(લેખક શ્રી હરેશભાઈ ધોળકિયા 25 વર્ષ શિક્ષણકાર્ય સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક છે. રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે તેઓ વર્ષોથી જોડાયેલા છે. ૧૪મી માર્ચના રોજ ચૈતન્ય મહાપ્રભુની જયંતી નિમિત્તે લેખ અહીં પ્રસ્તુત છે. – સં.)

ભારતીય સંસ્કૃતિએ વિશ્વને જે ઉત્તમ સંતો આપ્યા છે તેમાં એક ચૈતન્ય મહાપ્રભુ છે. જેમ જ્ઞાનમાં શંકરાચાર્ય થયા, તેમ ભક્તિમાં સર્વશ્રેષ્ઠ એવા ચૈતન્ય થયા. તેમને માત્ર વાંચીએ તો પણ, આજે સદીઓ પછી પણ, વાચક ભક્તિથી છલકાઈ જઈ શકે છે.

ચૈતન્યનો જન્મ બંગાળમાં ઈ.સ ૧૪૮૬ની ૧૮ ફેબ્રુઆરીના રોજ નવદ્વીપમાં થયો. તેમના પિતાનું નામ જગન્નાથ અને માતાનું નામ શચિ હતું. આ બાળકનું નામ વિશ્વમ્ભર રાખવામાં આવ્યું. આ દિવ્ય કાંતિવાળા બાળકને જોઈ બધાના મનમાં વાત્સલ્ય ઊભરાઈ આવતું. પિતાના મનમાં એ વાત ઠસી ગઈ કે આ પુત્ર અવશ્ય કોઈ દિવ્ય પુરુષ છે. એમ પણ કહેવાય છે કે ઘર પાસે એક લીમડાનું વૃક્ષ હતું તેથી બધા બાળકને ‘નિમાઈ’ નામે પોકારતા.

નિમાઈ નાના હતા ત્યારે બહુ જ રડતા હતા. એટલે તેમની માતાએ તેમને સતત તેડી રાખવા પડતા હતા. તેને કારણે તેઓ ઘરનું કામ બરાબર કરી શકતાં ન હતાં. તે પોતે રડી પડતાં. એક વાર નિમાઈ રડતા હતા ત્યારે કશું ન સૂઝવાથી માતા હરિકીર્તન ગાવા લાગ્યાં. આ સાંભળતાં જ નિમાઈ ચૂપ થઈ ગયા. ત્યારથી જ્યારે પણ નિમાઈ રડતા, તો માતા આ કીર્તન કરતાં.

નિમાઈ જેમ જેમ મોટા થતા ગયા, તેમ તેમ તે ખૂબ તોફાની થતા ગયા. આમ તો તે બધાંની આંખોના તારા હતા, પણ જ્યારે તોફાને ચડતા, ત્યારે મા વિવશ થઈ જતી અને તેને કેમ મનાવવા તે તેને ન સૂઝતું.

તે સમયે જ્યારે સ્ત્રીઓ નવરી પડતી, ત્યારે તેઓ સાથે મળીને ‘હરિ બોલ’, ‘હરિ બોલ’નું મધુર સંકીર્તન કરતી. ત્યારે હાજર બાળકો પણ તાળી દઈ સાંભળતા. નિમાઈ પણ તે સાંભળતા, પણ તે માત્ર તાળીઓ જ ન પાડતા, પણ તલ્લીન થઈ એવું નૃત્ય કરતા કે તે સમયે તેમને પોતાને પણ કોઈ જ સુધ ન રહેતી. સ્ત્રીઓ માટે આ ઘટના મનોરંજનનું સાધન બની ગયું. તે તેમને ખાવા-પીવાની વસ્તુઓનો લોભ બતાવી બોલાવતી અને સંકીર્તન કરતી અને નિમાઈ કલાકો સુધી નાચતા. ક્યારેક તો તે નૃત્ય કરતાં કરતાં બેશુદ્ધ થઈ જતા. શચિને આ ન ગમતું. તે તેમને અટકાવવાનો પ્રયાસ કરતી, પણ નિમાઈ તેનું ન માનતા અને નૃત્ય તો કરતા જ.

