(લેખિકા કૃષિ યુનિવર્સિટીનાં બાયોકેમેસ્ટ્રીનાં નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. તેઓ રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા તથા સાહિત્યિક પ્રવૃત્તિ સાથે વર્ષોથી સંકળાયેલાં છે. – સં.)

આપણે સમગ્ર રીતે વિચારીએ તો આધુનિકતા એટલે એવો વૈજ્ઞાનિક અભિગમ કે જેમાં વૈજ્ઞાનિક રીતે કોઈ પણ વસ્તુને ચકાસવી અને વિચારોમાં ક્રાંતિ અથવા વૈચારિક સ્વાતંત્ર્ય દર્શાવવું. શ્રીરામકૃષ્ણદેવના જીવનમાં આ બંને વસ્તુ ધર્મને અનુલક્ષીને જોવા મળે છે. શ્રીરામકૃષ્ણદેવના જીવનનું ચિંતન કરીએ તો તેઓ ઓછું ભણેલ હોવા છતાં એક વૈજ્ઞાનિક અને વૈચારિક ક્રાંતિકારી તરીકે ઊભરી આવે છે. સ્વામી વિવેકાનંદથી શરૂ કરીને તેમના બીજા વિદ્વાન અંતરંગ શિષ્યો, બ્રાહ્મોસમાજીઓ, પંડિતો—પ્રખ્યાત ગૌરીપંડિત, શશધર પંડિત, બંગાળના અન્ય વિદ્વાનો વગેરે તેમની સાથે ચર્ચા કરતા તથા તેમના મતને અનુમોદન આપતા. સ્વામીજી અંગેનાં સંસ્મરણોમાં તેમનાં શિષ્યા ક્રિસ્ટીને લખ્યું છે, “એક વાર સ્વામીજીએ પોતાના ગુરુદેવ શ્રીરામકૃષ્ણ વિશે વાત કરતાં કહેલું, ‘હું જે લોકોને મારા જીવનકાળ દરમિયાન મળ્યો છું, તેમાં તેઓ જ (શ્રીરામકૃષ્ણદેવ) સૌથી વધારે મેધાવી હતા, તેમ મેં અનુભવ્યું છે.’” તો આ આધુનિકતાને અનુલક્ષીને નીચેનાં બે મુખ્ય પાસાં પર શ્રીરામકૃષ્ણદેવના જીવનમાં ડોકિયું કરીએ. પહેલું, વૈચારિક ક્રાંતિ અને બીજું, વૈજ્ઞાનિક અભિગમ.

(૧) વૈચારિક ક્રાંતિ

બાળપણથી જ શ્રીરામકૃષ્ણદેવે હિંમત કરીને શિક્ષણ બાબતે પોતાનો સ્વતંત્ર અભિપ્રાય આપ્યો હતો, “જે શિક્ષણ માત્ર પૈસા કમાવા માટે છે, જે પુસ્તકિયું જ્ઞાન આપે છે, તેવું શિક્ષણ મારે ગ્રહણ કરવું નથી. પરંતુ જે શિક્ષણ અજ્ઞાન દૂર કરે અને ભગવાનની ભક્તિ વધારે તેવું જ્ઞાન જ હું મેળવીશ.”

શ્રીરામકૃષ્ણદેવનો જન્મ રૂઢિચુસ્ત કુટુંબમાં થયો હતો. તેમ છતાં તેમણે ધની લુહારણ પાસેથી ભિક્ષા ગ્રહણ કરી હતી. આ એક નિડરતા અને સાહસિકતા દર્શાવતી સ્વતંત્રતા કહેવાય.

શ્રીરામકૃષ્ણદેવ કહેતા કે ‘નવાબી અમલનો સિક્કો બાદશાહી અમલમાં ચાલે નહિ… આજકાલના તાવમાં દશમૂલ-પાચન ને એવાં બધાં ચૂર્ણો ન ચાલે. દશમૂલ-પાચન તૈયાર થાય અને દરદીને અપાય તે પહેલાં તો રોગી ખલાસ થઈ જાય! આજ-કાલ ‘ફિવર-મિક્ષ્ચર!’ તેઓ થિયેટર, સંગ્રહાલય તેમજ જુદી જુદી સંસ્થાઓની મુલાકાતો લઈ તેનાં વખાણ તથા કદર કરતા.

