(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્‍યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’નું શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતર અહીં પ્રસ્તુત છે. – સં.)

મહાભારતની નાયિકા

પાંચાલના રાજા દ્રુપદ નિ:સંતાન હતા. એક મહાત્માની સલાહથી તેમણે એક યજ્ઞનું અનુષ્ઠાન કર્યું. દ્રોણ દ્વારા અપમાનિત થયા પછી દ્રુપદ તેનો બદલો ન લઈ શકવાથી વેરની આગમાં બળી રહ્યા હતા. તેમની ખાસ ઇચ્છા હતી કે આ યજ્ઞ દ્વારા એક એવો પુત્ર જન્મ લે, જે તેના અપમાનનો બદલો લઈ શકે.

યજ્ઞની સમાપ્તિ પછી તે અગ્નિમાંથી એક યુવક પ્રગટ થયો. તેનું શરીર જ્યોતિ-શિખા સમાન ચમકી રહ્યું હતું. એ જ સમયે આકાશમાંથી એક દિવ્ય-વાણી સંભળાઈ, ‘આ દિવ્ય યુવક તમારો પુત્ર છે. તેનું નામ ધૃષ્ટદ્યુમ્ન રાખો. સમય આવ્યે તે દ્રોણથી થયેલા તમારા અપમાનનો બદલો લેશે.’ તે પછી એ જ અગ્નિમાંથી એક સુંદર યુવતી પ્રગટ થઈ. તેનું નામ ‘કૃષ્ણા’ રાખવામાં આવ્યું અને પછીથી તે દ્રુપદની પુત્રી દ્રૌપદીના નામથી ઓળખાવા લાગી. બંનેને પ્રાપ્ત કરીને દ્રુપદ બહુ આનંદિત થઈ ગયા.

પાંડવો જ્યારે એકચક્રા નગરીમાં નિવાસ કરતા હતા ત્યારે તેમણે સાંભળ્યું કે દ્રુપદ પોતાની પુત્રી માટે વરની પસંદગી કરવા એક સ્વયંવરનું આયોજન કરવાના છે. કુંતીને જાણ થઈ કે તેમના પુત્રો પણ સ્વયંવરમાં ભાગ લેવા ઇચ્છુક છે. તે પ્રદેશના ઘણા બ્રાહ્મણો સ્વયંવર-સમારોહમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. પાંડવો પણ બ્રાહ્મણોના વેશમાં તે લોકોની સાથે ચાલી નીકળ્યા. લાંબી યાત્રાથી થાકેલા પાંચેય પાંડવો માતાની સાથે સુંદર પાંચાલ નગરીમાં જઈ પહોંચ્યા. એક કુંભારના ઘેર એ લોકોની રહેવાની વ્યવસ્થા થઈ. તેઓ સમારોહ માટે ખૂબ સુંદર રીતે સજાવેલ નગરમાં ફરવા લાગ્યા. ત્યાં નૃત્ય, ગીત અને રમતોના રૂપે આંખ અને કાનને સુખ આપનાર અનેક પ્રકારના મનોરંજનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમારોહ નિરંતર ચૌદ દિવસ સુધી ચાલતો રહ્યો. સ્વયંવર માટેનો નિર્ધારિત દિવસ આવી પહોંચ્યો અને બધા ઇચ્છુક રાજાઓ મંડપમાં એકત્ર થઈ ગયા. પાંડવો પણ સભામાં જઈ બ્રાહ્મણોની વચ્ચે બેસી ગયા. દેશના બધા જ ભાગોમાંથી અનેક વીર રાજાઓ ત્યાં આવેલ હતા. અન્ય લોકોની સાથે જ દુર્યોધન અને તેના ભાઈઓ તથા કર્ણ અને કૃષ્ણ પણ ત્યાં પધાર્યા હતા. સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક રાજાઓ અને દર્શકોની ભારે ભીડથી સભાગૃહ ખચોખચ ભરાઈ ગયું હતું.

