(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૧ માર્ચના રોજ શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ નિમિત્તે લેખ અહીં પ્રસ્તુત છે. – સં.)

જગતના સર્વ ધર્મ, સંપ્રદાય તથા મતવાદોને પોતાનાં મૂળભૂત મૌલિક શાસ્ત્રો છે, જેમ કે ખ્રિસ્તી ધર્મનું બાઇબલ, ઇસ્લામ ધર્મનું કુરાન, બૌદ્ધ ધર્મનું ત્રિપિટક, જૈન ધર્મનાં આગમ-સૂત્ર, શીખ ધર્મનું ગુરુગ્રંથ સાહિબ વગેરે. આ ધર્મોની જેમ હિંદુ ધર્મના પાયારૂપ શાસ્ત્ર છે ચાર વેદ—ઋક્‌, યજુર્‌, સામ અને અથર્વ. વળી શિક્ષા, છંદ, વ્યાકરણ, નિરુક્ત, જ્યોતિષ અને કલ્પ એમ છ વેદાંગ છે, જેના ઉપયોગથી વેદોનું અધ્યયન સરળ બને છે. ધનુર્વેદ, આયુર્વેદ, ગાંધર્વવેદ અને સ્થાપત્ય (કેટલાકના મતે અર્થશાસ્ત્ર) એમ ચાર ઉપવેદ છે; ૧૮ પુરાણ અને ૧૮ ઉપપુરાણો છે; રામાયણ અને મહાભારત મહાકાવ્યો છે; ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા એમ છ દર્શન છે—આમ કેટલુંય વિપુલ હિંદુ ધર્મ-સાહિત્ય છે!

તો શ્રીરામકૃષ્ણ-ભાવધારાનાં શાસ્ત્ર કયાં?

શ્રીરામકૃષ્ણ-શાસ્ત્ર છે “શ્રી શ્રી રામકૃષ્ણ લીલાપ્રસંગ” અને “શ્રી શ્રી રામકૃષ્ણ કથામૃત”. આ બન્ને શાસ્ત્ર મૂળ બંગાળી ભાષામાં રચાયેલાં છે તથા બન્ને મૂળરૂપે પાંચ-પાંચ ભાગમાં આલેખાયાં છે.

“લીલાપ્રસંગ”ના રચયિતા છે સ્વામી સારદાનંદ અને આ પુસ્તકનું ગુજરાતી ભાષાંતર છે “શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ”. “કથામૃત”ના રચાયિતા છે માસ્ટર મહાશય અર્થાત્‌ મહેન્દ્રનાથ ગુપ્ત અને તેનું ગુજરાતી ભાષાંતર છે “શ્રીરામકૃષ્ણ કથામૃત”.

ઈશ્વર અનંત છે, તેમની લીલા અનંત છે. શ્રીરામકૃષ્ણદેવના અનંતત્વના સંદર્ભમાં આપણને જોવા મળે છે કે સ્વામી સારદાનંદે “લીલાપ્રસંગ”માં શ્રીરામકૃષ્ણદેવના કાશીપુર અવસ્થાનના દિવસોનું આલેખન કર્યું નથી, તેઓ ઉપસ્થિત હોવા છતાં ઠાકુરની મહાસમાધિના પ્રસંગનું પણ વર્ણન કર્યું નથી, વળી સ્વામી વિવેકાનંદ તથા ગોપાલમા સિવાયના શિષ્યો કે ભક્તોના શ્રીરામકૃષ્ણદેવ અંગેના પ્રસંગોનું આલેખન કર્યું નથી. આ બાબત જ સૂચવે છે કે ઠાકુરના જીવન કે તેમના શાસ્ત્રનો કોઈ અંત નથી. માસ્ટર મહાશયે ઠાકુરનો સાડા ચાર વર્ષથી વધુ સમય જેટલો દિવ્ય સંગ કર્યો હતો પરંતુ “કથામૃત”માં માત્ર ૧૭૦ દિવસના વિવિધ પ્રસંગોનું વર્ણન કર્યું છે. ૨૪ એપ્રિલ, ૧૮૮૬ પછીની કોઈ નોંધ “કથામૃત”માં નથી. પછીની નોંધો પોતાની ડાયરીમાં કરી હોવા છતાં તેમણે તેનું અનુસર્જન કર્યું નથી. આપણે જાણતા નથી કે “લીલાપ્રસંગ”અને “કથામૃત” જેવાં આદિ શાસ્ત્રો શા માટે અધૂરાં મુકાયાં હતાં? આ જ સૂચવે છે કે શાસ્ત્રોનો અંત નથી!

