(લેખક રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે. તેઓ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય પણ છે. – સં.)
સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે આપણને એવી કેળવણીની જરૂર છે કે જેનાથી ચરિત્રનિર્માણ થાય અને મનુષ્ય પોતાના પગ પર ઊભો રહી શકે. તેઓ કેળવણીને મનુષ્યમાં અંતર્નિહિત પૂર્ણતાની અભિવ્યક્તિ કહે છે. શ્રીરામકૃષ્ણદેવે કહ્યું હતું કે મારે દાળ-રોટી મેળવવાની વિદ્યા નથી જોઈતી. વિદ્યા એવી હોવી જોઈએ કે જે આપણને આપણા દિવ્ય સ્વરૂપની પ્રાપ્તિ કરાવે. આ દિવ્યત્વની પ્રાપ્તિ જ મનુષ્યજીવનનો ઉદ્દેશ્ય છે. આ જ વિદ્યાનું સ્વરૂપ આપણને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનરૂપી સંઘનાં સંઘજનની શ્રીમા શારદાદેવીમાં જોવા મળે છે.
તેઓ જ્ઞાન દેવા માટે આવ્યાં છે
શ્રીરામકૃષ્ણદેવ શ્રીમા શારદાદેવી માટે કહે છે, “તેઓ (શ્રીમા) શારદા છે—સરસ્વતી છે. જ્ઞાન દેવા માટે આવ્યાં છે. તેઓ જ્ઞાનદાયિની, મહાબુદ્ધિમતિ છે. તેઓ શું જેવાં-તેવાં છે, તેઓ મારી શક્તિ છે.” અન્ય એક વાર તેમણે પોતાના ભાણેજ હૃદયને કહ્યું હતું, “અરે, તેમનું નામ શારદા છે, તેઓ સરસ્વતી છે, એટલે જ તેઓ સજીધજીને રહેવા માગે છે.”
શ્રીમા શારદાની બાબતમાં શ્રીરામકૃષ્ણથી વિશેષ કોણ જાણી શકે! સ્વયં શ્રીરામકૃષ્ણદેવ તેમના સ્વરૂપ બાબતમાં કહી ગયા છે કે તેઓ સરસ્વતી છે. આપણે જોઈએ છીએ કે શ્રીરામકૃષ્ણને લખતાં-વાંચતાં બરાબર આવડતું ન હતું. પરંતુ તેમની સાધનાના સ્થળ દક્ષિણેશ્વરમાં મોટા મોટા પંડિતો અને ઉચ્ચ આધુનિક શિક્ષણ-સંપન્ન લોકો પણ તેમને મળવા માટે આવતા હતા. એવું તે તેઓમાં શું હતું કે તે સમયના ભારતના વિદ્વાન, ભણેલા-ગણેલા લોકો, ત્યાં સુધી કે સ્વામી વિવેકાનંદ પણ જિજ્ઞાસાથી તેમની પાસે આવ્યા હતા. જ્ઞાનપ્રાપ્તિ અથવા આપણા દિવ્ય સ્વરૂપની પ્રાપ્તિ—જે વિદ્યાનો મૂળ ઉદ્દેશ્ય છે, તે તેઓએ પોતાના જીવનમાં ચરિતાર્થ કરી બતાવ્યો હતો. શ્રીમા શારદાદેવીના જીવનમાં પણ આપણે એ જ જોઈ શકીએ છીએ.
માના બાળપણથી લઈ તેમના અંતિમ સમય સુધી તેઓએ જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં પોતાની ભૂમિકા યથોચિત નિભાવી હતી તે આપણે જોઈએ છીએ. તેમનું નામ સાર-દા હતું. જીવનમાં એક પુત્રીના રૂપમાં કેવી રીતે રહેવું, તેનો સાર બધાને શિખવાડી ગયાં તેઓ. એક સહધર્મિણી અને ગૃહિણી તરીકે કેવી રીતે રહેવું જોઈએ, તેનો સાર આપી દીધો તેઓએ. સાધકના રૂપમાં કેવી રીતે રહેવું, તેનો સાર પ્રદાન કરી ગયાં તેઓ. અંતમાં ગુરુમાતા અને સંઘજનનીના રૂપમાં વિશાળ રામકૃષ્ણ સંઘને કેમ ચલાવવો જોઈએ, તેનો સાર તેઓએ બધાને પ્રદાન કર્યો.