તેમનું ભક્તો તરફનું વલણ

મા કાલીએ તેમને વચન આપેલ કે ઘણા ભક્તો તારી પાસે આવશે. તેથી શ્રીરામકૃષ્ણદેવ અગાશીમાં જઈને કહેતા કે, ક્યાં છો ભક્તો? તમે બધા આવો. સૌ પ્રથમ બ્રાહ્મભક્તો જ આવ્યા. તે લોકો આધુનિક ગણાતા. શ્રીરામકૃષ્ણદેવ પાછા મા કાલી પાસે ગયા અને કહ્યું, ‘મા, આ કેવા લોકો છે?’ માએ કહ્યું, ‘કલિયુગમાં આવા જ લોકો હશે. તારે તેમની સાથે જ રહેવું પડશે.’ આમ, શ્રીરામકૃષ્ણદેવ તરત જ સંમત થઈ જઈ તે ભક્તો સાથે વાતો કરી હળીમળી ગયા.

એક વખત વિશ્વનાથ ઉપાધ્યાયે શ્રીરામકૃષ્ણદેવને ટીકા કરીને કહ્યું, ‘તમે કેશવસેન પાસે શા માટે જાઓ છો? જેણે વિદેશમાં સફર કરી છે, ઘણું ન ખાવાનું ખાધું છે, છોકરીને બીજી જ્ઞાતિમાં પરણાવી છે, વગેરે.’ તો શ્રીરામકૃષ્ણદેવે જવાબ આપ્યો, ‘તમે વાઈસરોય અને ગવર્નર જે બ્રાહ્મણ નથી તેમને તમે બ્રાહ્મણ હોવા છતાં મળવા જાઓ છો, શા માટે? માત્ર પૈસા માટે. હું તો કેશવ પાસે ઈશ્વરની વાતો કરવા જાઉં છું, તેમાં ખોટું શું છે?’ આવા પ્રગતિવાદી હતા શ્રીરામકૃષ્ણદેવ.

પછી શ્રીરામકૃષ્ણદેવે નવો અભિગમ અપનાવીને યુવાનોને—યુવાન બંગાળીઓને મળવાનું શરૂ કર્યું કે જેમનાં મન પવિત્ર હોય, શક્તિશાળી હોય. તેમના સંદેશને ખુલ્લા મનથી સમજી શકે તેવા આધુનિક લોકોની શ્રીરામકૃષ્ણદેવને અપેક્ષા હતી. શ્રીરામકૃષ્ણદેવ આવા આધુનિક અભિગમવાળા હતા.

ધર્મની બાબતમાં વૈચારિક ક્રાંતિ

શ્રીરામકૃષ્ણદેવે ધર્મની બાબતમાં આધુનિક રીતે વિચારી ઉદારતા દાખવી હતી. તેમણે કહ્યું છે, ‘ધર્મ માટે ક્રિયાકાંડ કે વિધિવિધાનની જરૂર નથી. તમે તમારા ઘરમાં જ કુટુંબ સાથે રહો, પણ માનો કે તે મારું કુટુંબ નથી, મારાં છોકરાઓ નથી; પણ ટ્રસ્ટી બનીને વિચારો કે બધાં ભગવાનનાં જ બાળકો છે, જે મને સંભાળ લેવા માટે આપેલાં છે.’