“લીલાપ્રસંગ”ની વાત કરીએ તો “સનાતન ધર્મીઓની અગણિત વર્ષોની આધ્‍યાત્મિક સાધનાના મૂર્તવિગ્રહ” શ્રીરામકૃષ્ણદેવના અવતારી જીવનકાળ દરમિયાન તેમની કઠોર તપસ્યા તથા અશ્રૂતપૂર્વ અનુભૂતિઓ વિશે કેશવસેનથી લઈને રામચંદ્ર દત્ત સુધીના અનેકે વર્તમાન પત્રોમાં લેખો તથા પુસ્તકો પ્રકાશિત કર્યાં હતાં. આ સર્વમાં ક્યાં તો ઠાકુરનાં દિવ્ય દર્શનો અંગે છીછરું વિવેચન અથવા તેમના અવતારીપણા અંગે અવિચારી મૂલ્યાંકન જોવા મળે છે. સ્વામી વિવેકાનંદની મહાસમાધિ પછી ઠાકુર વિશે પાયાહીન તથા અતિશયોક્તિપૂર્ણ કિંવદંતીઓ ફેલાવા લાગી હતી. આના નિરાકરણરૂપે સ્વામી સારદાનંદે “શ્રી શ્રી રામકૃષ્ણ લીલાપ્રસંગ” નામનું પ્રમાણભૂત અવતારચરિત્ર લખ્યું. આ ગ્રંથમાં દિવ્યલીલા સાથે ઠાકુરના જીવનનાં માનવીય પાસાંનું વિવેચન કરાયું છે. આ જીવનગાથા ભક્તજનોમાં ભક્તિ-જ્ઞાન-રસામૃતનું સિંચન કરીને સૌને ધન્ય બનાવી રહી છે.

આ શાસ્ત્રમાં ઠાકુરનું યુગપ્રયોજન, સાધના અને સાધકભાવ, શાંત આદિ ભાવપંચક, ભાવમુખ અવસ્થા, ગુરુભાવ, ભાવ-સમાધિ-દર્શન વગેરેનું આમૂલ તથા તલસ્પર્શી વિવેચન કર્યું છે, જે અન્યત્ર ભાગ્યે જ જોવા મળે છે. આ વર્ણન ધર્મનાં દુર્બોધ સત્યોને સમજવામાં અત્યંત સહાયરૂપ બને છે.

હવે “કથામૃત”ની વાત કરીએ તો આ શાસ્ત્રમાં ઠાકુરની અમૃતવાણીની સંકલન કરાયું છે. એક દિવસ ઠાકુરે આ શાસ્ત્રના રચયિતા માસ્ટર મહાશયને કહ્યું હતું, “જુઓ, સ્વયં પરમાત્મા આ મુખેથી બોલી રહ્યા છે.” આ શાસ્ત્રની ભાષા લૌકિક તથા સમાધિ ભાષા છે. ઈશ્વર અનંત છે, તેમ તેમના ઉપદેશ તથા શાસ્ત્ર પણ અંતહીન છે. શંકરાચાર્યના અદ્વૈત વેદાંતની સાથે કેવલાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત અને દ્વૈતનો આવો સમન્વય “કથામૃત” સિવાય અન્ય શાસ્ત્રમાં જોવા મળતો નથી. આ શાસ્ત્રમાં જીવ, જગત, જગદીશ્વર અને માયા એ સૌનો પારસ્પરિક સંબંધ; સાધના પદ્ધતિઓ, ઠાકુરના સર્વધર્મસમન્વયના ભાવને વ્યક્ત કરતી સ્વાનુભૂતિઓ, ભક્તો સંગેનો આનંદવિહાર, અંગત જીવનની ગૂઢ તથા ગુપ્ત વાતો વગેરેનું અત્યંત રોચક અને ધ્‍યાનપ્રેરક વર્ણન જોવા મળે છે. ઠાકુરની ઉપદેશ શૈલીમાં ઘરગથ્થુ ભાષા, બોધકથાઓ, પુરાણકથાઓ, વાર્તાઓ, કહેવતો, વ્યવહારુ માર્ગદર્શન—એવું તો ઘણુંય છે! આ શાસ્ત્રમાંના ઉપદેશો માટે “અમૃત” સિવાય બીજો કયો શબ્દ વાપરી શકાય એ કહો?