શ્રીમાનો જન્મ ગ્રામ્ય પરિવેશમાં થયો હતો, એ વાતાવરણમાં માને માટે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવું અસંભવ હતું. પરંતુ વ્યાવહારિક જીવનમાં કેવી રીતે જીવવું જોઈએ, તે આપણે માના જીવનમાં જોઈએ છીએ. દુઃખ છે, એટલા માટે સુખ છે; રડવાનું છે, એટલા માટે હસવાનું છે; નુકસાન છે, એટલા માટે લાભ છે; આ જીવન દ્વંદ્વમય છે જ.
પારિવારિક મતભેદ, દરિદ્રતા, શારીરિક રોગ, સ્વજન-વિયોગ વગેરે જે કંઈ પણ આપણે સંસારમાં જોઈએ છીએ —એ બધી જ તકલીફોનો સામનો માએ પણ કરવો પડ્યો હતો. પરંતુ આ બધા વચ્ચે પણ શ્રીમાનું મન હંમેશાં ઈશ્વરાભિમુખ રહેતું હતું અને અહીં જ આપણે વિદ્યાદાત્રી માને પોતાના જીવન અને ઉપદેશો દ્વારા વિદ્યાદાન આપતાં જોઈએ છીએ.
આ વિદ્યા બ્રહ્મવિદ્યા હતી, જીવને સુખ-દુઃખના ફેરામાંથી, જન્મ-મૃત્યુના ફેરામાંથી મુક્ત કરવાવાળી વિદ્યા હતી.
સ્વામી વિવેકાનંદ કહે છે, “માત્ર આધ્યાત્મિક જ્ઞાન જ એવું છે, જે આપણાં દુઃખોનો હંમેશને માટે નાશ કરી શકે છે, અન્ય કોઈ પ્રકારના જ્ઞાનથી તો આપણી જરૂરિયાતોની માત્ર થોડા સમય માટે જ પૂર્તિ થાય છે… જે મનુષ્ય આધ્યાત્મિક જ્ઞાન આપે છે, તે જ માનવસમાજનો સહુથી મોટો હિતૈષી છે…. આધ્યાત્મિક સહાયતા પછી માનસિક સહાયતાનું સ્થાન છે. જ્ઞાનનું દાન, ભોજન અને વસ્ત્રના દાનથી ઘણું વધુ શ્રેષ્ઠ છે. ત્યાર પછી છે જીવનદાન અને ચોથું છે અન્ન-દાન.”
આધ્યાત્મિક જ્ઞાનની સાથે-સાથે વ્યાવહારિક જીવનમાં પણ કેવી રીતે પૂરા મનથી અને દક્ષતાપૂર્વક કાર્ય કરવું જોઈએ, તે સંબંધે મા પોતાના ભક્તો અને શિષ્ય-સંતાનોને પોતાના જીવન દ્વારા ઉપદેશે છે. જીવનમાં નૈતિકતાપૂર્વક આજીવિકા અને તેનાથી પ્રાપ્ત થતાં ધન-વસ્તુનો યથોચિત ખર્ચ-ઉપયોગ કરવો એ પણ એક કુશળતાવાળું કાર્ય છે.
આપણી પાસે જો ધન વધુ છે પણ તેનો ઉચિત ઉપયોગ કરતાં આપણને ન આવડે તો અંતે પસ્તાવું જ પડે છે. દર વર્ષે જ્યારે આવશ્યક વસ્તુઓ જેમ કે ચોખા, દાળ, ગોળ વગેરે સસ્તાં અને સારાં મળતાં હોય, ત્યારે જ મા તે ખરીદવાની વ્યવસ્થા કરતાં. વરસાદ પહેલાં જ અગ્નિ માટે લાકડાં એકઠાં કરી લેવાં, ઘરની અંદર-બહાર મરામત કરાવવી, છત-છપ્પર સરખું કરાવી લેવું—આ બધું કામ તેઓ સારી રીતે કરાવી લેતાં.
તેઓ છાણાં થાપીને ચોમાસા માટે સંઘરી રાખતાં. કોઈ વસ્તુ વ્યર્થ ન જાય તેનું ધ્યાન રાખતાં. પાર્સલ-પેકેટના કાગળ વગેરેને સાંભળીને રાખતાં, જેથી સમય પ્રમાણે તેનો યોગ્ય ઉપયોગ કરી શકાય. તેઓ ધ્યાન રાખતાં કે શાકભાજી, ભાતનું ઓસામણ વગેરે ગાયને અપાયું છે અને કોઈ ગરીબ-દુઃખી ન આવવાથી બચેલું અન્ન નકામું ન જાય, તેથી એ પણ ગાયને ખવડાવી દેવામાં આવે તેની વ્યવસ્થા કરતાં.