જ્યારે બધા લોકો શાંતિથી બેસી ગયા ત્યારે રાજા દ્રુપદે દ્રૌપદીના પ્રવેશની ઘોષણા કરી. દ્રૌપદીના ભાઈ ધૃષ્ટદ્યુમ્ન તેને સાથે લઈને મંડપમાં આવ્યા. માથાથી પગ સુધી આભૂષણોથી સુંદર રીતે સજાવેલ અને અપ્સરા સમાન દેખાતી દ્રૌપદી હાથી પર સવાર થઈ મધુર સંગીતના ધ્વનિ વચ્ચે સભાકક્ષમાં આવી પહોંચી. બધાની આંખો પ્રવેશદ્વાર પર હતી. રેશમી વસ્ત્રો ધારણ કરેલ તે એક સુંદર મૂર્તિ સમાન લાગી રહી હતી. દ્રૌપદીએ હાથી પરથી નીચે ઊતરી અને હાથમાં માળા લઈને અત્યંત લજ્જાપૂર્વક ધીરે ધીરે સભામંડપમાં પ્રવેશ કર્યો. ધૃષ્ટદ્યુમ્ને તેને સાથે લઈને મંડપની વચ્ચે પહોંચી મોટા અવાજ સાથે સ્પષ્ટ શબ્દોમાં ઘોષણા કરી, ‘આ રહી રાજકુમારી અને સામે ધનુષ રાખ્યું છે; લક્ષ્ય તરીકે એક લાંબા સ્તંભના શિખર પર એક સોનેરી માછલી રાખવામાં આવી છે. લક્ષ્યની નીચે એક છીદ્રોવાળું ઝડપભેર ફરતું ચક્ર છે. જે કોઈ પણ આ છિદ્રમાંથી સતત પાંચ બાણ ચલાવીને દરેક વખતે લક્ષ્યને ભેદી શકશે, તેની જ સાથે મારી બહેન દ્રૌપદીનું લગ્ન થશે.’

સુપ્રસિદ્ધ રાજાઓ વારાફરતી ઊભા થયા અને તે વિશાળ ધનુષ સુધી ગયા, પણ બહુ પ્રયત્ન કરવા છતાં પણ તે ધનુષને જમીન પરથી ઊંચકી પણ ન શક્યા. તેમાંથી કેટલાક તો ખરાબ રીતે થાકીને હાંફતાં-હાંફતાં પોતે જ જમીન પર ગબડી પડ્યા. કેટલાક લાંબો શ્વાસ લઈને તેમની વેરવિખેર થયેલી આશા સાથે પાછા બેસી ગયા. બધાની આવી દુર્ગતિ જોઈને કર્ણ પણ ઊઠ્યો અને ધનુષ પાસે જઈ પહોંચ્યો. તેણે બહુ સરળતાથી તે ધનુષ ઉપાડી લીધું, તેની પણછ ચડાવી અને તેના પર તીર રાખ્યું. તે જોઈને દ્રૌપદી મોટા અવાજ સાથે બોલી ઊઠી, ‘હું સૂતપુત્રનો મારા પતિ તરીકે સ્વીકાર ન કરી શકું.’ ખેદપૂર્વક હસતાં કર્ણે સૂર્ય તરફ જોઈને ધનુષને એક બાજુ ફેંકી દીધું અને પોતાની જગ્યા પર જઈ બેઠો. શિશુપાલ, જરાસંધ, શલ્ય, દુર્યોધન વગેરે મહાન રાજાઓ પણ પ્રયત્ન કરીને થાકી ગયા અને બધી રીતે અસફળ રહ્યા. બહુ ઘોંઘાટ મચી ગયો અને કેટલાક લોકો તો નારાજ થઈને કહેવા લાગ્યા કે રાજાઓનું અપમાન કરવા માટે જ આવી અસંભવ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

Total Views: 25

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.