(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૧૧ ડિસેમ્બરના રોજ ગીતાજયંતી હોવાથી તે નિમિત્તે લેખ અહીં પ્રસ્તુત છે. – સં.)
પૂર્વપ્રતિજ્ઞા અનુસાર પાંડવોએ જ્યારે અજ્ઞાતવાસની સમાપ્તિ પછી કૌરવરાજ પાસે અડધું રાજ્ય માગ્યું ત્યારે દુર્યોધને સોયની અણી જેટલી જમીન પણ યુદ્ધ વિના આપવાનો ઇન્કાર કર્યો. યુદ્ધ નિશ્ચિત હતું. ધૃતરાષ્ટ્ર અંધ હતા.
તેમને યુદ્ધના સમાચાર જાણવાની એષણા હતી. ધૃતરાષ્ટ્ર પર અતિ સ્નેહ ધરાવતા વેદ વ્યાસજીએ તેમને કહ્યું, ‘હું સંજયને દિવ્યદૃષ્ટિ પ્રદાન કરું છું. તે યુદ્ધની સમગ્ર ઘટનાઓ તથા યુદ્ધવીરોના મનના ભાવો પણ જાણી લઈને, સાંભળીને તથા જોઈને તમને જણાવતો રહેશે.’
આમ, સંજયને દિવ્યદૃષ્ટિ પ્રાપ્ત થઈ અને કુરુક્ષેત્રના પ્રથમ દસ દિવસના યુદ્ધનું વિવરણ તેણે ધૃતરાષ્ટ્રને સંભળાવ્યું, જે મહાભારત અંતર્ગત ભીષ્મપર્વના ચોવીસ અધ્યાય સુધી આલેખિત છે.
યુદ્ધના પ્રારંભ પૂર્વે શ્રીકૃષ્ણના મુખે પ્રબોધિત ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’નો ઉલ્લેખ મહાભારતમાં આ પછીના અધ્યાયથી કરાયેલો છે.
ગીતા તરીકે પ્રસિદ્ધ આ ગ્રંથમાં કુલ ૭૦૦ શ્લોક અને ૧૮ અધ્યાય છે. ભગવાન શ્રીકૃષ્ણ અને તેમના સખા અર્જુન વચ્ચેના સંવાદ દ્વારા પરાવિદ્યાનું સર્વોચ્ચ વિવરણ, વિવેચન અને વિશ્લેષણ સંસારના ત્રિતાપદગ્ધ જીવો સમક્ષ પ્રસ્તુત કરાયું છે.
ગીતા એક એવો વિલક્ષણ ગ્રંથ છે, જેનો આજ સુધી કોઈ પાર પામી શક્યું નથી. જેમ જેમ તેનું અધ્યયન, અનુશીલન અને અનુસરણ કરતા જઈશું, તેમ તેમ નવા નવા ઉન્મેષ પ્રગટતા જશે.
ગીતાના સમગ્ર બોધની ગમ્યતા નથી તો બુદ્ધિમાં કે નથી તો મનમાં; નથી તો કહેવામાં કે નથી તો લખવામાં. આ અલૌકિક અને અતિ વિશિષ્ટ ગ્રંથનું ન તો અદ્વૈતવાદ, દ્વૈતવાદ, વિશિષ્ટાદ્વૈતવાદ કે અન્ય કોઈ વાદને લઈને પ્રવર્તન થયું છે.
તે સર્વગ્રાહી, સાર્વજનીન અને સર્વ સમાવેશક છે. આ પ્રાસાદિક ગ્રંથનો આશ્રય લઈને મન-પ્રાણપૂર્વક પાઠ કરવામાત્રથી પરમ શાંતિ પ્રાપ્ત થાય છે. એને કંઠસ્થ કરવાનો મહિમા તો અનોખો છે.
ગીતામાં પારંપરિક ધર્મમૂલક અર્થોનું નૂતન અર્થઘટન કરાયું છે. ‘યજ્ઞ’ શબ્દનો અર્થ ગીતાના પરિપ્રેક્ષ્યમાં વિશિષ્ટ છે—
देवपूजन संगतीकरण दानेषु।
દેવપૂજન અર્થાત્ અધ્યાત્મ દૃષ્ટિએ ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત વ્યક્તિ પાસેથી પ્રેરણા મેળવવી અને ઉત્થાન પામતા જવું, એટલે કે વર્તમાન સ્થિતિથી ઉત્થાન પામવા વરિષ્ઠની સહાયતા લેવી. સંગતીકરણ અર્થાત્ અધ્યાત્મ દૃષ્ટિએ વર્તમાન સ્થિતિ ધરાવનારે એવી સ્થિતિ ધરાવનારને સાથે લઈને, સંઘબદ્ધ થઈ ઉત્થાન પામવું. એટલે કે સમાન સોપાને રહેલાઓએ સાથે સાથે ઉત્થાન પામતા જવું.