નિમાઈ પાંચ વર્ષના થયા, ત્યારે તેમને શાળાએ મૂકવામાં આવ્યા. નિમાઈ ખૂબ જ મેધાવી હતા એટલે તેમને તરત જ લખવા-વાંચવાનું શીખી લીધું. આ દરમ્યાન તેમના મોટા ભાઈએ અચાનક સંન્યાસ લીધો અને ઘર છોડી ચાલ્યા ગયા. તેના પરિણામે પિતાને ખૂબ જ આઘાત લાગ્યો. તેમને ડર લાગ્યો કે તેમનો બીજો પુત્ર નિમાઈ પણ વધારે અધ્યયન કરીને ક્યાંક સંન્યાસી ન થઈ જાય. એટલે તેમને નિમાઈને ભણવાની મનાઈ કરી દીધી. નિમાઈ તો સ્તબ્ધ થઈ ગયા. તે પિતાનો વિરોધ ન કરી શક્યા, પણ તેના વિરોધમાં તેમણે વધારે તોફાન કરવાનું શરૂ કર્યું. આસપાસના લોકો તેમનાં તોફાનોથી ત્રાસી ગયા અને ફરિયાદ કરવા લાગ્યા. છેવટે માતાએ પિતાને સમજાવ્યા કે તે નિમાઈને આગળ ભણવા દે. પિતા માની ગયા અને ફરીથી તેમનું અધ્યયન શરૂ થયું. તે પહેલાં તેમને ઉપનયન-સંસ્કાર આપવામાં આવ્યા. તે દરમ્યાન પિતાએ તેમના કાનમાં ગાયત્રી મંત્રનો ઉચ્ચાર કર્યો. જેવો તે મંત્ર બોલ્યા કે નિમાઈ આવેશમાં આવી ગયા અને બેભાન બની ગયા. તેમની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યાં. તે સમયે બધા ચિંતા કરતા હતા, ત્યારે એક પંડિતે કહ્યું, “ચિંતા ન કરો. જુઓ તો, તેના ચહેરા પર કેવી મનમોહક છટા છે! આ તો જાણે મુરલીમનોહર દર્શન આપી રહ્યા છે. એનું દર્શન કરી જીવન સફળ કરી લો.”

હવે નિમાઈ ધ્યાન દઈ ભણવા લાગ્યા. ન્યાયશાસ્ત્ર શીખવા લાગ્યા.

આ દરમ્યાન તેમના પિતાનું અવસાન થયું. નાના નિમાઈએ ઘરની જવાબદારી ઉપાડી લીધી અને માની પણ સેવા કરવા લાગ્યા. સાથે અધ્યયન પણ ચાલુ રાખ્યું. થોડા જ સમયમાં ન્યાય અને અલંકારશાસ્ત્રમાં પ્રવીણતા મેળવી લીધી. તેમની કીર્તિ ચારે તરફ ફેલાઈ ગઈ. તારુણ્ય અવસ્થામાં જ તેમણે ન્યાય પર એક ગ્રંથ લખ્યો, પણ તેમના મિત્રે પણ લખ્યો હતો, એટલે મિત્રને માન આપવા તેમણે પોતાના ગ્રંથને નદીમાં પધરાવી દીધો.

સમય જતાં નિમાઈનાં લગ્ન લક્ષ્મી સાથે થયાં. પણ થોડા જ સમયમાં પત્નીને સાપ કરડ્યો અને તેનું મૃત્યુ થઈ ગયું. થોડા સમય પછી તેમની માતાએ તેમનો વિવાહ ફરી વિષ્ણુપ્રિયા સાથે કરી દીધો. બંનેનો સંસાર સરસ રીતે ચાલવા લાગ્યો.