આ બધાં કામોમાં ગોલાપમાની સતર્ક દૃષ્ટિ અને સુંદર વ્યવસ્થાનાં વખાણ કરીને મા બીજાને શિક્ષણ આપવા માટે કહેતાં, “ગોલાપ મારી કોઈ પણ વસ્તુ ખરાબ નહિ કરે, ત્યાં સુધી કે શેરડીના કૂચાને પણ સૂકવીને રાખી લેશે કે જેથી અગ્નિ પેટાવવામાં તે કામ આવે.”
અહીં આપણે માની વ્યવહાર-કુશળતા જોઈએ છીએ. માનાં બધાં જ કાર્યો લોકશિક્ષણ માટે જ હતાં. શ્રદ્ધાપૂર્વક દરેક કાર્ય કેવી રીતે કરવું જોઈએ તે શિક્ષણ તેમણે પોતાના જીવન દ્વારા લોકોને આપ્યું છે.
માના જન્મ-સ્થાન જયરામવાટીમાં નવું મકાન બનાવવાથી ગ્રામપંચાયતે તેના પર ચોકીદારી ટેક્સ લગાવી દીધો અને માની અનુપસ્થિતિમાં પહેલાં વર્ષે એક શિષ્યે ચાર રૂપિયાનો વાર્ષિક ટેક્સ ચૂકવી પણ દીધો હતો. પછીના વર્ષે મા ગામમાં જ હતાં. ટેક્સ ભરવા વખતે માએ પોતાના શિષ્યને ટેક્સ બંધ કરવાનો આદેશ આપ્યો. માએ તેને કહ્યું, “અત્યારે તો હું અહીં છું, ભલે પહેલાં ટેક્સ ચૂકવી દીધો, પરંતુ પછીથી જે સાધુ-બ્રહ્મચારી હશે, તેણે તો ભિક્ષા માગીને જ ખાવું પડશે. તે ક્યાંથી પૈસા ભેગા કરશે, ટેક્સ બંધ કરાવવાનો પ્રયત્ન કરો.” માએ પોતાના નામે અરજી કરીને તે ગ્રામપંચાયતના અધ્યક્ષને મોકલાવી અને આગળના વર્ષથી ટેક્સ ભરવાથી મુક્તિ મળી.
ગૃહસ્થ-સંન્યાસી, નાના-મોટા, સધવા-વિધવા જે કોઈ જીવનના જે કોઈ ક્ષેત્રમાં હતા, મા તે પ્રમાણે જ તેને ઉપદેશ આપતાં. એક ભક્તે માને કહ્યું, “મા, હું લગ્ન નહિ કરું.” તરત જ માએ હસતાં હસતાં કહ્યું, “કેમ? સંસારમાં બધું બે-બે છે. જુઓ ને, બે આંખો, બે કાન, બે હાથ, બે પગ, તે જ રીતે પુરુષ અને પ્રકૃતિ.” તે ભક્તે બાદમાં લગ્ન કર્યાં હતાં. કોઈ જો અંતરથી કહેતું કે તે લગ્ન કરવા નથી ચાહતું, તો મા તેને સાધુ બનવા માટે કહેતાં.
મા પોતાના દેવત્વમાં પ્રતિષ્ઠિત થઈને બધું જાણી લેતાં કે કોના માટે શું યોગ્ય છે. શ્રીમાનો આ મનોભાવ બધાં સમજી શકતાં ન હતાં. એક દિવસ કોઈએ ફરિયાદના સ્વરે માને પૂછ્યું, “મા, તમારા માટે તો બધાં જ બાળક જેવાં જ છે. પણ લગ્ન કરવાવાળાને અનુમતિ આપો છો અને સંસાર ત્યાગ કરવાવાળાને ત્યાગની પ્રશંસા કરી તેને ઉપદેશ આપો છો, આ તે કેવી વાત! તમારે તો જે ઉત્તમ માર્ગ હોય તે પર જ બધાને લઈ જવા જોઈએ.” માએ કહ્યું, “જેની ભોગ-વાસના પ્રબળ છે, તે શું મારા રોકવાથી માનશે અને જેણે પુણ્યના પ્રભાવથી આ માયાના ખેલને સમજી લીધો છે અને ઈશ્વરને જ સાર વસ્તુ માને છે, તેની થોડી સહાયતા ન કરું? સંસારમાં શું દુઃખનો અંત છે ખરો?”
