(લેખક રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે. તેઓ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય પણ છે. – સં.)
વસંતના આગમનની છડી પોકારતો તહેવાર એટલે હોળી, રંગોનો ઉત્સવ એટલે હોળી, રાધા અને શ્રીકૃષ્ણના શાશ્વત અને દિવ્ય પ્રેમનો તહેવાર એટલે હોળી. વધુમાં અશુભ પર શુભનો – દુષ્ટતા પર સજ્જનતાનો સૂચક તહેવાર એટલે હોળી. આમ, કુદરત અને માનવની વિવિધ ભાવનાઓને દર્શાવતો તહેવાર કે ઉત્સવ, એ છે હોળી.
આમ તો હોળી ભારતીય ઉપખંડમાં ઉજવાતો તહેવાર છે, પરંતુ તે એશિયા તેમજ પશ્ચિમી વિશ્વના અન્ય દેશોમાં પણ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે.
હોળીનો તહેવાર ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે આવે છે. અને તે પછીના દિવસે રંગોનો તહેવાર ‘ધૂળેટી’ મનાવવામાં આવે છે. આમ, હોળી એ બે દિવસનો યુગ્મ તહેવાર છે.
હોળીનો તહેવાર એક પ્રાચીન હિન્દુ પર્વ છે, જેની પોતાની સાંસ્કૃતિક વિધિઓ ગુપ્તકાળ પહેલાં ઉદ્ભવી હતી. રંગોના તહેવારનો ઉલ્લેખ અનેક શાસ્ત્રોમાં જોવા મળે છે. જૈમિનીનાં પૂર્વમીમાંસા સૂત્રો અને નારદ પુરાણ અને ભવિષ્ય પુરાણ જેવા પ્રાચીન ગ્રંથોમાં વધુ વિગતવાર વર્ણન છે. “હોલિકોત્સવ”ના તહેવારનો ઉલ્લેખ રાજા હર્ષ દ્વારા લખાયેલ ૭મી સદીની કૃતિ ‘રત્નાવલી’માં પણ જોવા મળે છે. તેનો ઉલ્લેખ પુરાણોમાં, કવિવર દંડી દ્વારા લખાયેલ ‘દસકુમાર ચરિત’માં અને ચંદ્રગુપ્ત બીજાના શાસનકાળ દરમિયાન કવિ કાલિદાસ દ્વારા ચોથી સદીમાં કરવામાં આવ્યો છે. ‘ગર્ગસંહિતા’ ઋષિ ગર્ગ દ્વારા લખાયેલ એક પૌરાણિક કૃતિ છે, જેમાં રાધા અને કૃષ્ણના હોળી રમતા અદ્ભુત વર્ણનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ તહેવારના ઘણા હેતુઓ છે; સૌથી વધુ, તે વસંતઋતુની શરૂઆતની ઉજવણી સૂચવે છે. ૧૭મી સદીના સાહિત્યમાં, તેને એક તહેવાર તરીકે ઓળખવામાં આવ્યો હતો, જેમાં વસંત-પાકના સંદર્ભમાં તેની ઉજવણી થતી હતી. હિન્દુઓ માને છે કે તે તહેવાર વિવિધ રંગોનો આનંદ માણવાનો અને શિયાળાને વિદાય આપવાનો સમય છે. હોળીનો તહેવાર તૂટેલા સંબંધોને નવેસરથી શરૂ કરવાનો, સંઘર્ષોનો અંત લાવવાનો અને ભૂતકાળની સંચિત ભાવનાત્મક અશુદ્ધિઓથી પોતાને મુક્ત કરવાનો પ્રસંગ છે.
ભાગવત પુરાણના ૭મા અધ્યાયમાં એક પ્રતીકાત્મક દંતકથા જોવા મળે છે, જે સમજાવે છે કે વિષ્ણુ અને ભક્ત પ્રહ્લાદના માનમાં, દુષ્ટતા પર શ્રેષ્ઠતાના વિજય રૂપે હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. હિરણ્યકશિપુ એ દાનવોનો રાજા હતો. તેને બ્રહ્માજીનું વરદાન હતું કે તે ‘દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભૂમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા કોઈ પણ પ્રકારે તેનું મૃત્યુ થશે નહીં’.
