતી)માં આવે છે અને પૂજા દરમિયાન તેનું પારાયણ પણ કરવામાં આવે છે. શ્રીજગદંબાનાં બીજાં અસંખ્ય રૂપોમાં આ ત્રણ રૂપો મુખ્ય છે. પ્રથમ ચરિત્રના તમોગુણ પ્રધાન દેવી મહાકાલી, બીજા વિભાગમાં રજોગુણ પ્રધાન મહાલક્ષ્મી અને ત્રીજામાં વિભાગમાં સત્ત્વગુણ પ્રધાન દેવી મહાસરસ્વતીનું વર્ણન સ્તુતિ સ્વરૂપે છે. આ ત્રણેય દેવીઓ માનવીમાં રહેલા ત્રણ ગુણોને દર્શાવી, ત્રણેય ગુણોથી પાર જવાથી જ આપણી અંતર્નિહિત શક્તિને ઓળખી શકીએ, તે વાતને ઉજાગર કરે છે.

શક્તિ-ઉપાસનાનું પ્રયોજન

શક્તિ ઉપાસનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે—દેવીની આરાધના દ્વારા શક્તિ પ્રાપ્ત કરવી. જે મનોકામનાની પૂર્તિ માટે આ પૂજા-આરાધના કરવામાં આવે છે, તે બધી જ શ્રી શ્રીચંડીના ‘અર્ગલા-સ્તોત્ર’માં વ્યક્ત કરાઈ છે. સૌભાગ્ય, આરોગ્ય, પરમ સુખ, પ્રચુર ધન, મનોવૃત્તિ અનુસાર જીવન સાથી વગેરે માટે દરેક વખતે આ ઉક્તિના રટણ સાથે પ્રાર્થના થાય છે— रूपं देहि, जयं देहि, यशो देहि, द्विषो जहि અર્થાત્‌ રૂપ આપો, જય આપો, યશ આપો, શત્રુનો વિનાશ કરો. આમ, હૃદય-મનના કલ્યાણકારી રૂપની સાથોસાથ સ્વસ્થ શરીર એ કઠોર જીવન-સંગ્રામમાં વિજય પ્રાપ્ત કરવા માટે અત્યંત આવશ્યક છે. યશ-લાભની ઇચ્છા જ મનુષ્યને ઉન્નતિ માટે પ્રયત્નો કરવા પ્રેરે છે અને તેના માટે બાધારૂપ શત્રુના વિનાશનું પ્રયોજન છે. આ થઈ બાહ્ય શત્રુઓની વાત, જે ઐહિક ઐશ્વર્ય પ્રાપ્તિમાં બાધારૂપ છે, તેવી જ રીતે આપણી આંતરિક-આધ્યાત્મિક સાધનામાં પરમતત્ત્વની પ્રાપ્તિ એટલે કે આત્મસાક્ષાત્કાર માટે આંતરિક શત્રુઓ બાધારૂપ છે, જેને આપણે ષડ્‌રિપુ તરીકે ઓળખીએ છીએ. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર વગેરેનો નાશ પણ શક્તિની આરાધના દ્વારા આપણી અંતર્નિહિત શક્તિના જાગરણથી થાય છે. જ્યારે આપણું અંતઃકરણ શુદ્ધ થાય ત્યારે જ આપણે આપણી આંતરિક, આત્મિક શક્તિને ઓળખી શકીએ છીએ અને ત્યારે જ આપણે આધ્યાત્મિક બન્યા કહેવાઈએ છીએ. આપણી આધ્યાત્મિક પ્રગતિનો માપદંડ છે, આપણે આપણી આસપાસના બધા જ લોકોને નિઃસ્વાર્થ, નિષ્કામ પ્રેમ કરી શકીએ, તેમની સાથે આપણું એકત્વ અનુભવીએ તો જ આપણાં કાર્યો પણ નિષ્કામ થાય. આવા મનુષ્યોની સ્વામી વિવેકાનંદને આવશ્યકતા છે. પહેલાં મનુષ્ય પોતે તૈયાર થઈ, શુદ્ધિ પામે તો જ તે બીજાને તૈયાર કરી શકે. આ છે શક્તિ ઉપાસનાનું મુખ્ય પ્રયોજન. સ્વામીજીએ કહ્યું છે કે ‘વીર નરો જ પૃથ્વીને ભોગવે છે, તે અચૂક સત્ય છે. વીર બનો.’ સામ-દામ-દંડ-ભેદ નીતિ પ્રકાશ કરો, પૃથ્વી ભોગ કરો ત્યારે જ તો ધાર્મિક બનશો. લાત-જૂતા ખાઈ, ચૂપચાપ ઘૃણાપૂર્ણ જીવન વીતાવવાથી ઇહલોકમાં તો નરકભોગ છે જ પરલોકમાં પણ તે જ મળશે માટે ખરાબ કાર્યો, અત્યાચારો બંધ કરો. સામર્થ્ય પ્રમાણે પરોપકાર કરો.

એટલે જ એમણે ‘સેવા અને ત્યાગ’ તથા आत्मनो मोक्षार्थं जगत्‌ हिताय च। (આત્માની મુક્તિ સાથે સાથે જગતનું કલ્યાણ કરો)નો મંત્ર આપી આપણને કાર્યમાં લગાડ્યા છે કે વ્યક્તિગત મોક્ષ માટે પણ સામૂહિક ઐહિક પ્રગતિ, સુખ-શાંતિની જરૂર છે. આના માટે યુગોયુગોથી શક્તિની આરાધના ચાલી આવી છે, જેમની કૃપાથી આ લોકમાં ઉન્નતિ તેમ જ પરલોકમાં સ્વર્ગની પ્રાપ્તિ થાય છે તથા શક્તિની પ્રસન્નતાથી મુક્તિ પણ પામી શકાય છે.

Total Views: 58

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.