સંક્ષિપ્તમાં કહીએ તો રામાયણ-ગીતા-ભાગવતના ઉપદેશોનું શ્રીરામ અને શ્રીકૃષ્ણ પુનઃ શ્રીરામકૃષ્ણરૂપે આવીને “કથામૃત”શાસ્ત્ર દ્વારા પ્રદાન કરી ગયા છે. “કથામૃત”માંની ઠાકુરની વાણી તેમના શ્રીમુખેથી માસ્ટર મહાશયે પોતાના કર્ણથી સાંભળી હતી અને તેમનું જીવન પોતાનાં નેત્રો દ્વારા નિહાળ્યું હતું. સ્વામી વિવેકાનંદે “કથામૃત” વિશે માસ્ટર મહાશયને લખ્યું હતું, “આ ઘટનાચિત્ર બિલકુલ મૌલિક છે. કોઈ મહાન આચાર્યનું જીવનવૃત્તાંત તમારી આ કૃતિ પૂર્વે ક્યારેય જનતા સમક્ષ લેખકના વિચારોથી પ્રભાવિત થયા વિના લખી શકાયું નથી.”

“કથામૃત”માંનાં ઠાકુરનાં અમોઘ, અમૂલ્ય, અમૃતમય, આશ્વાસક વચનો તો જુઓ!

૧. મનુષ્ય-જીવનનો ઉદ્દેશ્ય ઈશ્વરને પામવો.

૨. એક ઈશ્વર, તેનાં અનેક નામ.

૩. ભક્તિ જ એકમાત્ર સાર.

૪. હું અને મારું એ અજ્ઞાન.

૫. હું મર્યે મટે જંજાળ.

૬. સુખ-દુઃખ એ દેહધારણનું ફળ.

૭. ઈશ્વરના નામનું બહુ જ માહાત્મ્ય.

૮. કામ-કાંચન જ માયા.

૯. કળિયુગમાં નારદીય ભક્તિ.

૧૦. શ્રદ્ધા જ સારવસ્તુ. ગુરુવાક્યમાં શ્રદ્ધા.

“કથામૃત” માસ્ટર મહાશયના વિદ્યાલયના પાઠ્યક્રમમાં હતું. માસ્ટર મહાશય પર આ અંગેનો આરોપ મુકાયો ત્યારે તેમણે ઉત્તરમાં કહ્યું હતું, “ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કરતાંવેંત વિદ્યાર્થી ‘કથામૃત’ના અધ્‍યયનનો પ્રભાવ સમજી જશે. ઠાકુર કહ્યા કરતા હતા, ‘સંસાર તો એક જ્વાળા છે.’ અને મેં તેનો બરાબર અનુભવ કર્યો છે. સંસારમાં પ્રવેશીને તેનાં દુઃખ-કષ્ટથી પીડિત થતાં આ બાળકોને ઠાકુરની વાણી સ્નેહમયી માતાની જેમ સુરક્ષિત રાખશે. જો તેઓ ઠાકુરનું કમસે કમ એક વચન પણ યાદ રાખશે તો તે માયાના દુસ્તર સાગરની પાર લઈ જનાર નૌકા સમાન સિદ્ધ થશે તથા તેથી તેઓના જીવનમાં સુખ-શાંતિ પ્રવર્તશે.” વળી આ શાસ્ત્રના આલેખનની ખૂબી એ છે કે વાંચતી વખતે જાણે કે આપણે ત્યાં ઉપસ્થિત છીએ, તે ઘટનાચક્રમાં સહભાગી બની રહ્યા છીએ! આવું ચિંતન લીલા-ધ્યાન માટે અત્યાવશ્યક છે.

