जननीं सारदां देवीं रामकृष्णं जगद्गुरुं ।
पादपद्मे तयो: श्रित्वा प्रणमामि मुहुर्मुहु: ।।
હું જ્યારે પ્રોબેશનર ટ્રેનિંગ સેન્ટરમાં હતો ત્યારે રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ પૂજનીય સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ પાસે અમે વર્ષમાં એક વાર જતા. અમને સ્વતંત્રતા હતી કે અમે મહારાજને કોઈ પણ પ્રશ્ન પૂછી શકીએ. એટલે અમે પૂછ્યું, ‘મહારાજ, આપ અમને મા શારદાદેવી વિશે કહો.’ એટલે એમણે કહ્યું, ‘અરે, એ બધું તો પુસ્તકોમાં આવી ગયું છે – તે વાંચી લો.’ વળી અમે કહ્યું, ‘અમારે આપનાં સંસ્મરણો સાંભળવાં છે.’ બહુ આગ્રહ પછી તેમણે કહ્યું, ‘એક વાત કહું છું, બહુ મહત્ત્વપૂર્ણ વાત છે. એક જ વાતમાં બધું જ આવી જશે.’ અમે કહ્યું, ‘એવું કંઈક કહો જે પુસ્તકોમાં ન છપાયું હોય.’ ત્યારે તેમણે કહ્યું, “ઠીક છે. જુઓ, અમે શ્રીમા શારદાદેવી પાસેથી સાંભળ્યું છે કે આ વખતે શ્રીરામકૃષ્ણદેવ આવ્યા છે, અને તેમણે ઈશ્વર-પ્રાપ્તિનો માર્ગ સાવ સરળ બનાવી દીધો છે.’ કેટલો સરળ બનાવ્યો છે? એના ઉત્તરમાં શ્રીમા કહે છે. ‘જુઓ, પહેલાંના જમાનામાં મંદિર બંધ થઈ જતાં હતાં. ગર્ભમંદિરનાં દ્વાર બંધ રહેતાં હતાં. ત્યાર પછી મંદિર બંધ થતું અને તેને તાળું મારવામાં આવતું. આ વખતે શ્રીરામકૃષ્ણે આવીને જાણો છો, શું કર્યું? મંદિરના તાળાને ખોલી નાખ્યું છે. ગર્ભમંદિરના અંદરના દરવાજાની સ્ટોપર પણ ખોલી નાખી છે. માત્ર ધક્કો જ મારવાનો છે અને તરત જ ભગવાનનાં દર્શન થઈ જશે.’ આ વાત શ્રીમા શારદાદેવીએ કહી છે.” અમારા વધુ આગ્રહ પછી તેઓએ કહ્યું, “ના, આ એટલી મહત્ત્વપૂર્ણ વાત છે કે આમાં જ બધું આવી ગયું છે.”
શ્રીરામકૃષ્ણદેવે વર્તમાન યુગના, આધુનિક લોકો માટે ઈશ્વર-પ્રાપ્તિના સરળ માર્ગ વિશે આપણને શું કહ્યું છે? ચાર યોગોનો સમન્વય. અત્યાર સુધી જેટલા અવતારપુરુષ થયા છે, તેમણે માત્ર એક એક યોગની વાત કરી છે. વૈષ્ણવ ધર્મમાં મુખ્યત્વે ભક્તિમાર્ગની વાત કહી. તો ભગવાન બુદ્ધ અને મહાવીરે જ્ઞાનયોગની વાત કહી. આદિ શંકરાચાર્યે જ્ઞાનની વાત કહી. પતંજલિએ રાજયોગની વાત કહી. પરંતુ શ્રીરામકૃષ્ણદેવે આ ચારેય યોગોના સમન્વયની વાત કહી છે.
‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના પ્રથમ ખંડના ‘દ્વિતીય દર્શન’ પ્રકરણમાં જ આપણે વાંચીએ છીએ કે માસ્ટર મહાશયને શ્રીરામકૃષ્ણદેવ ચારેય યોગોના સમન્વયની વાત કહીને જાણે પોતાના ઉપદેશનો સારાંશ આપી દે છે. કેવી રીતે? જુઓ, માસ્ટર મહાશયે પૂછ્યું, ‘ઈશ્વરનાં દર્શન કેમ થાય?’ તો શ્રીરામકૃષ્ણે ઉત્તરમાં કહ્યું કે સત્સંગ અને પ્રાર્થના દ્વારા. બીજી વાત કહી – ધ્યાન કરવું – મનમાં, વનમાં અને ખૂણામાં. ત્રીજી વાત કહી – નિત્યાનિત્ય વસ્તુવિવેક કરવો. અને ચોથી વાત કહી – સંસારમાં રહેવું પરંતુ અનાસક્ત ભાવથી રહેવું. સંસારનાં બધાં કામો કરવાં પણ અનાસક્તિપૂર્વક કરવાં. કેવી રીતે કરવાં? તો કહે છે, મોટા ઘરની દાસીની જેમ. આમ શ્રીરામકૃષ્ણદેવે વર્તમાન યુગ, આધુનિક યુગ માટે, દિવ્યતાની પ્રાપ્તિ માટે, ઈશ્વરની પ્રાપ્તિ માટે ચારેય યોગોના સમન્વયની વાત કહી છે. તેઓએ પોતાના જીવનમાં સંશોધન કરી અનુભવ્યું છે. પરંતુ આ સંશોધનનું પ્રતિપાદન તો થવું જોઈએ. ભાષ્ય લખ્યું સ્વામી વિવેકાનંદે. શ્રીરામકૃષ્ણ હતા સૂત્ર અને સ્વામી વિવેકાનંદે કર્યું ભાષ્ય. આપણે સ્વામીજીના ગ્રંથો – રાજયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ અને કર્મયોગ વાંચીએ છીએ. ચારેય યોગોનું તેમને વર્ણન કર્યું છે. પરંતુ જે શ્રીરામકૃષ્ણદેવે કહ્યું, સ્વામીજીએ તે સમજાવ્યું અને શ્રીમા શારદાદેવીએ પોતાના જીવનમાં કરી બતાવ્યું. આ છે શ્રીમા શારદાદેવી.
વર્તમાન યુગમાં આપણા જેવા સમસ્યાઓથી ઝૂઝતા સાદા સામાન્ય લોકો પણ ઈશ્વરનું કાર્ય કરી શકે છે. એટલા માટે એક સરળ માર્ગ – ચાર યોગોના સમન્વયની વાત કહી છે. સ્વામી વિવેકાનંદે કહ્યું, ‘ચારેય યોગ આપણને ઈશ્વર-પ્રાપ્તિ કરાવવા માટે સક્ષમ છે. પરંતુ વિશેષ એ જ છે કે ચારેય યોગોનો સમન્વય કરવામાં આવે. શા માટે? બે કારણ છે. પહેલું, ચારેય યોગોની કેટલીક વિશેષતાઓ છે અને ચારેયમાં કેટલીક મુશ્કેલીઓ છે. જ્ઞાનયોગ બહુ સારો છે, ટૂંકો માર્ગ છે. પણ શુષ્ક છે. તો જ્ઞાનયોગની શુષ્કતાને આપણે ભક્તિયોગની મધુરતા દ્વારા ઓછી કરી શકીએ છીએ. પરંતુ સ્વામી વિવેકાનંદ કહે છે કે ભક્તિયોગની એક તકલીફ છે. લોકો વધુ પડતા ભાવુક બની જાય છે. ભક્તિયોગની ભાવુકતા જ્ઞાનયોગની નિત્યાનિત્ય વસ્તુવિવેકથી દૂર થઈ જશે. સંકુચિતતા, ભાવુકતા નીકળી જશે. રાજયોગ પણ બહુ સારો છે. રાજયોગનો રાજમાર્ગ રોચક માર્ગ છે. તેનું નામ જ રાજયોગ છે. જેને યોગ્ય રીતે સમજ્યા વગર, ઉચિત માર્ગદર્શનના અભાવમાં અને તેના અતિરેકને કારણે ક્યારેક વિપરીત ફળ મળે છે.