વિદ્યાદાત્રીના રૂપમાં શ્રીમાનો જ્ઞાન-ભંડાર બધાને માટે હંમેશાં ખુલ્લો રહેતો. કોઈ ગમે તેવી વ્યક્તિ કેમ ન હોય, કેવળ એક વાર ‘મા’ને પોકારવાથી મા ખુદને રોકી શકતાં નહિ. કોઈ ભદ્ર પરિવારની સ્ત્રી ખોટા રસ્તે ચડી ગઈ અને સૌભાગ્યવશ એક દિવસ પોતાની ભૂલ સમજીને તે ઉદ્બોધનમાં આવીને માના ઘરની બહારથી જ કહ્યું, “મા, મારું શું થશે? હું તમારી પાસે આવવા, આ પવિત્ર મંદિરમાં પ્રવેશ કરવા માટે યોગ્ય નથી.” શ્રીમાએ આગળ આવીને પોતાની પવિત્ર ભુજાઓ તેના ગળામાં વીંટાળી સ્નેહપૂર્વક કહ્યું, “આવ, દીકરી, ઓરડામાં આવ. પાપ શું છે, તે તું સમજી ગઈ છો, અસંતુષ્ટ છો, આવ, હું તને મંત્ર આપીશ. ઠાકુરના ચરણોમાં બધું સમર્પિત કરી દે, પછી ભય શાનો?” અહીં આપણે જોઈએ છીએ કે વિદ્યાદાયિની માએ મંત્ર પ્રદાન કરીને તેને જન્મ-મૃત્યુના ફેરામાંથી બહાર નીકળવાની વિદ્યા પ્રદાન કરી.
સરસ્વતીના રૂપમાં ભક્તને દર્શન પ્રદાન કરવું
સુરેન્દ્રનાથ સેન પૂર્વ બંગાળના હતા અને તેમને સ્વામીજી પર બહુ જ શ્રદ્ધા હતી. તેઓએ બેલુર મઠ જઈને સ્વામીજીને મંત્રદીક્ષા માટે પ્રાર્થના કરી. કોઈ એક શુભ દિવસે સ્વામીજીએ એક પછી એક ત્રણ વ્યક્તિઓને મંત્રદીક્ષા આપી અને છેલ્લે સુરેન્દ્રને બોલાવ્યા. સ્વામીજી કેટલોક સમય ધ્યાનસ્થ થઈ ગયા અને તેમણે સુરેન્દ્રને કહ્યું, “ઠાકુરે મને કહ્યું છે કે હું તમારો ગુરુ નથી. તેમણે મને બતાવ્યું કે જે કોઈ તમને દીક્ષા આપશે તે મારાથી પણ વધુ શ્રેષ્ઠ છે. નિરાશ ન થાઓ. યોગ્ય સમયે તમારી દીક્ષા થશે.” સુરેન્દ્ર દુઃખી થઈ વિચારવા લાગ્યા, “સ્વામીજીથી મહાન બીજું કોણ હોઈ શકે! મને અયોગ્ય જાણીને જ તેઓએ મને દીક્ષા ન આપી અને મારો અસ્વીકાર કર્યો.”
આ ઘટનાના કેટલાક સમય પછી સુરેન્દ્રે સ્વપ્નમાં જોયું કે તે શ્રીરામકૃષ્ણના ખોળામાં બેઠા છે. એ જ સમયે એક દેવીનું ઉજ્જ્વળ રૂપ પ્રગટ્યું અને તેમણે કહ્યું, “આ મંત્ર લો.”
સુરેન્દ્રે પૂછ્યું, “તમે કોણ છો?”
તે દેવીએ કહ્યું, “હું સરસ્વતી છું.” દેવીએ મંત્રનું ઉચ્ચારણ કર્યું અને સુરેન્દ્રને દરરોજ ૧૦૮ વાર એ મંત્રનો જપ કરવાનું કહ્યું. પરંતુ સુરેન્દ્રે ક્યારેય એ મંત્રનો જપ ન કર્યો.
