(તા. ૯ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ રામકૃષ્ણ મઠ, અમદાવાદ દ્વારા લેખંબા (સાણંદ તાલુકો) ખાતે પ્રાર્થનાભવનના ઉદ્ઘાટન પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંબોધન કર્યું હતું. તે વક્તવ્ય અહીં પ્રસ્તુત છે. – સં.)
આજના આ પાવન અવસરે શ્રી સ્વામી રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી શ્રી વિવેકાનંદજીના ચરણોમાં વંદન. સ્વામી રામકૃષ્ણ પરમહંસના પરમ શિષ્ય સ્વામી વિવેકાનંદજી ભારતના આધ્યાત્મિક વારસાનું નવસંસ્કરણ કરનારા, અનન્ય સત્યાનુરાગી, દરિદ્ર પ્રત્યે અપાર અનુકંપા ધરાવનારા, એમના વિચારોના સંદેશવાહક રહ્યાં છે. વિશ્વનેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વામી વિવેકાનંદને પોતાના આદર્શ માન્યા છે અને યુવાનો તેમના વિચારોનો અનુસરે એ માટે હરહંમેશ પ્રયત્નશીલ રહ્યાં છે. તેમણે સ્વામી રામકૃષ્ણ પરમહંસના સેવા અને યોગ માર્ગને આજીવન અપનાવ્યો છે.
સ્વામીજીના આ વિચારોને વધુ વ્યાપકપણે સાર્થક કરવાનો આજનો આ અવસર છે. આજના આ કાર્યક્રમ માટે દેશ-વિદેશમાંથી સો કરતાં વધુ સંન્યાસીઓ અને હજારો ભક્તો આવ્યા છે, તે બધાને મારી શુભેચ્છાઓ. આજે રામકૃષ્ણ મઠ દ્વારા અહીં નવનિર્મિત પ્રાર્થના હોલ સાધુ-નિવાસનું ઉદ્ઘાટન થયું છે. સ્થાનિક ભક્તોના વર્ષોના પ્રયાસોના પરિણામે આ વિશાળ સેવાયજ્ઞ અમદાવાદના રામકૃષ્ણ મઠની પોતાની ધરતી પર શરૂ થવા જઈ રહ્યો છે. આ પવિત્ર ભૂમિ પર ભવિષ્યમાં શ્રી રામકૃષ્ણ દેવનું વૈશ્વિક મંદિર, ગરીબ, નિરાધાર અને ઓછા સંસાધન ધરાવતા વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, વ્યાવસાયિક તાલીમ કેન્દ્ર, મૂલ્યલક્ષી શિક્ષણ, ચેરિટેબલ હોસ્પિટલ, યાત્રી નિવાસ, વિવેકાનંદ થીમ પાર્ક વગેરે સુવિધાઓ ઊભી થશે. સ્વામી વિવેકાનંદનો તો ગુજરાત સાથે વર્ષો જૂનો નાતો રહ્યો છે.
સ્વામી વિવેકાનંદે અમેરિકા જતા પહેલા સમગ્ર ભારતનો પ્રવાસ કર્યો હતો ત્યારે 1891માં રેલવે મારફતે અજમેરથી સૌ પ્રથમવાર અમદાવાદ આવ્યા હતા. ભારત ભ્રમણનો મોટા ભાગનો સમય તેમણે ગુજરાતમાં વીતાવ્યો હતો એ ગુજરાતનું સૌભાગ્ય છે. ગુજરાતમાં સ્વામીજીને શિકાગો વિશ્વધર્મ મહાસભા વિશે સૌપ્રથમ માહિતી મળી. તેમણે પોરબંદરના પુસ્તકાલયમાં ઘણા શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કરીને વેદાંતના પ્રચાર કાર્ય અને ધર્મસભા માટે મનોબળ દ્રઢ કર્યુ હતું.
અમદાવાદ આવ્યા બાદ સ્વામી વિવેકાનંદના ભ્રમણની શરૂઆત થઈ અને ગુજરાતમાં અલગ અલગ 30 સ્થળો પર ભ્રમણ કર્યું હતું. તેમણે ગુજરાતમાં લગભગ છ મહિનાથી વધુ સમય વિતાવ્યો હતો. સ્વામી વિવેકાનંદે જે સ્થળે ભ્રમણ કર્યું એના તબક્કાવાર વિકાસ માટે રાજ્ય સરકારે લગભગ
રૂ. 120 કરોડના ખર્ચે સ્વામી વિવેકાનંદ ટુરિસ્ટ સર્કિટ વિકસાવવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે, તે અંતર્ગત સ્મારક અને મંદિરો બનાવવાનું આયોજન છે.
શ્રી રામકૃષ્ણએ સ્વયં સ્વામી વિવેકાનંદના મનમાં માનવતાની સેવાની ભાવના જગાડી હતી. ગુરુદેવની આ સેવા ભાવનાને સ્વામી વિવેકાનંદજીએ પ્રેરણા સ્ત્રોત માનીને ‘આત્મમુક્તિ અને વિશ્વના કલ્યાણ’ માટે જનસેવાનો સંકલ્પ કર્યો હતો. પરિણામે, રામકૃષ્ણ મિશનની સ્થાપના સ્વામી વિવેકાનંદ દ્વારા 1897માં બેલુર મઠ ખાતે કરી હતી.
આજે રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન માનવ જરૂરિયાત અને સામાજિક કલ્યાણના વિવિધ ક્ષેત્રે કાર્યરત છે. આ સંસ્થાની દેશ અને વિદેશમાં શાખા કેન્દ્રો છે. એમાં રાજકોટ શહેરમાં આવેલો રામકૃષ્ણ આશ્રમ તો 95 વર્ષ જૂનો છે. આ ઉપરાંત લીંબડી, પોરબંદર, વડોદરા, ભુજ અને આદિપુરમાં શાખા કેન્દ્રો સેવારત છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ 2047માં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે. તે માટે આપણે વિકસિત ગુજરાતતથી વિકસિત ભારત બનાવવા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા “વિરાતસ ભી, વિકાસ ભી”ના મંત્ર સાથે આગળ વધી રહ્યાં છીએ. આપ સૌ અધ્યાત્મ અને માનવકલ્યાણના માર્ગે આગળ વધી દીન-દુઃખિયાની સેવાથી વિકસિત ભારત માટે યોગદાન આપતા રહેશો એવા વિશ્વાસ સાથે વિરમું છું.
Your Content Goes Here