(૧૮ માર્ચ, ૨૦૨૫ના રોજ સ્વામી યોગાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે આ લેખ અહીં પ્રસ્તુત છે. – સં.)
સાચો ગુરુ જે કહે છે તે જ કરે છે. એનાં વાણી અને કાર્ય એકરૂપ ન હોય તો લોકો એમનો વિશ્વાસ ન કરે. પૈસાની આપલે કરનારાઓ રોકડ રૂપિયાને બરાબર ખખડાવીને તપાસે, તેમ પોતાને પણ બધી રીતે નાણી જોવા પોતાના શિષ્યોને શ્રીરામકૃષ્ણ કહેતા. એક સાંજે ઠાકુર પાસે રાત રોકાઈને જરૂર પડે તો તેમની સેવા કરવાનું યોગીને (સ્વામી યોગાનંદે) નક્કી કર્યું. શ્રીરામકૃષ્ણ રાજી થયા. વાળુ કર્યા પછી ઠાકુર સૂતા અને યોગીને જમીન પર પથારી કરી ને એ ત્યાં સૂતા.
આજીવન યોગીનની નિદ્રા ઓછી હતી. અર્ધી રાત્રે તેઓ એકાએક જાગી ગયા અને એમણે જોયું કે, ઠાકુર ઓરડામાં નથી. દરવાજો ઉઘાડો પડ્યો છે. પોતાના હાથપગ ધોવા જે લોટાનું પાણી ઠાકુર વાપરતા, તે લોટો તો એને સ્થાને જ હતો. કદાચ બહાર આંટા મારતા હશે, એમ વિચારીને યોગીન એમને શોધતા બહાર આવ્યા. એક તો મધ્યરાત્રિનો સમય અને વળી પાછું નિર્જનસ્થળ! શીતળ ચાંદની ચારે દિશાઓને અજવાળી રહી હતી, તો પણ ઠાકુર ક્યાંય દેખાયા નહીં. હવે યોગીનના મનમાં શંકા જાગી, ‘તો પછી શું તેઓ પત્નીની પાસે સૂવા માટે ગયા હશે? તો પછી શું તેઓ પણ મન-મુખથી એક નથી?’ આ પ્રસંગ વિશે તેમણે પાછળથી કહ્યું હતુંઃ
‘આ વિચાર આવતાં જ મારા મનમાં સંદેહ, ભય વગેરે અનેક ભાવો જાગ્યા અને તેણે મારો કબજો લઈ લીધો. પછી મેં નિશ્ચય કર્યો કે ભલે આ બાબત અત્યંત કઠોર અને રુચિવિરુદ્ધ ગણાય; તો પણ સત્યની ભાળ મેળવવી જ પડશે. તે પછી બાજુની જ એક જગ્યા પર ઊભો રહીને હું નોબતખાનાના બારણા પર એકટશે મીટ માંડીને તાકતો રહ્યો. ત્યાં તો થોડીક જ વારમાં પંચવટી બાજુથી પાદુકાનો અવાજ સંભળાયો અને જોતજોતાંમાં ઠાકુર આવીને સામે ઊભા રહ્યા! મને જોઈને તેઓ બોલ્યાઃ ‘કેમ રે, તું અહીં કેમ ઊભો છે?’ એમના પર ખોટી શંકા કરવાને કારણે હું શરમ અને ભયથી સમસમીને, માથું નીચું નમાવીને ઊભો રહ્યો અને એમના પ્રશ્નનો કોઈ જવાબ આપી ન શક્યો. મારું મોઢું જોતાં જ ઠાકુર બધી જ વાત સમજી ગયા અને મારો દોષ ન ગણકારતાં આશ્વાસન આપતાં બોલ્યા, ‘બરાબર છે, બરાબર છે. સાધુને દિવસે જોવો, રાત્રે જોવો અને પછી વિશ્વાસ કરવો.’
ઠાકુર કસોટીમાં પાર ઊતર્યા અને તે દિવસે તે સમયે એક અલૌકિક દૃશ્ય જોવાને પરિણામે યોગીનના મનમાંથી પણ શંકાનો પરદો હંમેશને માટે હટી ગયો અને તેને સ્થાને અવિચલ શ્રદ્ધા અને તીવ્ર પ્રેમનો ઉદય થયો.
Your Content Goes Here