આ વરદાનને કારણે તે એમ સમજતો હતો કે પોતે અમર બની ગયો છે. તેને મારવો લગભગ અસંભવ થઈ ગયું. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો, તથા સ્વર્ગ અને પૃથ્વી પર બધે જ હાહાકાર મચાવી દીધો. તેણે ઈશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરાવવાનું શરૂ કર્યું. જો કે, હિરણ્યકશિપુનો પુત્ર પ્રહ્લાદ વિષ્ણુ-ભક્ત હતો. આથી હિરણ્યકશિપુ ગુસ્સે થયો. તેણે પ્રહ્લાદને વિવિધ રીતે મોતની સજાઓ આપી જોઈ. અંતે, પ્રહ્લાદની દુષ્ટ ફોઈ હોલિકાએ તેને છેતરીને પોતાની સાથે ચિતા પર બેસાડી દીધો.
હોલિકા પાસે એક એવી ઓઢણી હતી કે જે તેને ધારણ કરે તેને અગ્નિ પણ બાળી શકે નહીં. પ્રહ્લાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને ભગવાન વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાર્થના કરી. અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી હોલિકાના માથા પરથી ઊડી ગઈ અને પ્રહ્લાદને વીંટળાઈ ગઈ, આથી હોલિકા અગ્નિમાં બળીને ભસ્મ થઈ અને પ્રહ્લાદ સાજો નરવો બહાર આવ્યો.
આમ, હોલિકાનું દહન થયું, તે ઘટના હોળી-ઉત્સવનું કારણ બની. હિન્દુ માન્યતાઓમાં ધર્મ પુનઃસ્થાપિત કરવા માટે અવતાર લેતા શ્રીવિષ્ણુએ સંધ્યા સમયે (જ્યારે નથી દિવસ કે નથી રાત) નૃસિંહ (જે ન તો માનવ છે કે ન તો પ્રાણી)નું રૂપ ધારણ કર્યું. તેઓ હિરણ્યકશિપુને ઊંબરા પર લઈ ગયા (ન તો ઘરની અંદર કે બહાર), તેને પોતાના ખોળામાં બેસાડ્યો (ન તો ભૂમિ, ન તો આકાશ) અને પછી રાજાને પોતાના પંજા (ન તો અસ્ત્ર, ન તો શસ્ત્ર) વડે ચીરી નાખ્યો.
આમ, હોળી અશુભ પર શુભના; હિરણ્યકશિપુ પર પ્રહ્લાદના અને હોલિકાને દહન કરનાર અગ્નિના વિજયની ઉજવણીનું પ્રતીક છે.
સાંસ્કૃતિક મહત્ત્વ
ગુજરાતમાં હોળી બે દિવસનો તહેવાર છે. પહેલા દિવસે સાંજે અગ્નિ પ્રગટાવવામાં આવે છે અને શ્રીફળ, ઇત્યાદિ અગ્નિમાં પધરાવવામાં આવે છે. બીજા દિવસે રંગનો તહેવાર ‘ધૂળેટી’ હોય છે, વિવિધ રંગોને એકમેક પર છાંટીને જેની ખુશીપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતના દરિયાકાંઠે સ્થિત દ્વારકાધીશ જગત-મંદિરમાં શહેરવ્યાપી સંગીત ઉત્સવ સાથે હોળીની ઉજવણી કરવામાં આવે છે.
ઉત્તર પ્રદેશમાં આ દિવસ વિશિષ્ટ રીતે ઉજવવામાં આવે છે. ઉત્તર પ્રદેશના વ્રજમંડલમાં મથુરા નજીક આવેલ બરસાના ગામના રહેવાસીઓ રાધારાણી મંદિરના વિશાળ પરિસરમાં લઠમાર-હોળી ઊજવે છે. પુરુષો સ્ત્રીઓનું ધ્યાન આકર્ષિત કરવા માટે ઉશ્કેરણીજનક ગીતો ગાય છે. પછી સ્ત્રીઓ આક્રમક બને છે અને પુરુષોને મારવા માટે લાઠીનો ઉપયોગ કરે છે, અને પુરુષો ઢાલથી પોતાનું રક્ષણ કરે છે. જ્યારે મહિલાઓ પુરુષોને લાકડીઓથી મારતી હોય છે ત્યારે હજારો લોકો લઠમાર-હોળી જોવા માટે ભેગા થાય છે. બાજુ પર રહેલા લોકો ઉન્માદમાં આવી જાય છે, અને હોળીનાં ગીતો ગાય છે. અહીં હોળીનાં ગીતો સ્થાનિક ભાષા શુદ્ધ વ્રજમાં ગવાય છે.
