(લેખક રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે. તેઓ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય પણ છે. – સં.)
સ્વામી વિવેકાનંદ દ્વારા દેવી સરસ્વતીનું આવાહન
૧૮૯૩ની શિકાગોની ધર્મસભામાં સમસ્ત વિશ્વમાંથી અનેક ધર્મધુરંધરો આવ્યા હતા. સભામાં આવેલા શ્રોતાઓની સંખ્યા લગભગ ૪૦૦૦ની હતી. એવું કહેવાય છે કે આવું દૃશ્ય વિશ્વના ઇતિહાસમાં પહેલાં ક્યારેય જોવા મળ્યું ન હતું. બધા વક્તાઓ પોતપોતાના ભાષણની પૂર્વતૈયારી સાથે આવ્યા હતા. પરંતુ ભારતની સનાતન વેદાંત પરંપરાનું પ્રતિનિધિત્વ કરવાવાળા સ્વામી વિવેકાનંદે આ પ્રકારની કોઈ પૂર્વતૈયારી કરી ન હતી અને કદાચ તેની કોઈ જરૂરિયાત પણ ન હતી. સ્વામીજીએ એ પહેલાં અમેરિકામાં નાની-મોટી સભાઓમાં સંબોધન જરૂર કર્યું હતું, પરંતુ અમેરિકાના એ ‘આર્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ શિકાગો’માં તેઓ પોતે વિશ્વભરના દિગ્ગજ વક્તાઓ વચ્ચે હતા. આ મહાસભાની ભવ્યતા અને સુંદર વસ્ત્રોમાં સજ્જ વિશ્વના અનેક ધર્મોના વિદ્વાનોની છટાપૂર્ણ વક્તૃતાને જોઈને સ્વામીજી હતપ્રભ થઈ ગયા. તેમણે કહ્યું હતું, “મારું હૃદય જોર-જોરથી ધડકી રહ્યું હતું, જીભ સૂકાઈ ગઈ હતી.” જે હોય તે, નિયત દિવસે બધા વક્તા પોતાનાં તૈયાર કરેલાં ભાષણો વાંચી રહ્યા હતા. આ બધી પ્રવૃત્તિ વચ્ચે સ્વામીજી જાણે શાંત બેઠા હતા. તેમને વારંવાર મંચ પર બોલવાનું કહેવામાં આવ્યું, તેઓ ટાળતા રહ્યા અને અંતે જ્યારે તેઓ પોતાના વક્તવ્ય માટે આવ્યા, તો તેમના પોતાના શબ્દોમાં, “મેં માતા સરસ્વતીનું સ્મરણ કર્યું.” – અને જેવું તેમણે “અમેરિકાનાં મારાં બહેનો અને ભાઈઓ”થી પોતાનું વક્તવ્ય શરૂ કર્યું, ત્યારે તે પછીનો ઇતિહાસ આપ બધા જાણો છો. સ્વામીજીના શબ્દોમાં કહીએ તો, “બે મિનિટ સુધી કાનને બહેરા કરી મૂકે તેવો તાળીઓનો ગડગડાટ થતો રહ્યો.”
અહીં આપણે જોયું કે સ્વામીજીએ કહ્યું કે મેં સરસ્વતી દેવીનું સ્મરણ કર્યું… વિશ્વના ઇતિહાસમાં આ એક આશ્ચર્યજનક ઘટના છે કે સ્વામી વિવેકાનંદે આપેલા જે ઐતિહાસિક વ્યાખ્યાનનો આરંભ મા સરસ્વતી દેવીના સ્મરણથી થયો, તે જ વ્યાખ્યાનની- હા, વ્યાખ્યાનની, કોઈ વ્યક્તિ કે ઘટનાની નહિ, થોડા સમય પહેલાં સમસ્ત વિશ્વમાં ૧૨૫મી વર્ષગાંઠ મનાવવામાં આવી. સ્વામીજી જ્યારે નરેન્દ્રનાથના રૂપમાં સાધક હતા, ત્યારે તેઓ મા કાલીને માનવા લાગ્યા હતા અને પરિવ્રાજક અવસ્થામાં પણ તેમને અનેક દેવ-દેવીઓનાં દર્શન થયાં હતાં. પરંતુ જ્યારે તેઓ અમેરિકાની ધરતી પર ભારતની સનાતન વૈદિક પરંપરાનું પ્રતિનિધિત્વ કરતા હતા ત્યારે પોતાના ભાષણના આરંભમાં તેઓ વિદ્યાની દેવી સરસ્વતીનું સ્મરણ કરતા હતા. સ્વામીજીએ તે વખતે કાલી, દુર્ગા અથવા અન્ય દેવીનું નામ ન લઈને વાણીની દેવી શ્રીસરસ્વતીદેવીનું સ્મરણ કર્યું અને વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી સ્વામીજીની જિહ્વાથી મુખરિત થઈ ઊઠી.