સુરેન્દ્રે આ સ્વપ્નની વાત જ્યારે સ્વામીજીને કરી, તો સ્વામીજીએ કહ્યું, “ઠાકુર કહેતા હતા કે દૈવીસ્વપ્ન હંમેશાં સાચું હોય છે. તેને સ્વપ્નમાં સિદ્ધિપ્રાપ્તિ કહે છે. તમે આ મંત્રનો જપ કરતા રહો, તમને બધું જ પ્રાપ્ત થઈ જશે. તમારે બીજું કશું જ કરવાનું નથી.”
સુરેન્દ્રે કહ્યું, “હું સ્વપ્ન પર વિશ્વાસ નથી કરતો. સ્વપ્ન એક મિથ્યા કલ્પનામાત્ર છે.”
સ્વામીજીએ કહ્યું, “તમારું આ સ્વપ્ન ખરેખર જ સત્ય છે. આ મંત્રનો જપ કરતા રહો અને તમે જોશો કે જે દેવીએ તમને આ મંત્ર આપ્યો છે, તે સશરીર તમારી સમક્ષ પ્રગટ થશે. તેઓ બગલાનો અવતાર છે અને અત્યારે તેઓ સરસ્વતીના રૂપમાં છે.”
સુરેન્દ્રે કહ્યું, “મને આપ શું કહી રહ્યા છો તે સમજાતું નથી.”
સ્વામીજીએ તેમને આશ્વાસન આપ્યું, “સમય આવ્યે તમને એ સમજાઈ જશે. તમે જોશો કે તેમનું બાહ્ય રૂપ શાંત અને સૌમ્ય છે, પરંતુ તેમનું આંતરિક રૂપ ભયંકર છે. દેવી સરસ્વતીનું રૂપ અત્યંત ધીર અને શાંત છે.”
સુરેન્દ્રે કહ્યું, “હું આ બધામાં વિશ્વાસ નથી કરતો.”
સ્વામીજીએ તેમને કહ્યું, “તમે વિશ્વાસ કરો કે ન કરો, આ મંત્રનો જપ કરતા રહો. એનાથી તમારું કલ્યાણ થશે.” પરંતુ સુરેન્દ્રે ક્યારેય પણ સ્વપ્નપ્રાપ્ત મંત્રનો જપ ન કર્યો.
અનેક વર્ષો પછી ૧૯૦૬માં સુરેન્દ્ર તેમના મિત્ર ડૉ. લાલબિહારી સેન સાથે બેલુર મઠમાં દુર્ગાપૂજા જોવા ગયા. સ્વામીજીના શિષ્ય શરતચંદ્ર ચક્રવર્તીએ તેમને જયરામવાટીમાં શ્રીમા શારદાદેવીનાં દર્શન માટે જવા કહ્યું. દુર્ગાપૂજા પછી સુરેન્દ્ર અને લાલબિહારી કામારપુકુર થઈને જયરામવાટી ગયા. બીજે દિવસે શ્રીમાએ તેમને દીક્ષા ગ્રહણ કરવાનું કહ્યું અને થોડાં ફૂલ લાવવા માટે પણ કહ્યું. તે લક્ષ્મીપૂજાનો દિવસ હતો.
સુરેન્દ્ર પછીથી કહે છે, “દીક્ષાના સમયે માએ પોતાનો જમણો હાથ મારા મસ્તક પર રાખ્યો અને ડાબો હાથ દાઢી પર રાખી મંત્ર પ્રદાન કર્યો. જેવો મેં મંત્ર સાંભળ્યો કે તરત જ સ્વપ્ન-પ્રાપ્ત મંત્રદીક્ષાનું સમગ્ર દૃશ્ય મારા માનસપટલ પર ઊભરી આવ્યું અને હું થોડો અસ્થિર થઈ ગયો. ક્ષણભર માટે મારી બાહ્ય ચેતના લુપ્ત થઈ ગઈ, પરંતુ મને આંતરિક આનંદનો અનુભવ થયો. જ્યારે હું સામાન્ય ભાવમાં આવ્યો તો મેં જોયું કે શ્રીમા અને સ્વપ્નમાં પ્રગટ દેવીનું રૂપ એક જ છે. જેવું મેં માને કહ્યું, ‘મા, આ મંત્ર તો બહુ પહેલાં મને સ્વપ્નમાં પ્રાપ્ત થયો હતો.’ તેમણે કહ્યું, ‘ઠીક છે, બેટા, આ એ જ મંત્ર છે ને. તને બરાબર જ મંત્ર મળ્યો હતો.’”