એક વડીલની સૂચનાથી નિમાઈ પિતાનું શ્રાદ્ધ કરવા ગયા ગયા. ત્યાં શ્રીકૃષ્ણના મંદિરમાં ગયા અને શ્રીકૃષ્ણની મૂર્તિ જોઈ કે તે ભાવાવેશમાં આવી ગયા અને તેમના શરીરમાં એક જાતનો અલૌકિક આનંદ વ્યાપી ગયો. બધા તેમનું દિવ્યરૂપ જોઈ રહ્યા. તે ભાવાવેશમાં પડવા જતા હતા પણ એક સંન્યાસીએ તેમને પકડી લીધા. આ સંન્યાસી ઈશ્વરપુરી હતા, જેમને નિમાઈ ઓળખાતા હતા. નિમાઈએ તેમને વિનંતી કરી કે તે તેને કૃષ્ણ-ભક્તિ શીખવી દે. પણ ઈશ્વરપુરી જાણતા હતા કે નિમાઈ તો ઉચ્ચ પ્રકારના ભક્ત હતા. એટલે તેમણે સ્મિત કર્યું અને બોલ્યા, “નિમાઈ, તમે તો પોતે જ ખુદ કૃષ્ણ છો, તમે જ બધાને ભક્તિ શીખવવા આવ્યા છો. તમને ભક્તિ શીખવવાની મારી શી હેસિયત?” છતાં નિમાઈએ વિનંતી કરી કે, “મને કૃષ્ણ-મંત્ર આપો.”

ઈશ્વરપુરીની ખૂબ મનાઈ છતાં નિમાઈએ તેમની પાસેથી જ મંત્ર લીધો. હવે તેમના જીવનમાં આમૂલ પરિવર્તન આવી ગયું. જે નિમાઈ ન્યાયશાસ્ત્રમાં વાદવિવાદ કરતા હતા, તે છોડી દઈને હવે ચોવીસે કલાક કૃષ્ણ-મંત્ર બોલવા લાગ્યા. ક્યારેક તો તે મંત્ર બોલતાં બોલતાં બેહોશ થઈ જતા. તેમણે વિદ્યાર્થીઓને ભણાવવાનું પણ બંધ કરી દીધું. તે વર્ગમાં પણ તાળીઓ પાડી કીર્તન કરતા. બધાએ તેમને સમજાવ્યા કે તે પોતાનું કર્મ કરે, પણ તે કહેતા, “શું કરું? મારું મન મારે વશ નથી. હું કૃષ્ણભક્તિમાં એવો તો લીન થઈ જાઉં છું કે છોકરાઓને ભણાવી નથી શકતો. એટલે મેં શાળા બંધ કરી દીધી છે. અને મને આશીર્વાદ આપો કે હું પાંડિત્યના ખોખલા આડંબરથી પર જઈ મારું ઇચ્છિત સાધ્ય મેળવી શકું.”

હવે વૈષ્ણવ સમુદાયમાં નિમાઈની કીર્તિ પ્રસરવા માંડી. તે આખો દિવસ નગરમાં ફરતા અને ઠેર ઠેર કીર્તન કરતા. તેમના ભક્તો વધતા ગયા અને ભક્તો માટે તેઓ હવે નિમાઈ ન રહેતાં ‘મહાપ્રભુ’ બની ગયા. કોઈ તેમને ગૌરાંગ કહેતું, તો કોઈ ગૌરહરિ કહેતું, તો કોઈ નિમાઈ પંડિત કહેતું. પણ તેમના કારણે નવદ્વીપમાં ભક્તિની પ્રચંડ લહેરો હિલોળા લેવા લાગી. સમય જતાં તેમની સાથે એવા જ એક ભક્ત નિત્યાનંદ ભળ્યા. બંને વચ્ચે એવો તો સંબંધ બંધાઈ ગયો કે તેઓ એકબીજાને કૃષ્ણ-બલરામ કહેતા.

એવું ન હતું કે તે સરળતાથી જીવતા હતા. તેમના ઘણા વિરોધીઓ પણ હતા. તેમને હેરાન પણ કરતા. પણ નિમાઈ તેની પરવા ન કરતા. નગરના પ્રબંધક જગાઈ અને મગાઈ તેમને હેરાન કરતા. પણ સમય જતાં તેમનું હૃદય પરિવર્તન થયું અને તેઓ પણ તેમના ભક્ત બની ગયા. નિમાઈ પાસે જે પણ આવતું તે થોડા જ સમયમાં તેમનું ભક્ત બની જતું.

