(૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ સ્વામી અદ્‌ભુતાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે આ લેખ અહીં પ્રસ્તુત છે. – સં.)

સ્વામી અદ્‌ભુતાનંદજીનું આખું જીવન અસાધારણ હતું. ઈશ્વર પ્રત્યેનો એમનો એકલક્ષી અભિગમ દરેક રીતે અચરજભર્યો હતો અને શ્રીરામકૃષ્ણના શિષ્યોમાં એ અજોડ હતા. માટે તો સ્વામી વિવેકાનંદે એમને સ્વામી અદ્‌ભુતાનંદ નામ આપ્યું હતું. એનો અર્થ ‘આત્માની અદ્‌ભુત પ્રકૃતિમાંથી શુદ્ધ આનંદ મેળવનાર’ થાય છે. હવેથી એમને અદ્‌ભુતાનંદ કહેવાને બદલે આપણે ‘લાટુ મહારાજ’ કહીશું, કારણ કે એ નામથી જ એ પ્રસિદ્ધ હતા. (સાધુને સંબોધન કરવા માટે ‘મહારાજ’ એ આદરવાચક પદ લગાડાય છે.) સંન્યાસી થયા પછી વરાહનગર મઠમાં એ દોઢ વર્ષ રહ્યા. પછીનાં વરસોમાં મઠના આરંભકાળની ઘણી રસિક વાતો એ કરતાઃ

શશીની (સ્વામી રામકૃષ્ણાનંદજીની) આરતી જોવા જેવી હતી. સૌ ઠાકુરની હાજરી અનુભવતું. કાલીભાઈએ (સ્વામી અભેદાનંદે) ઠાકુરની પૂજાના મંત્રો લખ્યા હતા અને ત્યારથી એ મંત્રો મુજબ જ પૂજા થાય છે. એ દિવસોમાં અમે એકબીજાને એટલું ચાહતા હતા કે ભાગ્યજોગ કોઈ કોઈ બીજા પર ગુસ્સે થયું તો એ ગુસ્સો લાંબો ટકતો નહીં. અમારી મોટાભાગની વાતોનો વિષય હતો ઠાકુરનો અપાર્થિવ પ્રેમ. ‘એ મને વધારે પ્રેમ કરતા,’ એમ કોઈ એક કહે તો, એનો વિરોધ કરી તરત જ બીજો બોલે, ‘ના, સૌથી વધુ પ્રેમ એ મને કરતા.’ એક દિવસે આવી ચર્ચા દરમિયાન હું બોલ્યોઃ ‘ઠાકુર કંઈ મિલકત તો મૂકી ગયા નથી અને તમારો વિવાદ અનંત ચાલ્યા કરે છે. એ કંઈક પૂંજી મૂકી ગયા હોત તો ભગવાન જાણે તમે કોર્ટે ગયા હોત.’ મારા આ બોલે સૌ ખડખડાટ હસી પડ્યા.

મેં જોયું કે મઠમાં સૌ ખૂબ અભ્યાસ કરતા હતા. એક દિવસ મેં ભાઈ શરત (સારદાનંદ)ને પૂછ્યુંઃ ‘તમે આટલાં બધાં થોથાં શું કામ વાંચો છો? તમે સૌએ ભણવાનું પૂરું કર્યું છે તોય આટલું વાંચ વાંચ કરો છો! તમે શું કોઈ પરીક્ષા દેવાના છો?’ શરત બોલ્યાઃ ‘ભાઈ, ગંભીર અધ્યયન વિના ધર્મની સૂક્ષ્મ બાબતો કેમ સમજાય?’ મેં કહ્યુંઃ ‘આ બધી ઝીણી બાબતો વિશે ઠાકુરે કહ્યું છે અને એમને ચોપડી વાંચતાં મેં કદી જોયા નથી.’ શરત કહેઃ ‘એમની વાત સાવ જુદી છે. એમણે પોતે જ કહ્યું છે કે મા કાલી એમને જ્ઞાનના ઢગલા આપતી. આપણે એ પગથિયે પહોંચ્યા છીએ શું કે કદી પણ પહોંચવાની આશા રાખીએ છીએ? આવું જ્ઞાન મેળવવા આપણે વાંચવું જ જોઈએ.’

વાતને મેં ત્યાં જ નહીં છોડી. મેં કહ્યુંઃ ‘ઠાકુર કહેતા કે ચોપડીઓ વાંચીને આપણે સત્યનો એક ખ્યાલ મેળવી શકીએ અને આધ્યાત્મિક અનુભવથી સાવ બીજી જ રીતે.’ તો શરત કહે, ‘જેમણે ગુરુ થવું હોય એમણે શાસ્ત્રાધ્યયન પણ કરવું પડશે એમ એમણે કહ્યું ન હતું શું?’ પછી મને ભાન થયું કે પોતપોતાની મનોદશા મુજબ સૌ જુદું જુદું સમજે છે. ત્યારથી હું મૂંગો રહેવા લાગ્યો.