દાન અર્થાત્ અધ્યાત્મ દૃષ્ટિએ સ્વયંથી નિમ્ન સ્તરે અવસ્થિત જીવોને પોતપોતાની વર્તમાન અધ્યાત્મ સ્થિતિ સુધી ઉત્થાન પામવામાં સહાયતા કરવી. એટલે કે નીચેના સોપાને રહેલાઓને સ્વયંના સોપાને લઈ જવા.
આમ, યજ્ઞ એટલે વિસ્તૃતીકરણ, અહંનું વિલીનીકરણ. સંક્ષિપ્તમાં સમતા કેળવવા અનુસરણ, અવસ્થાન અને ઉત્થાનની પ્રક્રિયાનું અમલીકરણ કરવું એ છે યજ્ઞ.
આવી જ રીતે યોગ શબ્દ વિશે પણ ગીતાનું દૃષ્ટિબિંદુ વિલક્ષણ છે. યોગ એટલે ગીતાની દૃષ્ટિએ
योग: कर्मसु कौशलम्। (२.५०)
યોગ એટલે કર્મોમાં કુશળતા.
समत्वं योग उच्यते। (२.४८)
યોગ એટલે સમત્વ, સમદૃષ્ટિ. સર્વમાં પરમાત્માને જોવા, સચરાચરમાં સમાન દૃષ્ટિ રાખીને સમતાપૂર્ણ વ્યવહાર કરવો, એ યોગ છે.
तं विद्यात् दु:खसंयोगवियोग संज्ञितम्। (६.२३)
દુ:ખરૂપ સંસારના સંયોગથી ઊપજતા દુ:ખનો વિયોગ અર્થાત્ અભાવ એ જ યોગ.
તાત્પર્ય એ છે કે સમતામાં સ્થિત થઈ જતાં સંસારના સંયોગનો વિયોગ થઈ જશે અને સંસારનો વિયોગ થતાં સમતામાં સ્થિત થઈ જશે. બંનેમાંથી કોઈ એક થતાં પરમાત્મા સાથેના નિત્યયોગની પ્રાપ્તિ થઈ જશે. સમતાની અનુભૂતિ કરાવવા માટે ગીતામાં કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગનું વર્ણન કરાયું છે.
ત્રણ યોગ માટેની મનુષ્ય પાસે ત્રણ પ્રકારની શક્તિ છે:
કરવાની, જાણવાની અને માનવાની શક્તિ.
અર્થાત્ બળ, જ્ઞાન, અને શ્રદ્ધા-વિશ્વાસ.
કર્મયોગ એટલે નિ:સ્વાર્થભાવે સંસારની સેવા કરવી. જ્ઞાનયોગ એટલે સ્વ-સ્વરૂપને જાણવું. ભક્તિયોગ એટલે સ્વયંને ભગવાનના માનીને સર્વતોભાવેન ભગવદ્-સમર્પિત થવું. કંઈ પણ કરવાની અભિરુચિવાળી વ્યક્તિ કર્મયોગનો અધિકારી છે. જાણવાની િજજ્ઞાસાયુક્ત વ્યક્તિ જ્ઞાનયોગનો અધિકારી છે. ભગવાન પર શ્રદ્ધા-વિશ્વાસ ધરાવનાર વ્યક્તિ ભક્તિયોગનો અધિકારી છે.
એટલે જ ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે:
योगस्थ: कुरु कर्माणि। (२.४८)
હે અર્જુન, યોગમાં અવસ્થિત થઈને તું કર્મ કર. વળી કહે છે:
तस्मात् सर्वेषु कालेषु मामनुस्मर युद्ध्य च। (८.७)
હે અર્જુન, મારું નિત્ય સ્મરણ કરતો રહીને યુદ્ધ એટલે કે નિષ્કામ કર્મ કરતો રહે. સૂક્ષ્મતાપૂર્વક વિચારીએ તો જણાશે કે અર્જુનના પ્રશ્નો યુદ્ધલક્ષી નથી, પરંતુ માનવ-કલ્યાણમૂલક છે.
શ્રીકૃષ્ણનો પરમ ઉપદેશ પણ અર્જુનના માધ્યમથી વેદોના સારભૂત ઉપનિષદોનું દોહન કરીને ગીતા-બોધ દ્વારા સંસાર સમક્ષ કલ્યાણકારક અધ્યાત્મ-સાધનોનો સંક્ષેપમાં વિશદ જ્ઞાન આપવાનો છે.
Your Content Goes Here