(હિન્દી માસિક ‘વિવેક જ્યોતિ’ના મે, ૨૦૧૧ના અંકમાં પ્રકાશિત લેખનો શ્રી હર્ષદભાઈ પટેલે અનુવાદ કર્યો છે. ૯ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ સ્વામી પ્રેમાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે અહીં પ્રસ્તુત છે. – સં.)

શ્રીરામકૃષ્ણદેવ પૂજ્યપાદ સ્વામી બ્રહ્માનંદજીને ‘વ્રજના રાખાલ’ અને બાબુરામ મહારાજ (સ્વામી પ્રેમાનંદજી)ને ‘સખી’ કહેતા હતા. ઠાકુર જે છ વ્યક્તિનો નિત્યસિદ્ધ ‘ઈશ્વરકોટિ’ અંતરંગ કહીને ઉલ્લેખ કરતા હતા, તેમાં સ્વામી બ્રહ્માનંદજી અને સ્વામી પ્રેમાનંદજી પણ આવે છે. સ્વામી બ્રહ્માનંદજીની પૂર્ણજ્ઞાનીની પરમહંસ અવસ્થા હતી, ભક્ત-કુલ-ચૂડામણિ સ્વામી પ્રેમાનંદજી મૂર્તિમાન ભક્ત હતા. સ્વામી પ્રેમાનંદજી મહારાજનાં અમૃતવચનોનું સંકલન અહીં પ્રસ્તુત કરવામાં આવ્યું છે:

  • ત્રિકાલજ્ઞ સ્વામી વિવેકાનંદ કહ્યા કરતા હતા કે સમગ્ર દેશ સત્ત્વના ભ્રમમાં તમોગુણમાં ડૂબેલો છે. રજોગુણમાંથી પસાર થયા વિના પણ શું સત્ત્વગુણમાં પહોંચી શકાય છે? તેથી સામાન્ય લોકો માટે તેઓ નિષ્કામ કર્મનો પ્રચાર કરી ગયા, જેનો પાર્થસારથિ શ્રીકૃષ્ણે પૂર્વકાળમાં ભારતમાં પ્રચાર કર્યો હતો. કાળના પ્રવાહમાં તે ભાવ લુપ્ત થઈ જવાને લીધે દેશ ધીમે ધીમે તમોગુણમાં ડૂબી જઈ રહ્યો હતો એટલા માટે તો દેશનો ઉદ્ધાર કરવા શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામીજી આવ્યા. જ્ઞાન, ભક્તિ, કર્મ—જેના પેટને જે રુચે, માતા પોતાનાં બાળકો માટે તેવી જ વ્યવસ્થા કરે છે.
  • સવાર-સાંજ થોડો જપ કરી લીધો અને બાકીનો સમય પારકાની ચર્ચા કરવામાં અને આળસમાં વિતાવ્યા કરતાં નિષ્કામ કર્મ કરવું શું ઉત્તમ નથી? સ્વામી બ્રહ્માનંદજી મહારાજનું કહેવું છે કે જે લોકો નિષ્કામ ભાવથી નિર્ધનો, દીન-દુઃખીઓ, આર્ત-રોગીઓની સેવા કરી રહ્યા છે, તેમને લાખો જપ કરવાનું ફળ મળી રહ્યું છે. આ માત્ર સાંત્વના આપવા પૂરતું કથન નથી, સાચી વાત છે. ચિત્તશુદ્ધિ થાય ત્યારે જ કર્મત્યાગ થઈ શકે છે.
  • ઠાકુર કહ્યા કરતા હતા કે પૈસા હોય તો બજારમાં હીરા-મોતી વગેરે ઘણુંય મળે છે, પરંતુ શ્રીકૃષ્ણમાં રતિ-મતિ થવાં દુર્લભ છે. આ ભાવ, ભક્તિ, સમાધિ વગેરે પ્રાપ્ત કરવા માટે સાધના કરવી પડશે. પહેલાં નિષ્કામ કર્મ કરવું જોઈએ, માત્ર ગ્રંથોનું રટણ કરવાથી શું થવાનું? જીવન દ્વારા બતાવ્યા વિના કામ નહીં થાય.
  • તમે શ્રીશ્રીમા શારદાદેવીના ચરિત્રનું અનુસરણ કરો. તે તો અત્યારે પણ સશરીર વિદ્યમાન છેે. ચિત્રના માધ્યમથી પણ કેટલાં બધાં સ્થળે ભોગ-ગ્રહણ કરી રહ્યાં છે! ઠાકુરનો ભાવ કેટલા લોકો ગ્રહણ કરી શક્યા છે, કેટલા લોકો તેમને સમજ્યા છે? શરૂઆતમાં અમે પણ શું તેમને સમજી શક્યા હતા? અહા! જો તેઓ દયા કરીને ન સમજાવે, તો શું આપણે તેમને પકડી કે સમજી શકીએ ખરા! તેઓ સમસ્ત ધર્મ, સમસ્ત ભાવની સઘન મૂર્તિ હતા, તેમના ભાવનો પ્રચાર કરવાથી શું સંકીર્ણતાનો પ્રચાર થાય છે?
  • આજકાલના લોકોને જોઉં છું, માત્ર યુરોપિયન લોકોની નકલ કરી રહ્યા છે. નૃયજ્ઞ, ભૂતયજ્ઞ, પિતૃયજ્ઞ, દેવયજ્ઞ અને બ્રહ્મયજ્ઞ—આ પાંચ પ્રકારના યજ્ઞોનું વિધાન છે. ગૃહસ્થો શું આ કરે છે ? આ બધું તો તેઓ ભૂલી જ ગયા છે. પાશ્ચાત્ય લોકોનું અનુકરણ કરવાથી ન તો તેઓ સારા ભોગી બની શકે છે અને ન તો ત્યાગી પણ. છી, છી; એમ જ જીવન બરબાદ કરી રહ્યા છે.
  • આ વિજ્ઞાનયુગમાં ઠાકુર નિરક્ષર થઈને આવ્યા અને બતાવ્યું કે માત્ર વિદ્વત્તા દ્વારા ધર્મ નથી થતો, ધર્મને વ્યવહારુ જીવનમાં રૂપાંતરિત કરવો જોઈએ. ઠાકુર પવિત્રતાની સઘન મૂર્તિ હતા અને પવિત્રતા જ ધર્મ છે.
  • ભગવાન જ આપણા એકમાત્ર ‘પોતાના’ છે. જેઓ ભગવાનને પુકારે છે, તેમને પ્રેમ કરે છે, તેઓ પણ આપણા ‘પોતાના’ છે. ભગવાનને પ્રેમ કરવો, તેમને પ્રાપ્ત કરવા એ જ માનવજીવનનો ઉદ્દેશ્ય છે, નહીંતર જીવન વૃથા છે.
  • આ વિનાશશીલ શરીરને ધારણ કરીને જો ભગવાનમાં ભાવ, ભક્તિ, વિશ્વાસ, પ્રેમ ઇત્યાદિની પ્રાપ્તિ ન થઈ તો ધિક્કાર છે! ઠાકુર મનની દિશાને ફેરવી નાખવાની વાત કરતા હતા. ભગવાનની સાથે આંતરિક સંબંધ જોડી દેવો પડે છે. તેઓ ભાવનો વિષય છે, તેમને ‘ભાવને છોડીને શું અભાવથી પકડી શકાય ખરા કે?’
  • વિશ્વાસ જોઈએ, ગુરુવાક્યમાં અટલ વિશ્વાસ. ગિરીશ ઘોષ આ વિશ્વાસના બળ પર જ પાર થઈ ગયા. તેમને ખરાબ અને સમાજના બગડેલા લોકો સાથે રહેવું પડતું હતું! છતાં પણ તેઓ વિશ્વાસના બળથી જ તરી ગયા. ઠાકુર પર ગિરીશબાબુનો અઢાર આના વિશ્વાસ હતો.
  • પવિત્ર જીવનનું ઘડતર કરવા માટે આચાર-વિચાર જોઈએ, નિષ્ઠા જોઈએ. નાના છોડને માટે વાડો કરવો પડે છે, નહીંતર ગાય, ભેંસ, બકરી ખાઈ જઈ શકે છે. આચાર-નિષ્ઠાની તે વાડ છે. પવિત્ર બનવું પડશે. પવિત્રતા જ ધર્મ છે. મન તથા વાણીને એક કરવાં પડશે.
  • દરેક યુગમાં અવતાર પૂર્ણ થઈને આવે છે. જે યુગની જેવી જરૂરિયાત હોય, તેવા રૂપમાં તેમનો પ્રચાર કરવો પડશે. શુદ્ધ સુવર્ણથી આભૂષણ ઘડી શકાતાં નથી, એટલા માટે ઠાકુર સ્વયં પ્રચાર કરી શક્યા નહીં. સ્વામી વિવેકાનંદનો ખૂબ ઉચ્ચ આધાર હોવાને કારણે ઠાકુર તેમને પ્રચારનું ઉત્તરદાયિત્વ આપી ગયા હતા.
  • ભગવાન શું છે, તે જાણો છો? પવિત્રતા જ સાક્ષાત્ ભગવાન છે. જો ભગવાનમાં ભક્તિ અને વિશ્વાસ હોય તો પછી ભયની વળી વાત શી? જે કંઈ જોઈએ, તે બધું આવી જાય છે.
  • સંસાર કેવો છે, જાણો છો? બરાબર કૂતરાની પૂંછડી જેવો. એને લઈને ગમે તેટલી ખેંચતાણ કરો, સીધી નહીં કરી શકો. ભલેને ગમે તેટલી ચેષ્ટા કરો પણ સંસારનાં દુઃખ-દૈન્ય તથા અશાંતિ ક્યારેય સંપૂર્ણપણે દૂર નહીં થાય. સંસારમાં મિથ્યાચરણ, ઈર્ષ્યા-દ્વેષ, છળ-કપટ વગેરે રહેલાં જ છે. અહા! મહામાયાનો આ કેવો ખેલ છે! કેવી રીતે એણે બાહ્ય ચળકાટથી બધાને માયા-મોહમાં ઢાંકી દીધા છે! બધા માયાની દોરીથી બંધાયેલા છે એટલા માટે બધાય લોકો માર્ગ ભૂલ્યા છે. પરંતુ એક વ્યક્તિને મહામાયા બાંધી ન શકી. જાણો છો કોને? સ્વામી વિવેકાનંદને.
Total Views: 52

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.