વ્રજ ક્ષેત્રમાં સ્થિત મથુરા ભગવાન શ્રીકૃષ્ણનું જન્મસ્થળ છે. વૃંદાવનમાં આ દિવસે રાધા-કૃષ્ણની ખાસ પૂજા કરવાની પરંપરા છે. અહીં આ તહેવાર સોળ દિવસ સુધી ચાલે છે. સમગ્ર વ્રજમંડલ અને હાથરસ, અલીગઢ અને આગ્રા જેવાં પડોશી સ્થળોએ, હોળી લગભગ મથુરા, વૃંદાવન અને બરસાનાની જેમ જ ઉજવવામાં આવે છે.
પરંપરાગત ઉજવણીમાં મટકી ફોડનો સમાવેશ થાય છે, જે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી દરમિયાન દહીં હાંડી જેવી જ છે, જે ભગવાન શ્રીકૃષ્ણની યાદમાં ઉજવવામાં આવે છે. આ વ્રજ પ્રદેશ તેમજ ભારતના પશ્ચિમી પ્રદેશની એક ઐતિહાસિક પરંપરા છે.
આ તહેવાર વિવિધ પ્રાંતોમાં વિવિધ નામે ઉજવવામાં આવે છે. ક્યાંક તે ફાગણ પૂર્ણિમા પછી પણ કેટલાક દિવસો સુધી મનાવવામાં આવે છે.
મુઘલકાળમાં ઈદ-એ-ગુલાબી અથવા આબ-એ પાશી નામથી આ ઉત્સવ ઉજવાતો. શીખ સમાજમાં ૩ દિવસના હોલા મહોત્સવમાં માર્શલ આર્ટની પ્રસ્તુતિ થાય છે. બિહાર, પૂર્વી ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં ફાગુઆ (ભોજપુરી ભાષા), ગોવામાં કોંકણી ભાષામાં ઉક્કુલી, ઓરિસ્સામાં દોલપૂર્ણિમા કે પુષ્પદોલા, કર્ણાટકમાં કામદહનમ્, ગુજરાતમાં હુતાસણી વગેરે વિવિધ નામે ભારતમાં ઉજવવામાં આવે છે.
હોળીના દિવસે હોળી પ્રગટાવ્યા પછી મોડી રાત્રી સુધી હોળીની આસપાસ બેસીને જે ગીતો કે દુહાઓ ગાવામાં આવે છે તેને ‘હોળીનાં ફાગ’ તરીકે ઓળખવામાં આવે છે. આ હોળીનાં ફાગ એક પ્રકારે વસંતોત્સવનું પ્રતીક છે, જેમાં શૃંગારિક ભાષાનો ઉપયોગ થાય છે. આમાં પ્રકૃતિનું રસિક વર્ણન તેમજ સ્થાનિક પ્રેમગાથાઓ પણ વણી લેવાયેલાં હોય છે.
વૈષ્ણવ સંપ્રદાયમાં રાધા-કૃષ્ણ કે ગોપીજનો વચ્ચે રમવામાં આવતી હોળીના વર્ણનનાં સુંદર ગીતો મળી આવે છે, જે મહદંશે વ્રજ ભાષામાં હોય છે. કેટલાક પ્રાંતમાં રંગોળી, કવિ સંમેલનો, સાંસ્કૃતિક નૃત્ય-ગાન તેમજ અન્ય રમતો દ્વારા પણ ઉજવણી કરવામાં આવે છે.
ગુજરાતી, હિન્દી અને અન્ય ભારતીય ચલચિત્રોમાં હોળીનાં ગીતો ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. ભારતના મહાન ભક્ત કવિઓએ પણ હોળીનું વર્ણન કરતાં ભજનો લખ્યાં છે.
આમ, હોળી એ વિવિધ ભાવનાઓથી વિભિન્ન નામે સમગ્ર ભારતમાં ઉજવાતો ઉત્સવ છે. ટૂંકમાં, નાત-જાતના ભેદભાવ, દોસ્ત-દુશ્મનના ભેદભાવ વગર પ્રેમથી ઉજવાતો આ તહેવાર ભારતમાં અને અન્ય દેશોમાં પણ પૌરાણિક, સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવે છે.
Your Content Goes Here