સમય જતાં તેમને લાગ્યું કે જો તેઓ ગૃહસ્થીમાં રહેશે, તો લોકો તેમની ભક્તિ નહિ શીખે, પણ માન-યશ વગેરે જ શીખશે. એટલે તેમણે સંન્યાસ લેવાનું નક્કી કર્યું. તેમણે માતા અને પત્ની પાસેથી પરવાનગી માગી. માતાએ તો અનિચ્છાએ રજા આપી, પણ પત્નીએ તેમને સરળતાથી રજા આપી, કારણ કે તે જાણતી હતી કે તેના પતિ એક ઉચ્ચ પ્રકારની વ્યક્તિ હતી.

એક રાત્રે નિમાઈએ ગુપ્ત રીતે ઘર છોડી દીધું અને કટવામાં કેશવભારતીના આશ્રમમાં પહોંચ્યા. તેમણે તેમને સંન્યાસ આપવાની વિનંતી કરી, પણ કેશવભારતીએ કહ્યું કે તેમની ઉંમર નાની છે. પણ નિમાઈ ન માન્યા એટલે છેવટે કેશવભારતીએ સંન્યાસ આપવો પડયો. હવે તેમનું નામ ‘શ્રીકૃષ્ણ ચૈતન્ય ભારતી’ પડ્યું. પાછળથી માત્ર ચૈતન્ય જ રહ્યું.

હવે તે જુદાં જુદાં સ્થળોએ ફરતા રહ્યા. પછી તે જગન્નાથપુરીમાં સ્થિર થયા. ત્યાં તે જગન્નાથજીને કૃષ્ણ સ્વરૂપમાં જોતા અને પૂર્ણતઃ તન્મય થઈ જતા.

ચૈતન્યે દક્ષિણ ભારતમાં યાત્રા શરૂ કરી. દક્ષિણનાં વિવિધ યાત્રાધામોની મુલાકાત લીધી. પછી પશ્ચિમ ભારતનાં સ્થળોની પણ મુલાકાત લીધી. પણ જ્યાં તે જતા, ત્યાં બધા તેમના કીર્તનથી મુગ્ધ થઈ જતા અને તેમના શિષ્ય થઈ જતા. તેમના જીવનની દિશા બદલાઈ જતી. આ યાત્રાઓ દરમ્યાન તેમણે જોયું કે સમાજ અને ધર્મનું પતન થયું હતું. ધર્મના નામે અત્યાચાર, ભોગ અને આડંબર ચાલતાં હતાં. તેમણે તે દૂર કરવાનો પ્રયાસ કર્યો. આમ બે વર્ષ યાત્રા કરી તે પુરી પાછા ફર્યા. અહીં તે કૃષ્ણના નામનો પ્રચાર કરતા અને રથયાત્રામાં ભાગ લેતા.

પુરીમાં વસવાટ કરતાં ચૈતન્યને અનેક વર્ષ થઈ ગયાં. હવે તેમને થયું કે તેમનું કાર્ય પૂરું થયું હતું અને પોતે વિદાય લેવી જોઈએ. આ વિચાર પછી તેમનો દિવ્યોન્માદ વધતો ગયો. આહાર, વિહાર, નિદ્રા, વિશ્રામ વગેરે ક્રિયાઓ ઓછી કરતા ગયા. શિષ્યો તેમને મહામહેનતે ભોજન કરાવતા. પણ હવે તેમને પોતાના દેહ પ્રત્યે લેશમાત્ર મોહ રહ્યો ન હતો, દેહ અને પ્રાણ તેમણે પ્રભુને સોંપી દીધા હતા.

છેવટે અડતાલીસમા વર્ષે ૧૪ જૂન, ૧૫૩૪ના રોજ તેમણે પોતાની લીલા સંકેલી લીધી. કહેવાય છે કે રથયાત્રામાં ચોટ લાગવાથી તેમણે દેહ ત્યાગ કર્યો, તો કેટલાકનો મત છે કે તે જગન્નાથમાં સમાઈ ગયા. જે કારણ હોય તે, પણ ચૈતન્ય સદા માટે કૃષ્ણ સાથે એક થઈ ગયા.

Total Views: 24

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.