આને અનુલક્ષીને એક પ્રસંગ છે. મલ્લિક કુટુંબનાં એક વિધવાએ શ્રીરામકૃષ્ણદેવને કહ્યું કે જ્યારે તેઓ ધ્યાન કરવા બેસે છે ત્યારે તેમનો ભત્રીજો સામેે દેખાય છે. તેથી ધ્યાન કરી શકતાં નથી. હવે કોઈ સંત કે ગુરુ હોય તો તરત જ કહેવાના કે તે તો ઘણું ખરાબ કહેવાય. તમે ભગવાનને ક્યાંથી મેળવી શકશો, વગેરે. પણ ના. આધુનિક યુગના શ્રીરામકૃષ્ણદેવે કહ્યું, “બહુ સરસ. તમે આ બાળકને બાળગોપાળ સમજી તેનું ધ્યાન કરો.” અને ખરેખર થોડા સમયમાં જ આ વિધવા બહેનને બાળગોપાલનાં દર્શન થયાં. આ એક નવો જ વિચાર શ્રીરામકૃષ્ણદેવે આપ્યો કે આ સંસારમાં રહેવાનું જ છે, પણ ભગવાનને ભૂલીને નહીં.

રૂઢિવાદ અને ક્રાંતિ

વૈજ્ઞાનિકો અને માનસશાસ્ત્રીઓએ એવું તારણ કરેલ કે મનુષ્ય તો એક સામાન્ય પ્રાણી છે. તથા સમાજમાં પૈસા કમાવાના ઉદ્દેશથી રહે છે. ફ્રોઇડનો પણ આ જ મત હતો. તો આવા સમાજમાં શ્રીરામકૃષ્ણદેવે આશાનું કિરણ આપ્યું કે મનુષ્ય એ સામાન્ય પ્રાણી નથી, પણ દિવ્ય છે. ‘નારાયણ’નો વિચાર આપીને શ્રીરામકૃષ્ણદેવે માયાવાદને ઠુકરાવીને સેવા કરવાનો આદર્શ આપ્યો. આ નવો જ ‘નારાયણ-સેવા’નો આદર્શ નવીન અને આધુનિક વિચાર નથી? કદાચ પ્રગતિશીલ વ્યક્તિ કરતાં વધુ પ્રગતિવાદી નથી? આમ, શ્રીરામકૃષ્ણદેવની દૃષ્ટિએ માનવગરિમા ઘણી ઊંચી હતી. આ યુગમાં મનુષ્યમાં ‘નારાયણ’ને, ‘શિવ’ને જોવાની અને તેના દ્વારા સેવા કરવા માટે—લોકોનું કલ્યાણ કરવા માટેનો આધુનિક રીતે વિચારી શકાય તેવો વળાંક શ્રીરામકૃષ્ણદેવે આપ્યો.

મનુષ્યમાં દિવ્યતા છે, તે ઉપર શ્રદ્ધા, એ શ્રીરામકૃષ્ણદેવના જીવનમાં જોવા મળતી વિશિષ્ટતા છે. તેઓ કહેતા કે ‘પાપી, પાપી’ એવું વિચારો નહીં; તમારામાં અપાર શક્તિ છે. શ્રદ્ધા રાખો કે તમને મુક્તિ મળશે જ. આવો ભવ્ય આશાવાદ શ્રીરામકૃષ્ણદેવમાં જોવા મળે છે. ઉદાહરણ આપીને શ્રીરામકૃષ્ણદેવ સમજાવે છે કે એક અંધારા ઓરડામાં દીવો પ્રગટાવવામાં આવે તો શું ધીમે ધીમે અજવાળું થાય કે તરત જ પ્રકાશ પથરાઈ જાય? તેવી રીતે માણસ ગમે તેવો પાપી હશે પણ ભગવાનનું નામ લેશે તો તરત જ દિવ્યતા પામીને મુક્ત થઈ જશે. કઠિયારાનું ઉદાહરણ આપીને શ્રીરામકૃષ્ણદેવ સમજાવે છે. લાકડાં કાપવા ગયેલ કઠિયારો સંતોષ ન પામીને આગળ ગયો તો રૂપાની, સોનાની અને હીરાની ખાણમાંથી હીરા લઈને સંપત્તિવાન બની ગયો. એટલે કે આગળ વધો, અટકો નહીં, તો સાંસારિક અને આધ્યાત્મિક જીવનમાં આગળ વધવાની અનેકગણી શક્યતાઓ છે.