સ્વામી વિવેકાનંદે કહ્યું છે : જે હજુ તૈયાર નથી થયા, તે વધુ પ્રાણાયામ કરે તો નુકસાન થાય છે. રાજયોગમાં આ ભય છે. વધુ સમય સુધી ધ્યાન નથી કરી શકાતું, દીર્ઘ સમય સુધી ધ્યાન નથી થઈ શકતું. અને વધુ સમય સુધી પ્રાણાયામ કરવાથી વિપરીત પરિણામ મળે છે. આખો દિવસ તો કોઈ ધ્યાન ન કરી શકે, પરંતુ જો તેની સાથે કર્મયોગ ભેળવી દેવામાં આવે તો, એટલે કે બાકીના સમય દરમિયાન નિઃસ્વાર્થ સેવા, ‘શિવજ્ઞાનથી જીવસેવા’ કરવાથી આપણું સંતુલન જળવાઈ રહેશે. પણ કર્મયોગ કરતાં આપણને અહંકાર આવી જાય છે. મેં આટલું મોટું કામ કર્યું! નામ-યશની આકાંક્ષા આવી જાય છે. પણ જો તેની સાથે ભક્તિ મળી જાય, ‘નહીં પ્રભુ, મેં નથી કર્યું, પ્રભુ તમે જ કરાવ્યું છે,’ અને શરણાગતિનો ભાવ રહે તો આ અહંકાર આપણાથી દૂર રહે છે. આમ ચારેય યોગોનું એકીસાથે પાલન કરવાથી તેની વિશેષતાઓનો આપણને લાભ મળે છે અને મુશ્કેલીઓ દૂર થઈ જાય છે.
બીજું કારણ સ્વામીજી એ બતાવે છે કે જુઓ, આપણી પાસે બધા પ્રકારની વિદ્યાશાખાઓ છે. આજની મેનેજમેન્ટ ટેક્નિક કહે છે કે જો આપણે વધુ ઉત્પાદકતા જોઈતી હોય તો આપણે આપણાં તમામ સંસાધનો, વિદ્યાશાખાઓનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ. આપણી જેટલી વિદ્યાશાખાઓ છે, જેટલી પણ પ્રાપ્ત સામગ્રીઓ છે, તેનો વધુમાં વધુ ઉપયોગ થવો જોઈએ. ભગવાને આપણને ઇન્દ્રિયો આપી છે. પાંચ જ્ઞાનેન્દ્રિયો–પાંચ કર્મેન્દ્રિયો. તેના દ્વારા આપણે કર્મ કરીએ. પરંતુ તે કર્મ આપણે ભગવાન માટે કરીએ. ભગવાને આપણને બુદ્ધિ પણ આપી છે. તો બુદ્ધિ દ્વારા આપણે કર્મ કરતાં પહેલાં વિચાર કરીએ કે શું સત્ય છે, શું મિથ્યા છે. વળી ભગવાને આપણને મન પણ આપ્યું છે. તો મન દ્વારા આપણે ધ્યાન કરીએ. ભગવાને આપણને હૃદય પણ આપ્યું છે. આપણું હૃદય ચાહે છે પ્રેમ આપવો અને પ્રેમ મેળવવો. આપણે અનંત પ્રેમ ઇચ્છીએ છીએ. તો આપણે મનથી પ્રભુને અનંત પ્રેમ કરવો જોઈએ. આમ ચારેય ઉપકરણોનો ઉચિત ઉપયોગ થશે. શ્રીમા શારદાદેવીએ ભક્તિયોગ, રાજયોગ, કર્મયોગ અને જ્ઞાનયોગ—આ ચારેય યોગોના સમન્વયને પોતાના જીવન દ્વારા દર્શાવ્યો છે.
જ્યારે એમ કહેવાય કે ચારેય યોગોના સમન્વયથી બહુ સારું થશે. પ્રતિદિન ધ્યાન કરવું જોઈએ, પ્રાર્થના કરવી જોઈએ. ત્યારે લોકો કહે છે, ‘આ બધું તો ઠીક છે, ‘પણ…’ એક ‘પણ’ છે… પણ સ્વામીજી, સમય જ ક્યાં છે?’ ભાઈઓ કહે છે, ‘અમારે ઓફિસે જવું પડે, સ્કૂલમાં જવું પડે, કૉલેજમાં જવું પડે, રોજીરોટીનો બંદોબસ્ત કરવો પડે…’ બહેનો કહે છે, ‘અમારે રસોઈ બનાવવી પડે, બાળકો સાચવવાં પડે, ઘરમાં કામ કરવું પડે, વગેરે..’