વરાહનગર મઠના દિવસોને યાદ કરીને લાટુ મહારાજની ધ્યાનની તીવ્રતા વિશે સ્વામી રામકૃષ્ણાનંદે કહ્યું છે, ‘લાટુને અમારે ઘણી વાર સામાન્ય દશામાં લાવવો પડતો અને એને પરાણે ખવરાવવું પડતું. કેટલાય દિવસો એવા જતા કે અમે ફરી ફરી બૂમ મારીએ તો પણ એ ઉત્તર ન આપે એટલે એનું ભોજન એની ઓરડીમાં મૂકી દઈએ. આખો દિવસ પસાર થઈ જાય. વાળુ માટે એને બોલાવવા જઈએ ત્યારે હાથ લગાડ્યા વગરનું એનું બપોરનું ભાણું રાખ્યું હતું ત્યાં જ પડ્યું હોય, એ સીધો સપાટ એમ જ પડ્યો હોય. એના ગળામાં બે કોળિયા પણ ઉતરાવવા માટે અમારે કંઈક યુક્તિઓ કરવી પડતી.’ આમ પ્રેમ અને ઈશ્વર માટેની ઝંખના દ્વારા સાચો સંત દેહભાનથી પર જાય છે.

વરાહનગરમાં લાટુ મહારાજ રાત કેવી રીતે વિતાવતા તે વિશે એક વાર મહેન્દ્રનાથ દત્તને સ્વામી સારદાનંદે કહ્યું હતુંઃ ‘જુઓ, પેલો લુચ્ચો લેટો રાતે જરાય સૂતો નથી. રાત્રિના પ્રારંભે એ સૂવાનો અને નસકોરાં બોલાવવાનો ઢોંગ કરે પણ એ માળા પાસે જ રાખે છે અને બીજા સૌ સૂઈ જાય એટલે બેઠો થઈ એ માળા કરવા માંડે. એક રાતે મેં મણકા પડવાનો અવાજ સાંભળ્યો અને મને લાગ્યું કે ઉંદર ઓરડામાં આવ્યો છે. મેં અવાજ કર્યો એટલે પેલો અવાજ બંધ થઈ ગયો. થોડી વાર પછી ફરી એ ટકટક ચાલુ થઈ. આમ થોડી વાર ચાલ્યું તે મને વહેમ પડ્યો કે એ ઉંદર તો નથી જ. બીજી રાતે હું સૂવાનો ઢોંગ કરતો જ પડ્યો રહ્યો અને ખૂબ સાવધ હતો. જેવો મણકાનો ‘ટપ’ અવાજ સાંભળ્યો તેવી જ મેં દીવાસળી પેટાવી અને કહ્યું, ‘વાહ, તું અમારા સૌ કરતાં ચડિયાતો થવા માગે છે! અમે સૂતા છીએ ને તું માળા કરે છે!’

આધ્યાત્મિકતા ન હોય તો એક સાધુ બીજા સાધુનો આદર કરતો નથી. સ્વામી તુરીયાનંદે કહેલી નીચેની કથાઓ પરથી લાટુ મહારાજ માટેનો એમનો ઊંડો આદર જણાશેઃ

તપ કરવા જવા માટે ઘણા સંન્યાસી ભાઈઓ વરાહનગર મઠ છોડી જતા હતા. ભારતના બીજા પ્રદેશોના સંતોને મળવાની ઇચ્છા મારામાં પણ જાગી. આ વિશે હું મનમાં વિચારી રહ્યો હતો ત્યારે મારી ભીતરમાંથી સાદ સંભળાયોઃ ‘એના જેવો સંત તને બીજે ક્યાં મળશે?’ આશ્ચર્યચકિત થઈ મેં બાજુમાં નજર કરી તો જાડી ચાદર ઓઢીને સૂતેલા ધ્યાનમગ્ન લાટુ મહારાજ મને દેખાયા. મારા મનમાં તરત જ વિચાર સ્ફૂર્યો ‘આના જેવો સંત મને ખરે જ ક્યાં મળવાનો?’ એ જ પળે લાટુ મહારાજ બોલી ઊઠ્યાઃ ‘તમે ક્યાં જશો? અહીં જ તપસ્યા કરવી સારી છે.’ એ વખતે હું મઠમાં જ રહી ગયો.

બીજે એક દિવસે આધ્યાત્મિક બાબતોને લગતી વાતો દરમિયાન મેં કહ્યું, ‘પક્ષાપક્ષી, ક્રૂરતા અને એવા દોષોથી ભગવાન મુક્ત છે.’ એ સમયે તો લાટુ મહારાજ કંઈ ન બોલ્યા પણ જે ગૃહસ્થની સાથે હું વાતો કરતો હતો તેના ગયા પછી એમણે કહ્યુંઃ ‘તમે કેવી વાત કરી? ઈશ્વર જાણે કે નાનું છોકરું છે અને માની માફક તમારે એનો બચાવ કરવો પડે એમ તમને લાગે છે?’ મારો બચાવ કરતાં હું બોલ્યો કેઃ ‘એના મનમાં આવ્યું એમ બધું ઈશ્વર કરતો હોય તો એ શું ચંચળ મનનો આપખુદ છે? એ રશિયાના ઝાર જેવો છે? એ તો કૃપાળુ અને ઉદાર છે.’ આંખ પટપટાવી લાટુ મહારાજ બોલ્યા, ‘તમારા ભગવાનને ટીકામાંથી બચાવવો તે બહુ સારી બાબત છે. પણ આપખુદ ઝાર પણ એના દોર્યા જ ચાલે છે એ તમે નહીં સ્વીકારો?’ વાત ઉપર એમણે કેવો તો અદ્‌ભુત પ્રકાશ નાખ્યો? જાણે પથ્થરમાંથી કોતર્યા હોય તેમ એમના શબ્દો મારી સામે આવી ઊભા.

Total Views: 59

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.