સુપ્રસિદ્ધ કવિ અને કટાર લેખન, નાટ્ય લેખન અને સંપાદન જેવાં વિભિન્ન ક્ષેત્રોમાં બહુમુખી પ્રતિભા ધરાવતા શ્રી સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી ભાષા ક્ષેત્રે બહુ પ્રખ્યાત છે.

૧૯મી ઓગસ્ટ, ૧૯૪૧માં કચ્છ જિલ્લાના ભુજમાં જન્મેલા શ્રી સિતાંશુ મહેતાએ સેન્ટ ઝેવિઅર્સ કૉલેજ, મુંબઈથી સંસ્કૃત અને ગુજરાતી વિષય સાથે બી.એ.ની ડીગ્રી પ્રાપ્ત કર્યા પછી મુંબઈ યુનિવર્સિટીમાંથી ૧૯૬૫માં એમ.એ. અને ત્યાર બાદ ૧૯૭૭માં પી.એચ.ડી.ની પદવી મેળવી.

અધ્યાપન ક્ષેત્રે તેઓએ પ્રથમ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં અધ્યાપન કાર્ય કર્યું. પછી તેઓએ કેટલાંય વર્ષો સુધી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદને શોભાવ્યું. તેઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પદે રહી ૩ વર્ષ સેવાઓ આપી. સાહિત્ય એકેડેમી દ્વારા ‘એન્સાઇક્લોપીડિયા ઑફ ઇન્ડિયન લિટરેચર’ પ્રકાશિત કરવામાં આવ્યો, તે માટે તેઓને ‘ચીફ એડિટર’ નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ તેઓ કેટલા વિદ્વાન છે, તેનું પ્રમાણ છે. આ સિવાય પણ તેઓની અનેક ઉપલબ્ધિઓ છે.

અનેક પુરસ્કારો તેઓને પ્રાપ્ત થયા છે. તેઓના બહુ પ્રસિદ્ધ કાવ્ય-સંગ્રહ ‘જટાયુ’ને સાહિત્ય એકેડેમી પુરસ્કાર મળ્યો છે. ૧૯૮૭માં ગુજરાતનો સૌથી વધુ ગૌરવમય ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ તેઓને એનાયત કરવામાં આવ્યો. ત્યાર બાદ ૨૯મી માર્ચ, ૨૦૦૬માં ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી અબ્દુલ કલામના વરદ હસ્તે તેઓને ‘પદ્મશ્રી’ પુરસ્કારથી નવાજવામાં આવ્યા. ૨૦૧૭માં ‘સરસ્વતી સન્માન’થી તેઓ વિભૂષિત થયા. આ સિવાય અન્ય કેટલાયે પુરસ્કારો તેઓને પ્રાપ્ત થયા છે.

તેઓએ ઘણાં પુસ્તકો લખ્યાં છે. તેમજ અમેરિકા અને ફ્રાંસ તેમજ અન્ય દેશોમાં તેઓએ ઘણા વિષયો પર ગહન અધ્યયન કર્યું છે અને શોધનિબંધો પણ લખ્યા છે.

રામકૃષ્ણ મિશન સાથેના સંબંધની વાત કરીએ તો જ્યારે શ્રી સિતાંશુ મહેતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર હતા, ત્યારે તેઓએ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં પ્રવચન આપ્યું હતું. આ આશ્રમ સાથે તેઓ સંકળાયેલા હતા.

હાલમાં પણ તેઓ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા કેન્દ્રની મૅનૅજિંગ કમિટીના સભ્ય છે અને ઘણાં વર્ષોથી નિયમિતરૂપે મિટિંગમાં ઉપસ્થિત રહે છે તેમજ સક્રિય ભાગ લે છે. વડોદરામાં પણ જ્યારે કાર્યક્રમો માટે અતિથિરૂપે તેઓને નિમંત્રણ આપવામાં આવ્યું, ત્યારે તેઓ આવ્યા છે અને સુંદર પ્રવચનો આપ્યાં છે.

તેઓનો રામકૃષ્ણ મિશન સાથેનો સંબંધ અનૂઠો છે. તેઓના પ્રપિતામહ શ્રી મણિભાઈ જશભાઈ મહેતા વડોદરાના દીવાન હતા અને તેઓના નિવાસસ્થાને (દિલારામ બંગલામાં) સ્વામી વિવેકાનંદ રોકાયા હતા. સ્વામીજીએ તેઓનું આતિથ્ય ગ્રહણ કર્યું હતું.

જુનાગઢના દીવાન શ્રી હરિદાસ વિહારીદાસ દેસાઈ શ્રી મણિભાઈના ઘનિષ્ઠ મિત્ર હતા, અને તેઓના ખાસ મિત્ર હતા સ્વામી વિવેકાનંદ. હરિદાસ દેસાઈને સ્વામીજીએ લગભગ ૧૩ પત્રો લખ્યા હતા. એ કારણે પણ અમને શ્રી સિતાંશુભાઈ પ્રત્યે વિશેષ સન્માનની ભાવના છે.

જ્યારે તેઓની સાથે મારે ટેલિફોન પર વાત થઈ ત્યારે તેઓએ કહ્યું, “સ્વામીજી, આ કેટલો અદ્‌ભુત સંયોગ છે કે તમારો ફોન આવ્યો અને મારી સામે ટેબલ પર ‘યુગનાયક વિવેકાનંદ’ પુસ્તક છે. હું એ જ વિચારતો હતો કે કેટલો અદ્‌ભુત અનુવાદ થયો છે!” આ પુસ્તક મૂળ બંગાળી ભાષામાં અને ત્યાર પછી હિન્દી અને ગુજરાતીમાં પ્રકાશિત થયું છે.

તેઓ કહે છે, ‘હું માત્ર સ્વામીજી પ્રત્યે જ શ્રદ્ધાવાન છું એમ નહીં, સાથે સાથે તેઓના મિશન તેમજ તેઓના પથ પર ચાલનાર તમામ સંન્યાસીઓ પ્રત્યે મને એટલી જ શ્રદ્ધા છે, આદર છે. સ્વામીજીની જ્યોતને રામકૃષ્ણ મિશનનાં કાર્યો દ્વારા આગળ વધારનાર સંન્યાસીઓ પ્રત્યે પણ મને એટલો જ આદર છે.’

આમ, શ્રી સિતાંશુ મહેતા વર્તમાનમાં ખૂબ જ પ્રસિદ્ધ છે. એમના પર સ્વામી વિવેકાનંદ-સાહિત્યનો પ્રભાવ છે અને તેઓ રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલા છે. અમે તેઓને બહુ આદર સાથે યાદ કરીએ છીએ અને તેઓ પ્રતિ અમારી શ્રદ્ધા અને કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.

શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામીજીના ચરણોમાં એ જ પ્રાર્થના કે તેઓ પર આશીર્વાદો વરસે, તેઓ વધુ યશસ્વી બને, તેમનું ભાગ્ય વધુ ઉજ્જ્વળ બને અને આ જ રીતે તેઓ સ્વામીજીના વિચારોનો પ્રસાર કરતા રહે.

Total Views: 139

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.