કેટલાક કહે છે, ‘તો સમય જ ક્યાં છે?’ તો બીજા કેટલાક લોકો કહે છે, ‘તમે લોકો તો આશ્રમમાં બેઠા છો. ત્યાં કેટલી શાંતિ છે! અમારા ઘરે આવીને તો જુઓ, સવારે તો જાણે મહાભારત મચી જાય છે. બધા લોકો મોટે મોટેથી બૂમો પાડે છે. આમાં ધ્યાન ક્યાંથી કરી શકીએ? અમારે ત્યાં તમારા આશ્રમ જેવો ધ્યાનકક્ષ ક્યાં છે? નાનું મકાન છે, બે ઓરડાનું. તો ધ્યાન કેવી રીતે કરીએ? આ પ્રકારની ‘પણ’ વાળી વાત બધા કરે છે. તો એવા લોકોને અમે કહીએ છીએ, શ્રીમા શારદાદેવીનું જીવન વાંચો, ઉત્તર મળી જશે.
શ્રીમા શારદાદેવી કેવી રીતે રહેતાં હતાં? નાના એવા નોબતખાનામાં રહેતાં હતાં. ઓરડો ષટ્કોણ આકારનો. બે દીવાલો વચ્ચેનું અંતર ૭ ફૂટ ૯ ઇંચ છે. માત્ર દક્ષિણ દિશામાં ખૂલે તેવું બારણું ૪ ફૂટ ૨ ઇંચ x ૨ ફૂટ ૨ ઇંચનું છે. શ્રીમા શારદાદેવીને ક્યારેક ક્યારેક માથામાં વાગી જતું એટલો નાનો દરવાજો હતો. અને કોલકાતાથી જે મહિલાઓ આવતી, તે તો ઓરડામાં પ્રવેશી પણ શકતી નહીં. તેઓ બહાર ઊભાં ઊભાં જ કહેતી, ‘અરે, આપણી સીતામાઈ, લક્ષ્મીમાઈ કેવી તપસ્યા કરી રહ્યાં છે! કેવો વનવાસ ભોગવી રહ્યાં છે!’
આ નાનકડું નોબતખાનું જ શ્રીમાનો બેસવાનો ઓરડો, રસોડું, સ્ટોર રૂમ, સૂવાનો ઓરડો, બધું જ હતું. એટલું જ નહીં, મહેમાનો માટેનો ઓરડો પણ તે જ હતો. લક્ષ્મીદેવી પણ ત્યાં જ રહેતી હતી. વધુમાં શ્રીરામકૃષ્ણદેવ કોઈ ભક્ત મહિલાને પણ ત્યાં જ મોકલી દેતા. શ્રીમા ઓરડામાં સરખી રીતે ઊભાં પણ રહી શકતાં ન હતાં, સૂઈ શકતાં ન હતાં.
આટલી અસુવિધા હોવા છતાં તેમની દિનચર્યા જુઓ—દક્ષિણેશ્વર હોય કે જયરામવાટી, કે પછી કોલકાતા હોય; પ્રાતઃકાળે ત્રણ વાગે તેઓ ઊઠી જતાં. ઊઠીને હાથ-મોં ધોઈને કપડાં બદલાવીને જપ કરતાં, ધ્યાન કરતાં. અને પછી તેમનું કામ શરૂ થતું. શાકભાજી સમારવાથી માંડીને નહાવું, પૂજાની સામગ્રી એકત્ર કરવી, ચંદન ઘસવું, પૂજા કરવી, ભોગ બનાવવો વગેરે કેટલું કામ હતું! વળી અતિથિઓની સેવા કરવી અને તેમને મંત્રદીક્ષા પ્રદાન કરવી. દીક્ષા આપ્યા પછી શિષ્યની સેવા કરવી. આમ તો શિષ્ય ગુરુની સેવા કરે, પરંતુ અહીં તો ગુરુ શિષ્યની સેવા કરતાં. પછી એક વાગે ભોગ લગાવવો, પછી ભોજન કર્યા બાદ વિશ્રામ કરવો. હજુ તો સરખો વિશ્રામ થયો ન થયો, ત્યાં તો વળી લોકોનું આવવાનું શરૂ થઈ જતું.
