(લેખક રામકૃષ્ણ ભાવધારા સાથે દીર્ઘકાળથી ઘનિષ્ઠપણે જોડાયેલા છે. – સં.)
રામકૃષ્ણ સંઘમાં રામકૃષ્ણ શરણમ્ ધૂન સર્વ શાખા કેન્દ્ર અને ભક્તવૃંદમાં સર્વત્ર પ્રિય બની ચૂકી છે. તે અંગે અહીં ચર્ચા કરીશું. આ ધૂન રામકૃષ્ણ મઠ-મિશનના દસમા પરમાધ્યક્ષ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે વહેતી મુકાવી છે.
ધૂનના શબ્દો આ પ્રમાણે છે :
રામકૃષ્ણ શરણમ્, રામકૃષ્ણ શરણમ્,
રામકૃષ્ણ શરણમ્ શરણ્યે—।
કૃપાહિ કેવલમ્, કૃપાહિ કેવલમ્,
કૃપાહિ કેવલમ્ શરણ્યે —।।
શરણાગતોઽહમ્, શરણાગતોઽહમ્,
શરણાગતોઽહમ્ શરણ્યે —।
રામકૃષ્ણ, રામકૃષ્ણ જય જય રામકૃષ્ણ (૩)
નમોશ્રી ગુરુવે, નમોશ્રી ગુરુવે,
નમોશ્રી ગુરુવે શરણ્યે —।।
જય મા, જય મા, જય મા, જય મા
રામકૃષ્ણ શરણમ્ શરણ્યે —।
જય સ્વામીજી, જય સ્વામીજી,
જય સ્વામીજી, જય સ્વામીજી
રામકૃષ્ણ શરણમ્ શરણ્યે ——।।
ભારતવર્ષના આત્માને ઢંઢોળવા અને તેને પુનઃ મહિમામંડિત કરી વિશ્વગુરુ તરીકે બિરાજમાન કરવા ધરાધામ પર ભગવાન શ્રીરામકૃષ્ણદેવ, તેમનાં લીલાસહધર્મિણી શ્રીમા શારદામણિદેવી અને સપ્તર્ષિ મંડલાગતમ્ સ્વામી વિવેકાનંદજીની દિવ્ય ત્રિપુટીનું અવતરણ થયું. તેમના સંદેશને દૂરસુદૂરના ગ્રામીણ વિસ્તારોમાં સરળમાં સરળ શબ્દોમાં કઈ રીતે પહોંચાડી શકાય તેવો વિચાર એક સંગીતજ્ઞ-ભક્તને આવ્યો.
ફ્રાન્સ દેશના પાટનગર પેરિસમાં રહેતા એક બંગાળી સંગીતજ્ઞ અરુણ ચટ્ટોપાધ્યાય એક વાર ચેરાપુંજીના પર્વતીય વિસ્તારમાં ભ્રમણ કરવા આવ્યા. તેઓ આદિવાસી બાળકોમાં રહેલી સુષુપ્ત સંગીત પ્રતિભાને જોઈને મુગ્ધ બની ગયા.
તેમણે ‘રામકૃષ્ણ શરણમ્’ એ નામનું ગીત રચ્યું, જે સ્થાનિક બાળકો પણ સરળ રીતે શીખી શકે અને તેવું જ બન્યું. બાળકોએ આ ગીતને ઘણી સારી રીતે ગાયું અને તરત જ ‘રામકૃષ્ણ શરણમ્ પાર્ટી’ના નામથી પરિચિત બની ગયું. બાળક યારાપ્લિન તેનો નેતા અને નિર્દેશક બન્યો.
એ સમયે પૂજ્યપાદ સ્વામી વીરેશ્વરાનંદજી ચેરાપુંજી આવ્યા હતા. મહારાજને આદિવાસી બાળકો માટે ઘણો પ્રેમ હતો. મોટા ભાગે પોતાના ઓરડામાં તેઓ આદિવાસી બાળકોથી ઘેરાયેલા રહેતા હતા. મહારાજ તેમની ભાષા સમજતા ન હતા તો પણ બાળકો સાથે હળીમળી જતા અને તેમનાં જેવો જ વ્યવહાર કરતા.
મહારાજ તેમની ભાષા જાણતા ન હતા અને બાળકો અંગ્રેજીમાં વધુ વાત કરી શકતાં ન હતાં. પણ ત્યારે આ ‘રામકૃષ્ણ શરણમ્ પાર્ટી’નું ગીત-ગાન સાંભળીને મહારાજને તે ખૂબ જ પસંદ પડ્યું. એટલે ચેરાપુંજીમાં મહારાજ જ્યાં પણ જતા, ત્યાં આ પાર્ટીને સાથે આવવાનું કહેતા.
એક દિવસ ભક્તો સાથે મહારાજ આ પાર્ટીને લઈ શિલોંગ જઈ રહ્યા હતા. માકડોક ગામ પાસે મહારાજે અચાનક રોકાઈ જવા કહ્યું. તેઓ ત્યાં ગાર્જ-ઘાટી પાસે મોટરમાંથી ઊતરી ગયા અને ‘રામકૃષ્ણ શરણમ્ પાર્ટી’ને ગાવાનું કહ્યું. તેમને ઘેરી લઈને બાળકો નાચતાં નાચતાં ગાવા લાગ્યાં. તેમની સાથે મહારાજ પણ તાળીઓ વગાડીને નાચવા-ગાવા લાગ્યા. તે જોઈ સૌને ભારે આશ્ચર્ય થયું. તેમની ઉંમર અને ઝાંખી દૃષ્ટિશક્તિને ધ્યાનમાં લેતાં બધા થોડા ચિંતિત બન્યા કે તેઓ ક્યાંક પડી ન જાય. પણ તે એક પરમ દુર્લભ દૃશ્ય હતું.
આમ ‘રામકૃષ્ણ શરણમ્ ધૂન’ સમગ્ર રામકૃષ્ણ સંઘનાં શાખા કેન્દ્રો અને અસંખ્ય ભક્તવૃંદમાં પણ આજે સમૂહગાનરૂપે પ્રચલિત બની ગઈ છે.
પ્રસ્તુત ધૂનમાં શ્રીરામકૃષ્ણદેવનું શરણ ગ્રહણ કરવાનું અને તેમના કૃપાપાત્ર બનવાનું અભિપ્રેત છે. શરણાગત ભક્તવત્સલ શ્રીરામકૃષ્ણદેવનો દિગ્દિગંતમાં જય જયકાર પણ વાંછે છે.
Your Content Goes Here