ઠાકુરનું જીવન, ઉપદેશો, દર્શનો અને અનુભૂતિઓ તેમનાં શાસ્ત્ર છે. તેઓ સમાધિના સમ્રાટ હતા, ભાવોના રાજાધિરાજ હતા, દર્શનોના અધિપતિ હતા. આ બધાંનો સમાવેશ “લીલાપ્રસંગ”અને “કથામૃત” રૂપી શ્રીરામકૃષ્ણ-શાસ્ત્રમાં કરવાનો પ્રયાસ કરાયો છે. સનાતન ધર્મનો મર્મ અને વિશિષ્ટતા વિસ્મૃત થયાં હતાં, તેમાં પોતાના અપૂર્વ જીવન દ્વારા પ્રાણ પૂરવા આવેલ શ્રીરામકૃષ્ણદેવનો પરમ અનુગ્રહ સ્વામી સારદાનંદ અને માસ્ટર મહાશય પર ઊતર્યો હોવાથી તેઓ આવાં શાસ્ત્રો રચી શક્યા હતા.

આ બન્ને શાસ્ત્રોનું ધ્રુવપદ છે—ઈશ્વરને જાણો. ઠાકુરે કહ્યું હતું, “શાસ્ત્રોનો સાર જાણો, પછી ઈશ્વરપ્રાપ્તિ અર્થે એમાં ડૂબકી મારો.”

અંતમાં કહીએ તો “લીલાપ્રસંગ” અને “કથામૃત” હિંદુશાસ્ત્રોની અને સંસારના ધાર્મિક સાહિત્યની નવી આવૃત્તિઓ છે. જગતભરના ધર્મોનાં શાસ્ત્રો એ ઈશ્વરના અનંત શાસ્ત્રનાં જુદાં જુદાં પૃષ્ઠ છે. “લીલાપ્રસંગ” અને “કથામૃત” તે અનંત શાસ્ત્રનાં બે મહત્ત્વપૂર્ણ પૃષ્ઠો છે.

આપણે શ્રીરામકૃષ્ણદેવ વિશે વધુ ને વધુ જાણવા ક્ષુધાતુર છીએ, પણ ઈશ્વરના અગાધ અનંતપણાને જાણી શકાય નહિ. આપણે સ્વામી સારદાનંદ અને માસ્ટર મહાશયના અત્યંત ઋણી છીએ કે જેમણે આ બે શાસ્ત્રો આપ્યાં. શ્રીરામકૃષ્ણદેવ વિશે જાણવા અંગેના આપણા અસંતોષ બાબતે આ વાર્તાલાપ પર્યાપ્ત છે:

ઠાકુરે પોતાના અંતરંગ ભક્તોને કહ્યું, “તમે સૌ આ સ્થાન (અર્થાત્‌ પોતાના)ના અંશ છો.”

શ્રી‘મ.’: હું એ તો સમજ્યો. પરંતુ મને પૂરો સંતોષ નથી.

ઠાકુર: તમને ક્યારેય પૂરો સંતોષ થશે નહિ.

શ્રી‘મ.’: મહાશય, મારી શરૂઆતના કાળની વ્યાકુળતા હજુ એવી ને એવી છે. મને પૂરો સંતોષ થયો નથી.

ઠાકુર: ઈશ્વર અંગે કોઈનેય કદાપિ સંતોષ થાય નહિ.

Total Views: 163

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.