દેવી સરસ્વતીનું સ્વરૂપ
પુરાણોમાં સરસ્વતીને બ્રહ્માનું શક્તિરૂપ કહેવામાં આવ્યું છે. તેમની ઉત્પત્તિ વિશે અનેક કથાઓ છે. સરસ્વતીનો શાબ્દિક અર્થ છે—વહેવાવાળી. ઋગ્વેદમાં સરસ્વતીનું વર્ણન પવિત્ર નદીના રૂપે અને તેની અધિષ્ઠાત્રી દેવીના રૂપે છે. સારદા, વાગીશ્વરી, મહાવિદ્યા, બ્રાહ્મી, વગેરે સરસ્વતીનાં વિવિધ નામો છે. તેમને કલા, વિજ્ઞાન, શિલ્પ વગેરે સમસ્ત જ્ઞાનની મૂર્તિ માનવામાં આવે છે. જ્ઞાનને અંધકારરૂપી અજ્ઞાનનું વિરોધી માનવામાં આવે છે. તેઓ પણ જ્ઞાનનું ઓજસ પ્રદાન કરી આપણને પવિત્ર કરે છે, એટલા માટે તેમનું વર્ણન શુભ્રરૂપે છે. તેઓ સમગ્ર જ્ઞાન-વિદ્યાઓની અધિષ્ઠાત્રી છે, એટલા માટે તેમનું રૂપ અત્યંત સુંદર અને મનને હરી લેનારું છે. તેમનું વાહન હંસ છે અને કેટલાંક પૌરાણિક સાહિત્યમાં મયૂર-મોરને પણ તેમના વાહન તરીકે દર્શાવવામાં આવ્યો છે.
તેઓ જ્ઞાનની અધિષ્ઠાત્રી છે, તેથી તેમના ડાબા હાથમાં ગ્રંથ વિદ્યમાન છે. ગ્રંથ સમસ્ત દુન્યવી જ્ઞાનનું પ્રતીક છે. પરંતુ બૌદ્ધિક જ્ઞાન સાથે જો ભાવનાઓ સંમિલિત ન હોય તો તે શુષ્ક થઈ જાય છે, એટલા માટે તેમના હાથમાં વીણા છે, જે સમસ્ત કલાઓનું પ્રતીક છે. તેમના જમણા હાથમાં રહેલી જપમાળા આધ્યાત્મિક સાધનાનું પ્રતીક છે. કેટલાક લોકો એમ પણ કહે છે કે સરસ્વતી દેવીના જમણા હાથમાં જપમાળા અને ડાબા હાથમાં પુસ્તક એમ દર્શાવે છે કે આધ્યાત્મિક જ્ઞાન અન્ય બધાં જ જ્ઞાનથી શ્રેષ્ઠ છે. દેવીનું વાહન હંસ વિવેકનું પ્રતીક છે, જેમ હંસ દૂધને પાણીથી અલગ કરી કેવળ સાર ભાગને જ ગ્રહણ કરે છે , તેમ સાધક અથવા વિદ્યાર્થી પણ પોતાના જીવનમાં મિથ્યાનો ત્યાગ કરી માત્ર સત્યને જ ગ્રહણ કરે.