(૨) વૈજ્ઞાનિક અભિગમ

ધર્મની સમાનતા અને સંવાદિતા

કોઈ પણ વૈજ્ઞાનિક પહેલા લેબોરેટરીમાં પ્રયોગો કરીને સંશોધન કરે છે, પછી તેને ચકાસે છે અને છેલ્લે તારણ કરવામાં આવે છે. આવી જ રીતે શ્રીરામકૃષ્ણદેવે પણ તેમની આધ્યાત્મિક લેબોરેટરીમાં પ્રયોગો કર્યા. જુદા જુદા ધર્મોની સાધના કરી. તે જમાનામાં તેમણેે ગહન સાધના કરીને સાક્ષાત્કાર કર્યો. તેમણે રામ, કૃષ્ણ, મા કાલી, રાધા, સીતારામ, હનુમાન, બુદ્ધ, મહંમદ પયગંબર, ઈશુ વગેરેનો સાક્ષાત્કાર કર્યો. મા કાલીનાં દર્શન પછી મા ખરેખર સાચાં છે તે જોવા માની મૂર્તિ પાસે જઈને નાક પાસે રૂ રાખીને મા શ્વાસ લે છે કે નહીં, મા ચિન્મયી છે કે નહીં તે ચકાસતા. ઉપરાંત અદ્વૈતની સાધના કરીને માત્ર ત્રણ દિવસમાં જ નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરી. અંતે તેમણે તારણ કાઢ્યું કે બધા જ ધર્મો એક જ ઈશ્વર તરફ લઈ જાય છે. ઉદાહરણ આપીને સમજાવ્યું કે નદીના ઘાટ પર જઈને દરેક વ્યક્તિ પાણીને પોતાની રીતે મૂલવે છે. હિંદુ તેને પાણી, મુસલમાન તેને જળ, અંગ્રેજ તેને વોટર કહેશે. પરંતુ વસ્તુ તો એક જ છે. આમ, ધર્મની સમાનતા અને સંવાદિતાનો એક વિશિષ્ટ સંદેશ શ્રીરામકૃષ્ણદેવે આપ્યો. આ સંદેશ વિશિષ્ટ છે કારણ કે ઇતિહાસ જોતાં શાસ્ત્રમાં કહ્યું છે કે ‘એકમ્‌ સત્‌ વિપ્રા બહુધા વદન્તિ’. જુદા જુદા પયગંબરો અને અવતારો વગેરેએ પણ આ જ વાત કરી છે. પરંતુ એવો કોઈ અવતાર, ઉપદેશક કે વ્યક્તિ ઇતિહાસમાં થઈ ગયો છે કે જેણે આ સત્યના સાક્ષાત્કાર માટે ૧૨ વર્ષ સુધી આધ્યાત્મિક પ્રયોગશાળામાં સાધના કરી હોય! શ્રીરામકૃષ્ણદેવ એકલાએ જ આ કરી બતાવ્યું. તેથી તે વિશિષ્ટ છે.

ગુરુ અને શિષ્યની પસંદગી

આ ઉપરાંત શ્રીરામકૃષ્ણદેવની આધુનિકતા તો વ્યક્ત થાય છે તેમની ગુરુ અને શિષ્યની પસંદગી કરવામાં. તેમણે નારીની પસંદગી કરી—ભૈરવી બ્રાહ્મણી ગુરુ તરીકે અને શિષ્યોમાં સૌ પ્રથમ શિષ્યા તેમનાં ધર્મપત્ની શ્રીમા શારદામણિદેવી. પછીથી ગૌરીમા, ગોલાપમા, યોગીનમા અને ગોપાલમા વગેરે નારી જ હતાં.