ત્યારે સુરેન્દ્રને સમજાયું કે જે દેવીએ તેમને સ્વપ્નમાં સરસ્વતીના રૂપમાં દર્શન આપ્યાં હતાં અને સ્વામીજીએ પણ જે દેવીનું સરસ્વતીના રૂપમાં વર્ણન કર્યું હતું તે બીજું કોઈ નહિ પણ શ્રીમા શારદાદેવી જ હતાં.
ગીતામાં આપણે જોઈએ છીએ કે શ્રીકૃષ્ણે અર્જુનને દિવ્યદૃષ્ટિ પ્રદાન કરી હતી, કે જેથી તે તેમના વિશ્વરૂપનું દર્શન કરી શકે. તે જ રીતે માના સ્વરૂપનો આપણે સાંસારિક બુદ્ધિથી અંદાજ ન લગાવી શકીએ. માની કૃપાથી સ્વામીજી તેમના સ્વરૂપના વિષયમાં સારી રીતે વાકેફ હતા. તેમણે પોતાના ગુરુભાઈઓને લખ્યું હતું,
“તમે – તમારામાંનો કોઈપણ – હજુ માતાજીના (શ્રીમા શારદામણિદેવીના) જીવનનું અદ્ભુત રહસ્ય સમજી શક્યા નથી. ધીરે ધીરે તે તમે સમજશો. શક્તિ સિવાય જગતનો પુનરુદ્ધાર નથી. આપણો દેશ બધા દેશોથી વધારે નબળો અને પાછળ શા માટે છે? કારણ કે અહીં શક્તિનું અપમાન થાય છે. ભારતમાં તે અદ્ભુત શક્તિને પુનર્જીવિત કરવા માતાજીએ જન્મ ધારણ કર્યો છે; અને તેમને કેન્દ્ર બનાવવાથી જગતમાં ગાર્ગીઓ અને મૈત્રેયીઓ ફરી એક વખત જન્મશે. મારે મન તો માતાજીની કૃપા પિતાની કૃપા કરતાં લાખો ગણી કિંમતી છે. માતાની કૃપા, માતાના આશીર્વાદ મારે મન સાર્વભૌમ બાબત છે….. મને માફ કરજો, પણ માતાજી બાબતમાં હું જરાક અંધશ્રદ્ધાળુ છું. જો માતાજી આજ્ઞા કરે તો તેમના ભૂતો બધું કરી શકે. ભાઈ! અમેરિકા રવાના થતા પહેલાં મેં માતાજીને આશીર્વાદ મોકલવા માટે લખ્યું હતું. તેમના આશીર્વાદ આવ્યા અને એક કૂદકે હું સમુદ્ર પાર કરી ગયો.”
મુંડકોપનિષદમાં વિદ્યા વિશે કહેવામાં આવ્યું છે,
“तस्मै स होवाच-द्वे विद्ये वेदितव्ये इति ह स्म यद् ब्रह्मविदो वदन्ति परा चैवापरा च॥ तत्रापरा ऋग्वेदो यजुर्वेदः सामवेदोऽथर्ववेदः शिक्शा कल्पो व्याकरणं निरुक्तं छन्दो ज्योतिषमिति। अथ परा यया तदक्षरमधिगम्यते॥”
બે પ્રકારની વિદ્યા હોય છે, જેને બ્રહ્મવિદોએ પરા વિદ્યા અને અપરા વિદ્યા જણાવી છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, શિક્ષણ, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ, જ્યોતિષ—આ અપરા વિદ્યા છે અને પરા વિદ્યા એ છે, જેના દ્વારા તે ‘અક્ષર’ (નાશ ન પામવાવાળું) તરીકે ઓળખાય છે. વિદ્યાની પરિપૂર્ણતા ત્યારે થાય છે, જ્યારે વ્યક્તિ પરા વિદ્યા એટલે કે જ્ઞાન દ્વારા સમસ્ત બંધનોને કાપી નાખી પોતાના દિવ્ય સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થાય છે.
સરસ્વતીરૂપિણી શ્રીમા શારદાદેવીએ પોતાના જીવનકાળમાં પોતાનાં અનેક સંતાનોને પરા વિદ્યા પ્રદાન કરી જન્મ-મૃત્યુના બંધનમાંથી, દુઃખ અને દીનતાના બંધનથી મુક્ત કર્યાં અને હજી પણ તેમની વાણી દ્વારા તેમની કૃપા હંમેશાં તેમનાં અગણિત સંતાનો પર વરસી રહી છે.
Your Content Goes Here