ભારતમાં મોટા ભાગનાં રાજ્યોમાં વસંત પંચમી અથવા મહા મહિનાની શુક્લ પાંચમને દિવસે સરસ્વતી દેવીનું પૂજન થાય છે. આ દિવસે ઘણા લોકો પોતાનાં બાળકોને અક્ષરજ્ઞાનનો આરંભ કરાવે છે. વસંતને બધી ઋતુઓનો રાજા માનવામાં આવે છે. આ ઋતુમાં ખેતરોમાં પાક લહેરાતો હોય છે, ફૂલ ખીલવા માંડે છે અને પ્રકૃતિ તેની અનુપમ છટાથી રમણીય થઈ ઊઠે છે. આ દિવસે દેવી સરસ્વતીનું પ્રાગટ્ય થયું હતું, તેથી વસંત પંચમીને દિવસે સરસ્વતી દેવીની વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે. અભ્યાસમાં રત વિદ્યાર્થીઓ આ દિવસે દેવી પાસેથી વિદ્યા, બુદ્ધિ, કલા અને જ્ઞાન માટે પ્રાર્થના કરે છે.
વિદ્યાનું મહત્ત્વ
જીવનમાં વિદ્યા પ્રાપ્ત કરવી એ બહુ મહત્ત્વનું હોય છે. વિદ્યાના વિષયમાં આ શ્લોક પ્રસિદ્ધ છે,
मातेव रक्षति पितेव हिते नियुक्ते कान्तेव चापि रमयत्यपनीय खेदम्।
लक्ष्मीं तनोति वितनोति च दिक्षु कीर्तिम् किं किं न साधयति कल्पलतेव विद्या॥
અર્થાત્ વિદ્યા માતાની જેમ રક્ષણ કરે છે, પિતાની જેમ હિત કરે છે, પત્નીની જેમ થાક દૂર કરી મનને પ્રફુલ્લિત કરે છે, શોભા પ્રાપ્ત કરાવે છે અને ચારે દિશાઓમાં કીર્તિ ફેલાવે છે. સાચે જ, કલ્પવૃક્ષની જેમ આ વિદ્યા શું શું સિદ્ધ નથી કરતી?
આપણે બધા લોકો વાતવાતમાં એમ કહીએ છીએ કે અમુક વ્યક્તિ શુભ-સારા સંસ્કારવાળો છે અને અમુક વ્યક્તિના સંસ્કાર સારા નથી. હિન્દુ જીવનશૈલીનું સારી રીતે ચિંતન કરવાથી આપણે જોઈએ છીએ કે જન્મથી લઈ મૃત્યુ સુધીનું આપણું સમસ્ત જીવન સંસ્કારોમાં આબદ્ધ છે. જેમના સંસ્કાર અશુભ છે, તેઓ જીવતા હોવા છતાં પશુ સમાન છે, કારણ કે ખુદ પોતાનું કલ્યાણ તો તે સાધી નથી શકતા, ઊલટાનું તે સમાજ પર બોજ બનીને તેનું અમંગળ જ કરે છે. હિન્દુ જીવનશૈલીને આપણા ઋષિઓએ સોળ સંસ્કારોમાં વિભાજિત કરી છે. આમાંથી પ્રત્યેક સંસ્કાર જાણે કે મનુષ્યના વ્યક્તિત્વમાં વૃદ્ધિ કરીને તેને આ લોક અને પરલોકની સત્યતા બતાવી તેના માટે ક્રમાનુસાર મોક્ષપ્રાપ્તિનો માર્ગ ચીંધે છે. તેમાં વિદ્યારંભ અને વેદારંભના સંસ્કાર છે. વિદ્યા મનુષ્યને પશુત્વમાંથી ઉપર લઈ જઈ દેવત્વમાં પ્રતિષ્ઠિત કરે છે. એટલા માટે આપણાં શાસ્ત્રોમાં વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી—સરસ્વતી દેવીનું સર્વત્ર યશોગાન કરવામાં આવ્યું છે. પરંતુ એ વિદ્યા કેવી હોવી જોઈએ—સા વિદ્યા યા વિમુક્તયે, વિદ્યા એવી હોય જે આપણને સુખ-દુઃખ, લાભ-હાનિ, જન્મ-મૃત્યુ વગેરે દ્વંદ્વથી મુક્ત કરી મોક્ષ-કલ્યાણની પ્રાપ્તિ કરાવે.
Your Content Goes Here