(૩૧ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ સ્વામી બ્રહ્માનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે ‘સ્વામી બ્રહ્માનંદ ચરિત’ નામના હિન્દી પુસ્તકમાંથી કેટલાક અંશોનો સીમાબેન માંડવિયાએ કરેલ અનુવાદ અત્રે પ્રસ્તુત છે. – સં.)
શ્રીરામકૃષ્ણના ત્યાગી સંતાનોમાં રાખલચંદ્ર જ સૌથી પહેલાં એમની પાસે આવ્યા. દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણના પવિત્ર સાંનિધ્યમાં રાખાલના દિવસો ઘણા આનંદમાં પસાર થતા હતા. તેઓ રાત-દિવસ ઠાકુરની નજીકમાં જ હરતા-ફરતા રહેતા, અને ક્યાંય જતા નહીં. ક્યારેક તેઓ ઠાકુરના પગ દબાવતા, ક્યારેક નહાતી વખતે તેલ ચોળી આપતા, કપડાંલત્તાં તૈયાર કરી રાખતા; પરંતુ એમનું મહત્ત્વપૂર્ણ કામ હતું ઠાકુરની પાસે હંમેશાં હાજર રહેવું અને ભાવાવસ્થામાં એમના દેહનું સર્વ પ્રકારે રક્ષણ કરવું. ઠાકુર કલકત્તામાં કોઈ ભક્તના ઘરે અથવા નાટક-થિયેટર જ્યાં પણ જતા, રાખાલ સાથે રહેતા. ભાવાવસ્થામાં ઠાકુર પસંદ કરેલા થોડાક અંતરંગ ભક્તો સિવાય અન્ય કોઈનો સ્પર્શ સહન ન કરી શકતા. સમાધિ અવસ્થામાં ઠાકુરના શુદ્ધ દેહને ધારણ કરવા સિવાય પણ એક બીજું કારણ ઠાકુરે બતાવ્યું હતું. ઠાકુર કેશવચંદ્ર સેનના ઘરે નવવૃંદાવન નાટક જોવા ગયા હતા, સાથે હતા રાખાલ. આનાં કારણોનો ઉલ્લેખ કરતાં ઠાકુરે કહ્યું હતું, ‘મારી એવી અવસ્થા છે કે નજીકમાં જે બેસે છે તે જે પણ કહે છે, તે જ કરું છું, આથી રાખાલને નજીકમાં જ બેસાડ્યો હતો.’ આ રીતે રાત-દિવસ વિભિન્ન પરિવેશમાં ઠાકુરનું દિવ્ય સાંનિધ્ય પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય રાખાલને મળ્યું હતું. સ્વામી સારદાનંદે પણ લખ્યું છે, ‘એમની (રાખાલ) જેમ બીજા કોઈએ ઠાકુરને પવિત્ર સાથ નથી દીધો.’ શ્રીરામકૃષ્ણનાં ચરણ-કમળમાં પૂર્ણ શરણાગત રાખાલ ધીરે ધીરે ઠાકુરના ભાવમાં ભાવિત થઈ ગયા, એમની સંપૂર્ણ સત્તા રામકૃષ્ણમય બની ઊઠી.
નરેન્દ્રનાથ સાથે રાખાલનો પરિચય દક્ષિણેશ્વર તપોવનમાં ઠાકુર શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં વધારે ઘનિષ્ઠ થઈ ઊઠ્યો. ઠાકુર શ્રીરામકૃષ્ણને કેન્દ્ર કરીને એમની વચ્ચે બંધુત્વ દૃઢ બન્યું. પ્રેમસંબંધ હરિ અને હરની સમાન અભિન્ન બની ગયો. અહીં ઉલ્લેખ કરી શકાય છે કે ૧૮૮૪ ઈ.સ.માં રાખાલ જ્યારે થોડાક મહિના વૃંદાવનમાં હતા અને ત્યાંથી પાછા આવીને કલકત્તામાં નિવાસ કર્યો હતો, ત્યારે એ સમયે ઠાકુરના શુદ્ધાત્મા ભક્ત બાબુરામે ઠાકુરની સેવા કરી હતી. બાબુરામની સાથે રાખાલની ઓળખાણ વિદ્યાસાગર મહાશયની શ્યામપુકુરમાં આવેલ મેટ્રોપોલિટન સ્કૂલમાં થઈ હતી. ૧૮૮૨ ઈ.સ.ના પ્રથમ ભાગમાં રાખાલ થોડાક દિવસોે માટે આ વિદ્યાલયમાં દાખલ થયેલા હતા. એ સમયે અભ્યાસ પ્રત્યે ઉદાસીનતા વધતી જઈ રહી હતી અને થોડાક સમય પછી વિદ્યાલય જવાનું એમણે બંધ કરી દીધું હતું. રાખાલ જ એક દિવસ પોતાના આ ભક્ત સહપાઠી બાબુરામને વિદ્યાલયમાંથી રજા પછી દક્ષિણેશ્વર લઈ ગયા હતા. બાબુરામને જોતાં જ ઠાકુર શ્રીરામકૃષ્ણે એમની ઓળખ અંતરંગ ભક્ત રૂપમાં કરી; એમનાં કાર્ય-સાધન હેતુ તેઓ નક્કી થયેલા છે. રાખાલને જોઈને જ બાબુરામને પણ દક્ષિણેશ્વરમાં ઠાકુર શ્રીરામકૃષ્ણ પાસે રહેવાની તીવ્ર ઇચ્છા થઈ. અડચણ બન્યા બાબુરામના આત્મીય-પરિવારજનો. ઠાકુર શ્રીરામકૃષ્ણે બાબુરામ વિશે ભક્તોને કહ્યું હતું, “હું જ્યારે કહેતો, ‘ચાલ્યો આવને’, ત્યારે ઠીક કહેતો, ‘તમે પોતે જ એવું કરી નાખો ને.’ રાખાલને બતાવીને રડતો. કહેતો, ‘તે ઠીક છે.’” ઠાકુરના સંમોહન-આકર્ષણથી બાબુરામે થોડાક સમય પછી દક્ષિણેશ્વરમાં રહેવાની શરૂઆત કરી.