ભક્તો આવે એટલે તેમને દર્શન આપવાં, તેની સાથે વાતચીત કરવી. પછી સંધ્યા સમયે સંન્યાસી-બ્રહ્મચારીઓ સાથે બેસવું અને પત્રના ઉત્તર લખાવવા. આટલા મોટા રામકૃષ્ણ સંઘનું સંચાલન કરતાં હતાં, પરંતુ નેપથ્યમાં રહીને. આ બધું કર્યા પછી ફરી સાંજે પ્રાર્થના, ધ્યાન વગેરે. રાતે ઠાકુરને ભોગ લગાવવો, તેમને જમાડવા, આવાં કામકાજ ઉપરાંત તેઓ વાસણ માંજવાં, ઝાડુ લગાવવું, પોતું કરવું, કપડાં ધોવાં વગેરે બધું કામ કરતાં. આવાં કામ આજકાલની મહિલાઓ નથી કરી શકતી, તે બધું કામ, એનાથી પણ વધુ કામ શ્રીમા કરતાં. આમ ચારેય યોગોના સમન્વયનું જીવંત પ્રતીક છે, શ્રીમા શારદાદેવી. જો આપણે તેમનું જીવન જોઈએ તો તેમની પાસેથી આપણને બહુ પ્રેરણા મળી શકે તેમ છે.
શ્રીરામકૃષ્ણદેવના જીવનમાં ચારેય યોગોનો સમન્વય થયો છે. પરંતુ શ્રીરામકૃષ્ણદેવ હંમેશાં ભાવસમાધિમાં રહેતા હતા. અને તેમનું કામ હતું માત્ર ઉપદેશ આપવો. સ્વામી વિવેકાનંદ ભ્રમણ કરતા રહેતા. તેમના જેવું તો આપણાથી ન થઈ શકે. પરંતુ દૈનંદિન જીવનમાં, વ્યાવહારિક જીવનમાં બધું કામ કરતાં આપણે કહીએ છીએ કે આપણી પાછળ સંસારનો ઝમેલો છે. શ્રીમા શારદાદેવીનો પરિવાર કેવો હતો? પગલી મામી ઘરમાં અશાંતિ પેદા કરતાં અને વળી બે ભત્રીજીઓ, નલિની અને માકુ, પચાસ ટકા પાગલ હતી. ક્યારેક ક્યારેક આભડછેટનો પ્રશ્ન ઊભો થતો. એક વાર આવીને નલિની કહે છે કે મારા પર કાગડો પેશાબ કરી ગયો, મારે સ્નાન કરવું પડશે, રાત્રે તો ઘણી ઠંડી છે. મા કહે છે કે હું આટલી વૃદ્ધ થઈ, પરંતુ મેં ક્યારેય સાંભળ્યું નથી કે કાગડો પેશાબ કરે છે. કાગડો પેશાબ કરે છે, એમ કહીને તે આખી રાત ઘરમાં આવી નહીં. નલિની અને માકુ કાયમ માટે એકબીજા સાથે ઝઘડ્યા કરે છે. આ બાજુ પગલી મામી પોતાનું બુદ્ધિ-પ્રદર્શન કરે છે. વળી બીજી બાજુ પગલી મામીની પુત્રી રાધુ, એને તો ખાવા અફીણ જોઈએ. જો ન મળે તો શ્રીમાને જોરથી રીંગણું મારે. વધુમાં, ગોલાપમા. તેઓ એટલું જોરથી બોલતાં, કે તેમને માઈકની જરૂર ન પડે. આ બધો માનો પરિવાર હતો. આમ છતાં શ્રીમા કહેતાં કે તેઓ આટલાં કામ અને કોલાહલ છતાં પ્રતિદિન એક લાખ જપ કરતાં. આપણને વિશ્વાસ ન આવે! શ્રીમા શારદાદેવી કહેતાં કે ઓછામાં ઓછું ૧૦૮ વાર જપ કરવો જોઈએ. ગુરુદેવ પાસેથી મંત્ર લઈએ ત્યારે ગુરુદેવ કહે છે, ઓછામાં ઓછું ૧૦૮ વાર જપ કરવો જોઈએ.