માતૃશક્તિનો ઉદય એ શ્રીરામકૃષ્ણદેવની ધર્મ અંગેની આધુનિકતા છે. તે વખતના પરિવેશમાં તેઓએ ધર્મની બાબતમાં ક્રાંતિકારી વલણ અપનાવીને તેમનાં પત્ની શારદામણિદેવીની પૂજા કરીને માતૃત્વનો વિચાર આપ્યો. તેથી જ મા શારદામણિદેવીએ રામકૃષ્ણ સંઘનાં સંઘજનની બનીને આધ્યાત્મિક ગુરુ તરીકે અસંખ્ય લોકોને દીક્ષા આપી અને શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી ૩૪ વર્ષો સુધી સમસ્ત વ્યવહાર ચલાવીને સંઘને સમૃદ્ધ કર્યો. આ સમૃદ્ધિ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ.

શિષ્યોને ચકાસવા

શ્રીરામકૃષ્ણદેવ હંમેશાં શિષ્યોની કસોટી કરી, પછી જ સ્વીકારતા. જ્યારે બ્રાહ્મોસમાજના ભાગલા પડ્યા ત્યારે શ્રીરામકૃષ્ણદેવે કેશવસેનને કહેલ કે ‘આવી રીતે ભાગલા પડે તેમાં કંઈ નવાઈ નથી! કારણ કે તમે જ્યારે શિષ્ય બનાવો છો ત્યારે તેની કસોટી કરીને સ્વીકારતા નથી, જ્યારે હું કોઈને કસોટી કર્યા સિવાય સ્વીકારતો નથી.’

શ્રીરામકૃષ્ણદેવ ભલે ઓછું ભણેલ હતા પણ માનવચરિત્રને જોઈ, આગળ જાણવા માટે જુદી જુદી પદ્ધતિઓ જાણતા. સ્વામીજીની કસોટી કરવા તેમને સિદ્ધિ અપાવે તેવી શક્તિ આપવા માટે કહેલ પણ સ્વામીજીએ જવાબ આપેલ કે ‘શું આ સિદ્ધિથી મને ઈશ્વરની પ્રાપ્તિ થશે?’ તેથી શ્રીરામકૃષ્ણદેવ આ જવાબ સાંભળીને ખૂબ ખુશ થયા હતા. તેમને આવા જવાબની જ અપેક્ષા હતી. બીજીવાર પણ કસોટી કરેલી. સ્વામીજી દક્ષિણેશ્વર આવતા ત્યારે શ્રીરામકૃષ્ણદેવે તેમની અવગણના કરવાનું શરૂ કર્યું, જે સતત એક મહિના સુધી ચાલુ જ રાખ્યું. પણ સ્વામીજીએ તો આવવાનું છોડ્યું નહીં.

અંતે શ્રીરામકૃષ્ણદેવે સ્વામીજીને પૂછ્યું, “હું તારી અવગણના કરું છું, વાત પણ કરતો નથી. છતાં તું શા માટે અહીં આવે છે?” ત્યારે સ્વામીજીએ જવાબ આપ્યો હતો, “હું અહીં માત્ર તમને જોવા માટે આવું છું, કારણ કે હું તમને સ્નેહ કરું છું.” આ સાંભળીને શ્રીરામકૃષ્ણદેવ ખૂબ જ ખુશ થયા અને કહ્યું, “હું તારી કસોટી કરતો હતો. બીજો કોઈ હોત તો આવત નહીં. પણ માત્ર તું જ આવી અવગણના અને ઉદાસીનતાને જીરવી શકે તેવો શિષ્ય છે.”

આ રીતે શ્રીરામકૃષ્ણદેવે હંમેશાં વૈજ્ઞાનિક અભિગમ દર્શાવીને, ઉદારતા બતાવીને આધુનિક ધર્મથી લોકોને આકર્ષિત કરેલા અને અત્યારે આપણે જોઈએ છીએ કે ભારતમાં તથા પશ્ચિમના દેશોમાં, પૂરા એશિયામાં બધે જ અસંખ્ય ભક્તો આકર્ષાયા છે. આ આધુનિકતા જ શ્રીરામકૃષ્ણદેવના વિશિષ્ટ અને અદ્વિતીય વૈશ્વિક વ્યક્તિત્વનું નિર્માણ કરે છે.

Total Views: 61

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.