લીલાગુણમણિ જે અંતરંગ પાર્ષદોને લઈને લીલામંચ ઉપર અવતીર્ણ થાય છે, એમનો એમની સાથે તથા પરસ્પર એક ચિરકાલિક ગહન સંબંધ હોય છે. પ્રેમમય લીલાગુણમણિએ દક્ષિણેશ્વરના લીલાસ્થાનમાં પ્રેમનો દરબાર ભર્યો છે. તીવ્ર મધુર આકર્ષણથી એક એક કરીને પાર્ષદો ત્યાં ઉપસ્થિત થઈ રહ્યા છે. થોડા જ પરિચયથી અંતરંગજનો એકબીજાને ઓળખીને પોતાનાથી પણ વધારે નજીકના સમજવા લાગે છે. લીલામય અવતારના નિર્દેશનમાં અધ્યાત્મ વિજ્ઞાનાગારમાં ખોજમાં મગ્ન બનીને ધીરે ધીરે પોતાના વાસ્તવિક પરિચયની શોધ કરે છે, પરમ કરુણામય ભગવાનના અવતરણના તાત્પર્યની ધારણા કરે છે તથા અવતારની લીલામાં સ્વયમ્ની ભૂમિકાને સમજવાનું શીખે છે.
સંસારમંચ ઉપર અવતરણ થતાં જ નિશ્ચલ-મન રાખાલચંદ્ર પોતાની ખુલ્લી આંખોથી ઘર-પરિવાર, બંધુ-બાંધવોમાં જેમને શોધી રહ્યા હતા, એ પરમ પ્રિયની ભાળ મળી દક્ષિણેશ્વર તપોવનમાં. ઠાકુર શ્રીરામકૃષ્ણમાં રાખાલચંદ્રે પોતાના પરમ પ્રેમાસ્પદને મેળવ્યા. શું ફક્ત આ જ? પ્રેમાસ્પદની પ્રેમદ્યુતિમાં એમણે પોતાની દૈવસત્તાની શોધ કરી. લીલાગુણમણિના પ્રેમસ્પર્શથી રાખાલરાજનું રુદ્ધ હૃદયદ્વાર ઉન્મોચિત બની ગયું, પ્રેમનિર્ઝરથી ચારે દિશાઓ ઝગમગી ઊઠી. આ પ્રેમમાધુર્યના આંગિક રૂપમાં મહાન જીવન-શિલ્પકાર શ્રીરામકૃષ્ણ પોતાના નિત્યલીલા સહચર રાખાલચંદ્રના વ્યક્તિત્વને એક અનુપમ રૂપ આપવામાં ઉદ્યમી બન્યા.
રાખાલચંદ્ર જેવા નિત્યસિદ્ધ પાર્ષદો વિશે શ્રીરામકૃષ્ણ કહેતા, ‘તેઓ કેવા છે જાણો છો? જેમ પહેલાં ફળ આવીને ત્યાર પછી ફૂલ આવે છે. પહેલાં દર્શન, ત્યાર બાદ ગુણ-મહિમા વગેરેનું શ્રવણ, પછી મિલન.’ શ્રીરામકૃષ્ણે વળી કહેતા, ‘નરેન્દ્ર અને રાખાલ વગેરે આ જે છોકરાઓ છે, એ નિત્યસિદ્ધ છે. એ જન્મજન્માંતરથી ઈશ્વરના ભક્તો છે. અનેક લોકોને ઘણી સાધના પછી ક્યારેક થોડી ઘણી ભક્તિ પ્રાપ્ત થાય છે, પરંતુ આમને જન્મથી જ ઈશ્વર ઉપર અનુરાગ છે. જાણે સ્વયંભૂ શિવ છે—સ્થાપિત શિવ નહીં.’
Your Content Goes Here