એક ભક્તે પૂજ્ય સ્વામી વીરેશ્વરાનંદજીને પૂછ્યું, ‘મહારાજ, આઠ વાર જપ કરવાથી ન ચાલે?’ ત્યારે મહારાજે કહ્યું, ‘તમને કોણે કહ્યું હતું દીક્ષા લેવાનું? કોઈ જબરદસ્તી હતી? તમારે અહીંથી દિલ્હી જવું છે, તો બળદગાડામાં જાઓ, અને જલદી પહોંચવું હોય તો પ્લેનમાં જાઓ. તમારે જેટલું જલદી પહોંચવું હોય તે રીતે જપ કરવા જોઈએ. જેવી સાધના કરશો, તેવી સિદ્ધિ મળશે.’ શ્રીમા શારદાદેવી કહેતાં હતાં “જપાત્ સિદ્ધિ” જપ કરવાથી સિદ્ધિ મળે છે. રાજયોગ, અષ્ટાંગ યોગ શ્રીમાના જીવનમાં પ્રતિફલિત થાય છે. સર્વભૂત ઈશ્વર-દર્શન શ્રીમાને થતાં હતાં, જે અદ્વૈત દર્શનનું ચરમ પદ છે.
અદ્વૈત આશ્રમ, માયાવતીમાં શ્રીરામકૃષ્ણદેવનો ફોટો રાખવામાં આવ્યો. સ્વામીજી બહુ નારાજ થયા, અને તે ફોટો હટાવવાનું કહ્યું. ફોટો તો દૂર કરવામાં આવ્યો, પછી કેટલાક સંન્યાસીઓને લાગ્યું કે હાઇકોર્ટમાં જવું જોઈએ. સંઘની હાઇકોર્ટ એટલે શ્રીમા શારદાદેવી. શ્રીમા શારદાદેવીને પત્ર લખવામાં આવ્યો કે, અમે તો શ્રીરામકૃષ્ણદેવનો ફોટો રાખ્યો હતો, પણ સ્વામીજીએ ના કહી એટલે એને હટાવી દીધો. શ્રીમાએ પત્રનો સુંદર ઉત્તર આપ્યો. કહ્યું કે, ‘જુઓ, આપણા ઠાકુર પોતે જ અદ્વૈતવાદી હતા, અને આપણે બધા પણ અદ્વૈતવાદી છીએ.’ બસ, બધા ચૂપ થઈ ગયા. આમ શ્રીમા ભક્તિનું પણ પાલન કરતાં અને અદ્વૈતજ્ઞાનનું પણ પ્રતિપાલન કરતાં. ‘રાજયોગ’માં ઉલ્લેખિત સમાધિ—શ્રીમાને આવી અનુભૂતિ થતી; ‘જ્ઞાનયોગ’નું જે પરમ લક્ષ્ય છે, સર્વભૂતોમાં ઈશ્વરનું દર્શન, તે. ‘ભક્તિયોગ’ બાબતે એક લાખ જપ કરવા; ‘કર્મયોગ’ની વાત પહેલાં કહ્યા મુજબ, ઘોર કર્મયોગ, કેટલો પરિશ્રમ કર્યો હતો શ્રીમાએ!
કોઈએ પૂછ્યું, ‘મા, આપ આટલો પરિશ્રમ શા માટે કરો છો?’ તો શ્રીમાએ ઉત્તર આપ્યો, ‘દાખલો બેસાડવા માટે, આદર્શ સ્થાપિત કરવા માટે જેટલું કરવું જોઈએ, તેનાથી ક્યાંય વધુ મેં કરી બતાવ્યું છે.’
શ્રીમા ચારેય યોગોના સમન્વયનો જાણે એક વિગ્રહ છે, મૂર્તિમંત સ્વરૂપ છે. શ્રીરામકૃષ્ણદેવ કહેતા હતા, ‘મેં સોળ આના કર્યું, તમે એક આનો કરો.’ શ્રીમાએ આટલું કરી બતાવ્યું છે, તેનો એક ટકો પણ આપણે કરી શકીએ તોપણ આપણું જીવન ધન્ય થઈ જાય, શ્રીમાનાં ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ.
Your Content Goes Here